નવી દિલ્હી રેલવેસ્ટેશન પર થયેલી નાસભાગમાં કેવાં ભયંકર દૃશ્યો સર્જાયાં, જુઓ તસવીરોમાં

રાજધાની દિલ્હીના નવી દિલ્હી રેલવેસ્ટેશન પર થયેલી નાસભાગમાં અત્યાર સુધીમાં 18 લોકોનાં મૃત્યુ થયાં છે. મૃતકોમાં 10 વર્ષથી ઓછી ઉંમરનાં બે બાળકો છે અને મોટા ભાગના મહિલાઓ છે.

નવી દિલ્હી સ્ટેશન પર ગઈકાલે રાત્રે ભીડ વધી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. છેલ્લા બે દિવસથી નવી દિલ્હી સ્ટેશન પર પ્રયાગરાજ જવા માટે સતત ભીડ જોવા મળી રહી હતી.

ગઈકાલે રાત્રે ભીડ કાબૂ બહાર થઈ ગઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર પ્રયાગરાજ ઍક્સપ્રૅસ અને મગધ ઍક્સપ્રૅસ ટ્રેનમાં ચડવા માટે ભારે ધક્કામુક્કી થઈ હતી.

ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું હતું કે 13 અને 14 નંબરના પ્લૅટફૉર્મ પર ભારે ધક્કામુક્કી થઈ હતી. અનેક લોકો સીડીઓ પર જ પડી ગયા હતા.

બીબીસી સાથે વાત કરતા, એક પ્રત્યક્ષદર્શી મનોરંજન ઝાએ કહ્યું, "હું રાત્રે 9.15 વાગ્યે સ્ટેશન પર આવ્યો. જ્યારે હું આવ્યો ત્યારે રેલવેસ્ટેશન પર ભારે ભીડ હતી. મારાં માતા મરતાં મરતાં બચ્યાં છે. અમે બચી ગયાં."

"ભીડ ખૂબ જ હતી. ઍક્ઝિટ તરફથી ઍન્ટ્રી થઈ રહી હતી અને ત્યાં પણ ખૂબ જ ભીડ હતી. એક ટ્રેન રવાના થયા પછી, નાસભાગ મચી ગઈ. અમારી સામે જ એક વૃદ્ધ મહિલા બેભાન થઈ ગયાં."

ઘાયલોને લોકનાયક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવી શક્યતા છે કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.

હૉસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની સતત અવરજવર છે અને નેતાઓ ઘાયલોની મુલાકાત લઈ રહ્યા છે.

નવી દિલ્હી સ્ટેશનનું દૃશ્ય જ્યાં ગઈકાલે રાત્રે ખૂબ ભીડ વધી ગઈ હતી. જોકે, વહીવટીતંત્રનું કહેવું છે કે હવે સ્થિતિ નિયંત્રણમાં છે.

પ્લૅટફૉર્મ-14નું એક દૃશ્ય જ્યાં ગઈકાલે રાત્રે ભાગદોડ થવાથી લોકોનાં મોત થયાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.