કચ્છથી સિંધ સુધી રાજ કરતા 'મુસ્લિમ શાસકોથી ત્રાસી'ને જ્યારે હિંદુ શેઠે અંગ્રેજોને મદદ કરી

બીબીસી ગુજરાતી, ગુજરાત, સિંધ, અંગ્રેજોનો સિંધ પર કબજો, બ્રિટિશરો, બ્રિટિશ ભારત, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, વકાર મુસ્તફા
    • પદ, પત્રકાર, સંશોધક

લગભગ 182 વર્ષ પહેલાં 23 ફેબ્રુઆરીના દિવસે જ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સિંધની શાસક બની હતી અને કંપનીએ શેઠ નૌમલ હોતચંદને પદકો ઉપરાંત પ્રથમ શ્રેણીની 5,000 એકરની સંપત્તિ આપી હતી.

સંશોધક ડેવિડ ચીઝમેનના જણાવ્યા અનુસાર, શેઠ નૌમલ હોતચંદને આ ઈનામ આપવાનું કારણ એ હતું કે તેમણે 1837થી 1843 સુધી, સિંધ પર અંગ્રેજોના કબજા પહેલાં, અંગ્રેજોને ભોજન, પરિવહન અને અન્ય જરૂરી સામગ્રી તેમજ માહિતી પૂરી પાડી હતી. શેઠ નૌમલે પરાજિત બલૂચ સામંતોને અંગ્રેજો સાથે શાંતિ સ્થાપવામાં મદદ પણ કરી હતી.

સોળમી સદીના અંતથી માંડીને અઢારમી સદીના પ્રારંભ સુધી લોઅર સિંધ પર મુઘલોનું શાસન હતું. એ પછી મોટાભાગના સિંધ અને કચ્છના કેટલાક હિસ્સા પર કલહોરા રાજવંશનું શાસન રહ્યું હતું.

તેમના પછી તાલપુર વંશની ચાર શાખાઓએ તથા ચંડો મુહમ્મદ ખાને હૈદરાબાદથી લોઅર સિંધ પર, ખૈરપુરથી અપર સિંધ પર, પૂર્વના શહેર મીરપુર ખાસ અને આસપાસના પ્રદેશો પર શાસન કર્યું હતું.

સિંધની રાજકીય સ્થિતિ

બીબીસી ગુજરાતી, ગુજરાત, સિંધ, અંગ્રેજોનો સિંધ પર કબજો, બ્રિટિશરો, બ્રિટિશ ભારત, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હૈદરાબાદ સિંધ ખાતે તાલપુર મીરના મકબરા

મીર ફતેહ અલી ખાનની યોજના મુજબ 1783માં કલહોરા શાસનને કેઈ રીતે ઉખેડી નાખવામાં આવ્યું હતું અને તાલપુરમાં સરકારની સ્થાપના કરવામાં આવી હતી તે ડૉ. મુમતાઝ હુસૈન પઠાણે તેમના પુસ્તક 'સિંધમાં તાલપુર (1783-1843)'માં જણાવ્યું છે.

તેને પ્રથમ ચાર મિત્રો – મીર ફતેહ તથા તેના ભાઈઓ – મીર ગુલામ, મીર કરમ અને મીર મુરાદનું શાસન પણ કહેવામાં આવે છે.

જોકે, સંશોધન અને શિક્ષણવિદ્ ડૉ. મુહમ્મદ અલી શેખ લખે છે કે તાલપુર વંશના શાસકોએ સિંધને ત્રણ ભાગમાં વિભાજિત કર્યું હતું. તેની રાજધાની હૈદરાબાદ, ખૈરપુર અને મીરપુર હતી. પ્રત્યેક ભાગ પર પરિવારની એક શાખાનું શાસન હતું.

મુમતાઝ પઠાણના જણાવ્યા મુજબ, "આ ભાઈઓએ 1789 પછી તેમનું શાસન વર્તમાન સિંધ, કચ્છ, બલૂચિસ્તાન, સબ્જલકોટ અને ભાંગબારા સુધી વિસ્તાર્યું હતું. તેનું ક્ષેત્રફળ એક લાખ ચોરસ કિલોમીટર હતું અને લગભગ 40 લાખ લોકોની વસ્તી હતી."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બાદમાં તેમણે, હાલમાં કરાચી તરીકે ઓળખાતા પ્રદેશ પર પણ વિજય પ્રાપ્ત કર્યો હતો.

તેઓ બલૂચ જાતિના હતા અને તેમનું શાસન મહદઅંશે કાબુલના દુર્રાની સામ્રાજ્યને આધીન હતું. તેઓ દુર્રાની શાસનને નિયમિત રીતે આદર આપતા હતા.

મુહમ્મદ અલી શેખે પાકિસ્તાનના અંગ્રેજી દૈનિક ધ ડૉનના એક લેખમાં લખ્યું હતું કે કંપની 1825 સુધીમાં ઉપખંડની સૌથી મોટી શક્તિ બની ગઈ હતી અને તેણે મોટાભાગના પ્રદેશ પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિયંત્રણ મેળવી લીધું હતું. માત્ર સિંધ અને પંજાબ જ તેના નિયંત્રણ બહાર હતાં.

"સિંધ અને બ્રિટન વચ્ચેનો સંબંધ શરૂઆતમાં સૌહાર્દપૂર્ણ હતો. બન્ને વચ્ચે વિવિધ કરાર થયા હતા, પરંતુ બાદમાં બ્રિટિશ સરકારે સિંધુ નદીનો ઉપયોગ શિપિંગ માર્ગ તરીકે કરવામાં રસ લેવાનું શરૂ કર્યું હતું, જેથી કંપનીનો વેપાર અરબી સમુદ્રથી પંજાબના ઉપરના વિસ્તારો અને પછી મધ્ય એશિયા અને ઉત્તર ભારત સુધી એક વ્યાપાર માર્ગ તરીકે વધારી શકાય."

બ્રિટિશ હિતનું એક અન્ય મુખ્ય કારણ રશિયા પરનું સંભવિત આક્રમણ હતું. એ બાબતે બ્રિટનને શંકા હતી કે "રશિયા પર્શિયા અને અફધાનિસ્તાન મારફત સિંધુ ભૂમિનો ઉપયોગ કરી શકે છે."

અલબત, બ્રિટિશ સરકારનો એક મોટો વર્ગ સિંધ પર કબજાના પક્ષમાં ન હતો, પરંતુ બ્રિટિશ પ્રતિનિધિ સર ચાર્લ્સ નેપિયરની વ્યક્તિગત મહેચ્છા સિંધનું ભાગ્ય નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થઈ હતી.

ડૉ. પઠાણના પુસ્તકમાં નેપિયરને ટાંકીને જણાવવામાં આવ્યું છે, "આપણને સિંધ કબજે કરવાનો કોઈ અધિકાર નથી, પરંતુ આપણે એવું કરીશું જ. તે બહુ જ શરમજનક, પરંતુ લાભદાયક તથા પ્રભાવશાળી પગલું હશે."

હિન્દુઓનું નાણાકીય નિયંત્રણ અને શેઠ નૌમલનું સ્થાન

બીબીસી ગુજરાતી, ગુજરાત, સિંધ, અંગ્રેજોનો સિંધ પર કબજો, બ્રિટિશરો, બ્રિટિશ ભારત, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

અંગ્રેજોની આવી યોજના હતી, પરંતુ નૌમલ શેઠ એટલા ધનવાન હતા કે તેઓ સિંધમાં તાલપુર શાસકો વિરુદ્ધ અંગ્રેજ સરકારની મદદ કરી શકે? તેઓ આવું કરે તો પણ શા માટે કરે?

ચૅસમૅને તેમના પુસ્તક 'લૅન્ડલૉર્ડ પાવર ઍન્ડ રૂરલ ઇન્ડિજેનસ'માં લખે છે કે 1843માં ચાર્લ્સ જેમ્સ નેપિયરને આધીન બ્રિટિશ કબજા પહેલાં મુસ્લિમોના બાહુલ્યવાળા સિંધમાં મોટા હિંદુ વેપારીઓ અને સરકારી અધિકારીઓએ જજિયા વેરો ચૂકવવો પડતો ન હતો. જજિયા વેરો બિન-મુસ્લિમ નાગરિકો પાસેથી સલામતી પૂરી પાડવાના બદલામાં લેવામાં આવતો હતો.

જોકે, નાના વેપારીઓએ પ્રતિ વ્યક્તિ વર્ષના પાંચથી દસ રૂપિયા ચૂકવવા પડતા હતા.

નૌમલ શેઠ સિંધના મોટા વેપારીઓ પૈકીના એક હતા.

સંશોધક ગુલ હસન કલમતીએ સિંધી ભાષામાંના તેમના પુસ્તક 'કરાચી જો લાફાની કારદાર'માં લખ્યું છે કે નૌમલ શેઠ ભોજો મલના પ્રપૌત્ર હતા, જેમણે 1729માં કરાચીમાં એક કિલ્લો બનાવડાવ્યો હતો.

બહરામ સોહરાબ એચ. જે. રૂસ્તમજી અને સોહરાબ કે. એચ. કાત્રકે તેમના પુસ્તક 'કરાચી ડ્યુરિંગ ધ બ્રિટિશ એરાઃ ટ્રુ હિસ્ટ્રીઝ ઑફ ધ મૉર્ડન સિટી'માં લખ્યું છે કે કરાચીની શોધનું શ્રેય તેમને જાય છે. વાસ્તવમાં તેઓ જૂના કરાચી શહેર તથા બંદરના સ્થાપક હતા.

ચૅસમૅનના જણાવ્યા મુજબ, "જેમ્સ બર્ન્સે 1827માં પોતાના પ્રવાસ પછી આપેલા અહેવાલમાં લખ્યું હતું કે તાલપુર શાસકોના દરબારમાં હિન્દુઓનો વ્યાપક પ્રભાવ હતો." એ પછી તેમના ભાઈ અલેકઝેન્ડરે વધારે સ્પષ્ટ રીતે પુષ્ટિ કરી હતી કે સિંધમાં હિંદુઓ સત્તા પર હતા.

ધર્મેન્દ્ર તોલાનીએ તેમની નવલકથા 'યટ અનધર ડ્રીમ'ના પરિશિષ્ટમાં લખ્યું છે કે કરાચીના લગભગ તમામ બિઝનેસ હિંદુઓની માલિકીના હતા.

ક્લાઉડ માર્કોવિટ્ઝે તેમના પુસ્તક 'ધ ગ્લોબલ વર્લ્ડ ઑફ ઇન્ડિયન મર્ચન્ટ્સઃ ટ્રેડર્સ ઑફ સિંધ ફ્રૉમ બુખારા ટુ પનામા'માં લખ્યું છે કે શેઠ ભોજોમલના પૌત્ર અને નૌમલના પિતા હોતચંદ એ સમયે સિંધના કદાચ સૌથી વધારે શ્રીમંત વેપારી હતા.

તોલાનીના જણાવ્યા મુજબ, "ઉપખંડ અને તેની બહાર પોતાના વ્યાપારને કારણે શેઠ હોતચંદ તથા તેમનો પરિવાર સમગ્ર સિંધમાં પ્રખ્યાત હતો તેમજ હૈદરાબાદના મીર કરમ અલી સાથે તેમને સારો સંબંધ હતો."

મીર કરમ અલીએ હોતચંદના સગાંઓ વચ્ચેના વિવાદમાં મધ્યસ્થી પણ કરી હતી અને તેઓ હોતચંદ પાસે જતા ત્યારે તેમને પોતાના ખાટલા પર બેસાડતા હતા, જ્યારે અન્ય લોકો નીચે ગાલિચા પર બેસતા હતા.

ડૉ. પઠાણના જણાવ્યા મુજબ, હિંદુ વેપારીઓ તમામ વ્યાપારી મામલાઓના પ્રભારી હતી, કર એકત્ર કરતા હતા અને રાજ્યના સલાહકાર તથા રાજદૂત હતા.

બિન-મુસ્લિમ સાહુકારો અને મહાજનોનો સિંધમાં એટલો પ્રભાવ હતો કે તેઓ પોતાનાં ગોદામો અને અન્ય સંપત્તિને થયેલા નુકસાન માટે વળતરની માંગ પણ કરી શકતા હતા.

જોકે, ચૅસમૅને લખ્યું છે કે આટલું મહત્ત્વ હોવા છતાં હિંદુઓને બહુમતીમાં રાખવા પડ્યા હતા.

આંતરિક પ્રદેશોમાંથી સલામત રીતે પસાર થવા માટે તેમણે સ્થાનિક ભરવાડોને કેટલાક પૈસા ચૂકવવા પડતા હતા. તેમની જમીન ગામડાઓને બદલે શહેરોની આસપાસ કેન્દ્રિત હતી અથવા શક્તિશાળી પરિવારોની જાગીર દ્વારા સંચાલિત હતી.

લાભની તુલનામાં નુકસાન કશું નહીં

કચ્છ, કરાચી, પાકિસ્તાન, ભારત, બ્રિટિશરાજ

ઇમેજ સ્રોત, Getty Images

ચૅસમૅન, થૉમસ પોસ્ટમૅન અને ચાર્લ્સ મેસને બ્રિટિશ કબજા પહેલાં સિંધનો પ્રવાસ કર્યો હતો. આ લોકોના જણાવ્યા અનુસાર, તેમણે આ ક્ષેત્રને છોડ્યું ન હતું, કારણ કે તેમના નફાથી આવા નુકસાનની ભરપાઈ થઈ જવાની હતી.

તેમની પાસેથી ઊંચા વ્યાજદરે ઉધાર લેવાનું આસાન હતું. ખેડૂતો અને જમીન માલિકો ક્યારેક કર ચૂકવવા, ક્યારેક લગ્ન માટે તો ક્યારેક કરજ ચૂકવવા માટે તેમની પાસેથી વધારે પૈસા ઉધાર લેતા હતા. તેઓ કોર્ટમાં જાય તો તેમણે લોનની સુવિધા છતાં સંઘર્ષ કરવો પડતો હતો અને લોનના બદલામાં તેમણે પોતાની જમીનનો હિસ્સો વેચીને થોડી લોન તો ચૂકવવી જ પડતી હતી.

મહમૂદ અંજુમે એક લેખમાં લખ્યું છે કે સિંધ રાજ્ય પર મુસ્લિમ શાસન હોવા છતાં શિક્ષણ તથા અર્થતંત્ર, વાણિજ્યિક લેવડ-દેવડ અને અનૌપચારિક બેન્કિંગ પર હિન્દુઓની મજબૂત પકડ હતી.

વ્યાજ પર ધન ઉપલબ્ધ કરાવવું તે હિન્દુ વ્યાપારનું એક મહત્ત્વપૂર્ણ અંગ હતું. વ્યાજ પર લોન લેવા માટે પાક ગીરવી રાખવો અને લોન ચૂકવી ન શકાય તો વાસ્તવિક મૂલ્ય કરતાં ઓછી કિંમતે પાક જપ્ત કરી લેવાનું તથા તેને ઊંચા ભાવે બજારમાં વેચી નાખવાનું સામાન્ય બાબત હતું.

ધાર્મિક અશાંતિનું કારણ બનતી આર્થિક મુશ્કેલી

મહમૂદ અંજુમના જણાવ્યા મુજબ, "આર્થિક અસમાનતાને કારણે સિંધની હિંદુ અને મુસ્લિમ વસ્તી વચ્ચે ધાર્મિક મતભેદો વધ્યા હતા, જે બન્ને ધર્મોના અનુયાયીઓ વચ્ચેના સંઘર્ષ સ્વરૂપે પ્રગટ થયા હતા."

ચૅસમૅન લખે છે, "હિંદુઓએ ક્યારેક ઈર્ષ્યા તો ક્યારેક પ્રતિરોધનો સામનો કરવો પડ્યો હતો. એવી પરિસ્થિતિમાં આરોપ-પ્રત્યારોપ ધાર્મિક હુલ્લડનું સ્વરૂપ ધારણ કરતા હતા."

તેમના જણાવ્યા મુજબ, સિંધની તાલપુર સરકાર પ્રત્યેની નૌમલ શેઠની નારાજગી પણ 1832માં આવા ધાર્મિક હુલ્લડ પછી શરૂ થઈ હતી.

તોલાની લખે છે કે એક મામૂલી વિવાદને પગલે હોતચંદના પુત્ર પરસરામ પર ઈશનિંદાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

હૈદરાબાદના મીરોને આ બાબતની જાણ થઈ ત્યારે તેમણે પરસરામને બોલાવ્યા હતા, પરંતુ તેમની સલામતી માટે નજીકના હિંદુ રાજ્ય જેસલમેર મોકલી આપવામાં આવ્યા હોવાથી તેમના બદલે હોતચંદ પોતે ઉપસ્થિત થયા હતા. જોકે, એ વખતે મીર કરમ અલી સાથેની તેમની દોસ્તી નકામી સાબિત થઈ હતી.

લોકો હોતચંદને બળજબરીથી નાસરપુર લઈ જયા અને તેમના પર અત્યાચાર કર્યો

તોલાની લખે છે કે તેમને ધર્મ પરિવર્તન માટે મજબૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ડેવિડ ચીઝમેનના સંશોધનમાંથી જાણવા મળે છે કે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને (ધર્મ પરિવર્તન માટે) ખતના કરવાની ધમકી આપવામાં આવી હતી.

ક્લાઉડ મોર્કોવિટ્ઝ લખે છે કે ખતનાની વાત અફવા હતી.

તોલાનીના જણાવ્યા અનુસાર, કરાચીના આ વેપારીઓની સંપત્તિ કે તેમના વેપારમાંથી થતી મહેસૂલી આવક જ તેમની સલામતીની એકમાત્ર ગૅરંટી હતી, "પરંતુ આ વખતે રાજકુમારોએ તે ઘટનાને નજરઅંદાજ કરી હતી."

અલબત, માર્કોવિટ્ઝ લખે છે કે અંતતઃ સિંધના એક અન્ય મીર મુરાદ અલીએ મધ્યસ્થી કરી હતી અને હોતચંદને બચાવ્યા હતા, પરંતુ એ કડવા અનુભવ પછી તેઓ કચ્છ ક્ષેત્રના રાવના આશ્રયમાં ચાલ્યા ગયા હતા.

તોલાની લખે છે, "હોતચંદના પુત્ર નૌમલે (તેમના પિતા વિરુદ્ધની હિંસાનો) બદલો લેવાનો પ્રયાસ કર્યો હતો."

હેનરી પોટિંગર પહેલા બ્રિટિશ અધિકારી હતા, જેમની નૌમલ હોતચંદ સાથે સિંધમાં મુલાકાત થઈ હતી.

નૌમલે અંગ્રેજોને કેવી રીતે મદદ કરી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, સિંધ, અંગ્રેજોનો સિંધ પર કબજો, બ્રિટિશરો, બ્રિટિશ ભારત, ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

અઝીમ-ઉલ-શાને તેમના પુસ્તક 'કરાચી કા ઇતિહાસઃ 1839-1900'માં લખ્યું છે કે બૉમ્બે આર્મીના કમાન્ડર-ઇન-ચીફ જૉન કીનના નેતૃત્વમાં બ્રિટિશ નૌકાદળની એક ટુકડી અફધાનિસ્તાન જતાં નવેમ્બર-1838ના અંતમાં સિંધના તટે પહોંચી હતી.

તોલાનીના જણાવ્યા મુજબ, "ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અધિકારીઓ તટ પર પહોંચ્યા ત્યારે નૌમલના મોટાભાઈ પ્રીતમદાસે તેમનું સ્વાગત કર્યું હતું અને જલપાન માટે પોતાના ઘરે લઈ ગયા હતા." અંગ્રેજોએ શરૂઆતમાં શહેર અને રામબાગ વચ્ચેના મેદાનમાં પોતાનાં તંબુ તાણ્યાં હતાં. જોકે, કરાચીના લોકોનું વલણ ઉદાસીન, ઉગ્ર અને અસહકારભર્યું હતું.

1839માં અંગ્રેજોએ કરાચી પર હુમલો કર્યો ત્યારે તાલપુરના શાસકોના સ્થાનિક પ્રતિનિધિઓએ અંગ્રેજો સાથે વાત કરવા પ્રીતમદાસને જ મોકલ્યા હતા. એ પછી બૉમ્બમારો અટક્યો હતો અને શહેરના રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

તાલપુરના અધિકારી ખૈર મુહમ્મદે કોઈને પૂછ્યા વિના કરાચી શહેરની ચાવી 1839ની સાતમી ફેબ્રુઆરીએ અંગ્રેજોને સોંપી દીધી હતી.

અઝીમ-ઉલ-શાન હૈદર લખે છે, "નૌમલ શેઠે બ્રિટિશ સૈન્યની મદદ માટે 800 ઊંટ અને અન્ય જરૂરી સામગ્રીની વ્યવસ્થા કરી આપી હતી."

ડૉ. પઠાણના જણાવ્યા મુજબ, નૌમલ શેઠ બહુ પ્રભાવશાળી હતા. લોઅર સિંધમાં બિન-બલૂચ જનજાતિઓમાં રાજદ્રોહ (તાલપુર શાસકોના વિરોધ)ના બીજનું વાવેતર તેમણે જ કર્યું હતું. બિન-બલૂચ જનજાતિઓનું કરાચી, મકરાન, કચ્છ તથા અન્ય ક્ષેત્રો તરફના વ્યાપાર માર્ગો પર નિયંત્રણ હતું.

મુહમ્મદ અલી શેખ લખે છે કે યુદ્ધથી બચવા માટે તાલપુર શાસકોએ તમામ પ્રયાસ કર્યા હતા, પરંતુ નેપિયરે યુદ્ધ સુનિશ્ચિત કર્યું હતું.

હૈદરાબાદ નજીકના મિયારી અને મટિયારીમાં ફેબ્રુઆરી 1843માં જોરદાર યુદ્ધ થયું હતું. 17 બ્રિટિશ સેનાઓની સંખ્યાત્મક શ્રેષ્ઠતા, સિંધના સૈન્યની નબળાઈઓ, આપસી મતભેદ, કેન્દ્રીય નેતૃત્વના અભાવ અને જૂના હથિયારોને કારણે તાલપુર શાસકોનો પરાજય નિશ્ચિત થયો હતો.

તાલપુર શાસકોએ 1843ની 22 માર્ચે હૈદરાબાદ પાસે અંતિમ મોરચો સંભાળ્યો હતો, પરંતુ ત્યાં પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા અને નેપિયરના નેતૃત્વ હેઠળની બ્રિટિશ સેનાએ સમગ્ર સિંધ સંપૂર્ણપણે કબજે કરી લીધું હતું. આ રીતે તાલપુર રાજવંશના 60 વર્ષના શાસનનો અંત આવ્યો હતો.

અલબત, તાલપુર રાજવંશની ઉત્તરી શાખા ખૈરપુર અંગ્રેજોના પક્ષે હતી. બ્રિટિશ રાજ દરમિયાન તે કંઈક અંશે સ્વતંત્ર રહી હતી અને ખૈરપુર રાજ્ય તરીકે અસ્તિત્વમાં રહી હતી.

આ રાજ્યના શાસકો ઑક્ટોબર 1947માં નવા રચાયેલા પાકિસ્તાનમાં સામેલ થઈ ગયા હતા, જેને 1955માં પશ્ચિમી પાકિસ્તાનમાં સંપૂર્ણપણે ભેળવી દેવામાં આવ્યું હતું.

સિંધ હવે પાકિસ્તાનનો દક્ષિણ-પૂર્વ પ્રાંત છે અને કરાચી તેની રાજધાની છે.

માઇકલ બોઇવિને તેમના પુસ્તક 'ધ સૂફી પેરાડાઇમ ઍન્ડ ધ મેકિંગ્ઝ ઑફ વર્નાક્યુલર નૉલેજ ઇન કોલોનિયલ ઇન્ડિયા'માં લખ્યું છે કે સિંધ પર કબજાના પહેલાં તબક્કામાં જે વ્યક્તિએ શાનદાર, પરંતુ વિવાદાસ્પદ ભૂમિકા ભજવી હતી તે શેઠ નૌમલ હોતચંદ હતા. તેમના સહયોગથી જ બ્રિટિશ અને સિંધિઓ વચ્ચેનો સંબંધ વિકસ્યો હતો.

રિચર્ડ એમ. ઈટન, મોનિસ ડી. ફારુકી, ડેવિડ ગિલ-માર્ટિન અને સુનીલ કુમાર દ્વારા સંકલિત પુસ્તક 'ઍક્સપેન્ડિંગ ફ્રન્ટિયર્સ ઇન સાઉથ એશિયન ઍન્ડ વર્લ્ડ હિસ્ટ્રી' જણાવે છે કે સિંધના કેટલાક અગ્રણી વેપારીઓ અને ખાસ કરીને કરાચીના એક પ્રસિદ્ધ વાણિયા શેઠ નૌમલ હોતચંદે 1839 તથા 1843 દરમિયાન બ્રિટિશ કબજા વખતે તેમને મદદ કરી હતી.

પાકિસ્તાની-અમેરિકન ઇતિહાસકાર મનન અહમદના જણાવ્યા મુજબ, શેઠ નૌમલ હોતચંદ દેશદ્રોહી ન હોઈ શકે, કારણ કે કોઈ પણ મહાન સંઘર્ષનું ભાગ્ય તેમના ખભા પર ન હતું.

ધ ડૉન અખબારમાં પ્રકાશિત એક લેખમાં તેમણે લખ્યું છે, "તેઓ એક વેપારી, સોદાગર, દલાલ અને માહિતી તંત્રમાં ભાગીદાર હતા. ઉપનિવેશી કે સ્થાનિક શક્તિનાં મુખ્ય કેન્દ્રો તરીકે ઊભરેલી ઘટનાઓ સાથે તેમનું જીવન જોડાયેલું હતું, પરંતુ તેનું પરિણામ તેમણે નિર્ધારિત કર્યું ન હતું."

શેઠ નૌમલે તેમનાં સંસ્મરણોમાં લખ્યું છે, "મારો પરિવાર મીર લોકોના ધાર્મિક અત્યાચારથી બહુ દુઃખી હતો અને બ્રિટિશ સરકારના હિતમાં કામ કરવાનો મારો મુખ્ય ઉદ્દેશ મારા પરિવારના હિત તથા ભવિષ્યનું રક્ષણ કરવાનો હતો."

એવું લાગે છે કે શેઠ નૌમલ બદલતી હવાને પામી ગયા હતા અને ચૅસમૅનના જણાવ્યા મુજબ, હવે તેમણે બહુમત સમુદાયને ખુશ કરવાની જરૂર ન હતી. "બ્રિટિશ શાસનકાળમાં વ્યાપાર અને અમલદારશાહીનો વિસ્તાર થયો હતો અને આ ક્ષેત્રો પર અગાઉની માફક જ નૌમલ અને તેમના ભાઈઓનો દબદબો હતો."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.