You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાન, ઇરાક, અફઘાનિસ્તાન : બીજા દેશોમાં દખલગીરીથી અમેરિકાને ખરેખર શું મળ્યું?
- લેેખક, નૉરબેર્ટો પેયરડેસ
- પદ, બીબીસી મુંડો
આ વર્ષે મે મહિનામાં જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓની દખલગીરી કરવાની નીતિઓની આકરી ટીકા કરી હતી, ત્યારે તેની સમગ્ર વિશ્વમાં વ્યાપક ચર્ચા થઈ હતી.
તેમણે 2003માં ઇરાક પરના વિવાદાસ્પદ યુએસ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું, "છેવટે, કહેવાતા 'રાષ્ટ્ર-નિર્માતાઓ'એ દેશને બનાવ્યો તેના કરતાં વધુ નાશ કર્યો."
તેમણે કહ્યું, "હસ્તક્ષેપ કરનારાઓએ એ જટિલ સમાજોમાં દખલ કરી જેના વિશે તેમને કોઈ સમજ નહોતી."
તેમણે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધની મુલાકાત દરમિયાન આ વાતો કહી હતી. ઘણા વિશ્લેષકોએ તેમના નિવેદનને એ સંકેત તરીકે જોયું કે ઓછામાં ઓછા ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન મધ્યપૂર્વમાં અમેરિકાની દખલગીરીની વાત ભૂતકાળ બની જશે.
જોકે આ નિવેદનના એક મહિના પછી જ અમેરિકાએ ઈરાનનાં ત્રણ પરમાણુ સ્થળો પર હુમલો કર્યો. આ રીતે, અમેરિકા ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધનો ભાગ બની ગયું.
આ હુમલા દ્વારા અમેરિકા અને ઇઝરાયલે ઇરાનની પરમાણુ શક્તિ બનવાની મહત્ત્વાકાંક્ષાને મસળી નાખવાનો પ્રયાસ કર્યો.
હુમલા પછી ટ્રમ્પે કહ્યું, "અમારું લક્ષ્ય ઈરાનની યુરેનિયમ સંવર્ધન કરવાની ક્ષમતાનો નાશ કરવાનો અને આતંકવાદને ટેકો આપતા વિશ્વના સૌથી મોટા દેશ દ્વારા ઊભા થયેલા પરમાણુ ખતરાને રોકવાનો હતો."
પરંતુ ઇતિહાસ બતાવે છે કે જ્યારે પણ પશ્ચિમી દેશોએ વિદેશમાં 'સમસ્યાઓ ઉકેલવા' માટે હસ્તક્ષેપ કર્યો છે, ત્યારે ઘણી વાર ધાર્યા પ્રમાણેની યોજના પાર પડી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ ઍન્ડ પૉલિટિકલ સાયન્સમાં લેબનીઝ-અમેરિકન લેખક અને મધ્યપૂર્વ રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર ફૌદ ગેર્ગેસ કહે છે કે અમેરિકા 1940ના દાયકાના અંતથી મધ્યપૂર્વીય રાજકારણમાં દખલ કરી રહ્યું છે.
"ઈરાન સામે અમેરિકાના તાજેતરના હવાઈ હુમલાઓ આ નીતિનું સ્પષ્ટ ઉદાહરણ છે," "વોટ રિયલી વેન્ટ રોંગ: ધ વેસ્ટ એન્ડ ધ ફેઇલ્યોર ઓફ ડેમોક્રેસી ઇન ધ મિડલ ઇસ્ટ" પુસ્તકના લેખક ગેર્ગેસે જણાવ્યું હતું.
ચાલો એ જોઈએ કે અમેરિકાએ કયા દેશોમાં હસ્તક્ષેપ કર્યો અને તેનાં પરિણામો શું આવ્યાં?
ઈરાનમાં બળવો
1953માં ઇરાની સેનાએ તખ્તો પલટાવતા દેશમાં લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલા વડા પ્રધાન મોહમ્મદ મોસાદેગને સત્તા પરથી હટાવ્યા. આ કામમાં અમેરિકા અને બ્રિટને ઈરાની સેનાને સાથ આપ્યો હતો.
મોસાદેગે વાયદો કર્યો હતો કે તેઓ ઈરાનના વિશાળ તેલભંડારોનું રાષ્ટ્રીયકરણ કરશે. પણ આની પાછળ અમેરિકા અને બ્રિટનને સંભવિત કૉમ્યુનિસ્ટ ખતરો જણાયો.
બીજા વિશ્વયુદ્ધ બાદ અમેરિકા અને બ્રિટન બંને ઈરાનના તેલ પર પૂરી રીતે નિર્ભર હતા.
પહેલા આ વિદ્રોહને શાહ મહમૂદ રઝા પહેલવીના સમર્થનમાં જનતાના વિદ્રોહના રૂપમાં જોવામાં આવી રહ્યો હતો. આ વિદ્રોહને અમેરિકા અને બ્રિટન બંને દેશની જાસૂસી એજન્સીઓનું સમર્થન હતું.
2000માં તત્કાલીન યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ મેડેલીન આલ્બ્રાઇટે ખુલ્લેઆમ એ બળવામાં અમેરિકાની સામેલગીરી હોવાનું સ્વીકાર્યું હતું.
પછી 2009માં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કૈરોમાં આપેલા ભાષણમાં પણ એ ઘટનામાં અમેરિકાની ભૂમિકાનો સ્વીકારી હતી.
2013માં ઈરાનમાં થયેલા એ બળવાનાં 60 વર્ષ પછી અમેરિકન ગુપ્તચર એજન્સી CIAએ કેટલાક દસ્તાવેજો પ્રકાશિત કર્યા જેમાં તેણે પહેલી વાર તે બળવામાં પોતાની સામેલગીરીનો સ્વીકાર કર્યો.
પ્રોફેસર ગર્ગેસ માને છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના વર્તમાન સંઘર્ષનાં મૂળ પણ આ ગુપ્ત હસ્તક્ષેપ સાથે જોડાયેલાં છે.
તેઓ કહે છે, "ઈરાનીઓએ અમેરિકાને ક્યારેય માફ કર્યું નહીં, કારણ કે તેમણે કાયદેસર અને લોકશાહી રીતે ચૂંટાયેલા વડા પ્રધાનને દૂર કર્યા અને એક ક્રૂર સરમુખત્યાર એટલે કે ઈરાનના શાહને દેશના શાસક બનાવ્યા."
પ્રોફેસર ગર્ગેસ સમજાવે છે, "આજે ઈરાનમાં અમેરિકા વિરોધી લાગણી એટલા માટે છે કે ત્યાંની રાજકીય સત્તા માને છે કે અમેરિકન હસ્તક્ષેપને કારણે ઈરાની રાજકારણની દિશા બદલાઈ ગઈ છે."
પ્રોફેસર ગર્ગેસ એ પણ નિર્દેશ કરે છે કે અમેરિકાએ ઇજિપ્તના રાષ્ટ્રપતિ ગમાલ અબ્દેલ નાસેરની નીતિઓને પ્રભાવિત કરવાનો અને તેમના રાષ્ટ્રવાદી પ્રોજેક્ટની દિશા બદલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને બહુ સફળતા મળી ન હતી.
અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથી ઇસ્લામિક દળોને ટેકો
1979માં સોવિયેત રશિયન દળોએ એક વર્ષ અગાઉ સત્તામાં આવેલી સામ્યવાદી સરકારને ટેકો આપવા માટે અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યું હતું.
પરંતુ ટૂંક સમયમાં જ મુજાહિદ્દીન તરીકે ઓળખાતી ઇસ્લામિક ચળવળનો સામનો કરવો પડ્યો.
આ જૂથ સામ્યવાદી સરકારનો વિરોધ કરતા ઇસ્લામિક જેહાદી ઉગ્રવાદીઓનું બનેલું હતું. તેને અમેરિકા, પાકિસ્તાન, ચીન અને સાઉદી અરેબિયા સહિત ઘણા અન્ય દેશોનો ટેકો હતો.
શીતયુદ્ધ દરમિયાન અમેરિકા અફઘાનિસ્તાનને સૌથી વધુ શસ્ત્રો અને નાણાં પૂરા પાડનારા દેશોમાંનો એક હતો.
અમેરિકા આ બધું એટલા માટે કરતું હતું કે અફઘાનિસ્તાનમાં સોવિયેત રશિયાના ઉદ્દેશ્યોને નિષ્ફળ બનાવી શકાય.
વર્ષો પછી જાહેર કરાયેલા દસ્તાવેજો, પત્રકારોની તપાસ અને પુરાવાઓ પરથી જાણવા મળ્યું કે અમેરિકાએ સોવિયેત યુનિયનને અફઘાનિસ્તાનમાં એક એવી જાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો, જેની સોવિયેત યુનિયનને જીવન અને સંસાધનોની દૃષ્ટિએ ભારે કિંમત ચૂકવવાની થતી હતી. વિયેતનામ યુદ્ધમાં પણ અમેરિકન સૈન્યની આવી જ સ્થિતિ થઈ હતી.
આ યુએસ મિશનને ઑપરેશન સાયક્લૉન કહેવામાં આવતું હતું. તે સમયના મીડિયા અહેવાલોમાં તેને 'સીઆઈએના ઇતિહાસમાં સૌથી મોટું ગુપ્ત ઑપરેશન' ગણાવાયું હતું.
તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને કેટલાક જેહાદી નેતાઓના પ્રતિનિધિમંડળને ઓવલ ઑફિસમાં આમંત્રણ પણ આપ્યું હતું.
1988માં જીનીવા કરાર પછી અને અફઘાનિસ્તાન પર એક દાયકા લાંબા કબજાના અંતે, સોવિયેત નેતા મિખાઇલ ગોર્બાચેવે અફઘાનિસ્તાનમાંથી સોવિયેત સૈનિકો પાછા બોલાવવાનું શરૂ કર્યું.
1989ની શરૂઆતમાં સોવિયેત સૈનિકોએ આખરે અફઘાનિસ્તાન છોડી દીધું.
પછી અફઘાનિસ્તાન જુદાં જુદાં જૂથોમાં વહેંચાઈ ગયું. સોવિયેત રશિયાના સમર્થન વિના ત્યાં સરકારનું ટકી રહેવું મુશ્કેલ હતું.
આવા ભારેલા અગ્નિ જેવા માહોલ વચ્ચે તાલિબાન નામનું એક નવું ઉગ્રવાદી જૂથ ઊભરી આવ્યું. તેના સભ્યો શરિયા કાયદાના કઠોર અર્થઘટનમાં માનતા હતા.
તેના ઘણા નેતાઓએ સોવિયેત કબજા સામે મુજાહિદ્દીન ચળવળમાં ભાગ લીધો હતો. અમેરિકા સહિત ઘણા દેશોએ તેમને શસ્ત્રો પૂરા પાડ્યા હતા.
એ જ રીતે સોવિયેત-અફઘાન યુદ્ધના અંત પછી તેમાં સામેલ ભૂતપૂર્વ લડવૈયાઓએ અલ-કાયદા નામનું સંગઠન બનાવ્યું, જેથી ઇસ્લામિક સંઘર્ષને અફઘાનિસ્તાનની બહાર ફેલાવી શકાય.
તાલિબાને આ સંગઠન અને તેમના નેતા ઓસામા બિન લાદેનને તેમના દેશમાં આશ્રય આપ્યો હતો, જ્યાંથી તેમણે 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકા પર હુમલાની યોજના બનાવી હતી.
અલાબામા યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાનમાં મધ્યપૂર્વ અભ્યાસના પ્રોફેસર વાલિદ હઝબાન કહે છે કે શીતયુદ્ધ દરમિયાન અમેરિકાના મોટા ભાગના હસ્તક્ષેપોને મધ્યપૂર્વમાં સંતુલન જાળવવાના પ્રયાસ તરીકે જોઈ શકાય છે.
તેમણે બીબીસીને કહ્યું, "અમેરિકાનો ઉદ્દેશ્ય એવાં તમામ રાજકીય દળોનો વિરોધ કરવાનો હતો જે તેના અને તેના સાથીઓનાં હિતોની વિરુદ્ધ હતા."
પ્રોફેસર હઝબાન કહે છે કે 1990-1991ના ખાડીયુદ્ધમાં અમેરિકાની આગેવાની હેઠળનો હસ્તક્ષેપ આનું ઉદાહરણ છે.
તેમણે કહ્યું, "તે કુવૈત પર ઇરાકના આક્રમણનો પ્રતિભાવ હતો. કુવૈતની સાર્વભૌમત્વ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી અને શીતયુદ્ધના અંતથી અમેરિકન નીતિ-નિર્માતાઓ અને પ્રાદેશિક નેતાઓને સામાન્ય જરૂરિયાતો પૂરી કરવાના માર્ગો પર ચર્ચા કરવાની મંજૂરી મળી હતી."
જોકે, પ્રોફેસર હઝબાન કહે છે કે આ પછી જ્યારે અમેરિકામાં બિલ ક્લિન્ટનનો યુગ આવ્યો, ત્યારે અમેરિકાએ એક નવું વલણ અપનાવ્યું.
તેમણે કહ્યું, "તેનો હેતુ એક સુરક્ષા માળખું બનાવવાનો હતો જે અમેરિકન હિતો અને પ્રાદેશિક વ્યવસ્થા બનાવવાના તેના વિઝનને પૂર્ણ કરે."
તેઓ કહે છે, "આમાં એક તરફ, મધ્યપૂર્વમાં શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અને બીજી તરફ, આરબ-ઇઝરાયલ સંબંધોને સામાન્ય બનાવવાનો સમાવેશ થાય છે, જેથી બધા આરબ દેશો અમેરિકા અને ઇઝરાયલ સાથે સંકલન કરી શકે. તેમજ લશ્કરી પદ્ધતિઓ અને પ્રતિબંધો દ્વારા ઈરાન અને ઇરાકને નિયંત્રિત કરવાનો પણ તેનો એક ભાગ હતો."
અમેરિકન દખલગીરીને ઘણી વાર ઇઝરાયલને ટેકો આપે છે, જેને યુએસ નેતાઓએ "બિનશરતી અને અડગ સમર્થન" ગણાવ્યું છે.
બીજા વિશ્વયુદ્ધ પછી ઇઝરાયલ યુએસ વિદેશી સહાયનો સૌથી મોટો પ્રાપ્તકર્તા રહ્યો છે, જેને દર વર્ષે અબજો ડૉલરની સહાય મળે છે.
અમેરિકાનો અફઘાનિસ્તાન પર હુમલો
ઑક્ટોબર 2001માં અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. એ સમયે કહેવામાં આવ્યું હતું કે આ પગલું અફઘાનિસ્તાનમાંથી તાલિબાનને બહાર કાઢવા, લોકશાહીને ટેકો આપવા અને 11 સપ્ટેમ્બરના હુમલા પછી અલ-કાયદા દ્વારા ઊભા થયેલા ખતરાને દૂર કરવા માટે લેવામાં આવ્યું હતું.
અમેરિકાએ ઝડપથી દેશની રાજધાની કાબુલ પર કબજો કરી લીધો.
નાટો સૈનિકો પણ 2003થી અફઘાનિસ્તાનમાં હાજર હતા. તેઓ ત્યાંની લડાઈઓમાં ભાગ લઈ રહ્યા હતા અને અફઘાન સુરક્ષા દળોને તાલીમ પણ આપી રહ્યા હતા.
ત્રણ વર્ષ પછી નવી અફઘાન સરકાર સત્તામાં આવી, પરંતુ તાલિબાનના લોહિયાળ હુમલાઓ ચાલુ રહ્યા.
2009માં તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ અફઘાનિસ્તાનમાં વધુ સૈનિકો મોકલવાની જાહેરાત કરી, જેનાથી તાલિબાનને થોડા સમય માટે પાછળ ધકેલી દેવામાં સફળતા મળી, પણ આ પરિસ્થિતિ લાંબો સમય ટકી ન શકી.
2001 પછી 2014 સૌથી લોહિયાળ વર્ષ સાબિત થયું. નાટોએ ત્યાં પોતાનું મિશન સમાપ્ત કર્યું અને સુરક્ષાની જવાબદારી અફઘાન સેનાને સોંપી.
આ પછી તાલિબાને વધુ વિસ્તારો કબજે કર્યા.
આગામી વર્ષ દરમિયાન તાલિબાને પોતાની તાકાત વધારવાનું ચાલુ રાખ્યું અને આત્મઘાતી હુમલાઓ શરૂ કર્યા.
તેમણે કાબુલમાં સંસદ ભવન પર હુમલો કર્યો અને રાજધાનીના આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ નજીક થયેલા બીજા હુમલાની જવાબદારી સ્વીકારી.
આખરે, એપ્રિલ 2021માં બાઇડન વહીવટીતંત્રે અમેરિકાના નેતૃત્વ હેઠળના આક્રમણના બરાબર 20 વર્ષ પછી અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકો પાછા બોલાવાની મંજૂરી આપી.
આ એક વિવાદાસ્પદ નિર્ણય હતો, જેના કારણે અફઘાનિસ્તાન ઝડપથી તાલિબાનના હાથમાં આવી ગયું.
આ ઘટનાની સરખામણી 1975માં દક્ષિણ વિયેતનામમાં બનેલી ઘટનાઓ સાથે થવા લાગી.
એક ભૂતપૂર્વ અફઘાન અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસીને જણાવ્યું હતું કે, "અમેરિકન દળોની પાછા બોલાવી લેવાથી તાલિબાનને મોટી માત્રામાં શસ્ત્રો અને અન્ય સાધનો મળ્યાં. આમાંથી મોટા ભાગના અમેરિકન પૈસાથી ખરીદાયાં હતાં."
2023ના યુએન રિપોર્ટમાં જણાવાયું છે કે તાલિબાને તેમના સ્થાનિક કમાન્ડરોને જપ્ત કરાયેલાં યુએસ શસ્ત્રોમાંથી 20 ટકા રાખવાની મંજૂરી આપી હતી.
આ કારણે કાળા બજારમાં આ શસ્ત્રોની ખરીદી અને વેચાણ વધ્યું.
ઇરાક પર હુમલો
ઑગસ્ટ 1990માં તત્કાલીન ઇરાકી રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનના નેતૃત્વ હેઠળના ઇરાકી દળોએ સરહદ પાર કરીને કુવૈત પર આક્રમણ કર્યું, જેમાં સેંકડો લોકોની હત્યા કરવામાં આવી. કુવૈત સરકારને સાઉદી અરેબિયામાં દેશનિકાલ કરવાની ફરજ પડી.
ઘણા લોકો માટે આ ઘટના મધ્યપૂર્વના ઇતિહાસમાં લાંબા અને અરાજકતાભર્યા સમયગાળાની શરૂઆત હતી.
ઇરાકને અનેક ચેતવણી આપવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે કુવૈત પરના હુમલા સામે ઠરાવ પણ પસાર કર્યો હતો.
પછી 17 જાન્યુઆરી, 1991ના રોજ બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી મોટા લશ્કરી ગઠબંધને કુવૈતમાંથી ઇરાકી દળોને દૂર કરવા માટે અભિયાન આદર્યું.
આ લશ્કરી ગઠબંધનનું નેતૃત્વ અમેરિકા કરી રહ્યું હતું અને તેને બ્રિટન અને સાઉદી અરેબિયા મદદ કરી રહ્યા હતા.
પછી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઠરાવ નંબર 687 પસાર કર્યો. તેમાં કહેવામાં આવ્યું હતું કે ઇરાકે તેના તમામ સામૂહિક વિનાશનાં શસ્ત્રોનો નાશ કરવો જોઈએ.
"સામૂહિક વિનાશનાં શસ્ત્રો" શબ્દનો ઉપયોગ પરમાણુ, જૈવિક અને રાસાયણિક શસ્ત્રો તેમજ લાંબા અંતરની બૅલિસ્ટિક મિસાઇલોના સંદર્ભે હતો.
1998માં ઇરાકે સંયુક્ત રાષ્ટ્રના શસ્ત્ર નિરીક્ષકો સાથે સહયોગ કરવાનું બંધ કરી દીધું.
પછી 2001માં ન્યૂ યૉર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન પર થયેલા હુમલા પછી તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ જ્યૉર્જ ડબલ્યુ. બુશે ઇરાક પર હુમલો કરવાની યોજના બનાવવાનું શરૂ કર્યું.
બુશે ઇરાકી રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈન પર સામૂહિક વિનાશનાં શસ્ત્રોનો સંગ્રહ કરવાનો અને તેનું ઉત્પાદન ચાલુ રાખવાનો આરોપ મૂક્યો.
2003માં તત્કાલીન યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ કોલિન પોવેલે સંયુક્ત રાષ્ટ્રને જણાવ્યું હતું કે ઇરાકે જૈવિક શસ્ત્રો બનાવવા માટે 'મોબાઇલ પ્રયોગશાળાઓ' બનાવી છે.
પરંતુ 2004માં તેમણે પોતે સ્વીકાર્યું કે આના સમર્થનમાં તેમની પાસે જે પુરાવા હતા તે પૂરતા મજબૂત નહોતા.
બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને પોલૅન્ડે ઇરાક પર અમેરિકાના હુમલાને ટેકો આપ્યો હતો, પરંતુ જર્મની, કૅનેડા, ફ્રાન્સ અને મૅક્સિકો જેવા ઘણા દેશોએ તેનો વિરોધ કર્યો હતો.
બીબીસી ઇન્ટરનૅશનલ ઍડિટર જેરેમી બોવેનના મતે, આ હુમલો ઇરાક અને તેના લોકો માટે આપત્તિરૂપ સાબિત થયો. તેણે દાયકાઓ સુધી ઇરાકને અરાજકતામાં ધકેલી દીધું.
તેમણે 2023માં હુમલાના 20મા વર્ષે તેમના વિશ્લેષણમાં લખ્યું, "ઓસામા બિન લાદેન અને જેહાદી ઉગ્રવાદીઓની વિચારધારાને નષ્ટ કરવાને બદલે 2003માં શરૂ થયેલી અરાજકતા અને ક્રૂરતાએ જેહાદી હિંસાને વધુ વેગ આપ્યો."
આ હુમલાનું બીજું પરિણામ એ આવ્યું કે અલ-કાયદાએ ખુદને ઊભું કર્યું અને પછીથી તે સ્વ-ઘોષિત ઇસ્લામિક સ્ટેટ એટલે કે આઈએસઆઈએસમાં પરિવર્તિત થયું.
2003ના હુમલામાં કેટલા ઇરાકી માર્યા ગયા હતા તેનો કોઈ ચોક્કસ આંકડો નથી.
જોકે, "ઇરાક બોડી કાઉન્ટ (આઈબીસી) પ્રોજેક્ટ મુજબ, 2003થી 2022 વચ્ચે 2,09,982 ઇરાકી નાગરિકો માર્યા ગયા હતા. આઈબીસીની રચના આક્રમણ પછી માર્યા ગયેલા નાગરિકોની ગણતરી માટે કરવામાં આવી હતી.
પ્રોફેસર હઝબાન કહે છે કે હવે અમેરિકાએ પ્રાદેશિક સ્તરે શાંતિ પ્રયાસોને ટેકો આપવાની જરૂર છે.
તેમણે કહ્યું, "અમેરિકાનાં વૈશ્વિક હિતોનું વધુ સારી રીતે ત્યારે જ રક્ષણ થઈ શકે છે, જ્યારે આ પ્રદેશ (મધ્યપૂર્વ) સહિયારી સુરક્ષાની સમજણ તરફ આગળ વધે. અમેરિકા અને તેના સાથીઓની ભારે લશ્કરી શક્તિ દ્વારા કોઈ પણ પ્રકારનો હુકમ લાદવાનો પ્રયાસ થવો જોઈએ નહીં."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન