You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ: આસારામ આશ્રમની જગ્યા સરકાર કેમ ખાલી કરાવી રહી છે, શું છે સમગ્ર મામલો?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
બે રેપ કેસમાં ગુનેગાર સાબિત થયેલા આસારામના અમદાવાદસ્થિત મોટેરા ખાતે આવેલા આશ્રમની જમીન ખાલી કરવાનો રાજ્ય સરકારે આદેશ કર્યો છે.
તાજેતરમાં આસારામના અમદાવાદ પાસેના મોટેરાસ્થિત આશ્રમ સિવાય અન્ય બે આશ્રમની પણ જમીન ખાલી કરવાનો આદેશ કરાયો છે.
નોંધનીય છે કે સરકારે આ ત્રણેય આશ્રમને અગાઉ લીઝ પર જમીન આપી હતી.
સરકારી અધિકારીઓ પ્રમાણે આશ્રમોએ 'શરતભંગ' કરી હોઈ જમીન પરત મેળવવાનો આદેશ થયો છે.
જોકે, આસારામ આશ્રમમાં વહીવટી કામગીરી સંભાળનાર વ્યક્તિ પ્રમાણે સરકાર આગામી વર્ષોમાં 'ઑલિમ્પિકના આયોજન' માટે જમીન પરત લઈ રહી છે. તેમના પ્રમાણે આશ્રમોએ કોઈ શરતભંગ કરેલ નથી.
પ્રાંત અધિકારીના આ આદેશ સામે આશ્રમે એપલેટ ઑથૉરિટી સમક્ષ અપીલ કરી છે.
નોંધનીય છે કે 2036 ઑલિમ્પિકનું આયોજન અહીં થાય તે માટે ગુજરાત સરકારે માસ્ટરપ્લાન બનાવવાની શરૂઆત કરી છે.
જે અંતર્ગત અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ મોટેરા વિસ્તારમાં સરદાર પટેલ સ્પૉર્ટ્સ ઍન્કલેવ બનાવવાનું આયોજન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આયોજન અનુસાર મોટેરામાં 335 એકર જમીનમાં અલગ અલગ સ્પૉટ્સ ફૅસિલિટી ઊભી કરવાનો પ્લાન છે. આ સિવાય અમાદાવાદ અને ગાંધીનગરમાં 650 એકર જમીનમાં સ્પૉર્ટ્સ ફૅસિલિટી ઊભી કરાશે.
નોંધનીય છે કે મોટેરા ખાતે આવેલ 'સંત શ્રીઆસારામ આશ્રમ', 'ભારતીય સેવાસમાજ' અને 'સદાશીવ પ્રજ્ઞા મંડલ' એમ કુલ ત્રણ આશ્રમોને 'શરતભંગ' બદલ જગ્યા ખાલી કરવા માટે 4 એપ્રિલ 2025ના રોજ ગુજરાત સરકારે આદેશ કર્યો છે.
સરકારે અગાઉ આ આશ્રમો ખાલી કરવાની નોટિસ આપી હતી.બાદમાં આશ્રમોનો પક્ષ સાંભળ્યા બાદ જમીન ખાલી કરવાના આદેશ અપાયા છે.
નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 2036માં ભારત ઑલિમ્પિકની યજમાની કરે તેવી ઇચ્છા જાહેર કરી ચૂક્યા છે.
તેમણે કહ્યું હતું કે 'આ 1.4 અબજ ભારતીયોનું સપનું છે અને આવનારાં વર્ષોમાં ભારત રમતગમતના ક્ષેત્રમાં સુપરપાવર ધરાવતા દેશો પૈકીના એક દેશ તરીકે ઊભરશે.'
હવે આગામી સમયમાં અમદાવાદને ઑલિમ્પિક માટે તૈયાર કરવાના દાવા અને આસારામનાં આશ્રમોની જમીન ખાલી કરાવવાના આદેશો એકબીજા સાથે સંકળાયેલા છે કે કેમ એ અંગે બીબીસી ગુજરાતીએ તપાસ કરી હતી.
આશ્રમ સામે કાર્યવાહી બદલ સરકારી અધિકારીએ શું કહ્યું?
અમદાવાદ પશ્ચિમ વિસ્તારના પ્રાંત અધિકારી હિતેશ ઝણકાટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "આસારામ આશ્રમ ,ભારતીય સેવા સમાજ અને સદાશીવ પ્રજ્ઞા મંડલ જે તે વખતે સરકાર દ્વારા જુદા જુદા હુકમોથી શરતી જમીન ફાળવવામાં આવી હતી.આ આશ્રમોએ શરતભંગ કરી હોવાનું સરકારના ધ્યાને આવતાં તેમને શરતભંગની નોટિસ આપવામાં આવી હતી."
તેમણે આગળ કહ્યું હતું કે સંસ્થાઓને તેમનો પક્ષ રજૂ કરવાની પૂરતી તકો અપાયા બાદ આ આદેશ કરવામાં આવ્યો છે.
"ત્રણેય સંસ્થાઓને સાંભળ્યા બાદ જમીન પરત લઈને જમીનમાં શ્રીસરકાર દાખલ કરવાનો 4 એપ્રિલના રોજ આદેશ કરવામાં આવ્યો છે."
જમીન અંગે વધુ માહિતી આપતાં હિતેશ ઝણકાટે કહ્યું હતું, "સંતશ્રી આસારામ આશ્રમની મોટેરા ખાતે 33,980 ચોમી, ભારતીય સેવા સમાજ પાસેથી 80,940 ચોમી અને સદાશીવ પ્રજ્ઞા મંડલ પાસેથી 12,207 ચોમી જમીન શ્રીસરકાર દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે."
આ સંસ્થાઓને વળતર કે અન્ય સ્થળે જગ્યા ફાળવવા અંગેના સવાલના જવાબમાં પ્રાંત અધિકારીએ જણાવ્યું કે, "અત્યારે શરતભંગની કાર્યવાહી કરવામાં આવી છે. જે અંર્તગત વળતરની કોઈ વાત નથી."
આસારામ આશ્રમે સરકારી કાર્યવાહી અંગે શું કહ્યું?
આસારામ આશ્રમની વહીવટી કામગીરી સંભાળનાર વિકાસ ખેમકાએ સરકારી કાર્યવાહી અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં 'આશ્રમે કોઈ શરતભંગ ન કરી' હોવાનું જણાવ્યું .
તેમણે કહ્યું, "સંત શ્રીઆસારામ આશ્રમે સરકારની કોઈ પણ શરતનો ભંગ કરેલ નથી. સરકારની શરતોનું અમે પાલન કરીએ છીએ. સરકારે જે હેતુથી જમીન ફાળવવામાં આવી છે તે હેતુ માટે જ વાપરવામાં આવે છે. આશ્રમ દ્વારા કોઈ દબાણ પણ કરવામાં આવેલ નથી. સરકારે જે જમીન ફાળવી હતી તેટલી જ જમીનનો આશ્રમ ઉપયોગ કરે છે."
વિકાસ ખેમકાએ સરકાર ઑલિમ્પિકના આયોજનના આશયથી શરતભંગની વાત કરી આ કાર્યવાહી કરી રહી હોવાની વાત કરતાં કહ્યું કે "સરકારને આશ્રમની તેમજ આસપાસની જમીનનો ઑલિમ્પિક માટે ઉપયોગ કરવો છે. જેથી સરકાર યેનકેન પ્રકારે જમીન લેવા માંગે છે. સરકાર શરતભંગની આડમાં આશ્રમોની જમીન લઈ રહી છે."
"માત્ર અમારા જ આશ્રમની નહીં, પરંતુ અન્ય આશ્રમોની જમીન પણ સરકાર ઑલમ્પિક માટે જ લઈ રહી છે. અમે રમતગમતના વિરોધી નથી. અમે પણ ઇચ્છીએ જ છીએ કે ઑલિમ્પિકનું આયોજન થાય અને દેશનું નામ રોશન થાય. પરંતુ કોઈનું ઘર ઉજાડીને નહી. સરકાર આ અંગે વિચાર કરી જ્યાં ખાલી જગ્યા હોય તેવી જગ્યાઓ પર આયોજન કરે."
વિકાસ ખેમકાએ જણાવ્યું કે, "આશ્રમે કોઈ શરતભંગ કરી નથી, જેથી આશ્રમે આ અંગે એપલેટ ઑથૉરિટીમાં અપીલ કરી છે. અમે ન્યાયિક કાર્યવાહી કરી રહ્યા છીએ.અમને ભરોસો છે કે અમને ન્યાય મળશે."
આશ્રમોની જગ્યાનો ઉપયોગ આગામી સમયમાં ઑલિમ્પિકના આયોજન માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે થવાનો છે કે કેમ એ સવાલના જવાબમાં હિતેશ ઝણકાટે વાત કરવાનું ટાળ્યું હતું.
ભારતીય સેવા સમાજ અને સદાશીવ પ્રજ્ઞા મંડલ આશ્રમનો પક્ષ જાણવાનો પણ બીબીસી ગુજરાતીએ પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
2036 ઑલિમ્પિક માટે શું તૈયારીઓ ચાલી રહી છે?
અમદાવાદ શહેરના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ફરતે સરદાર પટેલ સ્પૉર્ટસ ઍન્કલેવ ઊભુ કરવામાં આવી રહ્યું છે, જેના માટે જમીનની પસંદગી કરી દેવામાં આવી છે. જેમાં અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથૉરિટી દ્વારા આંતરરાષ્ટ્રીય સંસ્થા પાસે માસ્ટર પ્લાન બનાવવાનું તેમજ ઑલિમ્પિકના આયોજનની પ્રપોઝલ બિડ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે.
અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથૉરિટીના સીઇઓ ડી. પી. દેસાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "ઑલિમ્પિક 2036 ના આયોજન માટે અમે કામ કરી રહ્યા છીએ. ઑલિમ્પિક માટે પ્રપોઝલ બિડ બનાવવા અંગેની કામગીરી માટે ઇન્ટરનૅશનલ એજન્સીને કન્સલટન્ટ તરીકે નીમવામાં આવી છે . એજન્સી દ્વારા બિડ બુક બનાવવા માટેની જરૂરી માહિતી ભેગી કરવામાં આવી રહી છે. જે માટે અગાઉ આયોજિત ઑલિમ્પિક માટે દેશોએ સબમિટ કરેલી બિડ અંગે પણ અભ્યાસ કરી રહ્યા છીએ. આ અંગે સમયાંતરે ઇન્ટરનૅશનલ ઑલિમ્પિક કમિટી સાથે પણ વાર્તાલાપ કરવામાં આવે છે."
ડી. પી,દેસાઈએ જણાવ્યું હતું કે, "ઑલિમ્પિકના આયોજન માટે માસ્ટર પ્લાન બનાવવા માટે પણ ઇન્ટરનૅશનલ એજન્સીને કામગીરી આપવામાં આવી છે. ઑલિમ્પિક માટે કયા ક્યા ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂર પડશે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાં ઊભું કરી શકાય તે અંગેનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. હાલના તબક્કે અમે વિચારી રહ્યા છીએ કે ઑલિમ્પિકની ઓપનિંગ અને ક્લોઝિંગ સૅરિમની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવશે."
"નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ અલગ અલગ ગ્રાઉન્ડ બનાવવામાં આવશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ 335 એકર જમીનમાં સરદાર પટેલ સ્પૉર્ટ્સ ઍન્કલેવ બનાવવાનું આયોજન છે. સ્ટેડિયમ આસપાસની જમીન સંપાદન કરવામાં આવશે."
"અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ 650 એકર જમીનમાં સ્પૉર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે. જેમાં રમતોનાં ગ્રાઉન્ડ હશે. તેમજ ટ્રેનિંગ માટે ઇન્ટરનૅશનલ કક્ષાનાં ગ્રાઉન્ડ પણ ઊભાં કરવામાં આવશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કન્વેન્શન સેન્ટર ઊભું કરાવાનું આયોજન છે."
આ સિવાય તેમણે કહ્યું હતું કે કરાઈ ખાતે આવેલ પોલીસ ઍકેડેમી ખાતે મલ્ટિપર્પઝ ટ્રેનિંગ ઍકેડેમી બનાવવાનું આયોજન છે.
આગળ ડી. પી. દેસાઈએ જણાવ્યું હતું કે "ઑલિમ્પિકમાં કેટલીક રમતો ઉમેરાય અને કેટલીક રમતો કાઢવામાં આવે છે. કરાઈ પોલીસ ઍકેડેમી ખાતે શૂટીંગ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ટ્રેનિંગ સેન્ટર ઊભું કરાશે. ઑલિમ્પિકમાં શૂટિંગ ઇન્ડોર રમતનું કરાઈ ખાતે આયોજન કરવામાં આવશે. ઑલિમ્પિક બાદ પણ ત્યાં શૂટિંગ રેન્જ પોલીસ ટ્રેનિંગ માટે ઉપયોગમા લઈ શકાશે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે "ઑલિમ્પિક બિડમાં 40 કરતાં વધારે ગૅરંટી આપવાની હોય છે. જેમ કે શહેર કક્ષાએ ગૅરંટી આપવાની હોય છે કે ઑલિમ્પિક આયોજન દરમિયાન જે ઘન અને પ્રવાહી કચરો પેદા થશે તેનો નિકાલ કરવામાં આવશે. આ જ પ્રકારે કેટલીક ગૅરંટી રાજ્ય સરકારે અને કેટલીક ગૅરંટી કેન્દ્ર સરકારે આપવાની હોય છે.તે અંગે કામગીરી ચાલી રહી છે."
નોંધનીય છે કે ગુજરાત સરકારે ગુજરાત ઑલિમ્પિક પ્લાનિંગ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૉર્પોરેશન લિમિટેડ નામની એક કંપની પણ બનાવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન