અમેરિકાએ જ્યારે ઈરાન, ઇરાક અને લેબનોનમાં દખલગીરી કરી ત્યારે તેનું શું પરિણામ આવ્યું?

    • લેેખક, સર્વપ્રિયા સાંગવાન
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ રૉન પોલે વર્ષ 2012માં એક ટિપ્પણી કરી હતી જે બીજા દેશોમાં અમેરિકાની લાંબા સમય સુધી કરેલી દખલગીરી અંગે હતી.

તેમણે કહ્યું કે, "આપણે વિદેશનીતિમાં એક 'ગોલ્ડન રુલ' અપનાવવાની જરૂર છે. બીજા દેશો સાથે એવું વર્તન ન કરીએ, જે આપણે પોતાના દેશ સાથે કોઈ કરે તેવું ઇચ્છતા નથી. આપણે સતત બીજા દેશો પર બૉમ્બમારો કરીએ છીએ, પછી વિચારીએ છીએ કે તેઓ આપણાથી નારાજ કેમ છે."

મધ્ય-પૂર્વમાં અમેરિકાની આવી દખલગીરીના કારણે ઘણા મહત્ત્વના વળાંક આવ્યા હતા.

આજે સ્પૉટલાઈટમાં એવા મહત્ત્વના બનાવોની વાત કરીએ જ્યારે અમેરિકાએ મધ્ય-પૂર્વમાં મોટા પાયે ગુપ્તચર અભિયાન ચલાવ્યું હોય અથવા સૈન્ય હસ્તક્ષેપ કર્યો હોય.

વર્ષ 1953 ઈરાનમાં સત્તાપલટો

1951માં મોહમ્મદ મોસાદેગ ઈરાનના વડા પ્રધાન બન્યા.

તેઓ ઇચ્છતા હતા કે ઈરાનની ઑઇલ ઇન્ડસ્ટ્રીનું નિયંત્રણ વિદેશી કંપનીઓ પાસે નહીં, પણ ઈરાન સરકારના હાથમાં હોય. તેથી તેમણે ઑઇલના વ્યાપારનું રાષ્ટ્રીયકરણ કરવાનું વિચાર્યું.

તે વખતે ઈરાનના ઑઇલ પર બ્રિટિશ કંપનીઓનું નિયંત્રણ હતું. વર્ષ 1901માં ડારસી સમજૂતી થઈ હતી. તેના હેઠળ બ્રિટિશ નાગરિક વિલિયમ ડારસીને ઈરાનના એક મોટા હિસ્સામાં ઑઇલ શોધવાની, ઑઇલ કાઢવાની અને તેનો વેપાર કરવા માટે વિશેષ અધિકાર અપાયો હતો.

તેના બદલામાં ઈરાનની સરકારને કેટલાક શૅર, એક નિશ્ચિત રકમ અને ઑઇલના ઉત્પાદન પર ટૅક્સ મળતો હતો. આ બ્રિટિશ ઑઇલ કંપનીઓમાં બ્રિટિશ સરકારનો પણ હિસ્સો હતો.

રાષ્ટ્રીયકરણના કારણે ઑઇલ ઉદ્યોગ પરથી નિયંત્રણ જતું રહેશે એવી બીકે બ્રિટને અમેરિકાની મદદ માંગી. અમેરિકાનું તે વખતે સોવિયેત સંઘ સાથે શીત યુદ્ધ ચાલતું હતું.

અમેરિકાને લાગતું હતું કે ઈરાન સોવિયેત યુનિયન તરફ નમી શકે છે. આવું થાય તો મધ્ય-પૂર્વમાં અમેરિકા માટે આ બહુ મોટો આંચકો હોત. ઈરાનના વડા પ્રધાન મોસાદેગની સરકારને 'પાડવા' માટે અમેરિકાની જાસૂસી એજન્સી સીઆઈએએ 'મહત્ત્વની ભૂમિકા' ભજવી.

મોસાગેદ વિરુદ્ધ ઈરાની મીડિયા અને અમેરિકન મીડિયામાં 'ખોટા સમાચાર' ફેલાવવામાં આવ્યા અને તેમની સરકાર વિરુદ્ધ પ્રદર્શનો કરાવવામાં આવ્યાં.

અમેરિકા ઇચ્છતું હતું કે ઈરાનમાં શાહ મોહમ્મદ રઝા પહેલવીની સરકાર આવે, તેના માટે તેમના ટેકેદારોને મદદ કરવામાં આવી. ઑગસ્ટ 1952માં ઈરાનની સડકો પર વિરોધપ્રદર્શનો થયાં જે ઝડપથી ફેલાવાં લાગ્યાં. સેનાએ પણ પલટી મારી.

મોસાદેગની સરકારનું પતન થયું અને જનરલ ફઝ્લોલ્લાહ ઝાહેદી નવા વડા પ્રધાન બન્યા. ત્યાર પછી શાહ મોહમ્મદ રઝા પહલવીના હાથમાં સત્તા આવી ગઈ.

ઈરાનની બાબતોના જાણકારો આને ઈરાનના ઇતિહાસમાં એક નિર્ણાયક ઘટના તરીકે જુએ છે, કારણ કે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવવામાં 'વિદેશી દખલગીરી' કરવામાં આવી હતી.

1958માં લેબનોન સંકટ

અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે હજુ કોલ્ડ વૉર ચાલુ હતું. તે વખતે વર્ષ 1957માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડ્વાઇટ ડી. આઇઝનહાવરે એક વિદેશનીતિ રજૂ કરી.

આ નીતિ મુજબ મધ્ય-પૂર્વના કોઈ પણ દેશને ખતરો દેખાય, ખાસ કરીને કૉમ્યુનિસ્ટોથી જોખમ લાગે, તો અમેરિકા તે દેશને આર્થિક અને સૈન્ય મદદ કરી શકે છે.

દેખીતી રીતે જ આ નીતિ મધ્ય-પૂર્વમાં સોવિયેત સંઘના પ્રભાવને રોકવા માટે હતી. 1958ના લેબનોન સંકટ વખતે આ નીતિની પરીક્ષા થઈ.

તે વખતે લેબનોનમાં ખ્રિસ્તી રાષ્ટ્રપતિ કમીલ શમોન હતા. લેબનોનમાં મુસ્લિમ અને રાષ્ટ્રવાદી સંગઠનોએ તેમનો વિરોધ શરૂ કરી દીધો. તેમનો દાવો હતો કે શમોન સત્તા પર રહેવા માટે બંધારણ બદલવા માંગે છે.

આ ઉપરાંત લેબનોનના સુન્ની મુસ્લિમો ઇજિપ્ત અને સીરિયાએ બનાવેલા નવા યુનાઈટેડ આરબ રિપબ્લિકમાં સામેલ થવા માંગતા હતા.

સોવિયેત સંઘ સાથે ઇજિપ્તના રાષ્ટ્રપતિના સંબંધ સારા હતા, જ્યારે લેબનોનના રાષ્ટ્રપતિ પશ્ચિમી દેશો સાથે સારા સંબંધો ધરાવતા હતા. લેબનોનમાં વિરોધ વધ્યો, ગૃહયુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ ત્યારે શમોને અમેરિકાની મદદ માંગી.

ત્યાર પછી જુલાઈ 1958માં અમેરિકાએ લેબનોનમાં સેના ઉતારી. તેમનું લક્ષ્ય બૈરુત ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટને સુરક્ષિત રાખવાનું અને શમોનની સરકાર માટે પરિસ્થિતિને સ્થિર રાખવાનું હતું.

અમેરિકાની 'દખલગીરી' પછી તે વખતે શમોન માટે જોખમ ટળી ગયું. તેઓ રાષ્ટ્રપતિ તરીકે બીજો કાર્યકાળ ન લેવા તૈયાર થઈ ગયા.

1973માં યોમ કિપ્પુર યુદ્ધ

વર્ષ 1967માં છ દિવસના યુદ્ધમાં ઇઝરાયલે સિનાઈ, ગોલાન હાઇટ્સ, વેસ્ટ બૅન્ક અને ગાઝા પર કબજો કરી લીધો હતો. પરંતુ ઇજિપ્ત અને સીરિયા ઇચ્છતા હતા કે 1967 અગાઉ જે સ્થિતિ હતી તેને બહાલ કરવા માટે ઇઝરાયલ તૈયાર થઈ જાય.

બીજી તરફ ઇઝરાયલની શરત હતી કે આરબ દેશો ઇઝરાયલને કાયદેસર માન્યતા આપે. આ એક એવી ગૂંચવણ હતી જેનો ઉકેલ મળતો ન હતો.

ત્યાર પછી ઑક્ટોબર 1973માં યહુદી કૅલેન્ડરના સૌથી પવિત્ર દિવસ ગણાતા યોમ કિપ્પુરના દિવસે ઇજિપ્ત અને સીરિયાએ અચાનક ઇઝરાયલ પર હુમલો કરી દીધો.

ઇઝરાયલ આ હુમલા માટે તૈયાર ન હતું. તેથી અમેરિકા ઇઝરાયલની મદદે આવ્યું. અમેરિકાએ એક ઍરલિફ્ટ ઑપરેશન દ્વારા વિમાનોથી ઇઝરાયલને સૈન્ય મદદ મોકલી.

ઇઝરાયલને અમેરિકાની મદદ મળતા જ યુદ્ધની દિશા બદલાઈ ગઈ. આ યુદ્ધમાં 'અમેરિકા ઇઝરાયલને હથિયારો આપતું હતું' જ્યારે 'ઇજિપ્ત અને સીરિયાને સોવિયેત સંઘ મદદ' કરતું હતું.

અંતે યુદ્ધમાં ઇઝરાયલની જીત થઈ, પરંતુ અમેરિકાએ પણ તેની ભારે કિંમત ચૂકવવી પડી. આ યુદ્ધના કારણે અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે ન્યુક્લિયર વૉરની આશંકા વધી ગઈ.

આ યુદ્ધ પછી વિશ્વભરમાં ઍનર્જી કટોકટીનો સમય આવ્યો કારણ કે આરબ દેશોએ અમેરિકા અને કેટલાક યુરોપિયન દેશોમાં ઑઇલનું શિપમેન્ટ અટકાવી દીધું હતું.

1991નું ગલ્ફ વૉર

વર્ષ 1980થી 1988 સુધી ઇરાક અને ઈરાન વચ્ચે લગભગ આઠ વર્ષ યુદ્ધ ચાલ્યું હતું. આ યુદ્ધના કારણે ઇરાક પર ભારે દેવું ચઢી ગયું હતું.

તે વખતે ઇરાકના શાસક સદ્દામ હુસૈને યુએઈ અને કુવૈતને કહ્યું કે તેઓ ઇરાકનું દેવું માફ કરી દે કારણ કે ઇરાક તો આરબ દેશોને ઈરાનથી બચાવી રહ્યું હતું.

પરંતુ ઇરાકની આ વાત કોઈએ ન માની. ત્યાર પછી 1990માં ઇરાકે કુવૈત પર હુમલો કરી દીધો. કુવૈત પાસે ઑઇલનો ભંડાર પુષ્કળ પ્રમાણમાં હતો, પરંતુ સૈન્યની દૃષ્ટિએ નબળો દેશ હતો.

સદ્દામ હુસૈનની સેનાએ અમુક કલાકોમાં જ કુવૈત પર કબ્જો કરી લીધો. આ મામલે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં ઇરાક વિરુદ્ધ એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો.

ત્યાર બાદ તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ જ્યૉર્જ ડબલ્યુ બુશના નેતૃત્વમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને કેટલાક આરબ દેશોનું સૈન્ય ગઠબંધન રચવામાં આવ્યું. આ સંયુક્ત સેનાએ 1991માં હવાઈ હુમલા કરીને ઇરાક અને કુવૈતમાં ઇરાકના મહત્ત્વનાં સૈન્યમથકો પર બૉમ્બમારો કર્યો.

ત્યાર બાદ ફેબ્રુઆરીમાં ચાર દિવસની અંદર જ ગઠબંધન સેનાના હજારો સૈનિકો કુવૈતમાં ઘૂસી ગયા અને ઇરાકની સેનાએ પીછેહઠ કરવી પડી.

આ યુદ્ધ પછી પણ ઇરાકમાં સદ્દામ હુસૈનની સત્તા તો ટકી રહી, પરંતુ આરબ દેશોમાં ઇરાક અલગ પડી ગયું. સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોના કારણે ઇરાકમાં ખોરાક અને દવાઓની ભયંકર અછત પેદા થઈ. આ યુદ્ધમાં હજારો સામાન્ય નાગરિકો પણ માર્યા ગયા.

આ દરમિયાન કુર્દ અને શિયા સમુદાયે ઇરાકમાં સરકારનો વિરોધ શરૂ કર્યો. સદ્દામ હુસૈને આ તેને વિદ્રોહ ગણાવીને તેને કચડી નાખ્યો.

2003માં ઇરાક પર અમેરિકાનો હુમલો

વર્ષ 2003માં અમેરિકા, બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને પોલૅન્ડે સાથે મળીને ઇરાક પર હુમલો કરી દીધો. તે વખતે એક ગુપ્તચર રિપોર્ટના આધારે એવો દાવો કરવામાં આવ્યો કે ઇરાક સામૂહિક સંહારનાં શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે.

આ હુમલા પછી સદ્દામ હુસૈનનું શાસન તો ખતમ થઈ ગયું, પરંતુ ઇરાકમાં રાજકીય શૂન્યાવકાશ સર્જાયો. ઇરાકમાં કેટલાંય સંગઠનો વચ્ચે સત્તા પર આવવા ખેંચતાણ શરૂ થઈ જેના કારણે દેશમાં ગૃહયુદ્ધ શરૂ થયું.

તેથી ઇસ્લામિક સ્ટેટ જેવાં સંગઠનોને ઇરાકમાં પગ પેસારો કરવાની તક મળી ગઈ. એક લોકશાહી દેશ તરીકે સ્થાપિત થવાના બદલે ઇરાકમાં અસ્થિરતાનો યુગ શરૂ થયો.

ત્યાર બાદ ઇરાક પર હુમલાના નિર્ણય અંગે સવાલો ઉઠ્યા અને 'ગુપ્ત રિપોર્ટ' અંગે પણ સવાલો ઉઠાવાયા.

હવે આ ઘટના ઉદાહરણ બની ગઈ છે કે પરિણામોનો વિચાર કર્યા વગર કોઈ પણ દેશમાં સૈન્ય હસ્તક્ષેપનાં કેવાં પરિણામો આવી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન