You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોપાલ ઇટાલિયા વીસાવદરના ધારાસભ્ય બન્યા પછી સૌથી પહેલાં શું કામ કરશે?
વીસાવદરથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ 17,554 મતોથી જીત મેળવી છે અને ભાજપને હરાવ્યો છે.
આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મળેલી આ સફળતા પછી ગોપાલ ઇટાલિયાએ તત્કાલ પ્રેસ કૉન્ફરન્સ કરીને લોકોનો આભાર માન્યો હતો.
ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કૉન્ફરન્સની શરૂઆત કરતાં કહ્યું હતું કે, "આજે ઐતિહાસિક દિવસ છે. આજે ગુજરાતની જનતા માટે સુવર્ણ દિવસ છે. ગુજરાતની પ્રજા 30 વર્ષથી જેની રાહ જોઈ હતી એ દિવસ આજે આવી ગયો છે."
ગોપાલ ઇટાલિયાએ જીત પછી અરવિંદ કેજરીવાલ, ઇસુદાન ગઢવી, ચૈતર વસાવા અને મનોજ સોરઠીયા સહિત આમ આદમી પાર્ટીની નેતાગીરીનો પણ આભાર માન્યો હતો.
આ પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે વીસાવદરમાં ચૂંટાયા પછી કયાં કામ કરશે તેના વિશે પણ વાત કરી હતી. તેમણે ગુજરાતના યુવાનોને શું કહ્યું?
ગોપાલ ઇટાલિયાએ જીત પછી શું કહ્યું?
ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, "આ જીત વીસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાની જીત છે. હું આ વિસ્તારના ખેડૂતો, ખેતમજૂરો, રત્નકલાકારો, વેપારીઓ સહિત સૌ લોકોનો બે હાથ જોડીને આભાર માનું છું."
તેમણે કહ્યું હતું કે, "ગુજરાતના ઇતિહાસની આ પહેલી ચૂંટણી છે જેમાં માત્ર કાર્યકર્તાઓ કે નેતાઓ જ નહીં પરંતુ આખા ગુજરાતના સામાન્ય લોકો ઉજવણી કરી રહ્યા છે. તેનો અર્થ એ છે કે ગુજરાતના કરોડો લોકોની આશા અને સ્વપ્નની જીત થઈ છે."
ગોપાલ ઇટાલિયાએ વધુમાં કહ્યું હતું કે, "આ ચૂંટણીમાં એક તરફ પૈસા, દારૂ, ગુંડાઓ અને ઘમંડ હતો, બીજી તરફ સામાન્ય પ્રજાની આશા હતી. નાની દીકરીઓ, માતાઓ, ખેડૂતોએ, મને આપેલા આશીર્વાદનો વિજય થયો છે. ગુજરાત માટે જાત ઘસી નાખનારા સામાન્ય લોકોએ મને સમર્થન આપ્યું છે. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સત્તાની તાકાત, પૈસાની તાકાત, દારૂની તાકાત, ગુંડાઓની તાકાત એ મોટી તાકાત નથી, સરકારી તંત્રની તાકાત એ મોટી તાકાત નથી, પરંતુ સામાન્ય પ્રજાએ મનમાં જે ગાંઠ વાળી એ સંકલ્પની તાકાત સૌથી મોટી છે. જનતા સંકલ્પ લેશે તો ભાજપના ભ્રષ્ટાચારના મૂળિયાં ઊખડી જતાં વાર નહીં લાગે."
ત્યારે ગોપાલ ઇટાલિયાના આરોપો વિશે બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર ભાર્ગવ પરીખે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે સાથે વાત કરી. યજ્ઞેશ દવેએ આપ નેતા ગોપાલ ઇટાલિયાના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
યજ્ઞેશ દવેએ વીસાવદરમાં ભાજપની હાર અંગે વાત કરતા કહ્યું કે, "છેલ્લાં 12 વર્ષથી આ ભાજપની બેઠક નથી. ગોપાલ ઇટાલિયા વીસાવદરની જનતાને ભરમાવીને જીત્યા છે. અમે પ્રજાનો ચુકાદો માથે ચઢાવીએ છીએ અને આ બેઠક ભાજપ તરફી બને તે માટે અમે વિશ્લેષણ કરીશું."
ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના યુવાનોને શું આહ્વાન કર્યું?
જીત પછી ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના લોકો, ખાસ કરીને યુવાનોને અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "હું ગુજરાતભરના યુવાનો સામે હાથ લંબાવું છું. ગુજરાતના યુવાનો સાથે આવો, તમારી અંદર ભગવાને જે તાકાત આપી છે તેને ઓળખો. આવો ગુજરાતમાં પરિવર્તનની, ભાજપની ચુંગાલમાંથી છોડાવવાની લડાઈ લડીએ."
"ગુજરાતમાં સારું કામ કરનારાઓ, કર્મશીલો, સરકારી નોકરી કરનારા લોકો, ગુજરાતના યુવાનોને મારી નમ્ર વિનંતી છે કે તમે જાગો. પરિવર્તનમાં ભાગ લો, આગળ આવો અને અમારી સાથે જોડાઓ."
ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, "ભગવાન પણ ઇચ્છે છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગે અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચારી ભાજપ ભાગે. આખા ગુજરાતની જનતા સંકલ્પ લે હું આશા રાખું છું."
ગોપાલ ઇટાલિયા સૌથી પહેલાં શું કામ કરશે?
જીત બાદ ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, "મને પ્રજાએ બહુ મોટી જવાબદારી આપી છે. મને ભગવાન એટલી શક્તિ આપશે."
તેમણે કહ્યું હતું કે, "મેં જે વીસાવદર માટે સંકલ્પો લીધા છે તેના પર હું કાલથી જ કામ કરવાનું શરૂ કરીશ. હું ઇકોઝોન મુદ્દે એક ડગલું પણ પાછું નહીં ભરું. જે રીતે લડવું પડશે એ રીતે લડીશ."
ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે, "ઇકોઝોનનો પ્રશ્ન હોય કે સહકારી મંડળીમાં થયેલા ભ્રષ્ટાચારની વાત હોય, કે પછી ટેકાના ભાવે ખરીદીમાં થતી ગોલમાલ હોય, તમામ પ્રશ્નો બાબતે હું પૂર્ણ તાકાતથી લડાઈ લડીશ."
વીસાવદરની જીત મુદ્દે ઇસુદાન ગઢવીએ શું કહ્યું?
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે, "આ જીત ગુજરાતના 54 લાખ ખેડૂતો અને 1 કરોડ 20 લાખ શ્રમિકો મજૂરો અને માલધારીઓની જીત છે."
ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે, "આ જીતે સાબિત કરી આપ્યું છે કે જો તમારામાં પ્રજા માટે લડવાની તાકાત હોય તો પ્રજા તમારો સાથ આપશે. પ્રજાએ પોતે અમારો સાથ આપ્યો અને પ્રજા પોતે લડી રહી હતી. આ જીતથી આખા ગુજરાતમાં એક મૅસેજ જશે કે જો ભાજપને કોઈ હરાવી શકે એમ હોય તો તે ફક્ત આમ આદમી પાર્ટી છે."
તેમણે કહ્યું હતું કે, "ભાજપને સંદેશો આપવા માગું છું કે હવે તમે આ તાનાશાહી છોડો અને તમારી પાસે હજુ પણ અઢી વર્ષ છે, તમે ધારો તો ખેડૂતોનું દેવું માફ કરી શકો છો, તમે બેરોજગાર યુવાનોને નોકરી આપી શકો છો, તમે ગરીબો વંચિતો અને શોષિતોને ન્યાય અપાવી શકો છો, ભ્રષ્ટાચારીઓને જેલમાં મોકલી શકો છો."
ઇસુદાન ગઢવીએ કૉંગ્રેસ વિશે પણ પ્રેસ કૉન્ફરન્સમાં વાત કરી હતી.
તેમણે કૉંગ્રેસના નેતાઓ પર નિશાન તાકતા કહ્યું હતું કે, "એવું લાગી રહ્યું છે અને તેઓ ક્યારેક ભાજપમાં જતા રહે છે અને કેટલાક નેતાઓ રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર ભાજપ માટે કામ કરે છે. એટલા માટે આજે આખા ગુજરાતની આશા આમ આદમી પાર્ટી પાસેથી છે."
તો કૉંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંઘ કઠવાડિયાએ બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે વીસાવદર અને કડીની હારના કારણનું વિશ્લેષણ કરીશું , વીસાવદરની પેટાચૂંટણીનાં પરિણામોને અમે ગંભીરતાથી લઈ એનું વિશ્લેષણ કરીને 2027 માટે તૈયારી કરીશું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન