મહિલા વર્લ્ડકપ : ફૂટબૉલની દુનિયામાં સમાનતાનો ધ્વજ લહેરાવનાર મહિલાઓની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૅબેકા થૉર્ન
- પદ, બીબીસી 100 વીમેન
ફૂટબૉલના મહિલા વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા અને ફ્રાન્સ વચ્ચે મૅચ પૂર્ણ થયા બાદ કૅટરીના ગોરી પ્રેક્ષકો સામે હાથ હલાવીને તેમનું અભિવાદન ઝીલી રહ્યાં હતાં. એ સમયે તેમના હાથમાં તેમની બે વર્ષની દીકરી હાર્પર પણ હતી.
મૅચમાં પૅનલ્ટી શૂટઆઉટ દરમિયાન ઑસ્ટ્રેલિયાનાં ખેલાડી ગોરીએ ગૉલ કર્યા પછી પ્રેક્ષકો સામે જોયું અને પોતાના હાથને પારણું ઝુલાવતાં હોય તેમ ફેરવ્યો. એ તેમની બે વર્ષની દીકરી હાર્પર માટે કરવામાં આવેલું અભિવાદન હતું.
તેના પછી તેઓ હાર્પરને મેદાનમાં લઈ આવ્યાં હતાં. બંનેએ એક સમાન શૂઝ પહેર્યા હતા અને તેઓ પ્રેક્ષકોનું અભિવાદન ઝીલી રહ્યાં હતાં. બીજી બાજુ પ્રેક્ષકો પણ ફ્રાન્સની જીતની ખુશીમાં નાચી રહ્યા હતા.
આ વર્લ્ડકપમાં એવા ઘણા ખેલાડીઓ છે જેમનાં બાળકો છે. મેદાનમાં ઊતરતા આ ખેલાડીઓ દર્શાવે છે કે કેવી રીતે આ ખેલાડીઓ ટોચના સ્તરે ફૂટબૉલ રમતી વખતે પણ પૅરેન્ટીંગ અને રમત વચ્ચે સંતુલન જાળવી રહ્યા છે.
આ ખેલાડીઓ સફળ અને મજબૂત મહિલાઓની છબી રજૂ કરી રહ્યા છે.

રમતગમતથી લૈંગિક અસમાનતાઓ દૂર કરવા સુધી

ઇમેજ સ્રોત, Getty Images
બ્રાઝિલની લેજન્ડરી ખેલાડી માર્ટાએ આ નવા રૉલ મૉડલ તરફ ધ્યાન દોર્યું. જ્યારે તેમની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ ત્યારે તેમણે એક ભાવુક વિદાયભાષણ આપ્યું હતું.
તેમણે કહ્યું, "જ્યારે અમે ફૂટબૉલ રમવાનું શરૂ કર્યું, ત્યારે મહિલા ફૂટબૉલમાં કોઈ રૉલ મૉડલ ન હતા. પરંતુ આજે 20 વર્ષ પછી આપણે વિશ્વભરની મહિલાઓ માટે રૉલ મૉડલ બની ગયાં છીએ અને આ વાત માત્ર ફૂટબૉલના જ સંદર્ભમાં સત્ય છે એવું નથી. વિશ્વભરમાં લગભગ બે અબજ લોકો મહિલા ફૂટબૉલ વર્લ્ડકપ જોઈ રહ્યા છે."
આ ટુર્નામૅન્ટ દરમિયાન મહિલા ખેલાડીઓએ મહિલાઓને અસર કરતા મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડ્યો છે. એ મહિલાઓ કે જે વિશ્વભરમાં તેમના અધિકારો માટે લડી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુકેની નૉટિંગહામ ટ્રૅન્ટ યુનિવર્સિટીમાં મહિલા રમતોના સમાજશાસ્ત્રના લેક્ચરર અલી બૉવેસ અનુસાર, "રમત એ સમાજનો એક નાનો ભાગ ગણાય છે."
તેઓ કહે છે, "જો તમે રમતગમતમાંથી લૈંગિક અસમાનતાને દૂર કરો છો તો પછી તમે બાકીના વિશ્વમાં લૈંગિક અસમાનતાની સમસ્યાને સમાપ્ત કરવાની દિશામાં કેટલાંક પગલાં લઈ રહ્યા છો એવું કહી શકાય." તેઓ માને છે કે મહિલા ફૂટબૉલમાં આવેલા પરિવર્તનની અસર સમાજના અન્ય ભાગોમાં પણ જોવા મળશે.

મહિલા ફૂટબૉલરોની સફળતા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બે ક્ષેત્રો એવાં છે કે જેમાં મહિલા ફૂટબૉલરોએ ઘણી પ્રગતિ કરી છે. માતૃત્વલાભ અને સમાન વેતન.
યુકેની ડરહામ યુનિવર્સિટીમાં જેન્ડર, સ્પૉર્ટ્સ અને અસમાનતા અંગેનાં સંશોધક સ્ટૅસી પૉપના જણાવ્યા અનુસાર, "ઍથ્લીટ્સ પાસે માતૃત્વ કે રમતગમતની કારકિર્દીમાંથી કોઈ એક પસંદગી કરવાની અપેક્ષા રાખવામાં આવે છે. કારણ કે કારકિર્દીના વિકલ્પ તરીકે રમતગમતની પસંદગી કરવી એટલે મૂળભૂત રીતે પુરુષ મૉડલનો સ્વીકાર કરવો. એ પુરુષ મૉડલ કે જે હજુ પણ પુરુષોને મુખ્ય કમાનાર વ્યક્તિ તરીકે ગણે છે અને સ્ત્રીઓને બાળઉછેર અને માતૃત્વ સાથે સાંકળે છે."
જોકે, આજે ટોચની મહિલા ખેલાડીઓ નવા નિયમો લખી રહી છે. આ વર્ષના વર્લ્ડકપમાં બીજી યાદગાર ક્ષણ ત્યારે આવી જ્યારે અમેરિકન સ્ટાર ઍલેક્સ મૉર્ગને પત્રકારો સાથે વાત કરવાનો ઇનકાર કર્યો કારણ કે તેમણે ત્રણ વર્ષની પુત્રી સાથે વીડિયો કૉલ પર વાત કરવાની હતી.
સ્પેનની ઈરૅન પેરેડિસ તેમના પુત્રને પોતાની સાથે ઑસ્ટ્રેલિયા લઈ આવ્યાં હતાં. ફિફાના એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, "જ્યારે તમારું બાળક ખૂબ નાનું હોય ત્યારે તમારે તેની જરૂર હોય, પરંતુ તે પણ તમારી સાથે રહેવા માંગતું હોય છે."
આયર્લૅન્ડનાં આઇન ઑ'ગૉર્મન, ચીનનાં ઝાંગ ઝીન અને ત્રણ બાળકોનાં જમૈકન માતા છેયના મૅથ્યૂઝ જેવાં મોટાં નામો સહિત પૅરેડિસે આ કારકિર્દીના પડકારો અને તેના વિકલ્પો વિશે નિખાલસતાથી વાત કરી હતી.
બૉવેસના જણાવ્યા મુજબ ભૂતકાળમાં મહિલા ખેલાડીઓને સામાન્ય રીતે માતૃત્વ અધિકારો નહોતા મળતા કારણ કે ફૂટબૉલ ઐતિહાસિક રીતે પુરુષલક્ષી રમત રહી છે. તેઓ પૂછે છે, "પુરુષોએ શા માટે વિચાર્યું હશે કે જે મહિલાઓ કૉન્ટ્રેક્ટ પર હોય છે. તેમને ગર્ભાવસ્થા દરમિયાન રોજગારની સુરક્ષા હોવી જોઈએ?"
જાન્યુઆરી 2021 પહેલાં આવું ન હતું, પરંતુ ફિફાએ ફૅડરેશનો માટે ફરજિયાત પ્રસૂતિ કાયદો રજૂ કર્યો, જેમાં ખેલાડીઓને સગર્ભાવસ્થા દરમિયાન સંપૂર્ણ પગાર અને 14 અઠવાડિયાંની પેઇડ રજા આપવામાં આવે છે. પ્રૅગનન્સી લીવ દરમિયાન તેમને પગારનો ઓછામાં ઓછો બે તૃતીયાંશ ભાગ ચૂકવવો ફરજિયાત છે. આ પગલા છતાં કેટલાક ખેલાડીઓએ આ નિયમોનું ક્લબ દ્વારા પાલન કરાવવા માટે લડવું પડ્યું.
એક ઐતિહાસિક કિસ્સામાં આઇસલૅન્ડનાં કેપ્ટન સારાહ બિયર્ક ગુન્નાર્સડોટીર ફિફા માતૃત્વનિયમો હેઠળ દાવો જીતનાર પ્રથમ ખેલાડી બન્યાં હતાં. તેની ગર્ભાવસ્થા દરમિયાન તેની ભૂતપૂર્વ ક્લબ લિયોને તેનો સંપૂર્ણ પગાર ચૂકવ્યો ન હતો.
2022માં જ્યારે ચુકાદો આવ્યો ત્યારે તેણે કહ્યું હતું કે, "એક કામદાર, એક મહિલા અને એક મનુષ્ય તરીકે આ મારો અધિકાર છે." તેમણે પ્લેયર્સ ટ્રિબ્યુનમાં લખ્યું, "આ જીત મને મારાથી પણ મોટી લાગી. એ તમામ ખેલાડીઓ માટે આ એક નાણાંકીય સુરક્ષાની બાંહેધરી જેવું લાગે છે કે જેઓ તેમની કારકિર્દી દરમિયાન સંતાન કરવા ઇચ્છે છે."

સમાન વેતન

ઇમેજ સ્રોત, Getty Images
વધુ એક વાતમાં ફેરફાર થયો છે અને એ છે સમાન વેતન. જોકે, હજુ પણ સમાન મહેનતાણું એ તો દૂરની વાત જ લાગે છે. આ વર્ષે પ્રથમવાર મહિલા ખેલાડીઓને ટીમની સફળતાના આધારે ઈનામી રકમનો હિસ્સો મળશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
દરેક ખેલાડી માટે આ રકમ 30,000થી 2,70,000 ડૉલર સુધીની હોઈ શકે છે. એ સ્પર્ધામાં તેઓ ક્યાં સુધી પહોંચે છે તેના પર નિર્ભર કરે છે.
યુએન વૂમને ફિફાને કહ્યું છે કે તે આ રસ્તે આગળ વધે અને આગામી વર્લ્ડકપ સુધીમાં ઈનામની રકમ સમાન કરે.
મહિલા ટીમની ઈનામી રકમ 109 મિલિયન ડૉલર છે, જ્યારે પુરુષોની ટીમને કતાર 2022માં 437 મિલિયન ડૉલર આપવામાં આવ્યા હતા. ફિફાના પ્રમુખ જિયાની ઈન્ફૅન્ટિનોએ કહ્યું હતું કે 'અમે ઈચ્છીએ છીએ કે 2027 સુધીમાં સમાન વેતનની ખાતરી આપી દેવામાં આવે'.
યુએન વૂમનનાં સ્પોર્ટ્સ હૅડ જૅનિફર કૂપરના જણાવ્યા અનુસાર, “આયોજકો અને બ્રૉડકાસ્ટર્સે પણ આગળ વધવું પડશે. મહિલા ફૂટબૉલરોને સમાન વેતન આપવા માટે રાષ્ટ્રીય મહાસંઘોની પણ એક મોટી ભૂમિકા છે.”
વિશ્વના પ્રૉફેશનલ ફૂટબૉલર્સ યુનિયન - ફિફપ્રૉના તાજેતરના એક અહેવાલ મુજબ વેતન, તબીબી દેખરેખ અને યોગ્ય તાલીમકેન્દ્રોનો અભાવ એ વિશ્વની ટોચની મહિલા ફૂટબોલરૉને જોખમમાં મૂકે છે.
જમૈકાનાં ખેલાડી છેયના મૅથ્યૂઝે ખુલાસો કર્યો છે કે તેની ક્લબની ટીમના એક સભ્યનાં માતાએ 100,000 ડૉલર એકત્ર કરવા માટે ક્રાઉડફંડિંગ અભિયાન શરૂ કર્યું હતું જેથી 'રીગેઝ ગર્લ્સ' આ વર્ષની ટુર્નામૅન્ટમાં ભાગ લઈ શકે. એક ઑપન લેટરમાં ખેલાડીઓએ કહ્યું કે તેમને ફૅડરેશન તરફથી વધુ મદદ મળી નથી અને તેમણે પોષણ તથા પર્યાપ્ત સંસાધનોની અછત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે 'સિસ્ટમમાં તાત્કાલિક બદલાવો' માટે વિનંતી કરી હતી.
તેના જવાબમાં જમૈકન ફૅડરેશને કહ્યું છે કે તેઓ માને છે કે “બધું વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું નથી પરંતુ તેઓ તેને ઠીક કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.”

અવાજ ઊઠાવનાર મહિલા ખેલાડીઓ

ઇમેજ સ્રોત, Getty Images
2016માં નાઇજીરિયન ટીમ બાકી ભથ્થાં અને બૉનસની ચૂકવણીની માંગ સાથે હૉટલની સામે ધરણા પર બેસી ગઈ હતી. ત્યારપછી 2017માં નૉર્વેનાં ખેલાડી ઍડા હૅગરબર્ગે વર્લ્ડકપનો બહિષ્કાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે મહિલા ખેલાડીઓને 'યોગ્ય સન્માન' આપવામાં આવ્યું નથી અને તેમણે 'સૂટબૂટવાળા પુરુષો'ની ટીકા કરી હતી.
અમેરિકન ફૂટબૉલરોએ પણ 2019માં તેમની ટીમના મૅનેજમૅન્ટ સામે કાનૂની કાર્યવાહી કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે મહિલા ટીમને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન છતાં ‘પુરુષોની ટીમ કરતાં સતત ઓછો પગાર’ આપવામાં આવ્યો હતો.
યુનાઇટેડ સ્ટેટ્સે ચાર વખત મહિલા વર્લ્ડકપ જીત્યો છે. જ્યારે 1930 પછી પુરુષ ટીમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ‘ત્રીજા સ્થાને’ રહ્યું છે. આખરે અમેરિકાની રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 24 મિલિયન ડૉલર ચૂકવવામાં આવ્યા હતા. ત્યારે જ પુરુષ અને મહિલા ખેલાડીઓને સમાન વેતન આપવાનું વચન આપવામાં આવ્યું હતું.
ફિફપ્રૉ યુનિયનમાં સ્ટ્રેટેજી અને રીસર્ચના વડા ઍલેક્સ કૅલ્વિનના જણાવ્યા અનુસાર આ માત્ર સમાન પગારની માંગણીની જ વાત નથી. તેઓ કહે છે, “સમાન પગાર ઘણીવાર અન્ય ભેદભાવ છુપાવે છે. મહિલા ખેલાડીઓને વેતન સાથે નાના કૉન્ટ્રેક્ટ આપવામાં આવે છે જે તેમનું જીવન ચલાવવા માટે પૂરતા નથી.”
બૉવેસ કહે છે, "સારી પરિસ્થિતિઓ માટે ખેલાડીઓનો સંઘર્ષ અન્ય મહિલાઓને બોલવાની અથવા તો તેમનો અવાજ ઉઠાવવાની હિંમત આપે છે." ફૂટબૉલ ખેલાડીઓનો અનુભવ અન્ય મહિલાઓને ભાવનાત્મક અને જાતીય સતામણી જેવા મુદ્દાઓ વિશે બોલવાનો આત્મવિશ્વાસ પણ આપે છે.
'યુએસ નેશનલ લીગ'ના કેસની તપાસે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે કેવી રીતે મહિલાઓએ એક મોટી સંસ્થા અને સત્તાના દુરુપયોગ સામે સફળતાપૂર્વક લડત લડી.

અમેરિકી ખેલાડી મૅગન

ઇમેજ સ્રોત, Getty Images
ડરહામ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ એક સંશોધન દર્શાવે છે કે ચાહકો રમતના મેદાનની બહાર પણ લડાઇમાં ખેલાડીઓની પડખે ઊભા રહે છે.
2019 વર્લ્ડકપ દરમિયાન ચાહકોએ કહ્યું કે તેઓ સમાજમાં સમાનતા લાવવા માટે લડતા લોકોમાં પોતાને સામેલ ગણે છે.
આ અભ્યાસનાં સહ-લેખિકા સ્ટૅસી પૉપે બીબીસી 100 વૂમનને કહ્યું કે, "અમારા અભ્યાસમાં પ્રશંસકોએ એવી દલીલ આપી હતી કે સમસ્યાઓનો સામનો કરી રહેલા ખેલાડીઓ બોલે છે તેનો અર્થ એ છે કે તે લૈંગિક સમાનતા પર અસર કરશે અને તે મોટા પ્રમાણમાં સમાજમાં અસ્તિત્વ ધરાવતા સૅક્સિઝમને ઘટાડવા અને અન્ય અવરોધો દૂર કરવામાં મદદરૂપ થશે.” પરંતુ બૉવેસ માને છે કે જ્યારે ટોચના ખેલાડીઓ બોલે છે ત્યારે તેમણે વ્યક્તિગત રીતે પણ તેમની કિંમત ચૂકવવી પડે છે.
"તેમના પર બલિનો બકરો બનવાનું કે મજાકનાં પાત્ર બનવાનું જોખમ રહેલું છે,"
સ્ટાર અમેરિકી ખેલાડી મૅગન રૅપિનો અને ડૉનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો કે જ્યારે ભૂતપૂર્વ પ્રમુખે વર્લ્ડકપમાં ટીમની વહેલી વિદાય પછી ટ્વીટ કર્યું: "એ જ પ્રકારની નિષ્ફળતા. નાઇસ શૉટ મૅગન, અમેરિકા નરકમાં જઈ રહ્યું છે."
વૉબેસ કહે છે, “ખેલાડીઓ માટે આ ખૂબ જ સંભાળીને ચાલવા જેવી પરિસ્થિતિ છે. રૉલ મૉડલ બનવું એ એક મોટી જવાબદારી છે."
“આ મહિલાઓથી આપણે એવી આશા રાખીએ કે દરેક વખતે તેઓ બધી જ જવાબદારી અદા કરે અને આવનારી પેઢીને પ્રેરિત પણ કરે, લોકોના અધિકારો માટે સંઘર્ષ પણ કરે, ફૂટબૉલ પણ રમે અને બીજી નોકરી પણ કરે કારણ કે તેમને એટલા પૈસા તો મળતા નથી....આ ખેલાડીઓ પાસેથી આટલી બધી અપેક્ષા યોગ્ય નથી. પરંતુ દુખની વાત એ છે કે બીજું કોઈ આ કામ કરતું પણ નથી.”
(માઈ કનાને દ્વારા આ લેખ માટે જરૂરી વધુ સંશોધન કરવામાં આવ્યું છે.)

શું છે 100 વીમેન?

બીબીસી 100 વીમેન એ દર વર્ષે વિશ્વભરની 100 પ્રભાવશાળી અને પ્રેરણાદાયી મહિલાઓની યાદી બનાવે છે.
ફૅસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર BBC 100 Womenને ફૉલો કરો અને #BBC100Women દ્નારા આ વિષય પર ચર્ચામાં જોડાઓ.














