ગુજરાત પેટાચૂંટણીઃ કડીમાં શું છે રાજકીય સમીકરણો, બીબીસીનો ગ્રાઉન્ડ રિપોર્ટ

ગુજરાતમાં 19મી જૂને કડી અને વીસાવદર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી થવાની છે. સૌરાષ્ટ્રની વીસાવદર બેઠક પર ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વધારે ફોકસ કરતી હોય તેવું ચિત્ર છે, પરંતુ ઉત્તર ગુજરાતના કડીમાં પણ આ ત્રણેય પક્ષો વચ્ચે ત્રિપાંખિયો જંગ થવાનો છે.

કડીમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય કરસન સોલંકીનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી.

બીબીસી ગુજરાતીના રૉક્સી ગાગડેકર છારાએ કડી મતક્ષેત્રની મુલાકાત લઈને ચૂંટણી લડતા ઉમેદવારો તથા સ્થાનિક મતદારો સાથે વાત કરી હતી અને સ્થાનિક મુદ્દા જાણવાનો પ્રયાસ કર્યો હતો.

વર્ષ 2022માં કડીની વિધાનસભા બેઠકની ચૂંટણી દરમિયાન ભાજપે તેના ધારાસભ્ય કરસન સોલંકીને રિપીટ કર્યા હતા. તેઓ 2022માં ફરી ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં તેમનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી.

વર્ષ 2017માં રાજ્યભરમાં ભાજપ માટે કપરાં ચઢાણ હતાં ત્યારે કરસન સોલંકી આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીતી આવ્યા હતા. પુન:સીમાંકન બાદ આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર થઈ તે પહેલાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ આ બેઠક પરથી ભાજપનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

કડીની પેટાચૂંટણી અંગે ભાજપનું શું કહેવું છે?

ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે જેઓ મહેસાણાના જોટાણાના રહેવાસી છે અને અર્થશાસ્ત્ર સાથે બીએની ડિગ્રી ધરાવે છે.

66 વર્ષના રાજેન્દ્ર ચાવડા અનુસૂચિત જાતિમાંથી આવે છે. તેઓ 1980થી ભાજપના સક્રિય સભ્ય છે, 1981થી 1986 દરમિયાન મહેસાણા તાલુકા પંચાયતના સભ્ય હતા. ભાજપે શૅર કરેલી પ્રોફાઇલ પ્રમાણે રાજેન્દ્ર ચાવડાએ અલગ-અલગ આંદોલનમાં 10 દિવસનો જેલવાસ ભોગવ્યો હતો જેમાં મોંઘવારી અને બેકારી વિરુદ્ધનાં આંદોલનો સામેલ છે.

1985માં રાજેન્દ્ર ચાવડા ભાજપના ઉમેદવાર તરીકે જોટાણામાં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ કૉંગ્રેસના માનસિંહ જાદવ સામે પરાજય થયો હતો.

ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે "લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમે બધે વિકાસની વાત કરીએ છીએ."

કડીમાં ભાજપે પ્રચાર માટે કૅબિનેટ મંત્રીઓને કેમ ઉતારવા પડ્યા તે વિશે તેમણે કહ્યું કે "પાર્ટીનો પ્રચાર કરવાનો બધાને અધિકાર છે. પછી તે મુખ્ય મંત્રી હોય કે પ્રદેશ પ્રમુખ હોય."

ભાજપે કડી મતવિસ્તારમાં ભારે પ્રભાવ ધરાવતા ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલને કેટલાક સમયથી સાઇડલાઇન કરી દીધા છે તેવી ચાલી રહેલી વાત સાથે રાજેન્દ્ર ચાવડા સહમત નથી. તેમણે કહ્યું કે "નીતિન પટેલ અમારી સાથે જ છે."

ભાજપ આ ચૂંટણી જીતી જાય તો પ્રાથમિકતાના ધોરણે કયાં કામ હાથ ધરશે, તેવા સવાલના જવાબમાં તેઓ કોઈ મુદ્દાના નામ આપી શક્યા ન હતા. તેમણે એટલું જ કહ્યું કે પ્રાથમિકતા નક્કી થયા મુજબ કામ થશે.

નીતિન પટેલના મામલે ભાજપના ટેકેદારોએ પણ બીબીસી ગુજરાતીને કહ્યું કે, "નીતિન પટેલનું માન સન્માન જળવાય છે, તેથી તેમાં કોઈ અસંતોષ હોય તેવી શક્યતા નથી."

કડીમાં વિકાસ થયો હોવાના દાવા કરવામાં આવે છે પરંતુ અહીં હજુ ટ્રૉમા સેન્ટર કેમ નથી તેવા સવાલનો જવાબ ભાજપના આગેવાનો પાસે ન હતો.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોણ છે

આમ આદમી પાર્ટીએ પાર્ટીએ કડીમાં જગદીશ ચાવડાને ટિકિટ આપી છે. તેઓ આપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રીય દલિત મંચ સાથે પણ સંકળાયેલા છે.

39 વર્ષીય જગદીશ ચાવડાએ ગ્રૅજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલમાં ગુજરાત ફ્રાય સેન્ટર નામે રેસ્ટોરાં ચલાવે છે. તેઓ ત્રણ વર્ષથી આપ સાથે જોડાયેલા છે.

તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "અમે ગામડે ગામડે પ્રચાર કરીએ છીએ અને લોકો બહુ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. દરેક ગામમાં લોકોનું કહેવું છે કે આઝાદીનાં આટલાં વર્ષો સુધી પહેલાં કૉંગ્રેસને મત આપ્યા, પછી 30 વર્ષથી ભાજપને મત આપ્યા. પરંતુ અમે જ્યાંના ત્યાં જ છીએ."

જગદીશ ચાવડાએ કડીની સમસ્યાઓ વર્ણવતા કહ્યું કે, "અહીં સ્ટ્રીટ લાઇટોની હાલત ખરાબ છે. રાતે અંધારપટ થઈ જાય છે. રસ્તા બિસ્માર હાલતમાં છે. અહીં જયદેવપુરા ગામમાં એક વર્ષથી સ્ટ્રીટ લાઇટ નથી, કારણ કે પંચાયતની એટલી આવક પણ નથી કે બિલ ભરી શકે."

તેમના કહેવા પ્રમાણે, "અહીં સિંચાઈનાં પાણી અને ખાતરનો પ્રશ્ન મુખ્ય છે. ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી."

આપના એક ટેકેદારે કહ્યું કે તેમની પાસે સાત આઠ વિઘા જમીન છે પરંતુ તેમાં ચોમાસામાં કે શિયાળામાં પાક નથી થતો. વરસાદ પછી પાણીના નિકાલનો પ્રશ્ન છે.

તેમણે દાવો કર્યો કે 1990માં નીતિન પટેલ ચૂંટણી જીત્યા ત્યારથી સ્થાનિક પશુ દવાખાનું બંધ છે. તેમના આરોપ મુજબ અહીં હાઇસ્કૂલની સગવડ પણ નથી.

કડીમાં કૉંગ્રેસના જૂના જોગી રમેશ ચાવડા મેદાનમાં

કૉંગ્રેસે કડીમાં રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે.

રમેશ ચાવડા 2012ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હિતુ કનોડિયાને હરાવીને વિજયી બન્યા હતા.

69 વર્ષના રમેશ ચાવડા કડીના ભૂતપૂર્વ ધારાસભ્ય છે અને 2012થી 2017 વચ્ચે તેઓ એમએલએ હતા. તેમણે રાજકારણને પોતાના વ્યવસાય તરીકે ઓળખાવ્યો છે અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએટ થયા છે.

2012ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપના હિતુ કનોડિયાને 1217 મતના માર્જિનથી પરાજય આપ્યો હતો. પરંતુ 2017માં તેઓ ભાજપના કરશન સોલંકી સામે હારી ગયા હતા.

કૉંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાનું કહેવું છે કે "નીતિન પટેલ સત્તામાં હતા ત્યારે લોકોનું કામ થઈ જતું હતું, પરંતુ હવે તો પાર્ટી પણ તેમને ટિકિટ નથી આપતી."

કૉંગ્રેસ કડીમાં જીતવાની આશા શા માટે રાખે છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે "પાયાના લોકો ભાજપથી દૂર જતા રહ્યા છે. કડી મતક્ષેત્રમાં રસ્તા, ગટર, પાણીની વ્યવસ્થા નથી. વરસાદના સામાન્ય ઝાપટામાં પાણી ભરાઈ જાય છે."

તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે, "સામાન્ય ચૂંટણીને માત્ર અઢી વર્ષની વાર છે, છતાં નીતિન પટેલ, ઋષિકેશ પટેલ જેવા મંત્રીઓ પ્રચાર કરી રહ્યા છે. ભાજપના નેતાઓ ગભરાઈ ગયા છે અને લોકોની કોણીએ ગોળ લગાડવા ઊતરી પડ્યા છે."

રમેશ ચાવડાએ કહ્યું કે, "1995ની સાલથી હું ચૂંટણીઓ જીતતો આવું છું. પહેલાં મ્યુનિસિપલ ચૂંટણી જીત્યો, ત્યાર પછી 2012માં વિધાનસભામાં જીત્યો. 2015થી મારાં પત્ની મ્યુનિસિપાલિટીમાં ચૂંટાય છે. છતાં મારી સામે ક્યારેય ભ્રષ્ટાચારનો આરોપ નથી લાગ્યો. અહીં 3,000થી વધુ ફૅકટરીઓ છે, પણ હું કોઈની પાસેથી ફંડ લેવા જતો નથી."

તેમણે કહ્યું કે, "હું બધાની મદદ માટે હાજર હોઉં છું તેથી લોકો 108 તરીકે ઓળખે છે, મારી પાસે સંઘના માણસ આવે તો તેમનું કામ પણ કરી આપું છે."

સ્થાનિક મુદ્દા વિશે તેમણે કહ્યું કે, "અહીં રેલવેના બે બ્રિજ એવા બન્યા છે કે લોકો પરેશાન છે, વરસાદમાં પાણી ભરાઈ જાય છે અને વાહનો ફસાઈ જાય છે. જમીનના ભાવો પણ ઘટી ગયા છે. અહીં ટ્રૉમા સેન્ટરની ખાસ જરૂર છે કારણ કે લોકોને સારવાર માટે અમદાવાદ જવું પડે છે."

મેવાણીએ કડીમાં કૉંગ્રેસના પ્રભારી બનવાની ના પાડતા વિવાદ

2002માં ગોધરાકાંડ અને રમખાણો પછી યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસના બળદેવજી ઠાકોરે નીતિન પટેલને 6,429 મતે હરાવ્યા હતા.

જોકે, 2007માં નીતિન પટેલે બળદેવજી ઠાકોરને હરાવ્યા. ત્યાર પછી 2012માં આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર થઈ. તેમાં કૉંગ્રેસના રમેશ ચાવડાએ ભાજપના હિતુ કનોડિયાને હરાવ્યા હતા. 2017માં ભાજપના કરશન સોલંકીએ રમેશ ચાવડાને પરાજય આપ્યો હતો.

બીબીસીએ કૉંગ્રેસના નેતા બળદેવભાઈ ઠાકોર સાથે પણ વાત કરી જેઓ રમેશ ચાવડાના પ્રચારમાં જોડાયા છે.

બળદેવભાઈ ઠાકોરે કહ્યું કે, "ભાજપના શાસનમાં ધીરે-ધીરે ગુજરાતના લોકો કંટાળી ગયા છે. કડીના જે ગામમાં અમે ગયા ત્યાં કૉંગ્રેસ માટે ટેકો છે."

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કડીના પ્રભારી બનવાની ના પાડી તેનાથી કેવી અસર થશે તેવા સવાલના જવાબમાં બળદેવ ઠાકોરનું કહેવું છે કે, "આનાથી કોઈ ફરક નથી પડ્યો. પાટીદાર હોય, દલિત સમાજ હોય કે પછી ઓબીસી હોય. બધી જગ્યાએ અમારા ઉમેદવારને ટેકો છે."

તેમણે આરોપ લગાવ્યો કે "ભાજપ માત્ર વિકાસની વાતો કરે છે, પરંતુ દરેક સરકારી ઑફિસમાં ભ્રષ્ટાચાર ચાલે છે, પૈસા વગર કોઈ કામ નથી થતું."

તેમણે કહ્યું કે, "ભાજપના શાસનમાં મુઠ્ઠીભર લોકોનો જ વિકાસ થયો છે, ગામોનો વિકાસ નથી થયો."

કૉંગ્રેસમાં એકતા નથી તેવી વાતને તેમણે નકારી કાઢી હતી. તેમણે આરોપ મૂક્યો કે ભાજપ પોલીસનો ઉપયોગ કરીને કૉંગ્રેસના કાર્યકરોને દબાવીને ચૂંટણી લડે છે.

ભાજપે આ આરોપોનો જવાબ આપતા કહ્યું કે કૉંગ્રેસ માત્ર વાતો કરે છે, અમે કામો કરી દેખાડ્યાં છે અને તેથી જ 25 વર્ષ ઉપરથી ગુજરાતમાં સત્તામાં છે.

શું છે કડીનું રાજકીય ગણિત?

કડીનું રાજકીય ગણિત આમ તો ભાજપ અને કૉંગ્રેસ એમ બંને માટે લગભગ સરખું રહ્યું છે. આમ આદમી પાર્ટીએ અહીંથી ક્યારેય વિજય નથી મેળવ્યો. આ વિસ્તાર નીતિન પટેલનો ગઢ માનવામાં આવે છે.

ગુજરાત રાજ્ય બન્યું તે પહેલાં મુંબઈ રાજ્ય વખતની બે વિધાનસભાની ચૂંટણીમાં બે અપક્ષ ધારાસભ્યો કડીથી જીત્યા હતા.

ગુજરાત રાજ્ય બન્યા બાદ 6 વખત કૉંગ્રેસ, જનસંઘ અને સ્વતંત્ર પાર્ટી એક-એક તથા ભાજપે છ વખત આ બેઠક પ્રાપ્ત કરી છે.

ચૂંટણીપંચ પ્રમાણે કડી વિધાનસભા મતવિસ્તારમાં 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી કરતાં 376 મતદારોનો વધારો થયો છે. જેમાં 152 પુરુષો તથા 224 મહિલા મતદારોનો વધારો થયો છે. કડીમાં કુલ 1,49,719 પુરુષ મતદાર જ્યારે 1,40,023 મહિલા મતદારો થતા ત્રીજી જાતિના ચાર એમ કુલ મળીને 2,89,746 મતદારો છે.

જાણકારો કહે છે તે પ્રમાણે આમ તો કડી પાટીદારોનો ગઢ ગણાય છે. ઠાકોર મતદાતા પણ સારી એવી સંખ્યામાં છે. મુસ્લિમ વોટરો પણ દસેક ટકાની પાસે છે. ઓબીસી મતદારો પણ ખાસ્સી એવી સંખ્યામાં છે. ઉપરાંત એસસી મતદારો લગભગ 20 ટકા છે.

જ્યારે મુંબઈ રાજ્ય હતું અને ગુજરાત અલગ નહોતું પડ્યું ત્યારે પહેલી વિધાનસભાની ચૂંટણી 1951માં થઈ હતી. આ ચૂંટણીમાં અપક્ષ પુરુષોત્તમદાસ રણછોડદાસ પટેલે બાજી મારી હતી. તેમણે કૉંગ્રેસના અંબાલાલ તુલસીદાસ પટેલને 449 મતે હરાવ્યા હતા. પુરુષોત્તમદાસને 18,050 મત જ્યારે કે અંબાલાલ પટેલને 17,601 મત મળ્યા હતા.

1957ની વિધાનસભાની ચૂંટણીમાં પણ અપક્ષ ઉમેદવાર છોટાલાલ મગનલાલ પટેલ વિજેતા થયા હતા. તેમણે કૉંગ્રેસના અર્જુનજી ડાભીને 15,465 મતે હરાવ્યા હતા. છોટાલાલ પટેલને 31,052 જ્યારે કે અર્જુનજી ડાભીને 15,587 મત મળ્યા હતા.

ગુજરાત છૂટું પડ્યા પછી 1962માં યોજાયેલી પહેલી વિધાનસભાની ચૂંટણીમાં ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના નટવરલાલ અમૃતલાલ પટેલે સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર ધનાભાઈ હરગોવિંદદાસ પટેલને 422 મતોએ પરાજિત કર્યા હતા. નટવરલાલને 19,828 મત જ્યારે કે ધનાભાઈને 19,406 મત મળ્યા હતા.

1967ની ચૂંટણીમાં સ્વતંત્ર પાર્ટીના પીએન પરમાર 9,801 મતે વિજેતા બન્યા હતા. તેમણે કૉંગ્રેસના ઉમેદવાર જીકે રૂપાલાને પરાજિત કર્યા હતા. પરમારને 27,203 જ્યારે રૂપાલાને 17,402 મત મળ્યા હતા.

1972ની વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ગોવિંદભાઈ એસ પરમારે ભારતીય જનસંઘના ઉમેદવાર મોતીલાલ વરાટિયાને 679 મતે પરાજય આપ્યો હતો. ગોવિંદભાઈને 16,267 જ્યારે કે મોતીલાલને 15,588 મત મળ્યા હતા.

1975ની ચૂંટણીમાં ભારતીય જનસંઘે પહેલી વખત કડીથી ખાતું ખોલાવ્યું હતું. જનસંઘના પ્રહ્લાદભાઈ પટેલે કૉંગ્રેસના અર્જુનજી ડાભીને 7,461 મતે હરાવ્યા હતા. પ્રહ્લાદભાઈને 22,895 જ્યારે કે અર્જુનજીને 15,434 મત મળ્યા હતા.

1980ની ચૂંટણીમાં કૉંગ્રેસ (આઈ)ના કરસનજી મંગળજી ઠાકોરે ભાજપના ઉમેદવાર ભગુભાઈ ગોપાલદાસ પટેલને 9,492 મતે હરાવ્યા હતા. કરસનજીને 24,050 જ્યારે કે ભગુભાઈ પટેલને 14,558 મત મળ્યા હતા.

1985માં ફરીથી કૉંગ્રેસના કરસનજી ઠાકોરે ભાજપના ભગુભાઈ પટેલને 6,143 મતે પરાજય આપ્યો હતો. આ ચૂંટણીમાં તત્કાલીન મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકીની 'ખામ' થિયરીની બોલબાલા હતી અને કૉંગ્રેસે 182 પૈકી 149 બેઠકો મેળવી હતી.

1990માં કેશુભાઈ પટેલના નેતૃત્વમાં ભાજપની 'બોલબાલા' વધી. કડીમાં પહેલી વખત નીતિન પટેલ ભાજપની ટિકિટ પરથી ચૂંટાઈ આવ્યા. તેમણે કૉંગ્રેસના કરસનજી ઠાકોરને 2,738 મતે હરાવ્યા હતા. નીતિન પટેલને 34,370 જ્યારે કે કરસનજી ઠાકોરને 31,632 મત મળ્યા હતા.

1995માં ફરીથી નીતિન પટેલ ચૂંટાયા આ વખતે પણ તેમણે કૉંગ્રેસના કરસનજી ઠાકોરને 2,184 મતે હરાવ્યા. નીતિન પટેલને 48,320 જ્યારે કે કરસનજી ઠાકોરને 46,136 મત મળ્યા હતા.

1998માં ફરીથી નીતિન પટેલ ચૂંટાઈ આવ્યા. તેમણે કૉંગ્રેસના ઉમેદવાર દીપસિંહ ઠાકોરને 10,682 મતે હરાવ્યા. નીતિન પટેલને 53,205 જ્યારે કે દીપસિંહને 42,532 મત મળ્યા હતા.

2002ની ચૂંટણી તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી માટે મહત્ત્વની હતી, કારણ કે આ ચૂંટણી ગોધરાકાંડ અને ત્યાર બાદ ગુજરાતભરમાં ફાટી નીકળેલાં રમખાણો બાદ યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપે વિજય તો મેળવ્યો અને નરેન્દ્ર મોદી ફરીથી મુખ્ય મંત્રી બન્યા હતા. પરંતુ કડીની ચૂંટણી નીતિન પટેલ હારી ગયા હતા. તેમને કૉંગ્રેસના બળદેવજી ઠાકોરે 6,429 મતે હરાવ્યા હતા.

જોકે, 2007ની ચૂંટણીમાં નીતિન પટેલ ફરીથી ચૂંટાઈ આવ્યા હતા. તેમણે બળદેવજી ઠાકોરને 1,327 મતે હરાવ્યા.

2012માં કડીની બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર થઈ હતી. તેથી નીતિન પટેલે બેઠક બદલવી પડી. અહીંથી ભાજપે ગુજરાતી ફિલ્મ કલાકાર હિતુ કનોડિયાને ટિકિટ આપી. પરંતુ હિતુ કનોડિયા કૉંગ્રેસના રમેશ ચાવડા સામે 1,217 મતે હારી ગયા.

2017માં કડીમાં ભાજપના કરસન સોલંકીએ કૉંગ્રેસના રમેશ ચાવડાને 7,746 મતોએ પરાજય આપ્યો.

2022ની ચૂંટણીમાં કડીથી ભાજપે ફરીથી કરસનભાઈ સોલંકીને ઉતાર્યા. તેઓ કૉંગ્રેસના પ્રવીણ પરમારને હરાવીને વિજેતા બન્યા.

હવે 2025માં કરસનભાઈ સોલંકીના અવસાન થવાને કારણે કડીની પેટાચૂંટણી જાહેર થઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન