દલિતોને મંદિરમાં પ્રવેશ માટે 350 વર્ષ સુધી કેવો સંઘર્ષ કરવો પડ્યો?

દલિતો, દલિતો પર અત્યાચાર, પશ્ચિમ બંગાળ, દલિતોને મંદિરમાં પ્રવેશ, દલિતો સાથે ભેદભાવ, બીબીસી ગુજરાતી, ભારતમાં જાતિવાદ

ઇમેજ સ્રોત, BBC/Sanjay Das

ઇમેજ કૅપ્શન, દાસ સમુદાયની પાંચ વ્યક્તિઓએ પ્રથમ વખત મંદિરમાં જઈને પૂજા-અર્ચના કરી
    • લેેખક, પ્રભાકર મણિ તિવારી
    • પદ, કોલકાતાથી બીબીસી હિન્દી માટે

પશ્ચિમ બંગાળના પૂર્વ બર્દવાન જિલ્લામાં જ્ઞાતિના ભેદભાવ અને અસ્પૃશ્યતા દૂર કરતાં આશરે 350 વર્ષ પછી દલિત સમુદાયે ગીધેશ્વર મંદિરમાં પ્રવેશ કર્યો હતો.

12, માર્ચ, 2025ના દિવસે દાસ સમુદાયની પાંચ વ્યક્તિઓએ પ્રથમ વખત મંદિરમાં જઈને પૂજા-અર્ચના કરી. આ દરમિયાન મંદિરના સંકુલમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

કટવા આ કિસ્સો કટવા સબ-ડિવિઝનના ગીધાગ્રામનો છે.

ભાગીરથી અને અજય નદીના સંગમસ્થાન પર વસેલા કટવા શહેરથી લગભગ 12 કિલોમીટરના અંતરે ગીધાગ્રામ આવેલું છે.

ગામમાં અંદાજે 800 પરિવારોમાંથી 130 પરિવાર દલિત સમુદાયના

સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ મંદિર આશરે 350 વર્ષ જૂનું છે અને ત્યારથી લઈને દલિતોને મંદિરમાં પ્રવેશવાની મનાઈ હતી. જોકે, મંદિરના નિર્માણની તારીખ અંગે કોઈ નક્કર દસ્તાવેજ મોજૂદ નથી.

ગીધાગ્રામ ગામમાં અંદાજે 800 પરિવારો વસે છે. તેમાંથી 130 પરિવારો દાસ સમુદાય (અર્થાત્, દલિત સમુદાય)માંથી આવે છે. આ સમુદાયના લોકોને ગામના ગીધેશ્વર મંદિરમાં પ્રવેશ કરવાની કે પૂજા-અર્ચના કરવાની છૂટ નહોતી.

જમીનદારોના યુગમાં શરૂ થયેલી આ પ્રથા વિરુદ્ધ દલિત સમુદાયે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું.

હવે, છેલ્લા દસ દિવસથી ચાલી રહેલા વિવાદ પછી આ અઠવાડિયે પહેલી વાર આ સમુદાયના લોકોને ભારે પોલીસ બંદોબસ્તની વચ્ચે મંદિરમાં પ્રવેશવાની છૂટ મળી છે. ગયા બુધવારે દાસ સમુદાયની પાંચ વ્યક્તિઓએ પ્રથમ વખત મંદિરમાં જઈને પૂજા-અર્ચના કરી હતી.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

મંદિરમાં પૂજા કરનારી મહિલાએ શું કહ્યું?

દલિતો, દલિતો પર અત્યાચાર, પશ્ચિમ બંગાળ, દલિતોને મંદિરમાં પ્રવેશ, દલિતો સાથે ભેદભાવ, બીબીસી ગુજરાતી, ભારતમાં જાતિવાદ

ઇમેજ સ્રોત, BBC/Sanjay Das

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પૂજા કરનારા પાંચ વ્યક્તિઓ પૈકીની એક મહિલા ષષ્ઠી દાસ જણાવે છે, "અમારા પૂર્વજો આ મંદિરમાં પ્રવેશવાનું સપનું જોતાં દુનિયામાંથી વિદાય લઈ ગયા. અમારે જીવનભર ઉપેક્ષાની પીડા સહન કરવી પડે છે, પણ હવે વહીવટી તંત્રની મદદથી અમને મંદિરમાં પ્રવેશવાનો અધિકાર મળ્યો છે."

એ જ ગામના સંજયદાસ કહે છે, "અમે અગાઉ પણ અમારા હક્કો માટે અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ ગામના ઉચ્ચ જ્ઞાતિના લોકો અમારી વાત સાંભળવા તૈયાર નહોતા. આથી, શિવરાત્રિ કે ગાજન જેવા તહેવારોમાં અમે નિરાશ થઈને બેસી રહેતાં કે પછી બીજા કોઈ મંદિરમાં જતાં. અમે અહીં સૌ સાથે શાંતિથી રહેવા માગતાં હતાં."

ગયા મહિને શિવરાત્રિ પૂર્વે આ સમુદાયના લોકોએ મંદિરમાં પ્રવેશવા માટેની પ્રબળ માગણી કરી હતી. આ મંદિરમાં શિવરાત્રિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. દાસ સમુદાયના કેટલાક યુવાનોએ તેમને મંદિરમાં પ્રવેશવાનો અધિકાર અપાવવા માટે સ્થાનિક તંત્ર સમક્ષ અરજી કરી હતી.

આ માગણી પછી ગામમાં તણાવનો માહોલ સર્જાયો હતો. વિવાદ વકરતાં મંદિર સમિતિ દ્વારા સ્થાનિક તંત્રને પાઠવવામાં આવેલા પત્રમાં ત્રણ સૈકા કરતાં જૂની પરંપરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

તેમાં જણાવવામાં આવ્યું હતું, "મંદિરની અંદર સાફ-સફાઈની જવાબદારી માલાકર સમુદાયની છે. ઘોષ સમુદાયના લોકો ભગવાનને ચઢાવવા માટે દૂધ પહોંચાડે છે. એ જ રીતે, કુંભાર માટીનાં વાસણો, માટલાં, વગેરે પૂરાં પાડે છે. હાજરા સમુદાયના લોકો મશાલ સળગાવવાનું કામ કરે છે. કોટા અને બાઈન સમુદાયના લોકો પણ આ પ્રકારનાં અન્ય કામો કરે છે. પણ, એકમાત્ર બ્રાહ્મણ સમુદાય વિના અન્ય કોઈપણ સમુદાયની વ્યક્તિ ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકતી નથી. આ પ્રથા છેલ્લાં ત્રણસો વર્ષોથી ચાલી આવે છે. આથી, ગામના મોટા ભાગના લોકો આ પરંપરાને ચાલુ રાખવાની તરફેણ કરે છે."

વીડિયો કૅપ્શન, 'હવે અમે અમારી જમીનમાં ખેડીને ખાઈશું' કચ્છનાં દલિત મહિલાને 40 વર્ષ બાદ પોતાની જમીન મળ્યા બાદ તેઓ શું બોલ્યાં?

ત્યાર બાદ સ્થાનિક એસડીઓ અહિંસા જૈને આ મામલે દરમિયાનગીરી કરીને એક બેઠક બોલાવી હતી.

બેઠકમાં ગામના બંને પક્ષોના પ્રતિનિધિઓ ઉપરાંત, કટવાના ધારાસભ્ય રવીન્દ્રનાથ ચેટરજી, મંગલકોટના ધારાસભ્ય અપૂર્વ ચૌધરી, કટવાના એસડીપીઓ (પોલીસ અધિકારી) અને ગીધેશ્વર મંદિર સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા.

ગયા અઠવાડિયે પણ દાસ સમુદાયના લોકોને મંદિરમાં પ્રવેશ કરવાનો અધિકાર આપવા માટે પોલીસ કર્મીઓનો કાફલો મોટી સંખ્યામાં તહેનાત કરવામાં આવ્યો હતો, પરંતુ સવર્ણોએ દલિતોનો માર્ગ રોકી દીધો હતો.

ગામવાસી મદનદાસ આ વિશે વાત કરતાં જણાવે છે, "બેઠકમાં સંમતી સધાઈ કે, અમે મંદિરમાં પૂજા કરવાનો અધિકાર મેળવીશું, પણ ગયા અઠવાડિયે અમારા સમુદાયના કેટલાક લોકો જ્યારે મંદિર પહોંચ્યા, ત્યારે મંદિરના પ્રવેશદ્વાર પરનું તાળું ખોલવામાં ન આવ્યું. તેના કારણે અમે પૂજા ન કરી શક્યા. સ્થાનિક સવર્ણો અમે દલિત હોવાથી અમારી સાથે આવો વ્યવહાર કરી રહ્યા છે. તે દિવસે અમે મંદિરે પહોંચીએ, એ પહેલાં પૂજારી મંદિરને તાળું મારીને ત્યાંથી ગાયબ થઈ ગયા. પછીથી ઘોષપાડા (સવર્ણોના વિસ્તાર)ના લોકોએ પૂજા કરવા ગયેલી સ્ત્રીઓને ત્યાંથી હટાવી દીધી."

જોકે, ગીધેશ્વર મંદિરના પૂજારી માધવ ઘોષ દાવો કરે છે, "રોજ સવારે પૂજા કર્યા પછી પૂજારીઓ ગર્ભગૃહનાં દ્વાર બંધ કરી દેતા હોય છે. એ દ્વાર સાંજ પહેલાં ખૂલતાં નથી. પરંતુ, દાસપાડાનાં લોકો તેને ખોલવાની માગણી કરી રહ્યા હતા. તેના કારણે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા પણ પછીથી પોલીસ ત્યાં પહોંચી ગઈ અને મામલો થાળે પાડ્યો હતો."

'મંદિરનાં દ્વાર સૌકોઈ માટે ખુલ્લાં રહેશે'

દલિતો, દલિતો પર અત્યાચાર, પશ્ચિમ બંગાળ, દલિતોને મંદિરમાં પ્રવેશ, દલિતો સાથે ભેદભાવ, બીબીસી ગુજરાતી, ભારતમાં જાતિવાદ

ઇમેજ સ્રોત, BBC/Sanjay Das

આ મામલે વારંવારની મંત્રણાઓ અને ચર્ચાઓ પછી 11મી માર્ચના રોજ સાંજ સુધી ચાલેલી એક બેઠકમાં વહીવટીતંત્રે આખરે તમામ પક્ષો સમક્ષ એ સ્પષ્ટ કર્યું હતું કે, મંદિરનાં દ્વાર સૌ માટે ખુલ્લાં રહેશે. આ મામલામાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ચલાવી શકાય નહીં.

તે પછી ગત બુધવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દાસ સમુદાયના પાંચ પ્રતિનિધિઓએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને પૂજા-અર્ચના કરી હતી.

ગામવાસી સંજયદાસ સવાલ કરે છે, "અમે એક જ ગામમાં સાથે રહીએ છીએ. અમે બધી જગ્યાએ સાથે જઈએ છીએ. તો પછી અમને મંદિરમાં પ્રવેશથી વંચિત શા માટે રાખવામાં આવે છે? જમીનદારીના યુગમાં લાગુ કરાયેલો નિયમ વર્તમાન સમયમાં તદ્દન અપ્રસ્તુત બની ચૂક્યો છે."

પરંતુ, મંદિરમાં દલિતોને પ્રવેશની છૂટ આપવાનો વિરોધ કરનારા લોકો એ સ્વીકારવા તૈયાર નથી કે, દાસ સમુદાયને જ્ઞાતિ આધારિત ભેદભાવ કે અસ્પૃશ્યતાને કારણે જ મંદિરમાં પ્રવેશવાની છૂટ નહોતી અપાઈ.

ગામમાં રહેતા જયદેવ ઘોષ કહે છે, "અમે સદીઓ જૂની પરંપરા જાળવી રાખવાની કોશીશ કરી રહ્યા હતા. બ્રાહ્મણો સિવાય અન્ય જ્ઞાતિઓના લોકોને મંદિરમાં પ્રવેશવાની છૂટ હતી, પણ દાસ સમુદાયના લોકોને કદીયે મંદિરમાં જવાનો અધિકાર મળ્યો નહોતો."

એ જ ગામના સજલ ઘોષ જણાવે છે, "આ પરંપરા અમે શરૂ નહોતી કરી. તે સૈકાઓથી ચાલતી આવી છે. અમે તેના પર ધ્યાન નહોતું આપ્યું અને દાસ સમુદાયના લોકોએ અગાઉ આવી કોઈ માગણી રજૂ નહોતી કરી. હવે, માગણી કરવામાં આવી, ત્યારે ગામના કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો, પણ પછીથી સમજાવટ બાદ તેઓ પણ આ માટે સંમત થઈ ગયા હતા."

કટવાના ધારાસભ્ય રવીન્દ્રનાથ ચેટરજીએ બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું, "પોલીસ તંત્રે ગામવાસીઓ સાથે વાત કરીને આ મામલો ઉકેલી દીધો છે. હવે તમામ લોકો મંદિરમાં પૂજા કરી શકે છે. આશા છે કે, ભવિષ્યમાં આ મામલે કોઈ સમસ્યા નહીં સર્જાય."

આ વિવાદનું નિવારણ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા કટવાના એસડીઓ અહિંસા જૈને બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું, "વર્તમાન સમયમાં આવા જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉચિત નથી. અમે બેઠક દરમિયાન ગામના શિક્ષિત લોકોને આ સમજાવ્યું હતું. આખરે સદીઓ જૂના આ વિવાદનો ઉકેલ લાવવામાં અમને સફળતા મળી હતી."

ભૂતપૂર્વ બર્દવાન જિલ્લા પરિષદના અધ્યક્ષ શ્યામા પ્રસાદ લોહારે જણાવ્યા પ્રમાણે, "વહીવટી તંત્ર એકલા હાથે આવા કેસનું નિવારણ લાવી શકે નહીં. આ માટે સામાન્ય જનતામાં જાગૃતિ લાવવી પણ જરૂરી છે. ગીધાગ્રામ સિવાય જિલ્લાનાં અન્ય ઘણાં ગામોમાં પણ આવી પ્રથા મોજૂદ છે."

બર્દવાનના સમાજશાસ્ત્રી ધીરેન ગોસ્વામીના મતાનુસાર, "જો આ કેસ પ્રકાશમાં ન આવ્યો હોત, તો જ્ઞાતિ આધારિત ભેદભાવ અને અસ્પૃશ્યતાનાં મૂળ લોકોનાં માનસમાં આટલે ઊંડે સુધી ઘર કરી ગયાં છે, તે અમને માલૂમ સુધ્ધાં ન પડ્યું હોત. આ માટે સામાન્ય જનતામાં જાગૃતિ ફેલાવવી જરૂરી છે."

કટવાનો ઇતિહાસ

દલિતો, દલિતો પર અત્યાચાર, પશ્ચિમ બંગાળ, દલિતોને મંદિરમાં પ્રવેશ, દલિતો સાથે ભેદભાવ, બીબીસી ગુજરાતી, ભારતમાં જાતિવાદ

ઇમેજ સ્રોત, BBC/Sanjay Das

કટવા શહેરનો ઇતિહાસ લગભગ પાંચસો વર્ષ જૂનો છે. પ્રારંભમાં તેનું નામ ઈન્દ્રાણી પરગણા હતું. પછીથી તે નામ બદલીને કંટકનગરી કરી દેવાયું. જાન્યુઆરી, 1510માં શ્રી શ્રી ચૈતન્ય પ્રભુએ અહીંથી જ તેમના ગુરુ કેશવ ભારતી પાસેથી દીક્ષા લીધી હતી. તે સ્થળે હવે અહીંનું સૌથી જૂનું ગૌરાંગ મંદિર આવેલું છે.

બે નદીઓના સંગમસ્થાને વસેલું આ શહેર વ્યૂહાત્મક મહત્ત્વ પણ ધરાવે છે. એક જમાનામાં તે નવાબોની રાજધાની મુર્શીદાબાદનું પ્રવેશદ્વાર ગણાતું હતું.

1742 અને 1745માં અહીં બંગાળના નવાબ અલીવર્દી ખાન અને મરાઠા સૈન્ય વચ્ચે બે યુદ્ધ લડાયાં હતાં. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું, તે પહેલાં બ્રિટિશ સૈન્ય નવાબોની આ અંતિમ છાવણી કબજે કર્યા પછી પ્લાસી તરફ રવાના થયું હતું.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં પણ કટવાનું મહત્ત્વ ઝડપથી વધ્યું હતું. તે સમય દરમિયાન, વિલિયમ કેરી (જુનિયર) જેવા મિશનરીઝ પણ અહીં આવીને વસ્યા હતા. આજે પણ શહેરમાં તેમની કબર આવેલી છે. 1850ના વર્ષમાં કટવાને સબ-ડિવિઝન ટાઉનનો દરજ્જો મળ્યો હતો. પહેલી એપ્રિલ, 1869માં અહીં મ્યુનિસિપાલિટીની સ્થાપના કરવામાં આવી હતી.

વીસમી સદીના પ્રારંભમાં રેલવે નેટવર્કથી જોડાયા પછી આ શહેરે ઝડપથી વિકાસ સાધ્યો હતો. અઝીમગંજ અને કટવા વચ્ચેની પ્રથમ રેલવે લાઇનનું નિર્માણ 1903માં થયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.