ગુજરાત : ડ્રગ્સ લીધા છે કે નહીં એ મિનિટોમાં શોધી કાઢતી સલાઇવા કિટ શું છે, પોલીસ કેવી રીતે પકડશે?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

2025ની વિદાય અને 2026ના આગમન આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે ત્યારે ગુજરાત પોલીસે નવા વર્ષની ઉજવણીના નામે આચરાતી ગુનાખોરી અને નશાખોરી સામે કડક બંદોબસ્તનો દાવો કર્યો છે.

નવા વર્ષના આગમન અને તેની ઉજવણીની આડશમાં કરાતી નશાખોરીની પ્રવૃત્તિને ધ્યાને રાખી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ (એસઓજી) દ્વારા નશામુકિત માટે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

નવા વર્ષની ઉજવણી માટે દારૂનો ધંધો અને વ્યસન કરનારા પર તવાઈ આવે એ ગુજરાત માટે કોઈ નવી વાત નથી, પરંતુ આ વખત ડ્રગ્સના નશા સામેની કાર્યવાહીને વધુ 'ધારદાર' બનાવવાની વાત થઈ રહી છે.

હકીકતમાં તહેવારોના દિવસોમાં દારૂનો નશો કરનારા લોકોને જે રીતે બ્રેથ ઍનાલાઇઝર (શકમંદ વ્યક્તિએ દારૂ પીધો છે કે કેમ એ તપાસવા માટેનું સાધન) વડે શોધવામાં આવે છે. તેવી રીતે હવે ડ્રગ્સનો નશો કરનારને શોધવા માટે શકમંદ વ્યક્તિની સલાઇવા એટલે કે લાળના નમૂનાની ટેસ્ટ કરાશે.

આ કાર્યવાહી માટે આ ડ્રાઇવ અંતર્ગત પોલીસ અને ફોરેન્સિક સાયન્સ લૅબ (એફએસએલ)ની ટીમો શહેરનાં કેટલાંક જંક્શનો પર તહેનાત રહેશે.

આ ડ્રાઇવ હેઠળ સ્થળ પર શકમંદોની સલાઇવા ટેસ્ટ કરાશે અને ગણતરીની મિનિટોમાં જ આ ટેસ્ટ કિટ દ્વારા સ્થળ પર જ પરિણામ બતાવવામાં આવે છે.

સલાઇવા ટેસ્ટ કિટ શું છે?

આ ટેસ્ટ કિટ વડે જે-તે વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું છે કે કેમ અને જો હા, તો કઈ કૅટેગરીમાં ડ્રગ્સનું સેવન કર્યું છે એ જાણી શકાશે.

પોલીસની ડ્રાઇવ અંતર્ગત પોલીસ સ્ટાફ સાથે હાજર એફએસએલ અધિકારીઓ દ્વારા લાળના નમૂના લઈને ટેસ્ટ કરવામાં આવે છે.

એફએસએલના આસિસટન્ટ ડાયરેક્ટર પંકજ ચૌધરીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં આ ટેસ્ટ પ્રકિયા અને કિટ અંગે માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું કે, "આ સોટોક્સ મોબાઇલ ટેસ્ટ સિસ્ટમ કિટ છે. આ ટેસ્ટના ડિવાઇસમાં ડ્રગ્સની હાજરી તપાસવાની વિગતો પહેલેથી જ સ્ટોર કરેલી હોય છે. આ કિટ ઍન્ટિબૉડીના આધારે કામ કરે છે."

તેઓ સમજાવતાં કહે છે, "એટલે કે કોઈ વ્યક્તિએ જો ડ્રગ્સનું સેવન કર્યું હોય તો તેના શરીરમાંથી આ ડ્રગ્સ સામે બનતી ઍન્ટિબૉડીઝની હાજરી જોવા મળે છે. આ ટેસ્ટ કિટ આ ઍન્ટિબૉડીઝને ઓળખી કાઢે છે."

"આ ઍન્ટિબૉડીઝથી એમ્ફેટામાઇન, બેન્ઝોડાયઝેપિંગ, કેનેબી-ટીએચસી, કોકેઇન, મેથાએમ્ફેટેમાઇન અને ઓપિએટ્સ છ અલગ અલગ પ્રકારના ડ્રગ્સની ઓળખ કરી શકાય છે."

કિટના ઉપયોગની રીત અંગે વાત કરતાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.પી.ઉનડકટે જણાવ્યું હતું કે, "એફએસએલના અધિકારી દ્વારા એક ડિવાઇસ દ્વારા લાળનું સૅમ્પલ લેવામાં આવશે. એ સૅમ્પલ લેવામાં એક મિનિટ જેટલો સમય લાગશે."

"સૅમ્પલ લીધા બાદ તેને પાંચ મિનિટ સુધી કિટ પર મૂકી રાખ્યા બાદ તરત જ પૉઝિટિવ કે નૅગેટિવ પરિણામ બતાવશે."

ડૉક્ટરે લખેલી દવા લીધા બાદ રિઝલ્ટ પૉઝિટિવ આવે તો શું કરવું?

આ સલાઇવા કિટ તમારા શરીરમાં ડ્રગની હાજરી છે કે કેમ એ જણાવશે.

જોકે, ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન અનુસાર કેટલાક કિસ્સામાં અમુક દર્દીઓને નાર્કોટિક્સ ડ્રગવાળી દવા લેવાની ભલામણ કરાય છે.

આવી દવાઓનો નશા તરીકે દુરુપયોગ થવાના કિસ્સા પણ પ્રકાશમાં આવી ચૂક્યા છે.

પરંતુ પ્રામાણિક કિસ્સામાં પોલીસ અને એફએસએલની આ ટીમ દર્દી અને નશાખોર વચ્ચે ભેદ કેવી રીતે પાડશે એ અંગે બીબીસી ગુજરાતીએ સવાલ કર્યો હતો.

તેના જવાબમાં પંકજ ચૌધરીએ જણાવ્યું, "જો કોઈ વ્યક્તિએ ઍન્ટિ-ડિપ્રેશન કે ઍન્ટિ-ઍંગ્ઝાઇટી માટેની એટલે કે ઊંઘ આવે એવી દવા લીધી તો તેની ટેસ્ટ પૉઝિટિવ આવી શકે છે. રિપોર્ટમાં આવી વ્યક્તિએ બેન્ઝોડાયઝેપિંગ પ્રકારનું ડ્રગ લીધું હોવાનું બતાવશે."

"જો આવી વ્યક્તિને આ દવા ડૉક્ટરે લખી આપી હોય તો તેણે પોલીસ સમક્ષ એ દવાનું પ્રિસ્ક્રિપ્શન રજૂ કરવાનું રહેશે, કારણ કે કેટલાક લોકો આ દવાનો નશા માટે પણ ઉપયોગ કરે છે."

મોર્ફિન એ ઓપિએટ્સ પ્રકારનું ડ્રગ્સ છે. જે ડૉક્ટરની સલાહ અનુસાર અસહ્ય દુખાવાની સ્થિતિમાં રાહત માટે લેવામાં આવે છે.

તેના અંગે વાત કરતાં એફએસએલ અધિકારી ચૌધરી કહે છે, "જો કોઈ વ્યક્તિને અસહ્ય દુખાવો થાય એવી કૅન્સર જેવી મોટી બીમારી હોય તેમને દર્દશામક મોર્ફિન ડ્રગ્સના ઇંજેક્શન અપાય છે. જે વ્યક્તિની આવી સારવાર ચાલતી હોય તેના રિપોર્ટમાં મોર્ફિન ડ્રગ પૉઝિટિવ બતાવશે. આ જ પ્રકારે કોડીન કફ સિરપ પીનારા લોકોનો રિપોર્ટ પણ ઓપિએટ્સ પ્રકારના ડ્રગ્સ માટે પૉઝિટિવ બતાવે છે."

"જો તમે મોર્ફિન કે કોડીન કફ સીરપ ડૉક્ટરની સલાહથી લીધી હોય તો આ અંગે પણ તમારે પોલીસ સમક્ષ ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન રજૂ કરવાનું રહેશે."

અન્ય ડ્રગ્સ અંગે વાત કરતાં પંકજ ચૌધરી જણાવે છે કે "જો કોઈએ ચરસ કે ગાંજાનું સેવન કર્યું હોય તો તે વ્યક્તિના રિપોર્ટમાં કેનેબિસ ડ્રગ પૉઝિટિવ બતાવે છે. અન્ય કૃત્રિમ ડ્રગની પણ કૅટેગરી હોય છે. જો એ પ્રકારના ડ્રગનું સેવન કર્યું હોય તો આ ડિવાઇસમાં એ પ્રકારના ડ્રગ માટે રિપોર્ટ પૉઝિટિવ જોવા મળશે."

પોલીસે શું કહ્યું?

પોલીસ દ્વારા ગત ગુરુવારે બપોરે અમદાવાદના એસજી હાઇવે ખાતે સલાઇવા કિટ થકી ચેકિંગ હાથ ધર્યું હતું.

એફએસએલે હાલ ચાર ટીમ બનાવીને ડ્રગ્સ નાબૂદી માટે ડ્રાઇવ શરૂ કરી છે.

જોકે, પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ ગત ગુરુવારે બપોરે કરેલી ડ્રાઇવમાં કોઈ પણ વ્યક્તિનો રિપાર્ટ પૉઝિટિવ મળી આવ્યો નહોતો.

નોંધનીય છે કે પોલીસ આગામી 31 ડિસેમ્બર સુધી દિવસ-રાત આ ડ્રાઇવ ચલાવશે.

એસઓજીના પીઆઈ ડીપી ઉનડકટે મીડિયા સાથે ડ્રાઇવ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, "જો કોઈ વ્યક્તિનો રિપોર્ટ સલાઇવા કિટમાં પૉઝિટિવ આવશે તો તેના લોહીના નમૂના લઈને વધુ રિપોર્ટ કરાવવામાં આવશે. લોહીના ફાઇનલ રિપોર્ટને આધારે કાર્યવાહી કરવામાં આવશે."

નોંધનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા ડ્રગ્સ નાબૂદી અભિયાન શરૂ કરાયાનો દાવો કરવામાં આવ્યો છે.

પોલીસે આપેલી માહિતી અનુસાર છેલ્લા સાત દિવસમાં પોલીસે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકૉટ્રોપિક સબસ્ટાન્સિસ ઍક્ટ (એનડીપીએસ) અંર્તગત 15 કરતાં વધારે કેસ નોંધીને 20થી વધુ લોકોને પકડીને કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મીડિયાને આપેલી માહિતી અનુસાર ડ્રગ્સ વેપારની સમગ્ર ચેઇનને તોડવા માટે ક્રાઇમ બ્રાન્ચે નાર્કો ફાઇનાન્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને બે કેસમાં જાણવાજોગ દાખલ કરીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે.

આ તપાસમાં જાણવા મળ્યું કે ડ્રગ્સની હેરફેર કરનારા વ્યવહાર કરવા અને પોલીસથી બચવા માટે નકલી સિમકાર્ડ અને બૅન્કની ખોટી વિગતોનો ઉપયોગ કરી રહ્યા હતા.

જેથી પોલીસ દ્વારા હવે આ આરોપીઓ સામે નશાબંધીના ગુના ઉપરાંત છેતરપિંડી અને નકલખોરી માટે પણ ગુનો નોંધવામાં આવી રહ્યા છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મીડિયાના માધ્યમથી શહેરમાં નશાકારક પદાર્થોના વેચાણ અથવા વિતરણ સંબંધિત કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ ધ્યાને આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન