ગૅંગ્સ્ટરે બીબીસીને જણાવ્યું - ભારતના સૌથી મોટા હિપ-હૉપ સ્ટારની હત્યા કેમ થઈ?

બીબીસી ગુજરાતી સિદ્ધુ મૂસેવાલા પંજાબ પોલીસ ગાયક હત્યા લોરેન્સ બિશ્નોઈ ગોલ્ડી બ્રાર
ઇમેજ કૅપ્શન, 2022માં કરવામાં આવેલા ગોળીબારમાં સિદ્ધુ મૂસેવાલાનું મોત થયું હતું
    • લેેખક, સૌતિક બિસ્વાસ અને ઇશલીન કૌર
    • પદ, બીબીસી આઈ ઇન્વેસ્ટિગેશન

તે એક એવી હત્યા હતી જેનાથી સમગ્ર ભારત હચમચી ગયું હતું. ભાડૂતી બંદૂકધારીઓએ પંજાબી હિપ-હૉપ સ્ટાર સિદ્ધુ મૂસેવાલાની તેમની કારના વિન્ડસ્ક્રીન પર ગોળીબાર કરીને હત્યા કરી હતી.

એ ઘટનાના કલાકોમાં જ ગોલ્ડી બ્રાર નામના એક પંજાબી ગૅંગ્સ્ટરે ફેસબુક પોસ્ટ મારફત તે હત્યાનો આદેશ આપ્યાની જવાબદારી સ્વીકારી હતી.

એ હત્યાને ત્રણ વર્ષ થઈ ગયાં પછી પણ આ કેસમાં કોઈની સામે કાર્યવાહી થઈ નથી અને ગોલ્ડી બ્રાર હજુ પણ ફરાર છે. તેનું ઠેકાણું અજ્ઞાત છે.

હવે બીબીસી આઈ ગોલ્ડી બ્રારનો સંપર્ક કરવામાં સફળ થયું છે. સિદ્ધુ મૂસેવાલાને કેવી રીતે અને શા માટે નિશાન બનાવવામાં આવ્યા હતા તે જણાવવાનો પડકાર બીબીસી આઈએ ગોલ્ડી બ્રારને ફેંક્યો હતો.

તેણે ઠંડા કલેજે સ્પષ્ટ પ્રતિભાવ આપ્યો હતો.

ગોલ્ડી બ્રારે બીબીસી વર્લ્ડ સર્વિસને કહ્યું હતું, "મૂસેવાલાએ ઘમંડમાં કેટલીક એવી ભૂલો કરી હતી, જેને માફ કરી શકાય નહીં."

"અમારી પાસે તેને મારી નાખવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. તેણે તેનું કર્યું ભોગવવું પડ્યું. કાં તો એ જીવતો રહે, કાં તો અમે. આટલી સરળ વાત છે."

2022ના મે મહિનાની એક ઉનાળુ સાંજે સિદ્ધુ મૂસેવાલા પંજાબમાંના તેમના ગામ નજીકના ધૂળિયા રસ્તા પર તેમની કાળી મહિન્દ્રા થાર એસયુવીમાં જઈ રહ્યા હતા ત્યારે થોડીવારમાં જ બે કાર તેમનો પીછો કરવા લાગી હતી.

બાદમાં મેળવવામાં આવેલું સીસીટીવી ફૂટેજ દર્શાવે છે કે વાહનો સાંકડા રસ્તામાંથી પસાર થતી વખતે એકમેકની નજીકથી ટર્ન લેતાં હતાં. પછી રસ્તાના એક વળાંક પર એક વાહન આગળ પહોંચી ગયું અને મૂસેવાલાની એસયુવી દીવાલ સાથે અથડાઈ. થોડીવારમાં ગોળીબાર શરૂ થયો.

મૂસેવાલાને 24 ગોળીઓ મારવામાં આવી

બીબીસી ગુજરાતી સિદ્ધુ મૂસેવાલા પંજાબ પોલીસ ગાયક હત્યા લોરેન્સ બિશ્નોઈ ગોલ્ડી બ્રાર

ઇમેજ સ્રોત, SIDHU MOOSE WALA/FB

એ પછીનો ઘટનાક્રમ મોબાઇલ ફૂટેજમાં કેદ થયો હતો. મૂસેવાલાની એસયુવી પર ધાણીફૂટ ગોળીબાર કરવામાં આવ્યો હતો, વિન્ડસ્ક્રીન તૂટી ગઈ હતી, બોનેટ પંક્ચર થઈ ગયું હતું.

નજીક ઊભેલા લોકોએ ગભરાટભર્યા સ્વરમાં આઘાત અને ચિંતા વ્યક્ત કર્યા હતા.

"કોઈ તેને કારમાંથી બહાર કાઢો."

"થોડું પાણી લાવો."

"મૂસેવાલા પર ગોળીબાર કરવામાં આવ્યો છે."

ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. હૉસ્પિટલમાં પહોંચતાની સાથે જ મૂસેવાલાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોસ્ટમૉર્ટમ પછી ખબર પડી કે તેમને 24 ગોળીઓ વાગી હતી. 28 વર્ષના મૂસેવાલા આધુનિક પંજાબના સૌથી મોટા કલ્ચરલ આઇકન પૈકીના એક હતા અને તેમની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

બીબીસી ગુજરાતી સિદ્ધુ મૂસેવાલા પંજાબ પોલીસ ગાયક હત્યા લોરેન્સ બિશ્નોઈ ગોલ્ડી બ્રાર

ઇમેજ સ્રોત, SIDHU MOOSE WALA/FB

ઇમેજ કૅપ્શન, સિદ્ધુ મૂસેવાલાનાં ઘણાં ગીતો સુપરહિટ થયાં છે, પણ તેઓ 'ગન કલ્ચર'ને પ્રોત્સાહન આપતા તેવી ટીકા થતી હતી

હુમલો થયો એ વખતે મૂસેવાલાની સાથે તેમના પિતરાઈ ભાઈ અને એક મિત્ર હતા. એ બન્ને ઘાયલ થયા હતા, પરંતુ બચી ગયા હતા.

છ બંદૂકધારીઓને આખરે ઓળખી કાઢવામાં આવ્યા હતા. તેમની પાસે એકે-47 રાઇફલો અને પિસ્તોલો હતી. હત્યાના એક અઠવાડિયામાં લગભગ 30 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બે શસ્ત્રધારી શકમંદો પોલીસ સાથેના "ઍન્કાઉન્ટર"માં માર્યા ગયા હતા.

સંખ્યાબંધ લોકોની ધરપકડ છતાં મૂસેવાલાની હત્યા પાછળનો હેતુ અસ્પષ્ટ રહ્યો છે.

મૂસેવાલાની હત્યાનો આદેશ પોતે આપ્યો હોવાનો દાવો ગોલ્ડી બ્રાર કરે છે, પણ હત્યા વખતે તે ભારતમાં ન હતો. તે કૅનેડામાં હતો એવું માનવામાં આવે છે.

અમે તેની સાથે છ કલાક સુધી વાતચીત કરી હતી. તેમાં વૉઇસ નોટ્સની આપ-લે કરવામાં આવી હતી. તેનાથી અમને મૂસેવાલાની હત્યા શા માટે કરવામાં આવી હતી તે શોધવાની અને હત્યાની જવાબદારી સ્વીકારનાર વ્યક્તિનો હેતુ જાણવાની તક મળી હતી.

વીડિયો કૅપ્શન, પંજાબી હિપ-હૉપ આઇકન સિદ્ધુ મૂસેવાલાની હત્યા અંગે BBCEyeનું ઇન્વેસ્ટિગેશન

મૂસેવાલા પર ટુપૈક શકુરનો પ્રભાવ હતો

બીબીસી ગુજરાતી સિદ્ધુ મૂસેવાલા પંજાબ પોલીસ ગાયક હત્યા લોરેન્સ બિશ્નોઈ ગોલ્ડી બ્રાર

ઇમેજ સ્રોત, Joseph Okpako/ Getty Images

ઇમેજ કૅપ્શન, સિદ્ધુ મૂસેવાલા યુકેમાં એક પ્રોગ્રામ દરમિયાન
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સિદ્ધુ મૂસેવાલાનું મૂળ નામ શુભદીપ સિંહ સિદ્ધુ હતું. તેમનો જન્મ ગ્રામ્ય પંજાબના એક જાટ-શીખ પરિવારમાં થયો હતો. ઍન્જિનિયરિંગનો અભ્યાસ કરવા તેઓ 2016માં કૅનેડા ગયા હતા. પરદેશમાં વસતા લાખો પંજાબીઓ એ યાત્રાથી સારી રીતે પરિચિત છે.

સિદ્ધુએ રેપર તરીકેના પોતાના નામમાં મૂસેવાલા જોડવાની પ્રેરણા તેમના ગામના નામ મૂસામાંથી લીધી હતી. મૂસેવાલાથી હજારો કિલોમીટર દૂર કૅનેડામાં સિદ્ધુએ ખુદને પંજાબી સંગીતના સૌથી પ્રભાવશાળી કલાકારો પૈકીના એક તરીકે સ્થાપિત કર્યા હતા. માત્ર પાંચ જ વર્ષમાં મૂસેવાલા પંજાબી હિપ-હૉપનો સૌથી જાણીતો અવાજ બની ગયા હતા.

પોતાના વિશિષ્ટ સ્વૅગ, ઝમકદાર શૈલી અને કાવ્યમયતા સાથે મૂસેવાલાએ ઓળખ તથા રાજકારણ, બંદૂકો તથા બદલા વિશેનાં ગીતો ખુલ્લેઆમ ગાયાં હતાં. તેમની કળા પંજાબી સંગીતને વળોટી ગઈ હતી.

તેઓ ટુપૈક શકુર નામના રેપરથી પ્રભાવિત હતા. ટુપૈક શકુરની 1996માં 25 વર્ષની વયે હત્યા કરવામાં આવી હતી.

મૂસેવાલાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "વ્યક્તિત્વના સંદર્ભમાં હું તેમના જેવો બનવા માંગુ છું. જે દિવસે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે લોકો તેમના માટે રડ્યા હતા. હું પણ એવું જ ઇચ્છું છું કે મારું મૃત્યુ થાય ત્યારે લોકો યાદ રાખે કે હું પણ કશુંક હતો."

ટૂંકી પરંતુ વિસ્ફોટક કારકિર્દી દરમિયાન મૂસેવાલાએ ગ્રામીણ જીવન માટે ગાઢ સ્મૃતિ જગાવવાની સાથે પંજાબના ગૅંગ્સ્ટર કલ્ચર, બેરોજગારી અને સડેલા રાજકારણ પર પ્રકાશ ફેંક્યો હતો.

મૂસેવાલા એક વૈશ્વિક શક્તિ પણ હતા. યૂટ્યુબ પરના તેમના મ્યુઝિક વીડિયોના પાંચ અબજથી વધારે વ્યૂઝ, યુકેના ચાર્ટમાં ટોચના પાંચ કળાકારોમાં સ્થાન અને બર્ના બૉય સહિતના આંતરરાષ્ટ્રીય હિપ-હૉપ કળાકારો સાથેના જોડાણ વડે મૂસેવાલાએ ભારત, કૅનેડા, યુકે અને તેનાથી પણ આગળ સતત વિસ્તરતો ચાહક વર્ગ બનાવ્યો હતો. એ બધા વિદેશમાં વસતા ભારતીયો હતા, જે મૂસેવાલાને આઇકન અને બળવાખોર બન્ને ગણતા હતા.

જોકે, મૂસેવાલાએ આ ખ્યાતિ માટે કિંમત ચૂકવવી પડી હતી. મૂસેવાલા ઊભરતા સ્ટાર હતા અને તેમનાં ગીતો સામાજિક સભાનતા સાથેનાં હતાં. તેમ છતાં તેઓ ખતરનાક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા હતા.

વિદ્રોહી વલણ, પ્રચંડ લોકપ્રિયતા અને વધતા પ્રભાવને કારણે મૂસેવાલા તરફ પંજાબના સૌથી ભયાનક ગુંડાઓનું ધ્યાન ખેંચાયું હતું. તેમાં ગોલ્ડી બ્રાર અને બ્રારના દોસ્ત લૉરેન્સ બિશ્નોઈનો સમાવેશ થાય છે. આ બન્ને તે સમયે પણ ભારતમાં હાઈ-સિક્યૉરિટી જેલમાં હતા.

એક સમયે બિશ્નોઈ વિદ્યાર્થી નેતા હતા

બીબીસી ગુજરાતી સિદ્ધુ મૂસેવાલા પંજાબ પોલીસ ગાયક હત્યા લોરેન્સ બિશ્નોઈ ગોલ્ડી બ્રાર

ઇમેજ સ્રોત, Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, લૉરેન્સ બિશ્નોઈ (મધ્યમાં) ભારતમાં સૌથી કુખ્યાત ગૅંગનું સંચાલન કરે છે

ગોલ્ડી બ્રારનું નામ ઇન્ટરપોલની રેડ નોટિસ સૂચિમાં છે અને લૉરેન્સ બિશ્નોઈ સંચાલિત ગૅંગ્સ્ટર્સના નેટવર્કમાં તે એક મુખ્ય ઑપરેટિવ છે. એ સિવાય તેમના વિશે ખાસ કશું જગજાહેર નથી. લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ લોકો પર હુમલા કરાવે છે, ધમકીઓ આપે છે અને ગૅંગની પહોંચ વધારવાનું કામ કરે છે. મૂસેવાલા કૅનેડા ગયાના એક વર્ષ પછી 2017માં તે કૅનેડા ગયો હતો અને શરૂઆતમાં ટ્રક ડ્રાયવર તરીકે કામ કરતો હતો.

એક સમયે પંજાબના હિંસક કૅમ્પસ પૉલિટિક્સમાં જે સક્રિય વિદ્યાર્થી નેતા હતો તે લૉરેન્સ બિશ્નોઈ ભારતના સૌથી ભયાનક ગુનાહિત માસ્ટરમાઇન્ડ્સ પૈકીનો એક બની ગયો છે.

ટ્રિબ્યુન દૈનિકના નાયબ તંત્રી જુપિન્દર સિંહના કહેવા મુજબ, "લૉરેન્સ બિશ્નોઈ સામે દાખલ કરાયેલા પ્રારંભિક પોલીસ કેસ રાજકારણ અને સ્ટુડન્ટ ઇલેક્શન્સ સંબંધી..હરીફ વિદ્યાર્થી નેતાને માર મારવો, તેનું અપહરણ કરવું, તેને નુકસાન પહોંચાડવું વગેરે સંબંધી હતા."

એ કેસને કારણે લૉરેન્સ જેલમાં ગયો હતો અને રીઢો બન્યો હતો, એવું પંજાબ પોલીસની ગૅંગ્સ્ટર વિરોધી ટાસ્ક ફોર્સના આસિસ્ટન્ટ ઇન્સપેક્ટર જનરલ ગુરમીત સિંહ ચૌહાણ જણાવે છે.

"જેલમાં ગયા પછી તે ગુનાખોરીની દુનિયામાં વધુ ઊંડો ઊતરવા લાગ્યો. તેણે પોતાનું એક જૂથ બનાવ્યું. ગૅંગ બની ત્યારે ટકી રહેવા માટે તેને પૈસાની, વધુ માનવશક્તિની, વધુ શસ્ત્રોની જરૂર પડી. એ બધા માટે પૈસા જરૂરી હતા અને પૈસા મેળવવા માટે ખંડણી વસૂલવાના ધંધામાં અને ગુનાખોરીમાં ઊતરવું પડે."

બિશ્નોઈ અને મૂસેવાલા વચ્ચે વાતચીત થતી હતી

બીબીસી ગુજરાતી સિદ્ધુ મૂસેવાલા પંજાબ પોલીસ ગાયક હત્યા લોરેન્સ બિશ્નોઈ ગોલ્ડી બ્રાર
ઇમેજ કૅપ્શન, ગોલ્ડી બ્રાર (જમણે) સાથે લૉરેન્સ બિશ્નોઈ

હવે 31 વર્ષનો થયેલો બિશ્નોઈ જેલના સળિયા પાછળથી તેની સિન્ડિકેટ ચલાવે છે. તેના સમર્પિત ઇન્સ્ટાગ્રામ પેજીસ અને સંપ્રદાયની જેમ તેને અનુસરતા ચાહકો છે.

ગુરમીત સિંહ ચૌહાણ કહે છે, "બિશ્નોઈ જેલમાં છે ત્યારે ગોલ્ડી બ્રાર ગૅંગનું સંચાલન કરે છે."

ગોલ્ડી બ્રાર સાથે સંપર્ક સ્થાપવામાં, સ્રોતો કેળવવામાં, જવાબોની રાહ જોવામાં ધીમે ધીમે સૂત્રધારની નજીક પહોંચવામાં બીબીસી આઈને એક વર્ષ થયું, પરંતુ અમે ગોલ્ડી બ્રાર સુધી પહોંચ્યા ત્યારે વાતચીતમાંથી એ જાણવા મળ્યું હતું કે લૉરેન્સ બિશ્નોઈ મૂસેવાલાને કેવી રીતે અને શા માટે દુશ્મન માનવા લાગ્યો હતો.

એક ખુલાસો એ હતો કે બિશ્નોઈને મૂસેવાલા સાથે વર્ષો જૂનો, તેમની હત્યા થઈ એના ઘણા સમય પહેલાંથી સંબંધ હતો.

ગોલ્ડી બ્રારે કહ્યું હતું, "લૉરેન્સ મૂસેવાલાના સંપર્કમાં હતો. તેમનો પરિચય કોણે કરાવ્યો હતો તેની મને ખબર નથી અને મેં ક્યારેય પૂછ્યું પણ નથી, પણ તેમની વચ્ચે વાતચીત જરૂર થતી હતી."

"લૉરેન્સની ખુશામત કરવા સિદ્ધુ ગુડ મૉર્નિંગ અને ગુડ નાઇટ મેસેજીસ મોકલતો હતો."

મૂસેવાલાના એક મિત્રએ અનામ રહેવાની શરતે વાત કરી હતી. તેમણે પણ અમને જણાવ્યું હતું કે બિશ્નોઈ 2018ની શરૂઆતમાં મૂસેવાલા સાથે સંપર્કમાં આવ્યો હતો. તેણે જેલમાંથી ફોન કરીને મૂસેવાલાને કહ્યું હતું કે તેનું સંગીત તેને ગમે છે.

'કબડ્ડીની ટુર્નામેન્ટના કારણે વિવાદ થયો'

બીબીસી ગુજરાતી સિદ્ધુ મૂસેવાલા પંજાબ પોલીસ ગાયક હત્યા લોરેન્સ બિશ્નોઈ ગોલ્ડી બ્રાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કબડ્ડીની એક ટુર્નામેન્ટના મુદ્દે મૂસેવાલા અને બિશ્નોઈ ગૅંગ વચ્ચે ઝઘડો થયો હતો

બ્રારના કહેવા મુજબ, મૂસેવાલા ભારત પાછો ફર્યો પછી તેમની વચ્ચે "પહેલો વિવાદ" શરૂ થયો હતો. પંજાબના એક નાના ગામમાં કબડ્ડીની દેખીતી રીતે નિર્દોષ મૅચથી તેની શરૂઆત થઈ હતી.

બ્રારના જણાવ્યા મુજબ, બિશ્નોઈની હરીફ બંબીહા ગૅંગ દ્વારા આયોજિત એ ટુર્નામેન્ટનો પ્રચાર મૂસેવાલાએ કર્યો હતો. કબડ્ડીની રમતમાં મૅચ ફિક્સિંગ અને ગૅંગ્સ્ટર્સનો પ્રભાવ વ્યાપક હોય છે.

બ્રારે બીબીસી આઈને કહ્યું હતું, "અમારા હરીફો એ ગામના છે. મૂસેવાલા અમારા હરીફોને પ્રમોટ કરતો હતો. તેમણે સિદ્ધુને ધમકી આપી હતી અને કહ્યું હતું કે તેઓ તેને છોડશે નહીં."

આખરે મૂસેવાલા અને બિશ્નોઈ વચ્ચેના વિવાદનું સમાધાન બિશ્નોઈના એક સહયોગી વિકી મિદુખેરાએ કરાવ્યું હતું.

બ્રારના જણાવ્યા મુજબ, ઑગસ્ટ 2021માં મોહાલીના એક પાર્કિંગ લૉટમાં ગુંડાઓએ મિદુખેરાની ગોળી મારીને હત્યા કરી ત્યારે મૂસેવાલા પ્રત્યેની બિશ્નોઈની દુશ્મનાવટ એ બિંદુએ પહોંચી ગઈ હતી, જ્યાંથી પાછા ફરવું મુશ્કેલ હતું.

મિદુખેરાની હત્યાની જવાબદારી બંબીહા ગૅંગે સ્વીકારી હતી. પોલીસે ચાર્જશીટમાં મૂસેવાલાના દોસ્ત અને મૅનેજર શગનપ્રીત સિંહનું નામ લખ્યું હતું. તેણે બંદૂકધારીઓને માહિતી અને લૉજિસ્ટિકલ સપોર્ટ આપ્યો હોવાનું પોલીસે નોંધ્યું હતું. શગનપ્રીત સિંહ બાદમાં ભારતમાંથી નાસી છૂટ્યો હતો. તે ઑસ્ટ્રેલિયામાં હોવાનું માનવામાં આવે છે. આ ઘટનામાં પોતે સંડોવાયેલો હોવાનો મૂસેવાલાએ ઇનકાર કર્યો હતો.

બ્રારે હત્યા માટે શું કારણ આપ્યું?

બીબીસી ગુજરાતી સિદ્ધુ મૂસેવાલા પંજાબ પોલીસ ગાયક હત્યા લોરેન્સ બિશ્નોઈ ગોલ્ડી બ્રાર
ઇમેજ કૅપ્શન, વિક્કી મિદુખેરા(જમણે)ને બિશ્નોઈ (જમણે) અને બ્રાર બંને સાથે ગાઢ સંબંધ હતો

પંજાબ પોલીસે બીબીસીને જણાવ્યું હતું કે મૂસેવાલાની હત્યાને સાંકળતા અથવા ગૅંગ સંબંધી ગુનાઓના કોઈ પુરાવા નથી, પરંતુ મૂસેવાલા શગનપ્રીત સિંહનો દોસ્ત હતો અને તે બંબીહા ગૅંગ સાથે જોડાયેલો હોવાની ધારણાને ક્યારેય દૂર કરી શક્યો ન હતો. એ ધારણાને કારણે કદાચ મૂસેવાલાએ તેનો જીવ ગુમાવવો પડ્યો હશે.

જોકે, મૂસેવાલાની સંડોવણીનો કોઈ પુરાવો બ્રાર આપી શક્યો નથી, પરંતુ તેને ખાતરી છે કે મૂસેવાલા મિદુખેરાની હત્યામાં કોઈક રીતે સામેલ હતો. બ્રારે અમને વારંવાર જણાવ્યું હતું કે મિદુખેરા પર ગોળીબાર કરવામાં આવ્યો તે પહેલાંના દિવસોમાં શગનપ્રીત સિંહે બંદૂકધારીઓને મદદ કરી હતી અને તેની ધારણા છે કે મૂસેવાલા પોતે પણ તેમાં સામેલ હશે.

બ્રારે બીબીસી આઈને કહ્યું હતું, "સિદ્ધુની ભૂમિકા બધા જાણતા હતા. તપાસ કરી રહેલી પોલીસ જાણતી હતી, પત્રકારો પણ જાણતા હતા. સિદ્ધુએ રાજકારણીઓ અને સત્તામાં રહેલા લોકો સાથે સંબંધ કેળવ્યા હતા. એ રાજકીય શક્તિ, પૈસા અને તેનાં સંસાધનોના ઉપયોગ વડે અમારા હરીફોને મદદ કરતો હતો."

"અમે ઇચ્છતા હતા કે તેને તેના કામ માટે સજા મળે. તેની સામે કેસ દાખલ થવો જોઈતો હતો. તેને જેલમાં ધકેલી દેવો જોઈતો હતો, પરંતુ કોઈએ અમારી અરજ સાંભળી નહીં."

"તેથી અમે જાતે જ એ કામ કર્યું. શિષ્ટાચાર બહેરા કાને અથડાય છે ત્યારે બંદૂકની ગોળીનો અવાજ સંભળાય છે."

અમે બ્રારને સવાલ કર્યો હતો કે ભારતમાં ન્યાયિક વ્યવસ્થા અને કાયદાનું શાસન છે ત્યારે તમે કાયદો હાથમાં લેવાના કૃત્યને કઈ રીતે વાજબી ઠેરવી શકો?

બ્રારે કહ્યું હતું, "કાયદો, ન્યાય. એવું કશું નથી. ફક્ત શક્તિશાળી લોકો જ ન્યાય મેળવી શકે છે. અમારા જેવા સામાન્ય લોકો નહીં."

બ્રારે ઉમેર્યું હતું કે વિકી મિદુખેરાનો ભાઈ રાજકારણમાં હોવા છતાં ભારતની ન્યાયિક વ્યવસ્થા દ્વારા ન્યાય મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

"તે પ્રમાણિક વ્યક્તિ છે. તેણે તેના ભાઈ માટે ન્યાય મેળવવા કાયદેસર ખૂબ પ્રયાસ કર્યો છે. કૃપા કરીને ફોન કરીને તેને પૂછો કે શું ચાલી રહ્યું છે."

બ્રારને કોઈ પસ્તાવો હોય તેવું લાગતું ન હતું.

"મારા ભાઈ માટે મારે જે કરવાનું હતું તે મેં કર્યું છે. મને કોઈ પસ્તાવો નથી."

મૂસેવાલાની હત્યાથી એક મોટી સંગીત પ્રતિભા ગુમાવવા ઉપરાંત પંજાબના ગુંડાઓની હિંમત પણ વધી છે.

બીબીસી ગુજરાતી સિદ્ધુ મૂસેવાલા પંજાબ પોલીસ ગાયક હત્યા લોરેન્સ બિશ્નોઈ ગોલ્ડી બ્રાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સપ્ટેમ્બર 2021માં લંડનમાં વાયરલેસ ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરી રહેલા મૂસેવાલા

મૂસેવાલાની હત્યા પહેલાં પંજાબની બહાર બહુ ઓછા લોકો બિશ્નોઈ કે બ્રાર વિશે જાણતા હતા.

હત્યા પછી બન્ને બધે જાણીતા થઈ ગયા છે. તેમણે મૂસેવાલાની પ્રખ્યાતિને હાઇજૅક કરી છે અને પોતાની કુખ્યાતિમાં પરિવર્તિત કરી દીધી છે. તેમની કુખ્યાતિ ખંડણી માટે એક શક્તિશાળી શસ્ત્ર બની ગઈ છે.

પંજાબ સ્થિત પત્રકાર રિતેશ લાખી કહે છે, "પંજાબમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં થયેલી આ સૌથી મોટી હત્યા છે. ગુંડાઓની પૈસા પડાવવાની ક્ષમતા વધી ગઈ છે. મૂસેવાલાની હત્યા પછી ગોલ્ડી બ્રારને મોટા પ્રમાણમાં નાણાં મળી રહ્યાં છે."

આ વાત સાથે સંમત થતાં પત્રકાર જુપિન્દર સિંહ કહે છે, "લોકોમાં ગુંડાઓનો ભય વધ્યો છે."

પંજાબી સંગીત ઉદ્યોગમાં ખંડણી લાંબા સમયથી એક સમસ્યા બની રહી છે, પરંતુ સિદ્ધુની હત્યા પછી "માત્ર સંગીત અને ફિલ્મ ઉદ્યોગના લોકો જ નહીં, સ્થાનિક ઉદ્યોગપતિઓ પાસેથી પણ ખંડણી ઉઘરાવવામાં આવી રહી છે,"સિંહ કહે છે.

બીબીસી આઈએ આ અંગે બ્રારને સવાલ કર્યો ત્યારે તેમણે આ હેતુ હોવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સ્પષ્ટ કબૂલ્યું હતું કે ખંડણી ગૅંગના કામકાજનું કેન્દ્રબિંદુ છે.

"ચાર લોકોના પરિવારનું ભરણપોષણ કરવા માટે એક માણસે આખી જીંદગી સંઘર્ષ કરવો પડે છે. અમારે અમારા પરિવાર જેવા હજારો કે સેંકડો લોકોની સંભાળ રાખવી પડે છે. અમારે તે લોકો માટે ખંડણી ઉઘરાવવી પડે છે."

બ્રારે ઉમેર્યું હતું, "પૈસા મેળવવા માટે અમારો ભય હોવો જરૂરી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન