'વંદે માતરમ' ગીત પર સંસદમાં વિવાદ કેમ થયો, ગીતનો અમુક ભાગ હઠાવવા 'નહેરુને પત્ર કોણે લખ્યો હતો?'

નરેન્દ્ર મોદી, પ્રિયંકા ગાંધી, સંસદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે વડા પ્રધાન મોદીએ લોકસભામાં આજથી 8 ડિસમ્બરથી તેના પર ચર્ચાની શરૂઆત કરી હતી. આ સાથે જ રાજ્યસભામાં પણ આ મુદ્દે આવતીકાલથી ચર્ચા થવાની સંભાવના છે.

વડા પ્રધાન મોદીએ 'વંદે માતરમ' અંગે સંસદમાં એક નિવેદન આપ્યું છે જેના કારણે રાજકારણ ગરમાયું છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, "જ્યારે વંદે માતરમનાં 50 વર્ષ થયાં ત્યારે દેશ ગુલામીમાં જીવવા માટે મજબૂર હતો અને જ્યારે 100 વર્ષ થયાં ત્યારે દેશ ઇમરજન્સીમાં જકડાયેલો હતો. એ સમયે ભારતના બંધારણના ગળે ટૂંપો દેવામાં આવ્યો હતો."

તેમણે કહ્યું હતું કે, "તેનાં 150 વર્ષ એ મહાન અધ્યાયના એ ગૌરવને પુન:સ્થાપિત કરવાનો અવસર છે."

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, "આ ગીત એવા સમયે લખાયું હતું જ્યારે 1857ના સ્વતંત્રતા યુદ્ધ પછી બ્રિટિશ સામ્રાજ્યમાં ગભરાટ ફેલાયેલો હતો. ભારત પર વિવિધ પ્રકારના દબાણ હતા, વિવિધ પ્રકારના અત્યાચારો થઈ રહ્યા હતા અને ભારતના લોકો પર અંગ્રેજો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું હતું."

અહીં ઉલ્લેખનીય છે કે 'વંદે માતરમ'ને લઈને લાંબા સમયથી સત્તા પક્ષ અને વિપક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

તેના કારણે જ સંસદના બંને ગૃહોમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર નિવેદનો અને ચર્ચાની સંભાવના દેખાઈ રહી છે.

ભાજપનો આરોપ છે કે કૉંગ્રેસે સ્વતંત્રતા સંગ્રામ આંદોલન દરમિયાન આ ગીતના કેટલાક ભાગને હઠાવી દીધો હતો. જ્યારે કૉંગ્રેસ આ આરોપોને નિરાધાર ગણાવી રહી છે.

આ સાથે જ ભાજપના કેટલાક નેતાઓ એવી માગ પણ કરી રહ્યા છે કે તેને શૈક્ષણિક સંસ્થાઓમાં ફરજિયાત કરી દેવું જોઈએ.

સમાજવાદી પાર્ટી સહિત અનેક વિપક્ષી દળો એવું કહીને તેનો વિરોધ કરી રહ્યા છે કે તેને જબરદસ્તીથી થોપવું ન જોઈએ.

લોકસભામાં કોણે શું કહ્યું?

વંદે માતરમ, રાષ્ટ્રગીત, ગુજરાત, નરેન્દ્ર મોદી, સંસદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, અખિલેશ યાદવે ભાજપના નેતાઓ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ રાજકીય લાભ મેળવવા બધું કબજે કરવા ઇચ્છે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લોકસભામાં 'વંદે માતરમ' પર આયોજિત ચર્ચામાં વડા પ્રધાન મોદીએ કૉંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા.

તેમણે સંસદમાં રાહુલ ગાંધીની ગેરહાજરીને ટાંકીને કહ્યું હતું કે, "કૉંગ્રેસે રાષ્ટ્રીય ગીત મામલે સમાધાન કર્યું હતું અને મુસ્લિમ લીગ સામે સરેન્ડર કરી લીધું હતું. સંસદમાં આટલી મહત્ત્વની ચર્ચા ચાલી રહી છે અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી લોકસભામાં હાજર નથી. પહેલાં નહેરુ અને હવે રાહુલ ગાંધે વંદે માતરમનું અપમાન કર્યું છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે, "કૉંગ્રેસ હજુ પણ વંદે માતરમનું અપમાન કરી રહી છે. કૉંગ્રેસે વંદે માતરમ અંગે સમાધાન કર્યું અને નહેરુએ વંદે માતરમના ટુકડા-ટુકડા કરી નાખ્યા."

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું હતું કે, "ભાજપને દરેક વસ્તુ કબજે કરવાની આદત છે અને તેમાંથી રાજકીય લાભ કેવી રીતે મેળવી શકાય તેના પર તેનું ધ્યાન રહે છે."

તેમણે કહ્યું હતું કે, "વંદે માતરમ ગીતનો વારસો એ આજે થોપવામાં આવી રહેલા નેરિટિવ્સ કરતાં ઘણો મોટો છે. વંદે માતરમ ગીત એ ભારતની આઝાદીની લડાઈ સાથે જોડાયેલું રહ્યું છે. આ ગીત ભારતના લોકોનું છે, કોઈ એક રાજકીય પક્ષનું નથી. સત્તાપક્ષમાં રહેલા લોકોને બધું પોતાનું કરી લેવું છે."

અખિલેશ યાદવે કહ્યું હતું કે, "જે લોકોએ આઝાદીની લડાઈમાં ભાગ ન લીધો હોય તેમને વંદે માતરમ અંગે શું ખ્યાલ હોય?"

સંસદમાં 'વંદે માતરમ' પર થઈ રહેલી ચર્ચામાં વડા પ્રધાન મોદીના ભાષણ પર પ્રિયંકા ગાંધીએ પણ સવાલો ઉઠાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, "વંદે માતરમના સ્વરૂપ પર સવાલો ઉઠાવવા એ દેશના મહાપુરુષોનું અપમાન છે. તેમણે તેમના મહાન વિવેકથી આ નિર્ણય લીધો હતો. શું સત્તાપક્ષના લોકો પોતાને મહાત્મા ગાંધી, ટાગોર, આંબેડકર, સરદાર પટેલથી પણ મોટા માનવા લાગ્યા છે?"

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, "તેમને માત્ર પ્રજાનું ધ્યાન ભટકાવતા જ આવડે છે. આ સમયમાં તેઓ ભૂતકાળની વાતો નહીં કરે તો શું કરશે? બીજી કોઈ વાત કરવાને તેઓ કાબેલ જ નથી. વંદે માતરમ દેશના કણકણમાં વણાયેલું છે."

કૉંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈએ લોકસભામાં ચર્ચામાં કહ્યું હતું કે, "અમે મુસ્લિમ લીગને બંધારણસભામાં જોરદાર જવાબ આપ્યો હતો. અમે કહ્યું હતું કે અમે મુસ્લિમ લીગની વાત માનવાના નથી અને વંદે માતરમને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો આપીશું."

તેમણે કહ્યું હતું કે, "કૉંગ્રેસના જ મૌલાના આઝાદે કહ્યું હતું કે વંદે માતરમથી અમને કોઈ આપત્તિ નથી. આ કૉંગ્રેસના મૌલાના આઝાદ અને ઝીણા વચ્ચે ફર્ક છે. લાખ દબાણ છતાં 1937માં કૉંગ્રેસની વર્કિંગ કમિટીમાં એ નિર્ણય લેવામાં આવ્યો કે જ્યાં પણ રાષ્ટ્રીય મેળાવડો થશે ત્યાં શરૂઆતમાં વંદે માતરમ ગાવામાં આવશે."

તેમણે કહ્યું હતું કે, "આ નિર્ણયની મુસ્લિમ લીગે જ નહીં, પરંતુ હિંદુ મહાસભાએ પણ ટીકા કરી હતી."

સમગ્ર વિવાદ શું છે?

વંદે માતરમ, રાષ્ટ્રગીત, ગુજરાત, નરેન્દ્ર મોદી, સંસદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Kesari Maratha Libraray, Pune

7 નવેમ્બરના રોજ 'વંદે માતરમ'ની 150મી વર્ષગાંઠને લગતા કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો હતો કે કૉંગ્રેસે 1937ના ફૈઝાબાદ અધિવેશન પહેલા 'વંદે માતરમના કેટલાક મહત્ત્વપૂર્ણ ભાગો દૂર કરી દીધા હતા'.

ત્યારે તેમણે કહ્યું હતું કે , "1937માં, વંદે માતરમની કેટલીક મહત્ત્વપૂર્ણ પંક્તિઓ, જે તેના આત્માનો એક ભાગ છે, તેને દૂર કરી દેવામાં આવ્યા હતા. વંદે માતરમ ગીતને તોડી નાખવામાં આવ્યું હતું. આ અન્યાય કેમ કરવામાં આવ્યો? આનાથી ભાગલાનાં બીજ વાવવામાં આવ્યાં."

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે નહેરુજી 'વંદે માતરમ'ને લઈને સહજ નહોતા.

આ આરોપોના જવાબમાં કૉંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે સબ્યસાચી ભટ્ટાચાર્ય દ્વારા લખાયેલા વંદે માતરમ પરના પુસ્તકનો ઉલ્લેખ કરીને ઍક્સ પર જવાબ આપ્યો હતો.

તેમણે કહ્યું હતું કે, "1937માં કૉંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકના ત્રણ દિવસ પહેલાં, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે પોતે નહેરુને આ વિશે લખ્યું હતું. તેઓ વ્યક્તિગત રીતે વંદે માતરમ સાથે જોડાયેલા હતા અને સૂચન કર્યું હતું કે ગીતના પહેલા બે ભાગને અપનાવવા જોઈએ. બેઠકમાં લેવાયેલો નિર્ણય એ તેમના પત્રથી પ્રભાવિત હતો. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર પર વિભાજનકારી વિચારધારા હોવાનો આરોપ લગાવી રહ્યા છે."

યોગી સરકારનો નિર્ણય અને વિરોધ

આ ઉપરાંત 10 નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે તેમની સરકાર રાજ્યની શાળાઓ, કૉલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં 'વંદે માતરમ' ગાવાનું ફરજિયાત બનાવશે.

11 નવેમ્બરે બારાબંકી જિલ્લામાં વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું, "જે કોઈ વંદે માતરમનો વિરોધ કરી રહ્યું છે તે ભારત માતાનો વિરોધ કરી રહ્યું છે."

તેમણે કહ્યું, "આજે પણ કેટલાક લોકો ભારતમાં રહેશે, ભારતમાં ખાશે, પણ વંદે માતરમ નહીં ગાય."

તેના જવાબમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે 13 નવેમ્બરના રોજ બરેલીમાં કહ્યું હતું કે, "જ્યારે મુખ્ય મંત્રીની ખુરશી ધ્રુજવા લાગે છે, ત્યારે તેઓ સાંપ્રદાયિક બની જાય છે."

તેમણે કહ્યું, "આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ, શું બંધારણના ઘડવૈયાઓએ તે સમયે તેની ચર્ચા નહોતી કરી? ચર્ચા પછી જ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગીત આપવામાં આવ્યા હતા. જો તે ગાવાનું જરૂરી હતું તો તેને તે સમયે ફરજિયાત કેમ ન બનાવવામાં આવ્યું? આપણા નેતાઓએ એ લોકોની પસંદગી પર છોડી દીધું હતું."

અખિલેશ યાદવે એમ પણ કહ્યું હતું કે, "ભાજપના નેતાઓને ઘણી વખત પૂછવામાં આવ્યું હતું કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનમાં ફર્ક શું છે. પરંતુ તેમને એ પણ ખબર નથી. ભાજપના નેતાઓ રાષ્ટ્રગીત ગાઈ શક્યા નહીં."

વંદે માતરમનો ઇતિહાસ શું છે?

વંદે માતરમ, રાષ્ટ્રગીત, ગુજરાત, નરેન્દ્ર મોદી, સંસદ, બીબીસી ગુજરાતી, બંકિમચંદ્ર ચેટર્જી

ઇમેજ સ્રોત, X/RailMinIndia

બંકિમચંદ્ર ચેટરજીએ 1858માં ઇંગ્લૅન્ડનાં રાણીએ ભારતીય વસાહતો પર કબજો મેળવ્યા પછી ડેપ્યુટી કલેક્ટર તરીકે નિયુક્ત થયેલા પ્રથમ ભારતીય હતા.

1891માં તેઓ નિવૃત્ત થયા અને બ્રિટિશ શાસકો દ્વારા તેમને 'રાય બહાદુર' સહિત અનેક ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા.

તેમણે આ ગીત 1875માં બંગાળી અને સંસ્કૃતમાં લખ્યું હતું. બંકિમે પાછળથી આ ગીતને તેમની પ્રખ્યાત પરંતુ વિવાદાસ્પદ કૃતિ 'આનંદમઠ' (1885)માં સામેલ કર્યું.

આ ગીત સાથે જોડાયેલી એક રસપ્રદ વાત એ છે કે તેમાં ઉલ્લેખિત તમામ પ્રતીકો અને દ્રશ્યો બંગાળની ભૂમિ સાથે સંબંધિત છે.

આ ગીતમાં બંકિમચંદ્રએ સાત કરોડ લોકોનો પણ ઉલ્લેખ કર્યો છે, જે તે સમયે બંગાળ પ્રાંત (જેમાં ઓડિશા અને બિહારનો સમાવેશ થતો હતો) ની કુલ વસ્તી હતી. તેવી જ રીતે, જ્યારે અરવિંદ ઘોષે તેનું ભાષાંતર કર્યું, ત્યારે તેમણે તેને 'બંગાળનું રાષ્ટ્રગીત' નામ આપ્યું.

આ ગીત માટે રવીન્દ્રનાથ ટાગોરે પણ એક સુંદર ધૂન બનાવી હતી.

બંગાળના ભાગલાએ ખરેખર આ ગીતને બંગાળનું રાષ્ટ્રગીત બનાવી દીધું હતું. 1905માં બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવેલા બંગાળના ભાગલા સામેના જાહેર વિરોધને કારણે આ ગીત અંગ્રેજો વિરુદ્ધ એક શસ્ત્રમાં ફેરવાઈ ગયું.

ત્યારપછી સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેનારા લોકોએ બ્રિટિશ શાસન સામેના વિરોધમાં આ ગીતનો વ્યાપક ઉપયોગ કર્યો. આ લોકોમાં હિન્દુ-મુસ્લિમ સૌ કોઈ હતા.

'વંદે માતરમ'ના નારા સમગ્ર બંગાળમાં આગની જેમ ફેલાઈ ગયા હતા. બ્રિટિશ સેનાએ બારીસાલ (હવે બાંગ્લાદેશમાં) માં બંગાળ કૉંગ્રેસના પ્રાંતીય અધિવેશન પર ક્રૂર હુમલો એટલે કર્યો હતો કારણ કે ત્યાં વંદે માતરમ ગાવામાં આવ્યું હતું. આ અધિવેશન ખેડૂત નેતા એમ.રસૂલની અધ્યક્ષતામાં થયું હતું. રાતોરાત આ ગીત માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગૂંજતું રહ્યું.

ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લાહ ખાન જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પણ વંદે માતરમ ગાયું હતું.

આ સૂત્ર 'ઇન્કલાબ ઝિંદાબાદ'ના સૂત્રની જેમ જ સહિયારા રાષ્ટ્રવાદનો મંત્ર બની ગયું. 20મી સદીના બીજા દાયકા સુધીમાં, બ્રિટિશ વિરોધી રાષ્ટ્રીય ચળવળ રાષ્ટ્રવ્યાપી બની ગઈ હતી.

સ્વતંત્રતા ચળવળનું નેતૃત્વ કરી રહેલી કૉંગ્રેસે 1937માં ગાંધી, નહેરુ, અબુલ કલામ આઝાદ અને સુભાષચંદ્ર બોઝની બનેલી એક સમિતિની રચના કરી હતી. આ સમિતિએ જેમને આ ગીત પર કોઈ વાંધો હોય તો રજૂ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

સૌથી મોટો વાંધો એ હતો કે આ ગીતમાં ભારતીય રાષ્ટ્રવાદને કોઈ ચોક્કસ ધર્મના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો. આ પ્રશ્ન ફક્ત મુસ્લિમ સંગઠનો દ્વારા જ નહીં પરંતુ શીખ, જૈન, ખ્રિસ્તી અને બૌદ્ધ સંગઠનો દ્વારા પણ ઉઠાવવામાં આવ્યો હતો.

આનો ઉકેલ એ હતો કે ગીતના ફક્ત પહેલા બે ભાગ જ ગવાશે જેમાં કોઈ ધાર્મિક પાસું ન હોય.

જોકે, એ સમયે આરએસએસ અને હિન્દુ મહાસભાએ આખા ગીતને અપનાવવાની માંગ કરી હતી, જ્યારે મુસ્લિમ લીગે આખા ગીતનો વિરોધ કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન