ઈરાનને ઘેરવા માટે અમેરિકાએ ક્યાં-ક્યાં તેનાં લશ્કરીમથકો ઊભાં કર્યાં છે?

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં અમેરિકાએ ઇઝરાયલને ખુલ્લો ટેકો આપીને ઈરાનનાં ત્રણ મહત્ત્વનાં પરમાણુમથકો પર હુમલા કર્યા છે. ત્યાર પછી ઈરાને પણ વળતી કાર્યવાહીમાં કતારમાં આવેલાં અમેરિકન મિલિટરી બેઝને નિશાન બનાવ્યાં છે.

ઈરાન અને અમેરિકા વચ્ચે હજારો કિલોમીટરનું અંતર છે, પરંતુ મિડલ ઈસ્ટ અને દુનિયાના ઘણા ભાગોમાં અમેરિકાએ પોતાનાં સેંકડો મિલિટરી બેઝ બનાવ્યાં છે જ્યાંથી તે જરૂર પડે તે મુજબ કાર્યવાહી કરી શકે છે.

ઈરાન પણ એક એવો દેશ છે જે અમેરિકાનાં લશ્કરીમથકોથી ઘેરાયેલો છે.

કતારની રાજધાની દોહા પાસે અલ ઉદૈદ ઍરબેઝ એ મધ્ય પૂર્વમાં અમેરિકન સેન્ટ્રલ કમાન્ડનાં ઍર ઑપરેશન્સનું હેડક્વાર્ટર છે.

અહીં લગભગ 8000 અમેરિકન સૈનિકો ગોઠવાયેલા છે. આ મિલિટરી બેઝની તાજેતરમાં આવેલી તસવીરો પ્રમાણે ઈરાન પર અમેરિકાના હુમલા અગાઉ અહીંથી મોટા ભાગનાં વિમાનોને રનવે પરથી હટાવી લેવાયાં હતાં.

બીબીસીના નૉર્થ અમેરિકાનાં સંપાદક સારા સ્મિથ મુજબ અલ ઉદૈદ પર ઈરાની હુમલો સાવ અણધાર્યો ન હતો. ઈરાનનાં પરમાણુમથકો પર અમેરિકાના હુમલા પછી આ પ્રકારની પ્રતિક્રિયાનો અંદાજ હતો.

મધ્ય પૂર્વમાં અમેરિકન સેના હાઈ ઍલર્ટ હતી અને આવી કોઈ પણ કાર્યવાહી માટે એકદમ તૈયાર હતી.

આ બેઝ ઇરાકમાં અમેરિકન સૈન્ય કાર્યવાહી માટે હૅડક્વાર્ટર અને લૉજિસ્ટિક કેન્દ્ર તરીકે પણ કામ કરે છે. તેમાં ગલ્ફના પ્રદેશમાં સૌથી લાંબી ઍર લૅન્ડિંગ સ્ટ્રિપ છે. બ્રિટિશ સેના પણ ઘણી વખત તેનો ઉપયોગ કરે છે. અલ ઉદૈદને અબુ નક્લા ઍરપૉર્ટ પણ કહેવામાં આવે છે.

કતારે વર્ષ 2000માં અમેરિકાને આ બેઝનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. 2001થી અમેરિકા તેનું સંપૂર્ણ સંચાલન કરે છે.

લંડનસ્થિત ઇન્ટેલિજન્સ ફર્મ 'ગ્રે ડાયનેમિક્સ' મુજબ 2002માં કતાર અને અમેરિકા વચ્ચે એક સમજૂતી થઈ હતી. તેમાં અમેરિકાની સૈન્ય હાજરીને ઔપચારિક માન્યતા અપાઈ હતી.

2024ના એક મીડિયા રિપોર્ટ પ્રમાણે અમેરિકાએ અહીં પોતાની સૈન્ય હાજરી વધુ 10 વર્ષ માટે લંબાવવા કરાર કર્યા છે.

અમેરિકા પર દબાણ

બીબીસીના ચીફ નૉર્થ અમેરિકાના સંવાદદાતા ગેરી ઓ'ડોન્હ્યુ મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, સંરક્ષણ મંત્રી અને જૉઇન્ટ ચીફ ઑફ સ્ટાફના ચૅરમૅન, કતારમાં હુમલાના અહેવાલ આવતા જ સિચ્યુએશન રૂમમાં હાજર હતા.

આ વર્ષે મે મહિનામાં ટ્રમ્પે આ બેઝની મુલાકાત કરી હતી. ત્યાં સૈનિકોને સંબોધતા તેમણે જણાવ્યું કે, "રાષ્ટ્રપતિ તરીકે મારું લક્ષ્ય સંઘર્ષને શરૂ કરવાનું નહીં, પણ ખતમ કરવાનો છે. પરંતુ અમેરિકા કે તેના સાથીદારોના રક્ષણ માટે જરૂર પડશે તો તાકાતનો ઉપયોગ કરતા ખચકાઈશ નહીં."

ઈરાનનાંં પરમાણુમથકો પર અમેરિકાના હુમલા પછી ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનની કોઈ પણ જવાબી કાર્યવાહીનો 'પૂરી તાકાતથી જવાબ આપવામાં આવશે.'

ટ્રમ્પ અમેરિકન સૈન્યમથક પર હુમલાનો જવાબ આપશે એવું લાગતું હતું, પરંતુ અલ ઉદૈદ પર ઈરાની મિસાઇલ હુમલાના અમુક કલાક પછી ટ્રમ્પે સંઘર્ષવિરામની જાહેરાત કરી દીધી.

કતારને અમેરિકન શસ્ત્રોની મદદ

અમેરિકા અને કતાર વચ્ચે ઘણા ગાઢ મિલિટરી સંબંધ છે. અમેરિકાએ કતારને અત્યાર સુધીમાં 26 અબજ ડૉલરથી વધારે કિંમતનો શસ્ત્ર સરંજામ આપ્યો છે. આ મામલે કતાર અમેરિકાનું સૌથી મોટું ભાગીદાર છે.

તાજેતરનાં વર્ષોમાં અમેરિકાએ કતારને આ શસ્ત્રો આપ્યાં છેઃ

  • પેટ્રિયેટ મિસાઇલ સિસ્ટમ સહિત ઇન્ટિગ્રેટેડ ઍર ઍન્ડ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ
  • નૅશનલ ઍડવાન્સ્ડ સરફેસ-ટુ-ઍર મિસાઇલ સિસ્ટમ
  • એએન/એફપીએસ-132 અર્લી વૉર્નિંગ રડાર
  • એફ-15 ક્યુએ ફાઇટર જૅટ (એફ-15નું સૌથી આધુનિક વર્ઝન)
  • એએચ-64ઈ અપાચે ઍટેક હેલિકૉપ્ટર

આ હથિયારો ઉપરાંત અમેરિકન સૈન્ય સહયોગમાં દારૂગોળો, લૉજિસ્ટિક્સ અને કતારની સેનાની તાલીમમાં મદદ પણ સામેલ છે.

ઈરાનનો દાવો- અમેરિકન બેઝ પર હુમલો સફળ રહ્યો

ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે એક નિવેદનમાં કહ્યું કે કતાર સ્થિત અમેરિકન ઍરબેઝનો તેમણે નાશ કર્યો છે. જોકે, નિવેદનમાં એમ પણ જણાવાયું કે આ હુમલાથી કતાર કે તેના લોકો પર કોઈ ખતરો નથી.

ઈરાની સરકારી મીડિયા મુજબ પરિષદે કહ્યું કે આ હુમલામાં જે મિસાઇલો ફાયર કરવામાં આવી, તેની સંખ્યા એટલી જ હતી જેટલા બૉમ્બ અમેરિકાએ ઈરાનનાં પરમાણુમથકો પર ફેંક્યા હતા.

કતારે શું કહ્યું?

કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માજિદ અલ-અંસારીએ ઍક્સ પર લખ્યું કે, "અમે આને કતારના સાર્વભૌમત્વ, હવાઈ સીમા, આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએનના ચાર્ટરનું ગંભીર ઉલ્લંઘન માનીએ છીએ."

તેમણે કહ્યું કે કતારની ઍર ડિફેન્સ સિસ્ટમે હુમલાને નિષ્ફળ બનાવ્યો અને તમામ ઈરાની મિસાઇલોને આંતરી હતી. તેમણે કહ્યું કે હુમલા અગાઉ જ બેઝને ખાલી કરવામાં આવ્યો હતો.

અલ-અંસારીએ લખ્યું કે "બેઝમાં હાજર તમામ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરી પગલાં લેવાયા હતા."

તેમણે કહ્યું કે, "હુમલામાં કોઈને કંઈ નુકસાન થયું નથી."

પ્રવક્તાએ કહ્યું કે આ આક્રમક હુમલાનો જવાબ આપવા કતારને પૂરો અધિકાર છે.

(બીબીસી ન્યૂઝ પર્શિયનના ગોંચેહ હબીબિયાજાદનું રિપોર્ટિંગ)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન