લાંબા સમયથી ફરાર ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર, સમર્થકોનો હોબાળો

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાતના નર્મદા જિલ્લાની ડેડિયાપાડા વિધાનસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વાર ચર્ચામાં છે.

ચૈતર વસાવા સામે થયેલી પોલીસ ફરિયાદ બાદ લગભગ એક મહિના કરતાં પણ વધુ સમયથી તેઓ ફરાર હતા.

ત્યારબાદ ચૈતર વસાવા ડેડિયાપાડામાં આજે પોલીસ સમક્ષ હાજર થયા છે. ડેડિયાપાડામાં પોલીસ સ્ટેશનની બહાર તેમના હજારો સમર્થકો ઊમટી પડ્યા છે અને તેમણે નારેબાજી અને હોબાળો કર્યાં છે.

ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા જેવા નેતાઓ પણ ડેડિયાપાડા પહોંચ્યા છે.

મીડિયા અહેવાલો અનુસાર ચૈતર વસાવા પોલીસ સમક્ષ સરેન્ડર કરવા પહોંચ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે ગઈ કાલે આમ આદમી પાર્ટીના વીસાવદરથી ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ આજે પક્ષના બીજા ધારાસભ્ય અને મોટો આદિવાસી ચહેરો ગણાતા ચૈતર વસાવાની ધરપકડનાં એંધાણ મળતા ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

ચૈતર વસાવાએ શું કહ્યું?

પોલીસ સમક્ષ હાજર થતાં પહેલા ચૈતર વસાવાએ વીડિયો મારફતે એક નિવેદન આપ્યું છે.

તેમણે આ નિવેદનમાં છેલ્લા એક મહિનાથી ડેડિયાપાડાના લોકોના કામ ન કરી શકવા બદલ તેમની માફી માગી હતી.

તેમણે કહ્યું હતું કે, “ડેડિયાપાડાથી ચૂંટાયા બાદ શિક્ષણ, આરોગ્ય, વિદ્યાર્થીઓ, પાણી, રોડ-રસ્તા સહિતના તમામ મુદ્દે મેં લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કર્યું છે, દરેક લોકોને મદદ કરી છે. આદિવાસી અસ્મિતા જગાડવા મુદ્દે, મણિપુરના મુદ્દે, સમાન નાગરિક સંહિતા મુદ્દે પણ અમે કામ કર્યું છે. નર્મદા પૂર સમયે પણ લોકોની સાથે ઊભા રહ્યા હતા અને લોકોની સેવા કરી હતી.”

“આટલી નાની ઉંમરનો ધારાસભ્ય અમારી સામે કેમ લડે છે એ જોઈને ભાજપના પેટમાં તેલ રેડાયું છે. મારું ધારાસભ્ય પદ રદ્દ કરવા માટે ભાજપે અનેક કાવતરાં કર્યાં અને હજુ પણ ખોટા કેસો કરીને મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે. ગઈ લોકસભાની જેમ આ વખતે પણ મને ગોંધી રાખવાનો ભાજપનો પ્લાન છે.”

શું છે સમગ્ર મામલો?

આ સમગ્ર ફરિયાદ શું છે તે અંગે નર્મદા જિલ્લાના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ પ્રશાંત સુંબેએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની હદમાં 29 ઑકટોબરે વનવિભાગના કેટલાક કર્મચારીઓ તરફથી વનવિભાગની જમીનમાં ખેડૂતો દ્વારા દબાણ કરીને ખેતી કરવામાં આવતી હતી જેને દૂર કરવામાં આવી હતી."

"આ અંગે વાત કરવા માટે ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વનનિભાગના કર્મચારીઓને તેમના ઘરે બોલાવ્યા હતા."

"વનવિભાગના કર્મચારીઓ એમના ઘરે ગયા હતા ત્યારે તેમની સાથે બોલાચાલી કરી તેમજ મારપીટ કરી હતી. ખેડૂતોને પૈસા આપવાનું કહ્યું હતું."

"પૈસા નહીં આપવામાં આવે તો તમને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. એક વેપન (હથિયાર)થી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બીજા દિવસે પણ કર્મચારીઓ પાસે પૈસા અંગે માગણી કરવામાં આવી હતી."

"જેથી વનવિભાગના કર્મચારીઓએ એક ખેડૂતને પૈસા આપી દીધા હતા ત્યાર બાદ વનવિભાગના અધિકારીઓ આ પૂરો મામલો આમારી સામે લાવ્યા હતા."

રાજ્ય સરકાર તરફથી વનવિભાગના કર્મચારીઓએ આ અંગે ફરિયાદ દાખલ કરાવી છે. આ મુદ્દે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓ જેમાં ધારાસભ્યના પીએ, તેમનાં પત્ની તેમજ એક બીજા ખેડૂતની ધરપકડ કરવામાં આવી છે. આગળની કાર્યવાહી ચાલી રહી છે.

એસપી પ્રશાંત સુંબેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "આ કેસમાં અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ થઈ છે. બાકીના લોકો ફરાર છે."

આ ફરિયાદમાં આરોપીઓ પર અભદ્ર ગાળો બોલવાનો તથા ફરિયાદીને ગાલ પર લાફા મારવાનો પણ આરોપ છે.

ચૈતર વસાવા પર વનવિભાગના કર્મચારીઓને એક લાઇનમાં ઊભા રાખીને પોતાની પિસ્તોલથી હવામાં ફાયરિંગ કર્યા હોવાનો પણ આરોપ છે.

તેમની પર વનવિભાગના કર્મચારીઓને ધાકધમકી આપવાનો પણ આરોપ છે.

સમગ્ર કેસમાં 29 ઑક્ટોબરના દિવસે ધારાસભ્ય ચૈતર વસાવા, પત્ની શકુંતલાબહેન, ડુંગર ભાંગડાભાઈ વસાવાની બે દીકરીઓ, રમેશભાઈ વસાવા, રમેશભાઈનાં પત્ની અને બે અજાણ્યા શખ્સો, ધારાસભ્યના પીએ સામે આઈપીસીની કલમ 143, 147, 148, 149, 186, 189, 332, 353, 386, 294 (ખ), 506(2), 34 તથા હથિયાર ધારો 25 (એ)1 મુજબ ફરિયાદ નોંધાઈ છે.

ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે. જ્યારે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સહિતના અન્ય આરોપી ફરાર હતા.

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ લગાવ્યા આરોપો

ચૈતર વસાવા સામે દાખલ કરવામાં આવેલી ફરિયાદ મામલે ભાજપના સાંસદ અને આદિવાસી નેતા મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ચૈતરભાઈ વસાવાના ગામના લોકો જંગલ ખાતાની જમીન ગેરકાયદેસર ખેડતા હતા. જંગલ ખાતાના કર્મચારીઓ દ્વારા તેઓને આ જંગલની જમીન પર ખેતી કરવા અંગે વારંવાર ના પાડવામાં આવી હતી. તેમ છતાં, ખેડૂત દ્વારા ત્યાં કપાસ વાવી દેવામાં આવ્યો હતો."

"આ બાબત વનકર્મીઓના ધ્યાનમાં આવતા તેઓએ કહ્યું હતું કે જો વિભાગનું ચેકિંગ આવશે અને આ જંગલ ખાતાની જમીન પર કપાસ ઊભો થઈ ગયો હોવાની જાણ થશે, તો અમારી નોકરી જોખમમાં મુકાશે. જેથી તેમણે ગેરકાયદેસર રીતે ઉગાડેલો કપાસ થોડો ઉખાડ્યો હતો.”

તેમણે વધુમાં જણાવ્યું, “ત્યારબાદ આ ખેડૂત ચૈતરભાઈ વસાવા પાસે ગયા હતા. ચૈતર વસાવાએ બે ફોરેસ્ટર તેમજ ત્રણ બીટ ગાર્ડને પોતાના ઘરે બોલાવી માર માર્યો હતો. તેઓને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. આ બાબત ફોરેસ્ટ ખાતાના ઉપરી અધિકારીઓના ધ્યાનમાં આવતા ઉપરી અધિકારીઓએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી."

"આ ગેરકાયદેસર રીતે જમીન ખેડનાર પણ આદિવાસી છે તેમજ તેમની રક્ષણ કરનાર વનકર્મીઓ પણ આદિવાસી છે. જેથી આ મુદ્દો આદિવાસી અને બિનઆદિવાસીનો નથી પરંતુ જંગલ બચાવવાનો છે.”

મનસુખ વસાવાએ કહ્યું, “ચૈતર વસાવા દ્વારા આદિવાસીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે, સરકાર અને ભારતીય જનતા પક્ષ (ભાજપ) આદિવાસી વિરોધી છે, પરંતુ એવું જરાય નથી. પરંતુ જેણે ગુનો કર્યો છે તેની સામે કાયદેસર કાર્યવાહી થાય."

તો આ મામલે કૉંગ્રેસના વાંસદાથી ધારાસભ્ય અનંત પટેલે ચૈતર વસાવાનું સમર્થન કર્યું હતું અને તેમના સમર્થનમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો.

ચૈતર વસાવા સામે થયેલી ફરિયાદને આમ આદમી પાર્ટીએ રાજકીય ષડ્યંત્ર ગણાવી રહી છે. જ્યારે સત્તાપક્ષે વિપક્ષ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.