'તમારી સફળતા પાછળ નરેન્દ્ર મોદીનો હાથ' હોવાના સવાલ પર શું બોલ્યા ગૌતમ અદાણી?

  • “રાહુલ ગાંધી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા છે, કારોબારી તરીકે મારાથી તેમના પર ટિપ્પણી કરાય એ વાત યોગ્ય નથી”
  • “દેવું કોઈના કહેવાથી નહીં બલકે કંપનીની રેટિંગના આધારે મળે છે”
  • “અમે આજે 22 રાજ્યોમાં કાર્યરત્ છીએ અને દરેક જગ્યાએ ભાજપની સરકાર નથી. અમને કોઈ જગ્યાએ પરેશાની નથી.”
  • “રાહુલ ગાંધીએ અમારા રોકાણની સરાહના પણ કરી હતી. હું માનું છું કે રાહુલ ગાંધીની નીતિ વિકાસવિરોધી નથી.”
  • “મોદીજી પાસેથી આપ કોઈ અંગત મદદ ન મેળવી શકો. તમે નીતિલક્ષી વાતો કરી શકો છો.”

અદાણી સમૂહના પ્રમુખ ગૌતમ અદાણીએ એક ઇન્ટરવ્યૂમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આરોપો અને નરેન્દ્ર મોદી સાથે ‘મિત્રતા’ને લઈને જે વાત કરી સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે.

અદાણીએ કહ્યું, “તેમના (રાહુલ ગાંધીના) કારણે જ લોકો અદાણીનું નામ જાણવા લાગ્યા છે.”

તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને તેમણે કહ્યું, “મોદીજી પાસેથી તમે કોઈ અંગત મદદ પ્રાપ્ત ન કરી શકો.”

પરંતુ મોદીજી સાથે ‘મારો અનુભવ સારો રહ્યો છે.’

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી પાછલા ઘણા સમયથી કેન્દ્રની મોદી સરકારને ઘેરવા માટે ‘અદાણી સમૂહ’ સાથે વડા પ્રધાનની ‘મિત્રતા’નો ઉલ્લેખ કરે છે અને તેમને ‘કઠેડા’માં ઊભા રાખવાની કોશિશ કરે છે.

આ આરોપ અંગે ગૌતમ અદાણીએ કહ્યું કે તેઓ રાહુલ ગાંધીનું ‘સન્માન કરે છે’ અને તેમના નિવેદનને ‘રાજકીય નિવેદનબાજી’ માને છે.

ખાનગી ન્યૂઝ ચેનલ ‘ઇન્ડિયા ટીવી’ સાથેની વાતચીતમાં ગૌતમ અદાણીએ કહ્યું, “2014ની ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ અમારા પર સતત જે શાબ્દિક પ્રહાર કર્યા છે, તેનાથી તમને લોકોને પણ અદાણી કોણ છે, એ જાણવાની તક મળી અને તેના કારણે આજે હું અહીં (ઇન્ટરવ્યૂ આપવા માટે સ્ટુડિયોમાં) છું.”

રાહુલ ગાંધી પર ગૌતમ અદાણીના નિવેદનને લઈને ઘણા લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર અમુક લોકો અદાણીના જવાબની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાકનું કહેવું છે કે રાહુલ ગાંધી દ્વારા ઉઠાવાયેલા સવાલોના કારણે અદાણીને સ્પષ્ટતા કરવી પડી રહી છે.

આ જ ઇન્ટરવ્યૂમાં અદાણીએ એવું પણ કહ્યું હતું કે તેઓ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ ખાતે તાજ હોટલ પર ઉગ્રવાદી હુમલા સમયે એ જ હોટલમાં હાજર હતા અને સુરક્ષાદળોએ તેમને બચાવ્યા હતા.

એશિયાના સૌથી ધનિક અને વિશ્વના ત્રીજા નંબરના ધનિક ગૌતમ અદાણીએ એક સાધારણ હીરા કારોબારી તરીકે બિઝનેસની શરૂઆત કરી હતી.

જોકે, આજે તેમની કંપની બંદર, હવાઈમથકો, ઊર્જા, સૌરઊર્જા, કોલસાની ખાણો, સિમેન્ટ, હાઉસિંગથી માંડીને પેટ્રોકેમિકલ્સ જેવાં ક્ષેત્રોમાં કારોબર કરી રહી છે.

રાહુલ ગાંધી ઘણી વાર એવા પણ આરોપ લગાવી ચૂક્યા છે કે કેન્દ્ર સરકારે ‘દેશના ગરીબોના પૈસા દેશના સૌથી મોટા બે કારોબારી (અદાણી અને અંબાણી) સમૂહોને આપ્યા છે.’

રાહુલ ગાંધીના આરોપ અંગે અદાણીએ શું કહ્યું?

જ્યારે ઘણાં રાજ્યોમાંથી પસાર થઈને ‘ભારત જોડો યાત્રા’ દિલ્હી પહોંચી ત્યારે લાલ કિલ્લા પર રાહુલ ગાંધીએ ફરી એક વાર કહ્યું કે, “કેન્દ્રમાં મોદી નહીં બલકે અંબાણી-અદાણીની સરકાર” છે.

આ આરોપ પર ગૌતમ અદાણીને પ્રશ્ન કરાયો તો તેમણે કહ્યું, “રાહુલ ગાંધી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા છે. મને લાગે છે કે એક કારોબારી તરીકે હું તેમના પર ટિપ્પણી કરું એ યોગ્ય નથી. તેઓ એક સન્માનનીય નેતા છે અને હું જોઉં છું કે તેઓ પણ દેશની પ્રગતિ ઇચ્છે છે.”

અદાણીએ કહ્યું, “રાજકીય આવેશમાં તેમનું આવું નિવેદન આવી જાય છે પરંતુ હું આ વાતને રાજકીય નિવેદનબાજીથી વધારે નથી માનતો.”

રાહુલ ગાંધીએ ગત વર્ષે ફેબ્રુઆરીમાં એવું કહ્યું હતું કે, “મોદી સરકારે હિંદુસ્તાનનાં બધાં બંદર, બધાં ઍરપૉર્ટ, ગૅસ, માઇનિંગ, ગ્રીન ઍનર્જી બધું ગૌતમ અદાણીને આપી દીધું છે.”

સરકારી બૅંકોનાં દેવાં અંગે સ્પષ્ટતા

રાહુલ ગાંધી એવા પણ આરોપ લગાવતા રહ્યા છે કે અદાણી સમૂહ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અલગઅલગ પ્રોજેક્ટોમાં પૈસા લગાવી રહ્યા છે, તે તમામ સરકારી બૅંકો પાસેથી મેળવેલ દેવાનાં નાણાં છે.

ગૌતમ અદાણીને એવું પણ પુછાયું કે તેમના પર બે લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને તેઓ જનતાના પૈસે કારોબાર વધારી રહ્યા છે. તેમણે આ મામલે પણ પોતાનો પક્ષ મૂક્યો અને આ તમામ દાવાને ‘ખોટા’ ગણાવ્યા.

કૉંગ્રેસ અને મોદી સાથેના સંબંધ અંગે શું બોલ્યા?

કૉંગ્રેસશાસિત રાજસ્થાનમાં 68 હજાર કરોડ રૂપિયાના રોકાણ સંબંધિત સવાલ પર ગૌતમ અદાણીએ કહ્યું કે રોકાણ મામલે ‘રાહુલ ગાંધીએ પ્રશંસા કરી હતી.’

તેમણે કહ્યું, “હું માનું છું કે રાહુલ ગાંધીની નીતિ વિકાસવિરોધી નથી. એક હોય છે રાજકીય નિવેદનબાજી અને એક હોય છે સાચો આરોપ. જનતાને નક્કી કરવા દો સત્ય શું છે.”

અદાણી સમૂહની સફળતામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હાથ હોવાના સવાલ અંગે અદાણીનું કહેવું હતું કે આવાં નિવેદનમાત્ર એ લોકો આપે છે જેમને ‘મોદીથી પરેશાની’ છે.

તેમણે કહ્યું, “મોદીજી પાસેથી તમે કોઈ મદદ ન મેળવી શકો. મોદીજી લગભગ 12 વર્ષ સુધી ગુજરાતના મુખ્ય મંત્રી રહ્યા અને હું ગર્વ સાથે કહી શકું છું કે તેમની સાથે મારો ખૂબ સારો અનુભવ રહ્યો છે.”

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા

આ ઇન્ટરવ્યૂને લઈને સોશિયલ મીડિયા પર ઘણા લોકો અદાણીની ટીકા કરે છે તો ઘણા લોકોએ અદાણીના ‘સેન્સ ઑફ હ્યુમર’ની પ્રશંસા કરી છે.

એક ટ્વિટર યૂઝર ભારત પાંડેએ ટ્વીટ કર્યું છે કે, “અદાણીએ કોઈ વસ્તુનો આવિષ્કાર નથી કર્યો, બૅંકોના પૈસા અને રાજકીય તાકતનો ઉપયોગ કંપનીઓ ખરીદવામાં કર્યો અને જનતાના પૈસે લૉન ચૂકવી છે.”

આશીષ પરીખે લખ્યું છે, “રાહુલ ગાંધી પર અદાણીનો જવાબ ગમ્યો, આ ઇન્ટરવ્યૂમાં અલગ સ્તરની ઍનર્જી જોવા મળી.”

પત્રકાર રજત શર્માને રિપ્લાય કરતાં એક ટ્વિટર યૂઝર રાજુ કે ગોગોઈએ પૂછ્યું છે કે, “તમે આવું કેમ કહો છો કે રાહુલ ગાંધી અપ્રાસંગિક છે.”

ટ્વિટર યૂઝર અંજનાએ લખ્યું છે કે, “જ્યારે મોદી તેમની સાથે છે તો રાહુલ ગાંધીની તેમને શી જરૂર. મોદી તેમના માટે 18 કલાક કામ કરે છે.”

વધુ એક ટ્વિટર યૂઝરે ટિપ્પણી કરી છે કે, “રાહુલ ગાંધી દ્વારા ગૌતમ અદાણીને નિશાન સાધવાના સવાલ અંગે ગૌતમ અદાણીનો જવાબ કેટલો રસપ્રદ અને મજાકભર્યો છે.”

ટ્વિટર યૂઝર સુજાતાએ કહ્યું છે કે, “રાહુલ ગાંધી પર ટિપ્પણી કરતાં ગૌતમ અદાણીએ કહ્યું છે કે તેઓ તેમના કારણે જ અહીં હાજર હતા. આવું હકારાત્મક વલણ જોઈને સારું લાગ્યું.”