You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્કૂપ શૉટ : સૂર્યકુમારે ફટકારેલો એ અનોખો શૉટ જેના ફેન દિગ્ગજ ખેલાડીઓ બની ગયા
- લેેખક, બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ટી20 ક્રિકેટ વર્લ્ડકપમાં પોતાની જોરદાર રમતથી સૂર્યકુમાર યાદવે માત્ર ક્રિકેટપ્રેમીઓ જ નહીં ક્રિકેટના વિશેષજ્ઞોનાં પણ દિલ જીતી લીધાં છે. તેમના દરેક શૉટની ખાસિયતો હવે બહાર આવી રહી છે.
ઝિમ્બાબ્વે વિરુદ્ધની મૅચમાં સૂર્યકુમારે આવો જ એક શૉટ ફાસ્ટ બૉલર રિચર્ડ નગારવાની ઓવરમાં ફટકાર્યો, જે ક્રિકેટની ભાષામાં ‘સ્કૂપ શૉટ’ તરીકે ઓળખાય છે.
એમાં પણ સૂર્યકુમારે ઇનિંગના છેલ્લા બૉલે પોતાની બેટિંગમાં કૌશલ્યની સાથે સાથે કળાનું પ્રદર્શન કરતા હોય એ રીતે એક વિશિષ્ટ શૉટ ફટકાર્યો.
સુનિલ ગાવસ્કર અને રવિ શાસ્ત્રી જેવા દિગ્ગજ ક્રિકેટરો પણ જે શૉટને જોઈને ખુશ થઈ ગયા હતા. એ શૉટ હતો ‘સ્કૂપ શૉટ’.
સૂર્યકુમારે રિચર્ડ નગારવાએ ઑફ સ્ટમ્પની બહાર નાખેલા ફૂલટૉસ બૉલને ઘૂંટણના સહારે લેગ સાઇડ પર છ રન માટે બાઉન્ડ્રીની બહાર મોકલી દિધો હતો.
સૂર્યકુમાર શૉટ કેવી રીતે નક્કી કરે છે?
સૂર્યકુમારે સ્ટાર સ્પોર્ટ્સ ચૅનલ સાથેની વાતચીતમાં બૅટિંગ કરતી વખતે કયા બૉલ પર કેવો શોટ ફટકારવો તેની નિર્ણયપ્રક્રિયા વિશે જણાવ્યું.
તેમણે કહ્યું, “તમારે સમજવું પડે છે કે, બૉલર એ વખતે શું વિચારે છે. હું એ વખતે મારી જાત પર ભરોસો કરું છું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તમને ખબર હોય છે કે બાઉન્ડરી કેટલી દૂર છે. જ્યારે હું ક્રીઝ પર હોઉં છું, ત્યારે મને લાગે છે બાઉન્ડરી માત્ર 60-65 મીટર દૂર છે અને બૉલની ગતિનો અંદાજ લગાવીને હું યોગ્ય ટાઇમિંગ સાથે શૉટ ફટકારવાની કોશિશ કરું છું."
"હું બૉલને બૅટના ‘સ્વીટ સ્પૉટ’ પર લાવવાની કોશિશ કરું છું અને જો એ બરાબર આવી જાય તો બૉલ બાઉન્ડરીની બહાર જતો રહે છે.”
રમતમાં તણાવભરી સ્થિતિને આ રીતે પહોંચી વળે છે સૂર્યકુમાર
સૂર્યકુમાર મેદાન પર રમત દરમિયાન સતત બદલાતી પરિસ્થિતિ અને તેને કારણે સર્જાતા તણાવને કેવી રીતે પહોંચી વળે છે, તે રસપ્રદ છે.
તેમણે “જ્યારે હું બેટિંગ માટે જાઉં છું ત્યારે કેટલાક ચોગ્ગા ફટકારવાની કોશિશ કરું છું અને જો હું એવું ન કરી શકું તેવી સ્થિતિમાં ઝડપથી દોડીને વધુમાં વધુ રન બનાવવાની કોશિશ કરું છું.”
તેમણે કહ્યું કે, જ્યારે તેઓ વિરાટ સાથે મેદાન પર હોય ત્યારે તેમણે ઝડપથી દોડીને રન બનાવવા જ પડે છે. તેમણે કહ્યું, “હું ખાલી જગ્યામાં શૉટ ફટકારીને ઝડપથી રન બનાવવાની કોશિશ કરું છું. મને એ વખતે ખબર હોય છે કે મારે કેવા પ્રકારના શૉટ ફટકારવાની જરૂર છે."
"હું ત્યારે સ્વીપ, ઓવર કવર અને કટ શૉટ મારવાની કોશિશ કરું છું. એમ કરવામાં જો હું સફળ રહું તો હું મારી રમતને એ રીતે આગળ વધારું છું.”
‘સ્કૂપ શૉટ’ શું છે અને કોણે એની શરૂઆત કરી?
સ્કૂપ શૉટને ક્રિકેટમાં બે પ્રકારે રમવામાં આવે છે. એક છે પૅડલ સ્કૂપ (અથવા રેમ્પ) શૉટ અને બીજો છે દિલ-સ્કૂપ.
પૅડલ સ્કૂપમાં બૉલને મેદાન પરથી લગભગ 50થી 70 ડિગ્રીના ખૂણે ફટકારવામાં આવે છે. જ્યારે દિલ-સ્કૂપ શૉટમાં બૉલને મેદાન પરથી 90 ડિગ્રીના ખૂણે ફટકારવામાં આવે છે. આ શૉટને શ્રીલંકાના ક્રિકેટર તિલકરત્ને દિલશાને વિકસાવ્યો હોવાનું કહેવાય છે. દિલશાને વર્ષ 2009માં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે સ્કૂપ શૉટ રમવાની શરૂઆત આઈપીએલમાં કરી હતી.
તેઓ 2009માં યોજાયેલી આઈસીસી વર્લ્ડ ટી20માં સ્કૂપ શૉટ ફટકારીને ક્રિકેટપ્રેમીઓમાં જાણીતા થયા અને આ શૉટ તેમના નામથી દિલ-સ્કૂપ તરીકે લોકપ્રિય થયો. દિલશાન તિલકરત્ને ઉપરાંત ભારતના રોહિત શર્મા અને ન્યૂઝીલૅન્ડના ભૂરપૂર્વ ક્રિકેટર બ્રૅન્ડન મૅક્કુલમમને આ પ્રકારના શૉટના ખેલાડી માનવામાં આવે છે.
જોકે, મીડ-ડેના એક અહેવાલમાં દિલ-સ્કૂપ પ્રકારનો શૉટ મુંબઈના ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર ઇકબાલ ખાને રમવાની શરૂઆત કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સૂર્યકુમારે આ રીતે સ્કૂપ શૉટ પર માસ્ટરી મેળવી
બાળપણમાં ક્રિકેટ રમી ચૂકેલા લાખો ક્રિકેટપ્રેમીઓ માટે જે સહજ સ્વાભાવિક હતું તેનો ઉપયોગ સૂર્યકુમારે સ્કૂપ શૉટની પ્રૅક્ટિસ માટે કર્યો.
પોતાના એ સ્કૂપ શૉટથી સુનિલ ગાવસ્કર અને રવિ શાસ્ત્રીની વાહવાહી મેળવનારા સૂર્યકુમારે કહ્યું, “તમારે એ સમજવાનું હોય છે કે બૉલર કેવો બૉલ નાખશે, જે મોટા ભાગે એ સમયે પૂર્વ-નિર્ધારિત હોય છે.”
“મેં રબરના બૉલથી ક્રિકેટ રમતી વખતે આ શૉટ ફટકારવાની ખૂબ પ્રૅક્ટિસ કરી હતી.”
બાળપણમાં તમે જ્યારે રબરના બૉલથી ક્રિકેટ રમતા હતા, ત્યારે તમને આવો વિચાર આવ્યો હતો?