You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જમ્મુ-કાશ્મીરમાં રામબન પાસે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ગુજરાતી પ્રવાસીઓ અટવાયા
- લેેખક, પરેશ પઢિયાર
- પદ, બીબીસી ગુજરાતી માટે
જમ્મુથી શ્રીનગરને જોડતા રોડ પર રામબનની આસપાસ ભારે વરસાદ પડવાના કારણે રસ્તા ધોવાઈ ગયા છે અને ભૂસ્ખલન થયું છે. તેના કારણે વાહનો અટવાઈ ગયાં છે અને હજારો પ્રવાસીઓ ફસાઈ ગયા છે જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ પણ છે.
જે પ્રવાસીઓ વૈષ્ણોદેવી જઈ રહ્યા હતા તેમણે પોતાની યાત્રા અટકાવી દેવી પડી છે.
એક જાણકારી પ્રમાણે રામબન પાસે 50 જેટલા ગુજરાતી પ્રવાસીઓ અટવાઈ ગયા છે.
બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમની રામબન ખાતેના કલેક્ટર સાથે વાતચીત થઈ છે અને ફસાયેલા તમામ લોકોને મદદ કરવા અનુરોધ કર્યો છે.
મિહિર પટેલે જણાવ્યું હતું કે "રામબનના કલેક્ટરે જણાવ્યા પ્રમાણે ગુજરાતી પ્રવાસીઓની બસો પણ ફસાઈ ગઈ છે. જિલ્લા વહીવટીતંત્ર બસના લોકેશન પર પહોંચ્યું છે અને લોકોને ખોરાક તથા જરૂરી ચીજો પૂરી પાડી છે. હાલમાં આ બસ સુરક્ષિત જગ્યાએ હોવાનું કહેવામાં આવે છે. કલેક્ટરે આપેલી માહિતી પ્રમાણે લોકો માટે ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવશે અને જરૂર પડશે તો એક મેડિકલ ટીમ પણ ગોઠવવામાં આવશે."
હાલ, ફસાયેલા આ ગુજરાતી પ્રવાસીઓને રૅસ્ક્યૂ કરવા માટે આર્મીના જવાનો ત્યાં પહોંચી ગયા છે.
બપોર પછી હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર બાનિહાલ રૂટ પરથી બસને રવાના કરે તેવી શક્યતા છે.
બીબીસી ગુજરાતીએ રામબન પાસે ફસાયેલી કેતન વનસોલા નામની વ્યક્તિ સાથે વાતચીત કરી હતી. તેમના કહેવા પ્રમાણે રામબન મજીક તેમને ખાવા-પીવાની તકલીફ પડી હતી. તેમની બસમાં 50 લોકો સવાર છે. તેમાંથી 25 લોકો પાલનપુરના અને 25 લોકો ગાંધીનગરના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બધા લોકો અંબિકા ટ્રાવેલ્સની બસમાં પ્રવાસે ગયા હતા. જોકે, હાલ આર્મીના જવાનો તેમની મદદ માટે આવી ગયા છે અને તેમને સુરક્ષીત જગ્યાએ લઈ જવાની ખાતરી આપી છે.
આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, અને મુસાફરોને સલામત રીતે તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જમ્મુ અને કાશ્મીરમાં વડગામના લોકો પણ ફસાઈ ગયા છે. આ મામલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે "બનાસકાંઠા જિલ્લાના વણકર સમાજના અને અન્ય સમાજના જે લોકો જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા છે એ મુદ્દે મારે સ્થાનિક આઈએએસ અધિકારી બશીર સાથે વાત થઈ છે. તેમણે કહ્યું કે ખાસ ચિંતા જેવું કંઈ નથી, આર્મી અને પોલીસની ટીમ જે પણ જરૂરી સામગ્રી જોઈશે તે પૂરી પાડશે અને અન્ય સુરક્ષિત રસ્તેથી તમામ ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવશે. થોડો સમય લાગશે પણ બધા હેમખેમ પરત ફરશે."
કૉંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ ઍક્સ પર લખ્યું છે કે "જમ્મુ-કાશ્મીરના રામબનમાં આજે વાદળ ફાટવાની ઘટના બની હતી. ખરાબ હવામાનના કારણે ગુજરાતથી ત્યાં ગયેલી 50 મુસાફરો ભરેલી બસ પણ ત્યાં ફસાઈ હતી. આ ખબર મળતા જમ્મુ કાશ્મીરના અમારા સ્થાનિક નેતાઓ સાથે વાત કરી હતી અને તાત્કાલિક પોલીસ તથા આર્મીની મદદ મળતા હાલ મુસાફરો શ્રીનગર પરત ફરી રહ્યા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન