ગુજરાત : 'ઑનલાઇન હાજરી પૂરવા નેટવર્ક શોધવા ઝાડ પર ચઢવું પડતું' - મનરેગાનાં શ્રમિકોની વ્યથા

    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"ઑનલાઇન હાજરી વખતે લોકેશન અપલોડ કરવાની પ્રક્રિયા માટે અંતરિયાળ વિસ્તારમાં નેટવર્ક શોધવા ઝાડ પર ચઢવું પડતું હતું."

મનરેગામાં કામ કરવામાં આવતી મુશ્કેલી અંગે શેહરાના વાઘજીપુર ગામનાં શ્રમિક સુનીતાબહેન બારિયા આ વાત કહે છે.

મનરેગાએ ગ્રામીણ પ્રદેશોમાં વસતા પરિવારો સામેના આજીવિકાના પડકારોને નાથવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ કાયદાએ બિનકૌશલ્યયુક્ત શ્રમિકોનાં સ્થળાંતર તથા બેરોજગારીની સમસ્યાનું નિવારણ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને સાથે જ ગ્રામીણ વિસ્તારની તસવીર બદલવામાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.

પણ સમય જતાં તેમાં ઘણાં પરિવર્તનો થતાં રહ્યાં અને ગ્રામીણ સ્વાવલંબન સાથે રોજગારની સમસ્યાના સમાધાનની ભાવનામાં ઘણી અડચણો આવતી રહી તેવું નિષ્ણાતોનું માનવું છે.

જોકે વહીવટી તંત્રનું કહેવું છે કે લોકોને રોજગાર મેળવવામાં કોઈ મુશ્કેલી પડતી નથી.

આ વર્ષે 2025માં કેન્દ્ર સરકાર મનરેગાના સ્થાને 'વીબી- જી રામ જી' કાયદો લાવી છે. તેની સામે સામાજિક સંસ્થામાં કામ કરતા લોકો અને મજૂરોમાં વિરોધ છે.

ત્યારે ગુજરાતમાં મનરેગા હેઠળ પડી રહેલી મુશ્કેલીઓ અને પડકારો અંગે બીબીસી ગુજરાતીએ ગુજરાતની શ્રમિક મહિલાઓ સાથે વાત કરી હતી. બીબીસી ગુજરાતીએ કેટલાક લોકો પાસેથી એ જાણવાનો પ્રયાસ કર્યો કે તેમને કેટલું કામ મળ્યું છે.

"મનરેગા હેઠળ 'ના બરાબર' કામ મળ્યું"

પંચમહાલના ઘોઘંબા તાલુકાના શનિયાડા ગામનાં શ્રમિક સુમિત્રાબહેન બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, "એમને ગયા વર્ષે 15 દિવસ વનીકરણનું કામ મળ્યું હતું. ત્યારે એક દિવસના 275 રૂપિયા પગાર ચુકવણી થઈ હતી. ત્યાર બાદ કોઈ કામ મળ્યું નથી.

તેમનું કહેવું છે કે, તેમને ખૂબ ઓછા દિવસ માટે કામ મળ્યું છે તેમાં કોઈ વાર આંગણા બનાવવાનું, રેતી નાખવાનું કે બ્લૉક લગાવવાનું કામ મળ્યું છે.

તેઓ કહે છે કે, મનરેગા હેઠળ એકદમ નહિવત કામ મળ્યું છે. અમારા ગામના પુરુષો સેન્ટિંગ જેવી મજૂરી કામ શોધવા અન્ય ગામમાં જવા મજબૂર બન્યા છે. મનરેગામાં અમારા ગામના કોઈ પુરુષો તો નહીં જ પણ સ્ત્રીઓને પણ કામ મળ્યું હોય તેવાં ઉદાહરણો બહુ જ ઓછાં છે.

શેહરા તાલુકાના ખોજલવાસા ગામનાં શ્રમિક સૂરજબહેનની વ્યથા પણ કંઈક આવી જ છે.

તેઓ જણાવે છે કે, "દર વર્ષે કામ માગીએ છીએ, પણ અરજીઓ સ્વીકારીને પણ કામ મળતું નથી. મારા કામનું આઇડી કાઢી નાખવામાં આવ્યું. અમે દર વર્ષે કામ કરી છીએ તો મારું નામ નીકળી ગયું છે. અમારે મજૂરી જોઈએ છે."

શેહરાના વાઘજીપુર ગામમાં રહેતાં શ્રમિક સુનીતાબહેન બારિયા બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "2024માં કામ માટે માંગ કરી હતી, ત્યારે કામ મળતા સમય ખૂબ લાગ્યો, કામ મળ્યું ત્યારે ઑનલાઇન હાજરી, લોકેશન અપલોડ કરવાની પ્રક્રિયા માટે અંતરિયાળ વિસ્તારમાં નેટવર્ક શોધવા ઘણી વાર એવું પણ બનતું કે નેટવર્ક શોધવા માટે ઊંચા ઝાડ પર પણ ચઢવું પડતું હતું."

કાશીબહેન પંચમહાલ જિલ્લામાં આવેલા ઘોઘંબા તાલુકામાં ગોયા સુંડલ ગામનાં રહેવાસી છે. તેમને છેલ્લે 2023માં મનરેગા હેઠળ કામ મળ્યું હતું અને દિવસના 200 રૂપિયા વેતન મળ્યું હતું. તેઓ વાર્ષિક ફક્ત 2000 રૂપિયા વેતન મેળવી શક્યાં હતાં, જ્યારે મનરેગા હેઠળ 100 દિવસ કામની જોગવાઈ છે.

કાશીબહેન જણાવે છે કે, "મને અને ગામની સ્ત્રીઓને બે વર્ષથી કામ જ મળતું નહોતું, ત્યાર બાદ અમે ગ્રામસભા કરતાં ગામની ઘણી મહિલા શ્રમિકો જોડાઈ અને અરજી લખીને તાલુકા લેવલે જમા કરાવી ત્યારે, 15થી 20 દિવસ પછી અમારા ગામથી પાંચ કિલોમીટર દૂર ખેતરપાળાનું કામ આપવામાં આવ્યું હતું."

તેઓ કહે છે, "અમે એટલે દૂર કામે ગયાં હતાં અને જ્યાં કામ કરતાં તે વખતે ઑનલાઇન હાજરી પૂરવામાં સમસ્યા આવતી હતી, અમારે અન્ય ગામમાં જઈને હાજરી પૂરવી પડતી હતી. બે અઠવાડિયાં જેટલું અમારે કામ મળ્યું અને ત્યારપછી કોઈ કામ ન મળ્યું."

તેઓ કહે છે, "ત્યારે દિવસના 200 રૂપિયા વેતનમાં અમે 10 દિવસ કામ કર્યું. 2023 બાદ મને મનરેગા હેઠળ કોઈ કામ જ નથી મળ્યું અને સમગ્ર 2023માં પણ ફક્ત 10 દિવસ કામ મળ્યું હતું."

રોજગારી મેળવનારો વંચિત વર્ગ

સરકારી આંકડા અનુસાર, અત્યાર સુધી 49 લાખ શ્રમિકોનાં જૉબ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યાં છે.

સરકારી આંકડા અનુસાર અત્યાર સુધી 49 લાખ લોકોને જૉબ કાર્ડ આપવામાં આવ્યાં છે.

મનરેગાની વેબસાઇટ પર પ્રકાશિત આંકડાઓ અનુસાર, ગુજરાતમાં મનરેગા હેઠળ જે કુલ કામના દિવસો (Persondays) નિર્માણ થયા છે, તેમાં 44.11% હિસ્સો આદિવાસી સમુદાયનો છે. આ દર્શાવે છે કે રાજ્યના આદિવાસી પટ્ટામાં આ યોજના ગ્રામીણ રોજગારી માટે ખૂબ જ મહત્ત્વની યોજના છે.

ડેટા દર્શાવે છે કે, કુલ કામદારોમાં 51.52% મહિલાઓ છે. એટલે કે, અડધાથી વધુ કામ સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. આ આંકડો ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓના આર્થિક સ્વાવલંબન અને સશક્તીકરણનું પ્રતિબિંબ પાડે છે.

ત્યારે, અનુસૂચિત જાતિ (5.26%) અને અનુસૂચિત જનજાતિ (44.11) બંનેનો સરવાળો કરીએ, તો લગભગ 49%થી વધુ રોજગારીમાં સમાજના પછાત અને વંચિત વર્ગો છે. મનરેગાનો મુખ્ય ઉદ્દેશ્ય પણ આ જ વર્ગોને આજીવિકા પૂરી પાડવાનો છે.

આ આંકડા સૂચવે છે કે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં શારીરિક શ્રમ આધારિત રોજગારીની માગ હજુ પણ મોટી છે.

'275 રૂપિયામાં ગુજરાન ચલાવવું અશક્ય છે'

બીબીસી ગુજરાતીએ ગુજરાતના મનરેગા હેઠળ મજૂરી શોધતાં અન્ય શ્રમિક મહિલાઓ સાથે વાત કરી છે. મહિલાઓનું કહેવું છે કે તેમને રોજગારી મેળવવામાં ટેકનિકલ બાબતો સહિત અનેક પડકારનો સામનો કરવો પડે છે.

સુમિત્રાબહેન જણાવે છે કે, "મનરેગા હેઠળ થતું વહીવટી કામ અત્યંત ધીમું અને બિનઉત્સાહી છે. અમારા ગામમાં મનરેગા મુદ્દે મહિલાઓ જાગૃત હોવા છતાં તકલીફ છે, અન્ય ગામોમાં આનાથી પણ ખરાબ પરિસ્થિતિ છે. એક વખત ગોધરા તાલુકામાં 30 જેટલી અમારી સખી મહિલા શ્રમિકોએ રજૂઆત કરેલી તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું."

સુમિત્રાબહેન જણાવે છે કે, "અહીંયાં ગામોમાં એક ઘરમાં 10 વ્યક્તિ રહેતી હોય ત્યારે આટલા વેતનમાં ખાવાનાં ફાંફાં પડી જાય છે."

"અન્ય મજૂરી જતા જો દિવસના 500 રૂપિયા મજૂરી મળતી હોય તો સરકારી ધોરણો મુજબ તો એટલી તો મળવી જ જોઈએ, 275 રૂપિયામાં ગુજરાન ચલાવવું અશક્ય છે."

સુમિત્રાબહેનું કહેવું છે કે નિયમિત કામ અને નિયમિત પગાર મળી રહે તેવી સ્થિતિ થાય તો હાલત સુધરે તેમ છે, તે સાથે જ વેતન પણ વધારવું જોઈએ.

અન્ય એક શ્રમિક શનિબહેન નાયક બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, "2020માં કોરોના મનરેગાનું કામ માગ્યું. અમને દોઢ મહિના બાદ કામ મળ્યું હતું. ત્યારે ઑફલાઇન મસ્ટર ભરાતું હતું. અઠવાડિયે પગાર થતો. હવે જ્યારે ઑનલાઇન પ્રક્રિયા આવી છે, ત્યારે પરિસ્થિતિઓ અઘરી બની છે."

"ઉપરાંત પાંચ દિવસથી વધારે પણ કામ મળવું અઘરું બની રહ્યું છે. પાંચ દિવસમાંથી ત્રણ દિવસનું વેતન ચુકવાયું નથી, ત્યારે સરકાર કારણ બતાવે છે કે ઑનલાઇન હાજરી નથી."

રોજગાર સામેના પડકારો

નીતા હાર્ડિકર અન્નસુરક્ષા અભિયાનનું નેતૃત્વ કરે છે, તેમની સાથે બીબીસી ગુજરાતીએ વિસ્તૃત વિગતો અને મનરેગા હેઠળ શ્રમિકોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી,

તેઓ કહે છે કે મનરેગાનાં શરૂઆતનાં સાતથી દસ વર્ષોમાં નિયમિત કામ મળતું હતું. ત્યારે ગુજરાતમાં યોગ્ય બજેટ પણ ફાળવવામાં આવતું હતું. જ્યારે કોરોના મહામારી પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

"જ્યારે છેલ્લાં બેથી અઢી વર્ષમાં લોકોએ કામ માગ્યાં છે, પણ તેમને કામના માગણીની પહોંચ પણ નથી મળી કે, કામ પણ નથી મળ્યું. જેથી કોઈ પુરાવો નથી મળતો કે શ્રમિકોએ કામની માગણી કરી. આ કાયદો માગ આધારિત છે, જેમાં કામ માગો તો 15 દિવસની અંદર જ કામ મળે. આ કાયદો કામની ગૅરંટી આપે છે."

તેમનું કહેવું છે કે ગુજરાતમાં જેટલા લોકોએ કામ માગ્યું છે, તેમને 100 ટકા કામ મળ્યું હોય તેવું બન્યું જ નથી. રેકર્ડ અને પુરાવા ન મળતા તેની નોંધ પણ લેવાતી નથી.

દાહોદ અને પંચમહાલના શ્રમિકોએ કામ માગણીની પહોંચ લઈને તાલુકા કક્ષા સુધી રજૂઆતો કરી છે, છતાં જોઈતું અને પૂરતું કામ નથી મળ્યું. તેનું કારણ તેઓ જણાવે છે કે, પૂરતા બજેટની ફાળવણી નથી.

નીતા હાર્ડિકર જણાવે છે કે, "તંત્ર તરફથી એવો જવાબ આપવામાં આવે છે કે, સ્ટાફ ઓછો હોવાથી ટેકનિકલ સેક્શનની પ્રક્રિયા થઈ નથી. ત્યારે આ આખી બાબતની અસર આદિવાસી શ્રમિકોના જીવન ગુજરાન પર પડે છે."

તેઓ જણાવે છે કે, "ગુજરાતમાં ગયા વર્ષે લઘુતમ વેતન મનરેગા હેઠળ દિવસનો પગાર રૂ. 280 હતો, પણ ઉલ્લેખનીય છે કે જિલ્લાવારની ફાળવણીમાં મોટા ભાગના જિલ્લાઓમાં રૂ. 280 ક્યાંય મળ્યા જ નથી."

નીતા હાર્ડિકર જણાવે છે કે, "મનરેગા સૌથી વધુ મુશ્કેલી શ્રમિકોને ચોમાસાના દિવસોમાં આવતી હોય છે જ્યારે ઘરમાં ખાવા માટે અનાજ નથી હોતું. ખેતરમાં પાકોની લણણી થઈ નથી હોતી, ઘરમાં અનાજની અછત હોય છે. અને બજારમાં અનાજ મોંઘું છે તેવામાં મનરેગા હેઠળ કામ ન મળે તો જીવન અઘરું થઈ જાય છે."

જાણવા મળ્યું કે શરૂઆતનાં ધોરણોમાં શ્રમિકોને કામ મળે તે મસ્ટરમાં હાજરી નોંધાતી, ત્યાર બાદ તેમને પગાર ચુકવણી થતી હતી, ત્યારે પણ તે ચુકવણી શ્રમિકોના બૅન્કના ખાતામાં જ થતી હતી.

નીતા હાર્ડિકર કહે છે, "શ્રમિકોને ઑનલાઇન હાજરી બાધ્ય બનાવવાથી હવે ટેકનિકલ સમસ્યાઓ વધી છે. ઉપરાંત મનરેગાના પગાર ચુકવણી વિલંબિત થતી હોય છે તેનું કારણોમાં આધાર અને ઇકેવાયસી દ્વારા બૅન્ક ખાતા સાથે જોડવાની હોય છે, તેમાં પણ ઘણી મુશ્કેલીઓના કારણે શ્રમિકોને તકલીફ આવતી હોય છે. આધાર, બૅન્ક ખાતામાં, મસ્ટર, નામ સરખું રહે તે પણ શ્રમિકો માટે પડકાર છે."

સરકાર અને વહીવટી તંત્ર શું કહે છે?

દાહોદ જિલ્લાના ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા (કૃષિ અને પશુપાલન મંત્રી)એ ગોધરાના બીબીસી ગુજરાતીના સહયોગી દક્ષેશ શાહ સાથે ટેલિફોનિક વાત કરતાં કહ્યું હતું કે, "હાલ મારી પાસે કોઈ વિગત નથી, પરંતુ હું દાહોદ જિલ્લા અને પંચમહાલ જિલ્લાના ડીઆરડીએ વિભાગમાં જાણ કરું છું કે આપને મનરેગા વિષેની માહિતી આપે."

તો પંચમહાલ જિલ્લાના ઇનચાર્જ ડીડીઓ, ડીઆરડીએના ડાયરેક્ટર દિલીપ દેસાઈએ ગોધરાના બીબીસી ગુજરાતીના સહયોગી દક્ષેશ શાહ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, "સમગ્ર પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનાનાં રોજગારી સ્થળો પર ઑનલાઇન હાજરીમાં નેટવર્કની કોઈ સમસ્યા નથી."

તેમણે જણાવ્યું હતું કે, "રોજગાર મેળવનાર તમામને 288 રૂપિયા રોજગારી ચૂકવવામાં આવે છે. રોજગારીના કુલ દિવસ 100 હોય છે, પરંતુ ખેતીકામના દિવસોમાં શ્રમિકો થોડા ઓછા દિવસો હાજર રહે છે, પરંતુ 70થી 90 દિવસ જેટલી તો રોજગારી મળી રહે છે."

બીબીસી ગુજરાતીએ દાહોદના જિલ્લા વિકાસ અધિકારી સંતોષ લોઢા સાથે વાત કરવાની કોશિશ કરી હતી, પણ તેમણે વાત કરી ન હતી. તેમની સાથે વાત થતા આ અહેવાલમાં સામેલ કરવામાં આવશે.

સાથે જ ગ્રામ્ય વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સચિવ મિલિન્દ તોરવણે સાથે સંપર્ક કર્યો હતો, પણ વ્યસ્તતાને કારણે તેઓ સમય આપી શક્યા ન હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન