ગુજરાતમાં વરસાદનો વિરામ પણ 589 ગામોમાં અંઘારપટ, 483 રસ્તા બંધ, વડોદરામાંથી '1800 ટન કચરો સાફ'

ઇમેજ સ્રોત, @InfoGujarat ·
ગુજરાતમાં છેલ્લા સપ્તાહ દરમિયાન ભયંકર રીતે વરસ્યા બાદ હવે વરસાદે વિરામ લીધો છે. સ્ટેટ ઇમર્જન્સી ઑપરેશન સૅન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર 1.36 મિલીમીટર જ નોંધાયો છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકામાં પડ્યો છે. અહીં સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યના 68 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો હતો. સવારે 6-00 વાગ્યાથી લઈને 10-00 વાગ્યા સુધીમાં રાજ્યના કોઈ પણ તાલુકામાં વરસાદ નોંધાયો નહોતો.
માહિતીખાતાની પ્રેસનોટ અનુસાર અત્યારસુધીમાં કુલ 55,829 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું જ્યારે કે 5,133 લોકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
ભારતીય હવામાન વિભાગે ચોથી સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવાની સૂચના આપી છે.
માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા પ્રમાણે કુલ 507 રસ્તાઓ ક્યાં તો ધોવાઈ ગયા હતા અથવા તો અન્ય કારણોસર બંધ થયા હતા. આ પૈકી માત્ર 24 રસ્તાઓ બહાલ થયા છે જ્યારે કે હજુ 483 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
આવી જ સ્થિતિ ગામડાઓમાં વીજળીની છે. ભારે વરસાદને કારણે 589 ગામોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. આ અગાઉ 12,769 ગામોના વીજળીના પુરવઠાને અસર થઈ હતી જે પૈકી ગુજરાત સરકારનો દાવો છે કે 12,180 ગામોમાં વીજળીનો પુરવઠો શરૂ થઈ ગયો છે.
માહિતીખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યની દસ નદીઓમાં ઘોડાપૂર છે. જેમાં ઢાઢર, ઉંડ-2, ઉમીયા સાગર, ઉંડ-1, રંગમતી, કંકાવટી તથા જામનગરની ચાર નદીઓ તથા સાત તળાવો ઓવરફ્લૉ થઈ રહ્યાં છે. જેને કારણે આસપાસના વિસ્તારોમાં ચેતવણી આપવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડોદરામાં 1800 ટન કચરો સાફ

ઇમેજ સ્રોત, @Info_Vadodara
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વડોદરામાં ભયંકર વિનાશ બાદ હવે વરસાદે વિરામ લેતા સાફ-સફાઈ હાથ ધરવામાં આવી છે. ન માત્ર સાફ-સફાઈ પરંતુ ઠેરઠેર મેડિકલ કૅમ્પો પણ આયોજીત થઈ રહ્યા છે જેથી રોગચાળો ફેલાતો અટકાવી શકાય.
વડોદરાના માહિતીખાતાની પ્રેસનોટ પ્રમાણે શહેરમાં સફાઈ માટે 18 જેટલાં જેસીબી મશીનો કામે લગાડાયાં છે. સરકારનો દાવો છે કે એક જ દિવસમાં વડોદરામાંથી 1800 ટન કચરો સાફ કર્યો છે. રાજ્ય સરકારે સફાઇકામના નિરીક્ષણ માટે ચાર નાયબ કલેક્ટરની નિયુક્તિ પણ કરી છે.
જોકે આ સાફ-સફાઈના મામલે એક વિવાદ પણ થયો છે. સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે અમદાવાદથી મહાનગરપાલિકાની ટીમ શહેરની સફાઈ માટે આવવાની હતી પરંતુ વડોદરાના જ કેટલાક સ્થાનિકોને અમદાવાદ નગરપાલિકાના જૅકેટ પહેરાવીને કામે લગાડી દેવામાં આવ્યા હતા.
આ વિવાદ અંગે જ્યારે શહેરના પત્રકારોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પૂછ્યું તો તેમણે કહ્યું, “ખોટો વિવાદ થઈ રહ્યો છે. આપણે સૌને સહકાર આપવાનો છે. ક્યાંક તેમના માણસો ન આવ્યા અને તેમની જગ્યાએ કોઈ કામ કરતું હોય તો તેના પર રાજનીતિ ન થવી જોઈએ.”
વડોદરા મહાનગરપાલિકાનો એ પણ દાવો છે કે તેણે એક જ દિવસમાં 450 જેટલા ખાડાઓ પૂરી દીધાં છે. આ ઉપરાંત તૂટેલા રસ્તાઓ પર પેચવર્કની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
વરસાદનો વિરામ પણ સમસ્યા ઠેરની ઠેર

ઇમેજ સ્રોત, @CollectorJamngr
ભારે વરસાદને કારણે અમદાવાદમાં બગોદરા ધંધૂકા હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. બીબીસી સહયોગી સચીન પિઠવાએ આપેલી માહિતી પ્રમાણે દ્વારકામાં રાવલ ગામે હનુમાન ધાર વિસ્તારમાં એક યુવાનનો પગ લપસતા વર્તુ નદીમાં તણાયો હતો.
દ્વારકાના રાવલ ગામે એક યુવતીના મોતનો મામલે સ્થાનિકોમાં રોષ છે. સચીન પિઠવાના જણાવ્યા અનુસાર ભારે વરસાદને કારણે આ બીમાર યુવતીને યોગ્ય સારવાર નહોતી મળી તેવો આરોપ મૃતકના સ્વજનોએ લગાવ્યો છે. રોષે ભરાયેલા લોકોએ નગરપાલિકાનો ઘેરાવ પણ કર્યો હતો.
બીબીસી સહયોગી અંકિત ચૌહાણના જણાવ્યા પ્રમાણે અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો આતંક છે. મેઘરજમાં 15 વર્ષ પછી આ તીડનું ઝૂંડ દેખાયું છે જેને કારણે ખેડૂતોને ઊભા પાક નષ્ટ થવાની ભીતી સેવાઈ રહી છે.
સુરેન્દ્રનગરમાં નવરંગ સોસાયટીમાં પાણી ભરાવાને કારણે લોકોએ દેખાવો કર્યા હતા.
બીબીસી સહયોગી દક્ષેશ શાહના જણાવ્યા પ્રમાણે પંચમહાલમાં ગોધરા શહેરમાં અમદાવાદ હાઇવે પર આવેલા માર્કેટ પાસેથી બે મગરને રૅસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.
રાજકોટ ખાતેના બીબીસી સહયોગી બિપીન ટંકારિયાના જણાવ્યા પ્રમાણે ધોરાજીથી જૂનાગઢ જવાના રસ્તા પર મોટા ખાડાઓ પડતા લોકો નારાજ થયા છે.
તો દસાડાના ધારાસભ્ય પી. કે. પરમારે રાજ્ય સરકારને પત્ર લખીને તેમના વિસ્તારમાં આવતા ગામડામાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું વળતર આપવાની માગ કરી છે.
સુરેન્દ્રનગરમાં વઢવાણમાં પણ ખેડૂતોએ તેમને થયેલા નુકસાન અંગે રજૂઆત કરવા પહોંચ્યા હતા.
જામ ખંભાળિયાના રસ્તાઓ પણ બિસ્માર થયા હોવાની જાણકારી મળી છે. અહીં સામોર ગામની વાડી વિસ્તાર તથા અન્ય ગામોને જોડતો કૉઝવે તૂટી જવા પામ્યો છે.
206 પૈકી 108 જળાશયો સંપૂર્ણ ભરાતાં હાઇઍલર્ટ

ઇમેજ સ્રોત, Gujarat Information
રાજ્યના માહિતીખાતા દ્વારા આપવામાં આવેલી વિગતો પ્રમાણે રાજ્યના 206 પૈકી 108 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયાં છે. જેને કારણે અહીં હાઇ ઍલર્ટ આપવામાં આવ્યું છે. 20 જેટલાં ડૅમ 70 ટકા જેટલા ભરાતા ઍલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કે 22 ડૅમ 25થી 50 ટકા અને 12 ડૅમ 25 ટકાથી ઓછા ભરાયા છે.
નર્મદા ડૅમની સરદાર સરોવર યોજનામાં 2,86,387 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 85 ટકા જળસંગ્રહ અહીં થયો છે.
સરદાર સરોવર યોજનામાં 1.86 લાખ ક્યૂસેક પાણીની આવક સામે 1.78 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે કે ઉકાઈમાં 62 હજાર ક્યૂસેક પાણીની આવક સામે 46 ક્સૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વણાકબોરીમાં 26 હજાર ક્યૂસેક પાણીની આવક સામે 26 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણામાં 21 હજાર ક્યૂસેક પાણીની આવક સામે 20 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. ભાદર-2 યોજનામાં 16 હજાર ક્યૂસેક પાણીની આવક સામે 16 હજાર ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.
મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 93 ટકા, કચ્છના 20 જળાશયોમાં 87 ટકા, સૌરાષ્ટ્રનાં 141 જળાશયોમાં 81 ટકા, દક્ષિણ ગુજરાતનાં 13 જળાશયોમાં 77 ટકા જ્યારે કે ઉત્તર ગુજરાતનાં 15 જળાશયોમાં 48 ટકાથી વધુ પાણી ભરાયું છે.
આમ ગુજરાતમાં સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં 76 ટકા કરતા વધારે જળસંગ્રહ થયો છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












