'ગુજરાતમાં 50 દિવસનું કામ નથી મળતું,125 દિવસનું કેવી રીતે મળશે?', નવા 'વીબી- જી રામ જી' કાયદા સામે કેમ થઈ રહ્યા છે સવાલ?

    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

મે, 2004માં તત્કાલીન યુપીએ સરકારે તેના કૉમન મિનિમમ પ્રોગ્રામમાં ગ્રામીણ વિસ્તારો માટે એક રોજગાર યોજના સામેલ કરી. 2010માં આ યોજનાનું નામ બદલીને મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ ઍમ્પ્લૉયમેન્ટ ગૅરંટી ઍક્ટ, એટલે કે મનરેગા કરવામાં આવ્યું. હવે મનરેગાનું સ્થાન 'વિકસિત ભારત - જી રામ જી' લેશે.

વર્ષ 2010માં આ યોજનાનું નામ બદલીને મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ ઍમ્પ્લૉયમેન્ટ ગૅરંટી ઍક્ટ, એટલે કે મનરેગા કરવામાં આવ્યું. હવે મનરેગાનું સ્થાન 'વિકસિત ભારત - જી રામ જી' લેશે.

કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર ગ્રામીણ વિસ્તારોના લોકોનું જીવન 'બહેતર' બનાવવાના ઉદ્દેશ સાથે મનરેગાનો કાયદો લાવી હતી, જે અંતર્ગત ગ્રામીણ વિસ્તારોના પરિવારોને લઘુતમ મજૂરીદરથી વાર્ષિક 100 દિવસના રોજગારની ગૅરંટી અપાઈ હતી.

હવે મનરેગાનું નામ બદલાતા ગુજરાતમાં સિવિલ સોસાયટી સહિત, મજૂર સંગઠનો આ બાબતે વિરોધ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, આ નવો કાયદો મનરેગાની 'વિભાવનાને ઠેસ' પહોંચાડે છે અને 'કામની ગૅરંટી' પણ નથી આપતો.

લોકસભામાં વિપક્ષ નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર 20 વર્ષ જૂની મનરેગા યોજનાને એક જ દિવસમાં સમાપ્ત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે નવી 'વીબી- જી રામ જી' યોજનાને 'ગામડાવિરોધી' ગણાવી છે.

બીજી તરફ સરકારનું કહેવું છે કે નવી યોજનાને 'વિકસિત ભારત - 2047'ના નૅશનલ વિઝન અનુસાર ગ્રામીણ વિકાસના ઢાંચાને તૈયાર કરવાના હેતુથી લવાઈ છે.

મનરેગા યોજના શું હતી?

મનરેગાનો હેતુ ગ્રામીણ વિસ્તારોમાં ટકાઉ અસ્કયામતોનું નિર્માણ કરવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓ, અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)ના સમુદાયોને સામાજિક લાભ પ્રાપ્ત થયો.

મનરેગાએ આવા ગ્રામીણ પ્રદેશોમાં વસતા પરિવારો સામેના આજીવિકાના પડકારોને નાથવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ યોજનાએ બિનકૌશલ્યયુક્ત વર્કર્સના સ્થળાંતર તથા બેરોજગારીની સમસ્યાનું નિવારણ કરી દીધું અને સાથે જ ગ્રામીણ વિસ્તારની તસવીર બદલવામાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.

શરૂઆતમાં નરેગાનું બજેટ અંદાજે 15,000 કરોડ રૂપિયાનું હતું, આગળ જતાં વધીને આશરે 86,000 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.

નીતા હાર્ડિકર અન્નસુરક્ષા અભિયાનનું નેતૃત્વ કરે છે.

તેઓ બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "ભારતમાં જ્યારે 2001થી 2003 સુધી સતત દુષ્કાળનાં વર્ષો હતાં. ગ્રામીણ અછતગ્રસ્ત વિસ્તાર હોય કે વરસાદ ઓછો હોય અને સ્થળાંતર કરતાં મજૂરોને વધારે હાલાકીનો સામનો કરવો પડતો હતો."

"ઘણાં ગામોમાં વાતચીત ચાલતી હતી ત્યારે ખ્યાલ આવ્યો કે કામની ગૅરંટીની જરૂર છે. ખાસ કરીને ગામના શ્રમિકો થકી ગામનાં સંસાધનોનો વિકાસ થાય અને શ્રમિકોને રોજગાર પણ ગામમાં જ મળી રહે તે અર્થે દેશભરમાં રેલીઓ નીકળી શ્રમિકો અને સંગઠનો જોડાયાં હતાં અને મનરેગા કાયદો બન્યો."

નીતા હાર્ડિકર જણાવે છે કે, "મનરેગા થકી રોજગાર સાથે સાથે આંતરિક સશક્તીકરણ પણ થાય છે. મનરેગા હેઠળ ગામનાં તળાવો ઊંડા કરવા હોય કે તૂટી ગયેલા ઍસેટને સમારકામ કરવાનું કામ થઈ શકે છે."

મહિલા કિસાન અધિકાર મંચ સેજલ દંડ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, "મનરેગાના તમામ સૌથી વધુ લાભાર્થીઓમાં દલિત, આદિવાસી, મહિલાઓ, ઓબીસી સાથે સૌથી જરૂરિયાતમંદ લોકો છે. મનરેગાએ 2005માં એક આશાનું કિરણ હતું અને મુખ્યત્વે તેમાં વધુ લાભાર્થી મહિલા શ્રમિક હતી, કેમ કે મહિલા પાસે વ્યવસાય અર્થે અન્ય કોઈ પર્યાય ન હતો."

મનરેગાને સ્થાને આવેલા નવા કાયદા જી – રામ – જી સામે વાંધો શું છે?

સરકારનું કહેવું છે કે નવા કાયદાથી પારદર્શકતા અને જવાબદારી વધશે, તેનાથી ખેડૂતોને લાભ થશે.

નવા કાયદાની જોગવાઈ પ્રમાણે કુલ ખર્ચનો 60 ટકા ભાગ કેન્દ્ર સરકાર ભોગવશે, જ્યારે 40 ટકા ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.

પૂર્વોત્તર રાજ્યો, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્ર સરકાર આ અંતર્ગત થતા ખર્ચનો 90 ટકા ખર્ચો ઉઠાવશે.

સરકારનો દાવો છે કે આ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં જળસુરક્ષાની ખાતરી અપાશે અને સંબંધિત કામમાં લોકોને રોજગારી પૂરી પાડશે. આનાથી જે તે વિસ્તારોમાં પાણી અને સિંચાઈ માટે વધુ સારાં સંસાધનો પૂરાં પડશે.

તેમજ ગ્રામીણ આજીવિકાને લગતા માળખાગત પ્રોજેક્ટ્સ, જેમ કે રસ્તાઓ અને પાણી સંબંધિત માળખાગત સુવિધાઓને વધુ પ્રાથમિકતા આપવામાં આવશે.

સરકારના મતે, આનાથી ગ્રામીણ વિસ્તારોમાં વધુ સારી કનેક્ટિવિટી મળશે અને ગ્રામજનો માટે વધુ સારાં બજારો મળશે.

નીતા હાર્ડિકર કહે છે, "મનરેગામાં વિકેન્દ્રીકરણ પ્લાનિંગ ખાસ કરીને ગ્રામપંચાયત લેવલ પર પ્લાનિંગ મંજૂર કરે એવા આયોજનની જરૂર છે. ત્યારે તેનો કાયદાકીય અધિકાર સ્થાનિક સ્વરાજમાં રહેલો છે અને તે વિભાવના અત્યારના કાયદામાં જી – રામ – જીમાં તે જોવા મળતી નથી. તેનું સીધું આયોજન કેન્દ્ર સરકાર તરફથી છે."

નીતા હાર્ડિકર કહે છે, "અગાઉ બજેટ 100% કેન્દ્ર સરકાર તરફથી આવતું હતું. ત્યારે જો કામ ન આપે તો બેરોજગારી ભથ્થું તે રાજ્ય સરકાર દ્વારા આપવું પડતું હતું."

નીતા હાર્ડિકરનું માનવું છે કે, "છેલ્લાં પાંચ વર્ષમાં કોવિડ પછી આ કાયદાને નબળો કરવાની કવાયત ધરાઈ છે. તેને કારણે નિયમિત કામ અને સમયસર વેતન પણ નથી મળી રહ્યું."

જોકે સરકારનો દાવો છે કે નવા કાયદાથી મજૂરો અને ખેડૂતો બંનેને ફાયદો થશે.

'રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે જે પ્રશ્નો ઊભા થશે તેમાં શ્રમિકો પીસાશે'

સરકારનો એવો પણ દાવો છે કે નવો કાયદો વધુ પારદર્શિતા અને જવાબદારીમાં વધારો કરશે.

નીતા હાર્ડિકર કહે છે, "જી-રામ-જી"માં 60-40ની સમસ્યા સાથે ઉત્તરદાયિત્વનો પણ પ્રશ્ન ઊભો થવાનો છે. શ્રમિકોએ કોની સામે કામની માગણી કરવાની? તેવા પડકારો સાથે પારદર્શિતાનો અભાવ સર્જાશે."

નીતા હાર્ડિકર કહે છે, "જો કેન્દ્ર અને રાજ્યમાં જુદી સરકારો છે, તો સમસ્યા વધવાની ઉપરાંત દરેક રાજ્ય સરકાર પાસે છટકવાની ઘણી તકો રહેલી છે, બજેટમાં અવેલેબલિટી નથી. બજેટ ફાળવી ન શકે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે જે પ્રશ્નો ઊભા થશે તેમાં શ્રમિકો પીસાશે."

ઉલ્લેખનીય છે કે નવા કાયદામાં કામના દિવસો 100થી વધારીને 125 કરવાની જોગવાઈ છે. અર્થશાસ્ત્રી અને ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક સુદર્શન આયંગાર બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, "દરેક રાજ્યની સ્થિતિ ભિન્ન છે, દરેક રાજ્યની સ્થિતિ એકસરખી નથી."

સુદર્શન આયંગાર યોજનાના નામ બદલવા વિશે જણાવે છે કે, "રોજગાર ખાતરી યોજના જે હતી, જે તત્કાલીન સરકાર તેને ગાંધીજીના નામની સાથે જોડતી હતી, ત્યારે મનરેગાને ગાંધીજી સાથે જોડવાની પણ યોગ્યતા નહોતી લાગતી. ગાંધી ગ્રામસ્વરાજની વાત કરે છે અને માત્ર 100 દિવસ જે રોજગારની ખાતરી આપતા હોય તે એક રીતે સમાજ અને સરકાર બંનેની નિષ્ફળતા છે."

"અગત્યની વાત કે 365 દિવસમાંથી માત્ર 125 દિવસ રોજગાર આપવાની વાત કહીને સરકારો હાર સ્વીકારી રહી છે. 8% ગ્રૉથ કરનારી ઇકૉનૉમી માત્ર ગરીબી દૂર કરવા માટે નથી તેનો મતલબ સીધો છે કે સરકાર સ્વીકારી રહી છે કે રોજગારની સમસ્યા છે. તે લોકો ઉત્પાદક રોજગાર ઊભો કરી શકતા નથી."

ત્યારે નીતા હાર્ડિકર કહે છે, "રૂરલ ડૅવલપમૅન્ટ ઍન્ડ પંચાયતીરાજ મંત્રાલયની સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બરે ભલામણો કરી હતી ત્યારે કામના દિવસો વધારવાનો મોકો આપ્યો હતો. તે સમયે સરકારે કોઈ કાર્યવાહી કરી નહીં."

"હવે આ નવા કાયદામાં જ્યારે 125 દિવસનો વાયદો કરી રહ્યા છે. ત્યારે મોટાં ભાગનાં રાજ્યોમાં વાર્ષિક 50થી વધારે દિવસનું કામ મળ્યું હોય તેવું જવલ્લે જ છે. ગુજરાતમાં છેલ્લાં ઘણાં વર્ષોથી વાર્ષિક 50 દિવસથી પણ ઓછું કામ મળે છે."

નવા કાયદામાં ગ્રામપંચાયતની ભૂમિકાઓ કાઢી નાખી

સેજલ દંડ જણાવે છે કે નવા કાયદામાં ગ્રામપંચાયતની ઘણી ભૂમિકાઓ હતી, જે કાઢી નાખી છે. તેઓ જણાવે છે કે, "નવો કાયદો કામની ગૅરંટી નથી આપતો, લઘુતમ વેતન નથી આપતો. આ કાયદામાં કામ ક્યારે આપીશું, કેવાં કામ આપીશું તે બધું કેન્દ્ર સરકાર નક્કી કરશે. મનરેગામાં 100 દિવસ કામ કરે તો શ્રમિકને 24 હજાર મળતા હતા."

નીતા હાર્ડિકર કહે છે, "મનરેગા થકી શ્રમિકોને શું કામ જોઈએ છે, તે ગ્રામસભામાં માગણી કરે છે અને ત્યાર બાદ તે કામ પછી તેનું નિયમન થકી શ્રમિકોનાં ખાતાંમાં પૈસા આવતા હોય છે."

અમદાવાદમાં આવેલી ગૂજરાત વિદ્યાપીઠના ગ્રામીણ અર્થશાસ્ત્ર વિભાગનાં વડાં નિમિષા શુક્લ બીબીસીને કહે છે, "હું આ નવા કાયદાને મનરેગાની જગ્યા લઈ શકે તેવું ગણતી નથી."

નીતા હાર્ડિકર કહે છે, "મનરેગામાં કામના સ્થળે મોબાઇલ ઍપ્લિકેશનમાં હાજરી પૂરવા નેટવર્ક હોવું જરૂરી છે, હાજરી ન ભરતા કામની નોંધણી થઈ શકે નહીં.

ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં અને ખાસ કરીને ડુંગરાળ વિસ્તારોમાં શ્રમિકોને તકલીફો આવતી હોય છે. તે બાબતનું આ નવો કાયદો કોઈ નિરાકરણ લાવતો નથી."

બીબીસીએ મનરેગા હેઠળ કામ કરનારાં શ્રમિક શનીબહેન નાયક સાથે વાત કરી હતી. શનિબહેન નાયક બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, "હવે હાજરી ઑનલાઇન ભરવી પડે છે, ત્યારે તે અઘરું છે. આવું 2024થી થાય છે."

સુદર્શન આયંગાર કહે છે, "આદર્શ એ હોત કે ગ્રામસભા જો એ ઠરાવ કરે કે ગામમાં આટલા દિવસ કામની જરૂરિયાત છે તેના માટે ફંડની જરૂર છે, તે ફંડ પ્લાનિંગ પરથી થતા તેનું મહત્ત્વ જળવાતું."

'આજના જમાનામાં વેતન પોસાય તેટલું નથી'

બીબીસીએ સેન્ટર ફૉર ડેવલપમૅન્ટ ઑલ્ટરનૅટિવ્સ (સીએફડીએ) ખાતે અર્થશાસ્ત્રનાં ડિરેક્ટર અને પ્રોફેસર પ્રો. ઇન્દિરા હીરવે સાથે વાત કરી હતી. તેઓ ન્યૂ દિલ્હીમાં ઇન્ડિયન સોસાયટી ઑફ સોશિયલ સાયન્સ રિસર્ચનાં રાષ્ટ્રીય ફૅલો પણ છે અને 2014માં ઇન્ડિયન સોસાયટી ઑફ લૅબર ઇકૉનૉમિક્સનાં કૉન્ફરન્સ પ્રમુખ હતાં.

પ્રો. ઇન્દિરા હીરવે બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "મનરેગામાં વેતન ખૂબ ઓછું છે. વેતન ચુકવણીમાં પણ મોટા પાયે અનિયમિતતા છે અને હવે આ કાયદા પછી ઘણા પ્રશ્નો ઊભા થાય છે કે રાજ્ય સરકારની પોતાની પ્રતિબદ્ધતા કેટલી જવાબદાર છે."

પ્રો. ઇન્દિરા હીરવે બીબીસીને જણાવે છે કે, "ગુજરાતમાં મનરેગા પાછળ વધારે પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે. મંત્રીઓ, તેમના દીકરાઓ સહિતનાં વ્યક્તિઓ આવા ભ્રષ્ટાચારમાં ભાગીદાર રહી ચૂક્યાં છે. આ નવો કાયદો તેના નિરાકરણની કોઈ પારદર્શકતા સ્થાપિત કરતો નથી."

ઉલ્લેખનીય છે કે ગુજરાતના દાહોદ જિલ્લામાં મનરેગામાં કથિત ગેરરીતિ બાદ ભાજપ સરકારના મંત્રી બચુભાઈ ખાબડના દીકરાઓ સહિત, પરિવારના પાંચ લોકોની ધરપકડ થઈ હતી. ત્યાર બાદ આ યોજના મુદ્દે વિપક્ષો સરકાર સામે સવાલો કર્યા હતા.

સેજલ દંડ કહે છે, "નવા કાયદા પછી સૌથી ગરીબ રાજ્યો છે ત્યાં સૌથી વધુ તકલીફનો સામનો કરવો પડશે. ઉપરાંત ગુજરાતમાં અમલીકરણમાં ઢીલ ચાલી છે, જેસીબી ઑપરેટર અને કૉન્ટ્રાકટરની લૉબી પણ આમાં સક્રિય છે. જેમાં લોકો દ્વારા નહીં પણ સિસ્ટમ દ્વારા ભ્રષ્ટાચાર થયો છે. નવા કાયદામાં હવે ભ્રષ્ટાચારનું પ્રમાણ વધશે તેનું કારણ છે કે, સુપરવિઝન અને સોશિયલ ઑડિટ નથી."

પ્રો. ઇન્દિરા હીરવે કહે છે, "ઉપરાંત આ કાયદામાં માગ આધારિત રોજગારને હકને બદલે કેન્દ્ર તરફથી ટૉપડાઉન ઍલૉકેશન જોવા મળે છે. વિકેન્દ્રિત અર્થતંત્ર મજબૂત બનવાની વિભાવના મનરેગાના કાયદા પાછળ રહેલી હતી, હવે આ કાયદામાં તે જોવા મળતું નથી."

શનિબહેન કહે છે કે વેતન પોષાય તેમ નથી હોતું. જો આ નવા કાયદામાં તે વેતનમાં વધારો નથી તો કોઈ કામનો નથી.

શનિબહેન જણાવે છે કે, "200થી 250 રૂપિયા વેતન પણ અમને પોષાય તેમ નથી, કેમ કે 20 કિલો મકાઈના 500 રૂપિયા છે, લઘુતમ 300 રૂપિયા વેતન તો હોવું જ જોઈએ."

શનિબહેનનું કહેવું છે કે, "શ્રમિકને રોજગારી પૂરતી ન મળવાનું કારણ કૉન્ટ્રાક્ટર પણ છે. અત્યારે અમે કામ માગવા જઈએ તો જવાબ મળે છે કે કૉન્ટ્રાકટરને સોંપી દીધું છે. એક ગામમાં 25 શ્રમિકોને પણ કામ નથી મળી શક્યું."

જોકે, સરકારનો દાવો છે કે આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં જળ સુરક્ષાની ગૅરંટી અપાશે અને લોકોને આની સાથે સંકળાયેલાં કામો અંતર્ગત રોજગારી પૂરી પડાશે.

જેથી આવા વિસ્તારોમાં પાણી અને સિંચાઈ માટે બહેતર સંસાધન પૂરાં પાડી શકાશે.

સાથે જ ગામલોકોને આજીવિકા સાથે સંકળાયેલાં માળખાગત કામો જેમ કે, રોડ, પાણી સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેને વધુ મહત્ત્વ અપાશે.

સરકાર પ્રમાણે આનાથી ગ્રામીણ વિસ્તારોને બહેતર કનેક્ટિવિટી મળશે અને ગામના લોકો માટે બહેતર બજાર મળશે.

સરકારનો દાવો છે કે નવા કાયદાથી મજૂરોની સાથોસાથ ખેડૂતોનેય વધુ ફાયદો થશે.

સરકારનો એવો પણ દાવો છે કે નવા ખરડાથી વધુ પારદર્શિતા આવશે અને જવાબદારી વધશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન