અમેરિકા પર કુલ કેટલું દેવું છે, ચીન શા માટે સતત અમેરિકાના બૉન્ડ ખરીદતું જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા એ વિશ્વમાં સૌથી મોટો દેવાદાર દેશ છે અને તમામ દેવાનો સરવાળો કરવામાં આવે તો યુએસ પર 35.5 ટ્રિલિયન ડૉલર કરતા વધારે દેવું છે.
બીજી તરફ અમેરિકાનો હરીફ દેશ હોવા છતાં ચીને મોટા પાયે યુએસ ટ્રેઝરી બૉન્ડ ખરીદ્યા છે. છેલ્લા કેટલાક દાયકામાં ચીને અમેરિકન ટ્રેઝરીના બૉન્ડની મોટા પાયે ખરીદી કરી છે. એવા પણ અનુમાન છે કે કેટલાક દેશો જેમકે ચીન પાસે 759 બિલિયન ડૉલરના અમેરિકન બૉન્ડ છે, જેને તે વેચી રહ્યા છે.
તેના કારણે કેટલાક નિષ્ણાતોને બીક છે કે ચીન જો એકસાથે આ બૉન્ડને વેચવાનું શરૂ કરશે તો વ્યાજના દર ઊછળશે અને તેનાથી અમેરિકાના આર્થિક ગ્રોથને ફટકો પડી શકે છે.
અહીં એક વાત જણાવી દઈએ કે અમેરિકન ડેટની ખરીદી કરવામાં ચીન બીજા નંબર પર છે. ડિસેમ્બર 2024ના આંકડા પ્રમાણે જાપાન પાસે એક લાખ કરોડ ડૉલરથી વધુના યુએસ ટ્રેઝરી બૉન્ડ છે અને તેણે સૌથી વધુ અમેરિકન દેવું ખરીદ્યું છે. ત્યાર પછી યુકે, લક્ઝમ્બર્ગ, કેમેન આઇલેન્ડ, કેનેડાનો વારો આવે છે. ભારત પણ 234 અબજ ડૉલરનું યુએસ ડેટ ધરાવે છે.
ચીન શા માટે અમેરિકન બૉન્ડ ખરીદે છે?

ઇમેજ સ્રોત, Reuters
ચીન દુનિયામાં સૌથી નીચા ભાવે મબલખ ઉત્પાદન કરીને નિકાસ કરે છે અને આ કારણથી કોઈ દેશ તેની સાથે સ્પર્ધા કરી શકે તેવી હાલતમાં નથી.
પોતાની ઍક્સપોર્ટ પ્રાઇસ નીચી રાખવા ચીન અમેરિકન ટ્રેઝરી બૉન્ડમાં સતત રોકાણ કરે છે. તેના કારણે ચીનમાં મોટા પાયે રોજગારી પેદા થાય છે અને ચીન પોતાના ચલણનો ભાવ પણ યુએસ ડૉલરની તુલનામાં નીચો રાખી શકે છે.
અમેરિકન ટ્રેડરી બૉન્ડ સૌથી વધારે સુરક્ષિત અને સલામત છે જેથી ચીન તેમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.
છેક 1985થી અમેરિકા સાથેના વ્યાપારમાં ચીનનો હાથ ઉપર છે અને તે વ્યાપારમાં સરપ્લસ ધરાવે છે. અમેરિકા ચીનને જે નિકાસ કરે છે તેના કરતા ચીનની અમેરિકામાં ઘણી વધારે નિકાસ થાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર એપ્રિલ મહિનામાં ચીન પાસે કેટલું અમેરિકન ફૉરેન ઍક્સચેન્જ છે તેના આંકડા સાતમી મેના રોજ જાહેર થશે. પરંતુ વાસ્તવમાં ચીનના રિઝર્વમાં કેટલી અમેરિકન સિક્યૉરિટીઝ છે તેની ખબર 30 મેના દિવસે પડશે.
ચીને યુએસ બૉન્ડની ખરીદી ધીમી પાડી દીધી છે અને કહેવાય છે કે તે હવે મોટા પાયે બૉન્ડનું વેચાણ પણ કરે છે જેની અસર બૉન્ડની યીલ્ડ પર પડી છે.
યુકેસ્થિત ઇન્વેસ્ટમેન્ટ કંપની એ.જે. બેલના ઇન્વેસ્ટમેન્ટ એનાલિસિસના વડા લઈથ ખાલેફે બીબીસીને જણાવ્યું હતું કે "બૉન્ડની યીલ્ડ વધવાના કારણે કંપનીઓ માટે ઋણ લેવાનો ખર્ચ વધી જશે. ઊથલપાથલના સમયમાં રોકાણકારો સુરક્ષા માટે દોટ મૂકતા હોય છે ત્યારે બૉન્ડનું પ્રદર્શન સારું રહી શકે છે પણ ટ્રમ્પના ટ્રેડ વૉરમાં અમેરિકન ડેટ માર્કેટને ફટકો પડ્યો છે."
અમેરિકન સરકારના ઋણ પર વ્યાજનો દર વધે છે, પરંતુ રોકાણકારો તેનું મોટા પાયે વેચાણ કરતા હોવાથી બૉન્ડની કિંમત ઘટે છે.
ચીન દ્વારા અમેરિકન ટ્રેઝરી બૉન્ડની ખરીદીથી શું થાય?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચીન અમેરિકન ડેટ ખરીદતું જાય તેનો અર્થ એવો થયો કે તેની પાસે સૌથી સુરક્ષિત ફોરેક્સ રિઝર્વ છે. તેથી ચીન અમેરિકાને સતત લોન આપી શકે છે અને આ લોનની મદદથી અમેરિકા ચીન પાસેથી માલ ખરીદી શકે છે.
ચીનનું અર્થતંત્ર જ્યાં સુધી નિકાસ આધારિત હોય ત્યાં સુધી આ સમીકરણ ફાયદાકારક છે. તેનાથી ચીન અમેરિકાને સતત લોન આપી શકે છે અને બદલામાં તેના માલની ખરીદી ચાલુ રહે છે.
તેમાં ચીન અને અમેરિકા બંનેને ફાયદો છે. ચીનનો સસ્તો માલ ખરીદીને અમેરિકા બચત કરે છે જ્યારે ચીન પોતાના લોકોને સતત રોજગારી આપી શકે છે.
એક કૉર્પોરેટ ઍડવાઇઝરી કંપનીના ફંડામેન્ટલ રિસર્ચ ઍનાલિસ્ટ નિહલ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "ચીન અને અમેરિકા હાલમાં આગથી રમી રહ્યા છે. અમેરિકન બજારમાં પોતાનો વધારે માલ નિકાસ કરી શકાય અને પોતાના ચલણની વેલ્યૂ નીચી રાખી શકાય તે માટે ચીન અમેરિકન ટ્રેઝરી બૉન્ડ ખરીદે છે."
તેમણે કહ્યું કે, "તાજેતરમાં બૉન્ડની યીલ્ડમાં મોટી ઉથલપાથલ થઈ તેના માટે ચીન જવાબદાર હોવાનું માનવામાં આવે છે. આ માત્ર અટકળ છે કારણ કે ચીન એક મહિના પછી પોતાની પાસે કેટલા બૉન્ડ છે તેનો ડેટા આપશે."
ચીનની નીતિથી અમેરિકા માટે કેટલું મોટું જોખમ?

ઇમેજ સ્રોત, Getty Images
ચીન પાસે જે અમેરિકન ટ્રેઝરી બૉન્ડ છે તેનું વેચાણ શરૂ કરી દે તો અમેરિકા માટે તો તે મોટું સંકટ હશે જ પણ આમ કરવાથી બંનેનો આર્થિક વિનાશ સુનિશ્ચિત થઈ જશે કારણ કે ચીનને પણ બહુજ ભારે નુકસાન થશે.
રિસર્ચ ઍનાલિસ્ટ નિહલ શાહ માને છે કે, "આ ટ્રેડ વૉરના કારણે અમેરિકાને પણ નુકસાન થઈ રહ્યું છે. પરંતુ તે નમતું જોખવાના મૂડમાં નથી એવું લાગે છે. બીજી તરફ અમેરિકા હવે યુરોપિયન યુનિયનમાં પોતાના ટ્રેડ પાર્ટનર શોધે છે અને અમેરિકાની કસર પૂરી કરવા પ્રયાસ કરે છે."
ચીન જો અમેરિકન ડેટ વેચે તો અમેરિકન ડૉલરના રેટ ઘટી જશે અને ચીનનું ચલણ મોંઘું બનશે.
તેનાથી ચાઇનીઝ પ્રૉડક્ટના ભાવ વધી જશે અને અત્યાર સુધી નીચા ભાવનો જે ફાયદો મળતો હતો તે ગુમાવી બેસશે. તેથી ચીન આવું કરે તેવી શક્યતા ઓછી છે.
ધારો કે ચીન અમેરિકન ટ્રેઝરીનું વેચાણ શરૂ કરે તો અમેરિકા એક ફ્રી અર્થતંત્ર હોવાથી તે દેવું ચૂકવવા માટે જરૂરી ડૉલર છાપી શકે છે.
ડૉલરનું બેફામ પ્રિન્ટિંગ થાય તો ડૉલરની વૅલ્યૂ ઘટી જશે અને ફુગાવો વધશે જે યુએસ માટે ફાયદાકારક હશે કારણ કે ચીનને જે રકમ ચૂકવવાની છે તેની રિયલ વેલ્યૂ ફુગાવાના પ્રમાણમાં ઘટી જશે.
નિષ્ણાતો એવું પણ માને છે કે યુએસ બૉન્ડના વેચાણથી દુનિયાના અર્થતંત્ર માટે પણ મુશ્કેલી ઊભી થશે.
હાલમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર ચાલે છે છતાં એકંદરે એવો મત નીકળે છે કે ચીન પાસે જે યુએસ ટ્રેઝરી બૉન્ડ છે, તેનો તે શસ્ત્ર તરીકે ઉપયોગ નહીં કરે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












