સંજીવ ભટ્ટ પોરબંદર કસ્ટોડિયલ ડેથ કેસમાં છૂટવા છતાં જેલમાં કેમ બંધ રહેશે?

અનેક કેસ અને કાયદાકીય લડાઈઓથી ઘેરાયેલા પૂર્વ આઈપીએસ ઑફિસર સંજીવ ભટ્ટ માટે રાહતજનક સમાચાર આવ્યા છે. જોકે, તેમને જેલમાંથી બહાર આવી જાય તેવી કોઈ રાહત મળી નથી.

પોરબંદરની સ્થાનિક અદાલતે તેમને કસ્ટોડિયલ ડેથના એક કેસમાં શંકાનો લાભ આપીને છોડી મૂક્યા છે.

ભટ્ટ તથા અન્ય એક પોલીસકર્મી ઉપર આરોપ હતો કે તેમણે માહિતી કઢાવવા માટે આરોપીને માર માર્યો હતો અને પ્રાઇવેટ પાર્ટ્સમાં ઇલેક્ટ્રિક શૉક આપ્યા હતા. આ સિવાય આરોપીના પરિવારજનોની પણ કનડગત કરવામાં આવી હતી.

આ કેસમાં ભટ્ટ તથા તેમના સહઆરોપી સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમોની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ સામે જામનગર જિલ્લામાં કસ્ટોડિયલ ડેથનો કેસ નોંધાયો હતો, જેમાં તેઓ જનમટીપની સજા કાપી રહ્યા છે.

આ સિવાય ખોટા દસ્તાવેજો ઊભા કરીને નિર્દોષને ફીટ કરી દેવાના ગુનામાં 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે, જેથી તેમણે જેલમાં જ બંધ રહેવું પડશે.

ભટ્ટ પરિવારનો આરોપ હતો કે 'મોદી સરકાર સામે અવાજ ઉઠાવવાને કારણે ભટ્ટની કનડગત કરવામાં આવી રહી છે.'

27 વર્ષે ચુકાદો આવ્યો

કેસની વિગતો પ્રમાણે, માછીમારીનો ધંધો કરતા નારણભાઈ પોસ્તરિયા વર્ષ 1997માં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ હતા, જેઓ ટેરરિસ્ટ ઍન્ડ ડિસરપ્ટિવ ઍક્ટિવિટિઝ (પ્રિવેન્શન) ઍક્ટ, 1994 (ટાડા) હેઠળ આરોપી હતા.

નારણભાઈને અમદાવાદથી પોરબંદરની કમલા બાગસ્થિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતા. પોલીસને આશંકા હતી કે આરોપી પાસે હથિયાર અને દારૂગોળો છે.

સંજીવ ભટ્ટ એ સમયે અંડરવર્લ્ડ અને માફિયા પ્રવૃત્તિઓ માટે પંકાયેલા પોરબંદરમાં ડીએસપી (ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) તરીકે તહેનાત હતા. ભટ્ટ ઉપર આરોપ છે કે તેમણે તથા વજુભાઈ ચાંઉ નામના પોલીસ કૉન્સ્ટેબલે આરોપીને માર માર્યો હતો.

આ સિવાય આરોપીને પ્રાઇવેટ પાર્ટ્સમાં ઇલેક્ટ્રિક શૉક આપ્યા હતા. ફરિયાદીના પુત્ર તથા ભાઈને પણ પ્રતાડિત કરવામાં આવ્યા હતા.

કેસ દરમિયાન સહઆરોપીનું મૃત્યુ થતા ભટ્ટ આ કેસમાં આરોપી હતા. તેમની સામે તત્કાલીન ભારતીય દંડ સંહિતાની કલમ 326, (ભારે અને ગંભીર હથિયારોથી ગંભીર ઈજા પ હોંચાડવી), 330 (દબાણપૂર્વક કબૂલાત લેવી) અને 34 (બદઈરાદાપૂર્વકનું સામૂહિક કૃત્ય) હેઠળ કેસ ચાલી ગયો હતો.

કાયદાકીય દલીલો અને ચુકાદો

આ કેસમાં બચાવપક્ષના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે ફરિયાદપક્ષ દ્વારા વર્ષ 1997માં પોલીસ રિમાન્ડથી બચવા માટે ખોટો કેસ કર્યો હતો.

કાયદાકીય બાબતોનું રિપોર્ટિંગ કરતી વેબસાઇટ બાર ઍન્ડ બેન્ચના અહેવાલ પ્રમાણે, ઉપરાંત ફરિયાદી પોતે નામચીન ગૅંગસ્ટર રહી ચૂકેલ હોવાની તેમજ પોલીસ અધિકારી તરીકે કરેલા ફરજ પર કરેલા કૃત્ય અંગેની ફરિયાદ આ કેસમાં ફોજદારી કાર્યવાહી નિયત સમયમાં ન કરાઈ હોવાની દલીલ કરાઈ હતી.

અધિક સિનિયર સિવિલ જજ અને અધિક ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ મુકેશ પંડ્યાએ પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે પ્રસ્તુત કામના આરોપીઓએ સામાન્ય ઇરાદો પાર પાડવા માટે ફરિયાદીને બળજબરી કબૂલાત કરાવવા માટે માર માર્યાનો કેસ 'નિ:શંકપણે' પુરવાર નથી કરી શક્યા. જેથી ભટ્ટને આરોપોમાંથી મુક્ત કરી દેવાયા હતા.

નોંધનીય છે કે સંજીવ ભટ્ટ હાલ તત્કાલીન જામનગર જિલ્લાના ભાગરૂપ ખંભાણિયા કસ્ટોડિયલ ડેથ અને પાલનપુરમાં વકીલને ખોટા કેસમાં ફસાવવાના ગુનામાં રાજકોટ સેન્ટ્રલ જેલમાં બંધ છે.

કસ્ટોડિયલ ડેથના અન્ય એક કેસમાં જનમટીપ

1990માં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા બાદ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. એ સમય સંજીવ ભટ્ટ અવિભાજીત જામનગર જિલ્લાના (દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે) ડીએસપી તરીકે તહેનાત હતા.

ભારત બંધના ઍલાન વખતે થયેલી કોમી હિંસાને કાબૂમાં 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

જે લોકોની અટકાયત કરવામાં આવી હતી તેમાંથી પ્રભુદાસ વૈશ્નાણીની તબિયત બગડતાં તેમને હૉસ્પિટલ લઈ જવાયા હતા અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું.

મૃતકના ભાઈ અમૃત વૈષ્નાણીએ સંજીવ ભટ્ટ સહિત અન્ય છ પોલીસકર્મીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, તેમના પર આરોપ મૂક્યો હતો કે તેમને અટકાયતમાં ટૉર્ચર કરવામાં આવ્યા હતા.

સંજીવ ભટ્ટને આ મામલામાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. આ સજા સામે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી પરંતુ હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.

ચુકાદા સમયે સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટે બીબીસી સાથે વાત કરતાં આ કેસની ટ્રાયલ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, "જે રીતે આ કેસ ચાલ્યો છે અને ટ્રાયલ થઈ છે, તેનાથી અમે ક્યારેય સંતુષ્ટ નહોતા અમે આ ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારીશું."

તેમણે એ સમયે કહ્યું હતું કે, 'આ મામલો રાજકીય વેરભાવનાનો છે. સીઆઈડીની તપાસમાં કંઈ બહાર આવ્યું ન હતું અને રાજ્ય સરકારે તેમના વિરુદ્ધ ખટલો ચલાવવાની મંજૂરી આપી ન હતી.'

'2002ના હુલ્લડની તપાસ કરવા માટે નીમવામાં આવેલી જસ્ટિસ નાણાવટી તથા જસ્ટિસ મહેતા કમિશન સમક્ષ શ્રી ભટ્ટે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી (મોદી) તથા અન્ય ઉચ્ચ અધિકારીઓની સામે જુબાની આપી.'

'એ સાંજે જ રાજ્ય સરકારે રિવિઝન ઍપ્લિકેશન દાખલ કરી અને બીજા જ દિવસે સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી.'

શ્વેતા ભટ્ટે વર્ષ 1990થી 2012 સુધી આ કેસમાં પ્રગતિ નહીં થવા વિશે પણ સવાલ ઉઠાવ્યા હતા.

એનડીપીએસના કેસમાં 20 વર્ષની સજા

1996માં બનાસકાંઠા પોલીસે રાજસ્થાનના પાલીના વકીલ વકીલ સમરસિંહ રાજપુરોહિતની પાલનપુરની એક હૉટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

સંજીવ ભટ્ટ એ સમયે જિલ્લાના પોલીસ વડા તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારનો આ મામલો છે.

સંજીવ ભટ્ટ પર એવો આરોપ હતો કે તેમણે આ વકીલના રૂમમાં દોઢ કરોડની કિંમતનું લગભગ એક કિલોગ્રામ જેટલું ડ્રગ્સ મુકાવ્યું હતું અને તેમની સામે ખોટા પુરાવા ઊભા કર્યા હતા.

રાજસ્થાન પોલીસે ત્યાર બાદ કરેલી સ્વતંત્ર તપાસમાં એ સામે આવ્યું હતું કે બનાસકાંઠા પોલીસ દ્વારા વકીલને ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા.

વકીલનું કથિત રીતે તેમના પાલી ખાતેના નિવાસસ્થાનેથી અપહરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત હાઈકોર્ટે આ મામલાની તપાસના આદેશ આપ્યા બાદ સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટ અને તેમના સહકર્મી આઈ.બી. વ્યાસની ધરપકડ કરવામાં આવી હતી. આઈ.બી. વ્યાસ ત્યાર બાદ આ મામલામાં જ મંજૂરકર્તા બન્યા હતા.

આ કેસમાં સંજીવ ભટ્ટને 20 વર્ષની જેલ તથા બે લાખ રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી હતી.

સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટે આ ચુકાદા સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને તેને ઉચ્ચ તથા સર્વોચ્ચ અદાલતમાં પડકારવાની વાત કહી હતી.

કોણ છે સંજીવ રાજેન્દ્ર ભટ્ટ?

સંજીવ ભટ્ટે અમદાવાદની કૉલેજમાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમણે આઈઆઈટી પવઈમાંથી અભ્યાસ કર્યો હતો. સંજીવ ભટ્ટ 1988માં પોલીસ સેવામાં જોડાયા હતા.

સંજીવ ભટ્ટની એક સમયે નરેન્દ્ર મોદીની 'ગુડબુક્સ'માં આવતા અધિકારી તરીકે થતી.

2002 પછી તેમણે અમદાવાદમાં સાબરમતી જેલમાં ફરજ બજાવી હતી. કહેવાય છે કે ત્યાં કેદીઓ વચ્ચે તેમની લોકપ્રિયતા એટલી હતી કે તેમની બદલી થઈ ત્યારે કેદીઓએ હડતાળ કરી હતી.

ભટ્ટને ત્યાર બાદ જૂનાગઢ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું.

2011માં સંજીવ ભટ્ટે ઍફિડેવિટમાં કહ્યું હતું કે ગોધરાકાંડ બાદ 27 ફેબ્રુઆરી, 2002માં પોતાના ઘરે પોલીસ અધિકારીઓની બેઠકમાં કથિત રીતે મોદીએ કહ્યું હતું કે 'હિંદુઓને તેમનો આક્રોશ ઠાલવવાની તક આપવી જોઈએ.'

જોકે, મોદી સરકારે કહ્યું હતું કે સંજીવ ભટ્ટ આ બેઠકમાં હાજર નહોતા અને તેના કોઈ સાક્ષી નથી.

ઍફિડેવિટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાત રમખાણોની તપાસ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત વિશેષ તપાસ દળના (એસઆઈટી) તપાસ રિપોર્ટને ગેરકાયદેસર રીતે ઘણા લોકોને મોકલવામાં આવ્યો હતો.

વર્ષ 2011માં સંજીવ ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી.

2012માં સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટે કોંગ્રેસની ટિકિટ પર મણિનગર બેઠકથી નરેન્દ્ર મોદી સામે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. ત્યારે ભાજપે આરોપ મૂક્યા હતા કે નરેન્દ્ર મોદી પર સંજીવ ભટ્ટના આરોપ રાજકારણથી પ્રેરિત હતા.

વર્ષ 2015માં ભટ્ટને ફરજ પરથી ગેરહાજર રહેવા સબબ પોલીસસેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

જૂન-2019માં જામખંભાણિયામાં કસ્ટોડિયલ ડેથના મામલે તેમને તથા અન્ય એક સહઆરોપીને જનમટીપની સજા ફટકારવામાં આવી હતી.

વર્ષ 2022માં સુપ્રીમ કોર્ટે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી તથા તેમની સરકારને ફરજમાં બેપરવાહીના કેસમાંથી મુક્તિ આપી હતી. સાથે જ ટિપ્પણી કરી હતી કે કેટલાક લોકોએ લાભ મેળવવા માટે ચરૂને ઉકળતો રાખ્યો હતો.

એ પછી સંજીવ ભટ્ટ, પૂર્વ આઈપીએસ આરબી શ્રીકુમાર તથા તીસ્તા સેતલવાડ સામે બનાવટી દસ્તાવેજો ઊભા કરવાનો તથા ગુનાહિત કાવતરું ઘડવાનો કેસ દાખલ કર્યો હતો.

સંજીવ ભટ્ટને માર્ચ-2024માં બનાવટી પુરાવાના આધારે વકીલને વર્ષ 1996માં નાર્કોટિક ડ્રગ ઍન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ ઍક્ટ-1985ના કેસમાં ફસાવવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તેમને 20 વર્ષની જેલ તથા બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.