રાણા સાંગાએ એક આંખ, એક હાથ વિના બાબર સામે યુદ્ધમેદાનમાં કેવી બાથ ભીડી હતી?

ઇમેજ સ્રોત, RAJASTHAN TOURISM/RUPA
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિંદી
પંદરમી સદીમાં ઉત્તર ભારતમાં મેવાડ એક શક્તિશાળી સામ્રાજ્યના સ્વરૂપે ઊભરીને સામે આવ્યું હતું.
મેવાડનો પાયો નાખ્યો હતો બપ્પા રાવલે જેઓ ગુજરાતથી આવીને રાજસ્થાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં વસ્યા હતા.
પોતાના ભાઈઓ સાથે સત્તાસંઘર્ષ બાદ વર્ષ 1508માં રાણા સાંગા મેવાડની ગાદીએ આવ્યા હતા.
એ સમયે તેમની ઉંમર 27 વર્ષ હતી. રાણા સાંગાએ મેવાડની ગાદી પર આવતાં જ પોતાનું વિજય અભિયાન શરૂ કરી દીધું હતું. સૌપ્રથમ આબુ અને બૂંદીએ સંધિનો માર્ગ અપનાવ્યો.
આમેરના સૈન્યે જ્યારે મેવાડ પર હુમલો કરતાં રાણા સાંગાએ આમેરના રાજા માધોસિંહને બંદી બનાવી લીધા.
સતીશ ચંદ્રા પોતાના પુસ્તક 'હિસ્ટ્રી ઑફ મિડિયવલ ઇન્ડિયા'માં લખે છે કે વર્ષ 1517માં થયેલી લડાઈમાં રાણા સાંગા માળવાના શાસક મહમૂદ દ્વિતીયને બંદી બનાવીને ચિતોડ લઈ આવ્યા હતા.
એ જ વર્ષે ઇબ્રાહીમ લોદીએ મેવાડ પર હુમલો કર્યો, પરંતુ તેમને ખતૌલીમાં રાણા સાંગા સામે હારનો સામનો કરવો પડ્યો.

ઇમેજ સ્રોત, ORIENT BLACKSWAN
સતીશ ચંદ્રા લખે છે કે, "આ જ લડાઈમાં એક તીરે રાણા સાંગાના ડાબા પગના કવચને ભેદી દીધો. રાણા સાંગાનો જીવ બચાવવા માટે વૈદ્યે તેમનો હાથ કાપી નાખ્યો, કારણ કે આખા શરીરમાં ઝેર ફેલાવાનો ખતરો થઈ ગયો હતો. ઘણા દિવસો બાદ તેઓ સ્વસ્થ થયા. પરંતુ હવે તેમનો એક જ હાથ રહ્યો હતો. રાણા સાંગાએ હિંમત ન હારી અને એક હાથ વડે જ તેમણે નિયમિત તલવારબાજીનો અભ્યાસ કર્યો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ એ જ સમય હતો જ્યારે ફરઘના ખીણમાં જન્મેલા બાબર ભારતના બારણે ટકોરા મારી રહ્યા હતા.
બાબર પાસે પહોંચ્યા દૂત

ઇમેજ સ્રોત, RUPA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1526માં થયેલા પાણીપતના નિર્ણાયક યુદ્ધના થોડા મહિના અગાઉ, દિલ્હીના શાસક ઇબ્રાહીમ લોદીના દરબારના કેટલાક લોકો તેમના દીકરા દિલાવર ખાનના નેતૃત્વમાં બાબરને મળવા પહોંચ્યા. તેમણે બાબરને કહ્યું કે તેઓ ભારત આવીને લોદીને સત્તાથી દૂર કરી દે.
તેમનું કહેવું હતું કે ઇબ્રાહીમ લોદી તાનાશાહ છે અને પોતાના દરબારીઓનું સમર્થન ગુમાવી ચૂક્યા છે.
બાબરે પોતાની આત્મકથા 'બાબરનામા'માં લખ્યું છે, "જ્યારે અમે કાબુલમાં હતા, મેવાડના રાજા રાણા સાંગાનોય એક દૂત તેમની શુભકામનાઓ લઈને મારી પાસે આવ્યો હતો. તેણે પોતાની યોજના બતાવી હતી કે એ આગ્રાની તરફથી ઇબ્રાહીમ લોદી પર હુમલો કરશે. મેં દિલ્હી અને આગ્રા બંને પર કબજો કર્યો, પરંતુ એણે મને પોતાનો ચહેરોય ન બતાવ્યો."
બાબરના કાકેરા ભાઈ મિર્ઝા હૈદર પણ પોતાના પુસ્તક 'તારીખ-એ-રશીદી'માં ઉલ્લેખ કરે છે કે રાણા સાંગાનો એક દૂત બાબરને મળવા આવ્યો હતો. બાબરના એક આત્મકથા લેખક સ્ટેનલી લેન પૂલે પણ પોતાના પુસ્તક 'બાબર'માં રાણા સાંગાના દૂતની બાબર સાથે મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે.
વધુ એક ઇતિહાસકાર રઘુબીરસિંહ પોતાના પુસ્તક 'પૂર્વ આધુનિક રાજસ્થાન'માં લખે છે કે, "રાજપૂતોની રાજકીય દૂરદર્શિતાની ઊણપે રાણા સાંગાને બાબરને કાબુલથી આમંત્રિત કરવા માટે પ્રેરિત કર્યા હતા, જેથી કમજોર ઇબ્રાહીમ લોદીને લડાઈમાં હરાવી શકાય. આવી જ રીતે રાણા સાંગાના મૃત્યુ બાદ તેમનાં એક રાણી કર્મવતીને પોતાના મોટા દીકરા વિક્રમજિતને મેવાડની ગાદી પર બેસાડવામાં મદદ કરવા માટે પોતાના દુશ્મન બાબર પાસેથી મદદ લેવામાં કોઈ ખચકાટ નહોતો થયો."
પાણીપતમાં બાબર સામે ઇબ્રાહીમ લોદીની હાર

ઇમેજ સ્રોત, GN SHARMA
જીએન શર્મા પોતાના પુસ્તક 'મેવાડ ઍન્ડ ધ મુઘલ ઍમ્પરર્સ'માં સવાલ ઉઠાવે છે કે, "એ સમયે બાબરની એક યોદ્ધા તરીકેની એવી કોઈ ખ્યાતિ નહોતી, આ સિવાય રાજપૂતોની બીજા રાજાઓ પાસે દૂત મોકલવાની પહેલાં કોઈ પરંપરા નહોતી."
જોકે, જ્યારે 1526માં બાબર પાણીપતની લડાઈમાં ઇબ્રાહીમ લોદી વિરુદ્ધ ઊભો થયો ત્યારે રાણા સાંગાનું ત્યાં નામોનિશાન નહોતું. આ વાતને ખુદ બાબરે પણ બાબરનામામાં સમર્થન આપ્યું છે.
બાબરનામામાં બાબરે લખ્યું છે કે, "પાણીપતની લડાઈમાં અમારી સેના માત્ર 30 હજારની હતી, જ્યારે ઇબ્રાહીમ લોદીના સૈનિકોની સંખ્યા એક લાખ હતી."
સતીશ ચંદ્રા કહે છે કે, "બાબરના ચતુર ચાલાક નેતૃત્વે પોતાનાથી ત્રણ ગણા મોટા સૈન્યને હરાવી દીધું. તોપખાના ઉપયોગથી ઇબ્રાહીમ લોદીના હાથી ભડકી ઊઠ્યા. તેઓ પોતાના જ સૈન્યને કચડીને ભાગવા માંડ્યા. બાબરના અનુશાસિત અને વ્યૂહરચનામાં કુશળ સૈન્યને ઇબ્રાહીમ લોદીને હરાવી દીધો અને દિલ્હી પર બાબરનો અધિકાર થઈ ગયો."
'રાણા સાંગાએ બાબરનો સાથ ન આપ્યો'

ઇમેજ સ્રોત, Getty Images
1519માં ગગરૌનની લડાઈમાં માળવાના મહમૂદ ખિલજી દ્વિતીયને હરાવ્યા બાદ રાણા સાંગાનો પ્રભાવ આગ્રા પાસેથી વહેતી નદી પલિયાખાર સુધી પહોંચી ગયો હતો. ગંગાની ખીણમાં બાબરનું સામ્રાજ્ય હવે સાંગા માટે ખતરો બની ગયો હતો.
સતીશ ચંદ્રા લખે છે કે, "બાબરે રાણા સાંગા પર સમાધાનના ઉલ્લંઘનનો આરોપ કર્યો. તેનું કહેવું હતું કે રાણા સાંગાએ તેને ભારત આમંત્રિત કરીને ઇબ્રાહીમ લોદી વિરુદ્ધ લડાઈમાં તેનો સાથ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ બાબરની લડાઈ દરમિયાન એ તેની મદદ માટે સામે નહોતો આવ્યો. અમને નથી ખબર કે સાંગાએ બાબરને શો વાયદો કર્યો હતો. કદાચ તેમણે એવું વિચાર્યુ હશે કે તૈમૂરની માફક બાબર પણ લૂંટ મચાવીને પાછો જતો રહેશે. પરંતુ બાબરના ભારતમાં જ રહેવાના નિર્ણયથી પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ."

ઇમેજ સ્રોત, BLACKWELL
બાબરનું માનવું હતું કે ભારતવિજય અભિયાનમાં સૌથી મોટો અવરોધ રાણા જ બનશે.
હરબંસ મુખિયા પોતાના પુસ્તક 'ધ મુઘલ્સ ઑફ ઇન્ડિયા'માં લખે છે કે, "એ રાણા સાંગાની કૂટનીતિથી પણ પરિચિત થઈ ગયો હતો, જ્યારે લાહોરવિજય બાદ તેને દિલ્હી આક્રમણ વખતે સહાયનું આશ્વાસન આપ્યું તો આપ્યું, પરંતુ સહાય ન કરી. બાબર જાણી ગયો કે રાણા સાંગા અફઘાન શક્તિને કમજોર કરીને હકૂમત કરવાનો ઇચ્છુક હતો, પરંતુ દિલ્હી પર હકૂમત કરવાની ઇચ્છા તો ખુદ બાબર ધરાવતો હતો."
દારૂ પર પ્રતિબંધ

ઇમેજ સ્રોત, Getty Images
પાણીપતમાં 1526માં બાબરની જીત બાદથી, રાણા સાંગા સાથે તેcની લડાઈની ભૂમિકા બનવા લાગી હતી.
આ સમયગાળામાં ઘણા અફઘાન જેમાં ઇબ્રાહrમ લોદીનો નાનો ભાઈ મહમૂદ લોદી પણ સામેલ છે, એ આશાએ રાણા સાંગા સાથે થઈ ગયા કે જો બાબર વિરુદ્ધ રાણા સાંગાની જીત થશે તો કદાચ દિલ્હીની ગાદી મહમૂદ લોદીને પાછી મળી જશે.
મેવાતના રાજા ઇલાસન ખાને પણ રાણા સાંગાનો સાથ આપવાનો નિર્ણય કર્યો. લગભગ દરેક રાજપૂત રાજાએ રાણા સાંગાના સમર્થનમાં પોતાનું સૈન્ય મોકલ્યું.
વિલિયમ રશબ્રૂક પોતાના પુસ્તક 'બાબર : એન ઍમ્પાયર બિલ્ડર ઑફ ધ સિક્સિટીંથ સેન્ચુરી'માં લખે છે, "રાણા સાંગાની કીર્તિ અને હાલમાં જ બયાનામાં મળેલી જીતે બાબરના સૈનિકોની હિંમત તોડી નાખી હતી. પોતાના સૈનિકોનો ઉત્સાહ વધારવા માટે બાબરે એલાન કર્યુ કે રાણા સાંગા વિરુદ્ધની લડાઈ 'જેહાદ' હશે. લડાઈ પહેલાં તેણે શરાબનાં તમામ પાત્રો તોડીને એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે એ કેટલો કટ્ટર મુસ્લિમ છે. તેણે પોતાના આખા રાજ્યમાં દારૂનાં ખરીદ-વેચાણ પર પ્રતિબંધ લાદી દીધો. પોતાના સૈનિકોનું મનોબળ વધારવા માટે બાબરે એક જોરદાર ભાષણ આપ્યું."
રાણા સાંગા સાથે 1527ના ઐતિહાસિક યુદ્ધ માટે બાબરે આગ્રાથી 40 કિમી દૂર આવેલા ખાનવાને પસંદ કર્યું.
રાણા સાંગા હાથી પર બેસીને નેતૃત્વ કરી રહ્યા હતા

ઇમેજ સ્રોત, Getty Images
ખાનવાની લડાઈમાં બંને પક્ષ પોતાની સંપૂર્ણ તાકત સાથે લડ્યા. બાબરે બાબરનામામાં લખ્યું, "રાણા સાંગાના સૈન્યમાં બે લાખ કરતાં વધુ સૈનિક હતા, જેમાં દસ હજાર અફઘાન અને એટલા જ હસન ખાન મેવાતીના મોકલેલા સૈનિક હતા."
બની શકે કે બાબરે આ સંખ્યા બાબતે અતિશયોક્તિ કરી હોય, પરંતુ એ વાતમાં કોઈ શંકા નથી કે સંખ્યાની દૃષ્ટિએ બાબરના સૈનિક રાણા સાંગાના સૈનિકોથી ઓછા હતા.
જીએન શર્મા લખે છે કે, "બાબરના સૈન્યમાં આગળ સામાનથી લદાયેલી ગાડીઓની પંક્તિ હતી. આ ગાડીઓ લોખંડની સાંકળોથી એકમેક સાથે બંધાયેલી હતી અને તેના સૈન્ય માટે એક પ્રકારે સુરક્ષાકવચનું કામ કરી રહી હતી.આ ગાડીઓ પાછળ તોપો હતી, જે પ્રતિસ્પર્ધીને દેખાતી નહોતી. તેની પાછળ ઘોડેસવારોની પંક્તિઓ હતી, પંક્તિઓ વચ્ચે ખાલી સ્થાન હતાં, જ્યાંથી લડવૈયા આગળ પાછળ જઈ શકતા હતા. એ બાદ હથિયારબંધ સૈનિકો હતા, સૈન્યને ડાબે-જમણે એવા અવરોધો ઊભા કરાયા હતા કે એ તરફથી કોઈ હુમલાનો ડર ન રહે. એક તરફ ખાઈ ખોદવામાં આવી હતી, તો બીજી બાજુ મોટાં મોટાં વૃક્ષો કાપીને નાખવામાં આવ્યાં હતાં."
શર્મા લખે છે કે, "બીજી તરફ રાણા સાંગાના સૈન્યને પાંચ ભાગમા વહેંચવામાં આવ્યું હતું. સૌથી આગળ હાથીઓની કતાર હતી. હાથીની અંબાડી એક પ્રકારે સુરક્ષા કવચ હતી. હાથીઓની સૂંઢ પર પણ લોખંડનાં કવચ પહેરાવાયાં હતાં. રાણા જાતે પ્રથમ પંક્તિમાં એક હાથી પર બેઠા હતા, તેમને તેમના સૈનિકો દૂરથીય જોઈ શકતા હતા, જ્યારે બાબર પોતાના સૈન્યની આગળ નહીં, પરંતુ પાછળ હતો."
રાણા સાંગા ઈજાગ્રસ્ત થયા

ઇમેજ સ્રોત, Getty Images
રાણા સાંગાએ બાબરની જમણી તરફ હુમલો કર્યો. રાણા સાંગા પોતે લડાઈનું નેતૃત્વ કરી રહ્યા હતા.
શર્મા લખે છે કે, "ત્યાં હાજર લોકોને આશ્ચર્ય થઈ રહ્યો હતો કે રાણા સાંગાની એક આંખ નહોતી, એક હાથ કપાયેલો હતો. તેમનો એક પગેય કામ નહોતો કરતો. તેમના શરીર પર ચારેકોર ઈજાનાં જ નિશાન હતાં, તેમ છતાં તેમની સ્ફૂર્તિ અને ઉત્સાહમાં કોઈ કમી નહોતી."
પરંતુ મુઘલોનાં તોપખાનાં પણ ભારે તબાહી મચાવી રહ્યાં હતાં. ધીરે ધીરે રાણા સાંગાનું સૈન્ય પાછળ હઠવા લાગ્યું.
જીએન શર્મા લખે છે કે, "આ દરમિયાન એક તીર રાણા સાંગાના માથા પર વાગ્યું. સાંગા બેહોશ થઈ ગયા. તેમના કેટલાક સેનાપતિએ તરત તેમને હાથીની અંબાડી પરથી ઉતારી પાલખીમાં નાખ્યા અને બહારની તરફ રવાના કરી દીધા. રાણાના સૈન્ય જોયું કે રાણા સાંગા હાથી પર નથી. આ જોતાં જ તેમનું મનોબળ તૂટી ગયું. એક રાજપૂત સેનાનાયક અજ્જૂ ઝાલાએ રાણાનું મુગટ પોતાના માથે મૂક્યો અને હાથી પર સવાર થઈ ગયો. પરંતુ રાજાની ગેરહાજરીની જે ખરાબ અસર પડવાની હતી એ થઈ ચૂકી હતી. રાજપૂતી સૈન્યની હિંમત તૂટી ગઈ અને તે વિખેરાઈ ગયું."
બાબરે બાબરનામામાં લખ્યું કે, "ઇસ્લામના પ્રચાર માટે હું પોતાનું ઘરબાર છોડીને નીકળ્યો હતો. આ લડાઈમાં મેં શહીદ થવાનું નક્કી કરી લીધું હતું. પરંતુ ખુદાએ મારી ફરિયાદ સાંભળી લીધી. બંને સૈન્યો થાકી ચૂક્યાં હતાં. પરંતુ ત્યારે જ રાણા સાંગાનું દુર્ભાગ્ય અને મારું સૌભાગ્ય ઊછળ્યું. સાંગા બેહોશ થઈને પડી ગયો. તેના સૈન્યનું મનોબળ તૂટી ગયું અને મારી જીત થઈ."
47 વર્ષની ઉંમરમાં મૃત્યુ
રાણા સાંગાની હારનું કારણ હતી તેમના સૈન્યમાં અનુશાસન અને પરસ્પર તાલમેલનો અભાવ.
વિલિયમ રશબ્રૂક લખે છે કે, "રાણા સાંગાના સૈન્યમાં સંખ્યાબળ વધુ હતું, તેથી આખા સૈન્યને એક સાથે સંદેશ પહોંચાડવામાં મોડું થતું હતું. મુઘલ સૈન્યનાં સંગઠન અને અનુશાસન રાણા સાંગાના સૈન્યની સરખામણીએ બહેતર હતાં."
રાણા સાંગાએ 1527માં ખાનવા યુદ્ધ સમાપ્ત થયા બાદ પ્રણ લીધું કે તેઓ બાબરને પરાજિત કરીને જ ચિતોડમાં પ્રવેશ કરશે, પરંતુ તેઓ ઝાઝું જીવી ન શક્યા.
સાડા 21 વર્ષના પોતાના શાસનકાળમાં મેવાડને સામ્રાજ્ય વિસ્તારના શિખર પર લઈ જનારા રાણા સાંગાનું 47 વર્ષની ઉંમરે જ દેહાવસાન થયું.
સતીશ ચંદ્રાએ લખ્યું, "કહેવાય છે કે બાબર વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખવાની તેમની હઠ તેમના દરબારીઓને પસંદ ન પડી અને તેમણે તેમને ઝેર આપી દીધું. રાજસ્થાનથી નીકળેલી આ બહાદુર વ્યક્તિના નિધનની સાથે જ આગ્રા સુધી પ્રસરેલા સંયુક્ત રાજસ્થાનના સ્વપ્નને ખૂબ મોટો ફટકો પડ્યો."
ખાનવાની લડાઈએ દિલ્હી-આગ્રા ક્ષેત્રમાં બાબરની સ્થિતિ વધુ મજબૂત કરી. એ બાદ તેમણે ગ્વાલિયર અને ધૌલપુરના કિલ્લા પણ જીત્યા અને અલવરના ખૂબ મોટા ભાગને પોતાના રાજ્યમાં ભેળવી દીધો.
સતીશ ચંદ્રા લખે છે કે, "પાણીપતની જીતથી ભારતમાં મુઘલ શાસનનો પાયો નખાયો, પરંતુ આ પાયાને ખાનવામાં રાણા સાંગા વિરુદ્ધ બાબરની જીતથી મજબૂતી મળી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












