You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાન-ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષવિરામની જાહેરાત ટ્રમ્પે શા માટે કરી, ઈરાને શો જવાબ આપ્યો?
- લેેખક, ઍૅન્થની ઝર્ચર
- પદ, બીબીસી સંવાદદાતા, નૉર્થ અમેરિકા
ઈરાને શનિવારે પોતાનાં પરમાણુ મથકો પર થયેલા અમેરિકન હુમલાનો જવાબ આપવાનો વાયદો કર્યો હતો અને તેણે તેનું વચન પાળ્યું છે.
પ્રારંભિક અહેવાલો મુજબ કતારમાં અમેરિકન બેઝ પર છોડવામાં આવેલી તમામ ઈરાની મિસાઇલોને અમેરિકા દ્વારા નષ્ટ કરવામાં આવી છે. તેમાં કોઈ અમેરિકનની જાનહાનિ કે નુકસાન નથી થયું.
જોકે, અમેરિકાના મીડિયા રિપોર્ટ મુજબ ઈરાની અધિકારીઓએ કહ્યું કે આ હુમલો તેમની જવાબી કાર્યવાહીનો અંત નથી.
હવે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર દાવો કર્યો છે કે બંને પક્ષ સંઘર્ષવિરામ માટે સહમત થઈ ગયા છે. તેમને આશા છે કે આ સંઘર્ષનો સત્તાવાર અંત આવશે.
પરંતુ ઈરાને કહ્યું છે કે સંઘર્ષવિરામ અંગે કોઈ સમજૂતી નથી થઈ. ઇઝરાયલે આ વિશે હજુ કોઈ ટિપ્પણી નથી કરી.
સંઘર્ષવિરામ વિશે ટ્રમ્પ અને અરાઘચીએ શું કહ્યું?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આગામી 24 કલાકમાં યુદ્ધનો સત્તાવાર રીતે અંત આવશે.
ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર લખ્યું, "આ એક એવું યુદ્ધ છે જે વર્ષો સુધી ચાલી શક્યું હોત અને સમગ્ર મધ્ય-પૂર્વનો નાશ કરી શક્યું હોત, પરંતુ એવું થયું નહીં અને ક્યારેય નહીં થાય."
અમેરિકી રાષ્ટ્રપતિએ ઇઝરાયલ-ઈરાન સંઘર્ષને '12 દિવસનું યુદ્ધ' ગણાવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
13 જૂને ઇઝરાયલે 'ઑપરેશન રાઇઝિંગ લાયન' હેઠળ ઈરાનનાં પરમાણુ અને લશ્કરી મથકો પર હવાઈ હુમલા કર્યા.
ઇઝરાયલનો દાવો છે કે પરમાણુ શસ્ત્રો મેળવવાની ઇરાનની મહત્તવાકાંક્ષાને રોકવા માટે આ કાર્યવાહી જરૂરી હતી. વળતા જવાબમાં ઈરાને તેલ અવીવ પર મિસાઇલ હુમલા શરૂ કર્યા.
અમેરિકા આ સંઘર્ષમાં સ્પષ્ટપણે ઇઝરાયલની સાથે ઊભું રહ્યું છે અને તેણે ઈરાનનાં ત્રણ પરમાણુ કેન્દ્રો પર પણ હુમલા કર્યા છે. અમેરિકાના જવાબમાં, ઈરાને મધ્ય-પૂર્વમાં તેનાં લશ્કરી થાણાઓને પણ નિશાન બનાવ્યાં હતાં.
ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ ઍક્સ પર લખ્યું કે, "ઈરાને વારંવાર સ્પષ્ટ કર્યું તેમ આ યુદ્ધ ઈરાન દ્વારા નહીં, પરંતુ ઇઝરાયલ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું."
અરાઘચીએ કહ્યું કે, "અત્યાર સુધી કોઈપણ પ્રકારના 'યુદ્ધવિરામ' કે લશ્કરી કાર્યવાહી બંધ કરવા અંગે કોઈ સમજૂતી થઈ નથી. પરંતુ જો ઇઝરાયલ ઈરાનના સમય મુજબ સવારે 4 વાગ્યા સુધીમાં ઈરાન સામે તેનું ગેરકાયદે યુદ્ધ બંધ કરી દેશે, તો અમારો બદલો લેવાનો કોઈ ઇરાદો નથી."
અબ્બાસ અરાઘચીનું કહેવું છે કે અમારા તરફથી સૈન્ય કાર્યવાહી રોકવાનો અંતિમ નિર્ણય પછીથી લેવામાં આવશે.
ટ્રમ્પનો નિર્ણય જોખમી હતો?
શનિવારે રાતે ટ્રમ્પે રાષ્ટ્રને નામ પોતાના સંબોધનમાં ચેતવણી આપી હતી કે અમેરિકન હિતો પર ઈરાન કોઈ પણ હુમલો કરશે તો અમેરિકા તેનો જડબાતોડ જવાબ આપશે.
તેમણે કહ્યું કે જરૂર પડશે તો અમેરિકન સેના અન્ય ઠેકાણાં પર પણ હુમલો કરી શકે છે.
ઈરાનનું આગળનું પગલું કેવું હશે તે જાણવા દુનિયાએ 24 કલાક કરતા વધારે રાહ જોઈ.
ઈરાને હુમલો કર્યો તો લોકોનું ધ્યાન ફરીથી અમેરિકન રાષ્ટ્રપતિ તરફ ગયું અને કેટલાક કલાકો પછી તેમણે પોતાની વાત રજૂ કરી.
ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર લખ્યું, "ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમ પર થયેલા અમેરિકન હુમલાનો સત્તાવાર રીતે બહુ નબળો જવાબ આપ્યો. અમને આની ધારણા હતી અને અમે પ્રભાવી રીતે તેને અટકાવ્યું."
ટ્રમ્પે કહ્યું કે "ઈરાને પોતાનો ગુસ્સો કાઢ્યો છે. હવે આશા છે કે ઈરાન શાંતિ અને સદભાવ તરફ આગળ વધી શકે છે."
ખરેખર ઓછું નુકસાન થયું હશે અને ઈરાન હવે કોઈ હુમલો નહીં કરે, તો ટ્રમ્પ પણ વળતો હુમલો કરવાનું ટાળશે અને વાતચીતની આશા રાખશે.
ટ્રમ્પે કહ્યું એવી જ સ્થિતિ જળવાશે તો આ શક્ય છે.
ટ્રમ્પનો તાજેતરનો હુમલો એક જોખમી પગલું હતું, પરંતુ હવે તેનાં પરિણામો આવવાં લાગ્યાં છે.
જાન્યુઆરી 2020માં પણ આવું જ થયું હતું. તે વખતે ટ્રમ્પે બગદાદમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના વડા કાસિમ સુલેમાનીની હત્યાનો આદેશ આપ્યો હતો.
ત્યાર પછી ઈરાને ઇરાકમાં અમેરિકન મિલિટરી બેઝ પર મિસાઇલો છોડી હતી. તેમાં અમેરિકાના 100થી વધુ સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા. પરંતુ અમેરિકાએ લડાઈને વિસ્તારવાનું ટાળ્યું. અંતે બંને પક્ષે સંયમ રાખ્યો.
સંઘર્ષ વધુ ફેલાય તો શું થઈ શકે?
અમેરિકન મીડિયાના અહેવાલો મુજબ સોમવારે થયેલા હુમલામાં ઈરાને અમેરિકન સૈન્ય મથકો પર એટલી મિસાઇલો ફાયર કરી જેટલા અમેરિકાનાં ફાઇટર વિમાનોએ બૉમ્બ ફેંક્યાં હતાં.
આ સાથે જ ઈરાને કતારની સરકારને હુમલા વિશે પહેલેથી જણાવ્યું હતું, જેના માટે ટ્રમ્પે આભાર માન્યો છે. તે દર્શાવે છે કે ઈરાન યુદ્ધને વિસ્તારવા નથી માંગતું પરંતુ સરખા પ્રમાણમાં જવાબ આપવા માંગે છે.
આખો દિવસ ટ્રમ્પનું ધ્યાન ઑઇલના ભાવ, અમેરિકન મીડિયાના અહેવાલો અને રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવના એ સૂચન પર રહ્યું કે કોઈ બહારનો દેશ ઈરાનને પરમાણુ હથિયારો આપી શકે છે.
સોમવારે રાતે કૅનેડામાં જી-7 બેઠકમાંથી પરત આવતી વખતે ટ્રમ્પે પત્રકારોને વિમાનમાં જણાવ્યું કે અમેરિકન સેના ઈરાનના જોખમ સામે તૈયાર છે.
તેમણે કહ્યું કે, "અમારી પાસે શ્રેષ્ઠ લોકો છે જેઓ પોતાનું રક્ષણ કરવાનું જાણે છે. અમારા સૈનિકો તૈયાર છે."
ઈરાન ફરી હુમલો કરે જેમાં અમેરિકાના કોઈ નાગરિકનું મોત થાય અથવા વધુ મોટું નુકસાન થાય, તો ટ્રમ્પ પર વળતી કાર્યવાહી કરવાનું દબાણ વધશે.
અમેરિકન અધિકારીઓએ રવિવારે સ્પષ્ટ કહ્યું કે અગાઉના અમેરિકન નેતાઓથી વિપરીત આ રાષ્ટ્રપતિ (ટ્રમ્પ) પોતાની ચેતવણીઓનો ખરેખર અમલ કરે છે.
જોકે, આમ કરવાથી લાંબો સમય ચાલનારા યુદ્ધનું જોખમ પેદા થશે, ટ્રમ્પના કેટલાક ટેકેદારોને પણ બીક હતી કે અમેરિકા આ યુદ્ધમાં સામેલ થશે તો શું થશે.
હાલમાં ઈરાન આ સંઘર્ષમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાડે છે અને ટ્રમ્પ આ માર્ગને અપનાવવા માટે તૈયાર હોય તેવું દેખાય છે.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન