'વિશ્વના સૌથી ખતરનાક દેશ'માંથી જીવ બચાવી ભાગનારી એક હિંમતવાન મહિલાની કહાણી

    • લેેખક, જીન મૅકેન્ઝી
    • પદ, બીબીસી સંવાદદાતા, સોલ

નદી પાર કરવાની તૈયારી કરતા સોંગમી પાર્કે પગના અંગૂઠા કિનારા પરની માટીમાં ખોંસી રાખ્યા હતા.

ડર લાગશે એ તેઓ જાણતાં હતાં. નદી ઊંડી હતી અને પ્રવાહ પણ મજબૂત જણાતો હતો. પકડાઈ જશે તો તેને સજા થશે. કદાચ ગોળી પણ મારવામાં આવે, પરંતુ તેમના ભય કરતાં બીજું ખેંચાણ વધારે મજબૂત હતું. સોંગમી માતાને શોધવા ઉત્તર કોરિયાથી પલાયન થઈ રહ્યાં હતાં. માતાએ તેમને બાળપણમાં જ ત્યજી દીધાં હતાં.

સાંજના સમયે નદીના બર્ફીલા પાણીમાં પસાર થતી વખતે સોંગમીને એવું લાગ્યું હતું કે તેઓ ઊડી રહ્યાં છે. એ 2019ની 31 મેનો દિવસ હતો.

સોંગમી કહે છે, “મારા જીવનનો શ્રેષ્ઠ અને સૌથી ખરાબ દિવસ હું કેવી રીતે ભૂલી શકું?”

ઉત્તર કોરિયાથી પલાયન થવું એ ખતરનાક અને મુશ્કેલ પરાક્રમ છે. તાજેતરનાં વર્ષોમાં પલાયનના પ્રયાસ કરતા લોકો સામે શાસક કિમ જોંગ ઉન આકરાં પગલાં લઈ રહ્યા છે. કોવિડ રોગચાળાના આરંભે તેમણે દેશની સરહદ સીલ કરી દીધી હતી. એ પછી સોંગમી પલાયન કરી ચૂકેલા છેલ્લા જાણીતા લોકો પૈકીનાં એક બન્યાં હતાં. એ વખતે સોંગમી 17 વર્ષનાં હતાં.

ઉત્તર કોરિયાને ચીનથી અલગ કરતી યાલુ નદી ઓળંગવાનો તે સોંગમીનો બીજો પ્રયાસ હતો. એ નદી પલાયન કરવા ઇચ્છતા લોકો માટેનો સૌથી આસાન માર્ગ છે.

પહેલા પ્રયાસ વખતે સોંગમી બાળક હતાં અને તેમને તેમની માતાની પીઠ પર પટ્ટા વડે બાંધવામાં આવ્યાં હતાં. એ ઘટના ગઈ કાલે જ ઘટી હોય તેમ તેની સ્મૃતિ આજે પણ પીડા આપે છે.

સોંગમીને યાદ છે કે એ વખતે પોલીસ તેમને શોધી રહી હતી ત્યારે તેઓ ચીનમાંના તેમના એક સંબંધીના પિગ ફાર્મમાં છુપાયાં હતાં. માતા-પિતા તેમને ફરી ઉત્તર કોરિયા ન મોકલવાની વિનંતી કરતાં હતાં એ પણ સોંગમીને યાદ છે. એક સંબંધીએ કરગરતાં કહ્યું હતું કે “તેમના બદલે મને મોકલો.” પોલીસે એ સંબંધીને, તેમના ચહેરા પરથી લોહી ન નીકળે ત્યાં સુધી માર્યા હતા.

કોરિયામાંથી ફરી ભાગવાનો અકલ્પ્ય નિર્ણય

સોંગમીને યાદ છે કે તેમના પિતાને હાથકડી પહેરાવવામાં આવી હતી અને માતા-પિતાને ઉત્તર કોરિયાના કુખ્યાત જેલમાં મોકલવામાં આવી રહ્યાં હતાં અને પોતે ટ્રેનની રાહ જોતાં પ્લેટફૉર્મ પર ઊભાં હતાં એ પણ સોંગમીને યાદ છે. એ વખતે સોંગમી માત્ર ચાર વર્ષનાં હતાં.

સોંગમીને ચીનની સરહદથી અડધા કલાકના અંતરે આવેલા ઉત્તર કોરિયાના મુસાન ગામમાંના તેમના દાદાના ખેતરમાં રહેવા માટે મોકલી આપવામાં આવ્યાં હતાં. શાળાએ જવાનો વિકલ્પ હોવાનું તેમને જણાવવામાં આવ્યું હતું. સામ્યવાદી ઉત્તર કોરિયામાં શિક્ષણ મફત છે, પરંતુ પરિવારો શિક્ષકોને લાંચ આપે તેવી અપેક્ષા હોય છે અને સોંગમીના દાદા-દાદીને લાંચ આપવી પોસાય તેમ ન હતું.

સોંગમીનું બાળપણ ગામડાંઓમાં હરવા-ફરવામાં, ખેતરમાંનાં સસલાંઓને ખવડાવવા માટે ચારો એકત્ર કરવામાં પસાર થયું હતું. સોંગમી ઉનાળામાં પણ ઘણીવાર બીમાર રહેતાં હતાં. સોંગમી કહે છે, “હું બહુ ખાતી નહોતી. તેથી મારી રોગપ્રતિકારક શક્તિ ઓછી હતી, પરંતુ હું જાગતી ત્યારે મારાં દાદી નાસ્તો આપીને બારી પાસે બેસાડી દેતાં હતાં.”

માતા-પિતાને કુખ્યાત જેલમાં લઈ ગયેલી પેલી ટ્રેન સ્ટેશનમાંથી બહાર નીકળ્યાનાં પાંચ વર્ષ પછીની એક સાંજે સોંગમીના પિતા તેમને હાથમાં લઈને પથારીમાં હળવેથી સરકી આવ્યા હતા. સોંગમીને પારાવાર આનંદ થયો હતો. જીવન ફરીથી શરૂ થઈ શકશે, એવું લાગ્યું હતું, પરંતુ ત્રણ દિવસ બાદ પિતાનું અવસાન થયું હતું. કારાવાસમાં રહેવાને કારણે તેમનું સ્વાસ્થ્ય કથળી ગયું હતું.

એ પછીના અઠવાડિયે ઘરે પાછાં આવેલાં સોંગમીનાં માતા મ્યુંગ હુઈ પતિના અવસાનના સમાચાર જાણીને વિચલિત થઈ ગયાં હતાં. તેમણે ઉત્તર કોરિયામાંથી ફરી ભાગી છૂટવાનો અકલ્પ્ય નિર્ણય કર્યો હતો.

સોંગમીના જણાવ્યા મુજબ, એક સવારે તેમનાં માતા ઘર છોડીને ચાલ્યાં ગયાં ત્યારે કંઈક અલગ જ અનુભૂતિ થતી હતી. તેમનાં માતાએ દાદીમાનાં વસ્ત્રો પહેર્યાં હતાં. સોંગમી કહે છે, “તેમની યોજના શું હતી તેની મને ખબર ન હતી, પરંતુ હું એટલું જાણતી હતી કે તેઓ આ વખતે જશે તો હું તેમને લાંબા સમય સુધી મળી શકીશ નહીં.” માતા ઘરની બહાર નીકળ્યાં ત્યારે સોંગમી ચાદર વીંટાળીને રડતાં રહ્યાં હતાં.

દસ વર્ષ જેવું એક વર્ષ

એ પછીનાં 10 વર્ષ સોંગમી માટે સૌથી મુશ્કેલ સાબિત થયાં હતાં. બે વર્ષ પછી દાદાનું અવસાન થયું હતું. તેઓ 10 વર્ષની વયે એકલાં થઈ ગયાં હતાં. આવકનો કોઈ સ્રોત ન હતો અને પથારીવશ દાદીને સંભાળવાનાં હતાં. સોંગમી કહે છે, “મારા પરિવારની એક પછી એક વ્યક્તિ અદૃશ્ય થઈ રહી હતી. એ બહુ ડરામણું હતું.”

નિરાશાના સમયમાં શું કરવું જોઈએ એ જાણતા હો તો ખબર પડે કે ઉત્તર કોરિયાના ગાઢ જંગલ ભરણપોષણ માટે થોડી સામગ્રી પૂરી પાડી શકે છે. સોંગમી રોજ સવારે બે કલાક પહાડ પરના જંગલમાં ચાલવા જવાનું અને ખાવા તથા વેચવા માટે છોડ એકઠા કરવાનું શરૂ કર્યું હતું. ચોક્કસ પ્રકારની જડીબુટ્ટી સ્થાનિક બજારમાં દવા તરીકે વેચી શકાતી હતી, પણ પહેલાં તેને સાફ કરી, વ્યવસ્થિત કરી અને સૂકવવી પડતી હતી. એ માટે સોંગમીએ મોડી રાત સુધી કામ કરવું પડતું હતું.

સોંગમી કહે છે, “હું કામ કરી શકતી ન હતી કે આવતીકાલની યોજના બનાવી શકતી ન હતી. હું રોજ ભૂખને લીધે મરી ન જવાના અને જીવતા રહેવાના પ્રયાસ કરતી હતી.”

માત્ર 300 માઇલ દૂર કાગડા ઊડતા હતા અને મ્યુંગ હુઇ દક્ષિણ કોરિયામાં આવી પહોંચ્યાં હતાં. એક વર્ષ સુધી ચીન, પછી પાડોશના લાઓસ અને પછી થાઇલૅન્ડમાં પ્રવાસ કર્યા બાદ તેઓ દક્ષિણ કોરિયાના દૂતાવાસમાં પહોંચ્યાં હતાં.

ઉત્તર કોરિયાથી નાસીને આવતા લોકોના પુનર્વસન માટે કરારબદ્ધ દક્ષિણ કોરિયાની સરકારે મ્યુંગ હુઇને સોલ પહોંચાડ્યાં હતાં. આખરે તેઓ દક્ષિણ તટે આવેલી ઔદ્યોગિક નગર ઉલ્સાનમાં સ્થાયી થયાં હતાં. દીકરીને ભગાડવામાં મદદ થઈ શકે એટલા માટે તેઓ જહાજનિર્માણની ફેકટરીમાં, એકેય દિવસની રજા વિના દરરોજ સફાઈનું કામ કરતાં હતાં. ઉત્તર કોરિયામાંથી ભાગવાનું મોંઘું હોય છે. એ માટે વચેટિયાની જરૂર પડે છે, જે માર્ગમાં આવતી દરેક અડચણને દૂર કરવામાં મદદ કરે છે અને માર્ગમાં આવે તે દરેકને લાંચ આપવી પડે છે.

મ્યુંગ હુઇ રોજ રાતે અંધારામાં બેસીને વિચારતાં કે તેમની દીકરી શું કરતી હશે અને કેવી દેખાતી હશે? સોંગમીનો જન્મદિવસ તેમના માટે સૌથી મુશ્કેલ સાબિત થતો હતો. તેઓ કબાટમાંથી ઢીંગલી કાઢી, એ દીકરી સોંગમી હોય તેવું ધારીને તેની સાથે વાતો કરતાં. દીકરી સાથેના જોડાણને જીવંત રાખવાનો પ્રયાસ તેઓ આ રીતે કરતાં હતાં.

દીકરીથી દૂર રહેવાના દિવસોને યાદ કરતાં સોંગમીનાં માતા રડવા લાગે છે. સોંગમી માતાનો હાથ પસવારે છે અને કહે છે, “રડવાનું બંધ કરો. તમારો સુંદર મેક-અપ બગડી જાય છે.”

દલાલને 20,000 ડૉલર ચૂકવીને મ્યુંગ હુઇએ દીકરીના ભાગવાની વ્યવસ્થા કરી હતી. ઘટતી જતી આશા સાથેનો સોંગમીનો પ્રતિક્ષાનો એક દાયકો અચાનક પૂર્ણ થયો હતો.

યાલુ નદી પાર કરીને ચીનમાં પ્રવેશ્યા બાદ સોંગમી સતત છુપાતાં રહ્યાં હતાં. વધુ એક વખત પકડાઈ ન જવાય એટલા માટે તેઓ રાતના સમયે એક સ્થળેથી બીજા સ્થળે જતાં હતાં. બસમાં પ્રવાસ કરીને પર્વતો પસાર કર્યા બાદ સોંગમી લાઓસમાં આવી પહોંચ્યાં હતાં અને ત્યાં તેમણે એક ચર્ચમાં આશરો લીધો હતો. એ પછી તેઓ દક્ષિણ કોરિયાના દૂતાવાસમાં પહોંચ્યાં હતાં. દક્ષિણ કોરિયામાં પ્રવેશતાં પહેલાં તેઓ ત્રણ મહિના દૂતાવાસમાં રહ્યાં હતાં. દક્ષિણ કોરિયા પહોંચ્યા પછી તેમણે એક મહિનો પુનર્વસનકેન્દ્રમાં ગાળ્યો હતો. ઉત્તર કોરિયાથી ભાગી છૂટેલા લોકો માટે આ સામાન્ય બાબત છે. આ આખો પ્રવાસ એક વર્ષનો હતો, પરંતુ સોંગમીને તે 10 વર્ષ જેટલો લાંબો લાગ્યો હતો.

માતા અને પુત્રીનું મિલન

પુનર્મિલન પછી મા-દીકરીએ સાથે મળીને મ્યુંગ હુઇએ ઘરે બનાવેલાં મસાલેદાર નૂડલ્સ અને સૂપની મજા માણી હતી.

ઉત્તર કોરિયાની આ ક્લાસિક વાનગી સોંગમીની ફેવરિટ છે. માતાના અપરાધભાવથી વિપરીત સોંગમી સતત હકારાત્મક ઊર્જા ફેલાવતાં રહે છે. માતાને દિલાસો આપતાં સોંગમી સતત હસતાં, મજાક કરતાં રહે છે. તેઓ બાળપણના આઘાતના તમામ સંકેત છૂપાવી રાખે છે.

સોંગમી કહે છે, “પુનર્વસનકેન્દ્રમાંથી મને મુક્ત કરવામાં આવી તેના આગલા દિવસે હું બહુ નર્વસ હતી. મને ખબર ન હતી કે હું મારી માતાને શું કહીશ. હું તેમની સામે સુંદર દેખાવા ઇચ્છતી હતી, પરંતુ નાસી છૂટવાના સમયગાળામાં મારું વજન બહુ વધી ગયું હતું અને મારા વાળ પણ ખરાબ થઈ ગયા હતા.”

મ્યુંગ હુએ કબૂલે છે, “હું પણ બહુ જ નર્વસ હતી.”

વાસ્તવમાં મ્યુંગ હુઇ તેમની દીકરીને ફરી મળ્યાં ત્યારે ઓળખી શક્યાં નહોતાં. છેલ્લે દીકરીને જોઈ ત્યારે એ આઠ વર્ષની હતી. હવે તેઓ 18 વર્ષની યુવતીને મળી રહ્યાં હતાં.

મ્યુંગ હુઇ કહે છે, “એ મારી સામે હતી. તેથી મેં સ્વીકારી લીધું હતું કે તે સોંગમી જ હોવી જોઈએ. હું ઘણું બધું કહેવા ઇચ્છતી હતી, પણ મારા મોંમાથી શબ્દો જ બહાર આવતા ન હતા. હું તેને ભેટી પડી હતી અને કહ્યું હતું કે અહીં સુધી પહોંચવા માટે તેં ઘણું સહન કર્યું.”

સોંગમી કહે છે, “મારું દિમાગ શૂન્ય થઈ ગયું હતું. અમે એકમેકને ભેટીને 15 મિનિટ સુધી રડતાં જ રહ્યાં હતાં. આખી પ્રક્રિયા એક સ્વપ્ન જેવી હતી.”

સોંગમી અને મ્યુંગ હુઇ તેમના સંબંધના તાંતણા પહેલાથી જોડવાના પ્રયાસ કરી રહ્યાં છે ત્યારે એક સવાલ પૂછવાની હિંમત સોંગમી ક્યારેય કરી શક્યાં નથી. તેઓ આઠ વર્ષનાં હતાં ત્યારથી એ સવાલ રોજ ખુદને પૂછતાં રહ્યાં છે.

બપોરનું બચેલું ભોજન રાતે ખાઈ લીધા બાદ સોંગમી સાવધાનીપૂર્વક સવાલ કરે છે, “મા, તમે મને શા માટે ત્યજી દીધી હતી?”

નર્વસ મ્યુંગ હુઇ દીકરીને સમજાવવાનું શરૂ કરે છે. નાસી છૂટવાનો પ્રથમ પ્રયાસ તેમનો વિચાર હતો. એ પછી તેઓ સાસરિયાં સાથે રહેવા જેલમાંથી પરત કઈ રીતે આવ્યાં હતાં, તેઓ બચી ગયાની અને પોતાનો દીકરો મૃત્યુ પામ્યાની યાદ સાસરિયાં રોજ કેવી રીતે અપાવતાં હતાં, એ જણાવે છે. તેમની પાસે પૈસા ન હતા અને બીજો કોઈ માર્ગ દેખાતો ન હતો. તેથી તેમણે સોંગમીને ત્યજી દીધી હતી.

મ્યુંગ હુઇ કહે છે, “હું તને મારી સાથે જ લાવવા ઇચ્છતી હતી, પણ દલાલે કહ્યું હતું કે બાળકોને નહીં લઈ જઈ શકાય. આપણે બન્ને પકડાઈ ગયાં હોત તો આપણે બન્નેએ સહન કરવું પડ્યું હોત. તેથી મેં દાદીને એક વર્ષ તારી સંભાળ રાખવા જણાવ્યું હતું.”

સોંગમી નજર ઢાળીને તેમને કહે છે, “અચ્છા. તે એક વર્ષનાં દસ વર્ષ થઈ ગયાં.”

મ્યુંગ હુઇ કહે છે, “હા. એ સવારે હું રવાના થઈ ત્યારે મારા પગ થીજી ગયા હતા, પરંતુ તારા દાદા મને બહાર લઈ ગયા હતા અને ચાલ્યા જવા કહ્યું હતું. મેં તને ત્યજી દીધી ન હતી, એ તું જાણી લે એમ હું ઇચ્છું છું. હું તને સારું જીવન આપવા ઇચ્છતી હતી. તેથી મને એમ કરવાનું યોગ્ય લાગ્યું હતું.”

ઉત્તર કોરિયાનું જીવન કેવું છે?

આ નિર્ણય ઉત્તર કોરિયાની બહાર રહેતી કોઈ પણ વ્યક્તિને અકલ્પ્ય લાગે, પરંતુ આંતરડાને આંટા ચડી જાય તેવા નિર્ણયો અને જોખમ ઉત્તર કોરિયામાં રહેતા લોકોએ ત્યાંથી નાસી છૂટવા માટે લેવા પડે છે. ત્યાંથી નાસી છૂટવાનું હવે વધારે મુશ્કેલ બની રહ્યું છે. કિમ જોંગ ઉનના નેતૃત્વ હેઠળની સરકારે સરહદ પર જાપ્તો સખત બનાવ્યો છે અને ભાગવાનો પ્રયાસ કરતા લોકો માટે આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે.

2020 પહેલાં દર વર્ષે 1,000થી વધુ લોકો દક્ષિણ કોરિયા ભાગી જતા હતા. 2020માં સોંગમી દક્ષિણ કોરિયા આવ્યાં ત્યારે એ સંખ્યા ઘટીને 229 થઈ ગઈ હતી.

એ વર્ષની શરૂઆતમાં રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે ઉત્તર કોરિયાએ તેની સરહદ સીલ કરી દીધી હતી અને નાગરિકોના દેશમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. નાસવાનો પ્રયાસ કરતી દરેક વ્યક્તિને જોતાંની સાથે ઠાર મારવાનો આદેશ સરહદ પરના સૈનિકોને આપવામાં આવ્યો હતો. ગયા વર્ષે માત્ર 67 ઉત્તર કોરિયન નાગરિકો દક્ષિણ કોરિયામાં પ્રવેશ્યા હતા. એ પૈકીના મોટા ભાગના રોગચાળા પહેલાં ઉત્તર કોરિયામાંથી નાસી છૂટ્યા હતા.

સોંગમી સરહદ બંધ થાય એ પહેલાં નાસી છૂટેલા લોકો પૈકીનાં એક હતાં. તેથી તેમની સ્મૃતિ મૂલ્યવાન છે, કારણ કે વિશ્વના સૌથી ગુપ્ત દેશમાં આજકાલ શું ચાલી રહ્યું છે તેની ચોંકાવનારી માહિતી તેમાંથી મળે છે.

ઉનાળો કેવો આકરો થતો જતો હતો એ સોંગમીને યાદ આવે છે. 2017 સુધીમાં તો પાક સૂકાઈને નાશ પામવા લાગ્યો હતો અને પાનખર તથા વસંત વચ્ચે ખાવા માટે કશું બચતું ન હતું. તેમ છતાં ખેડૂતોએ દર વર્ષે સરકારને અનાજનો સમાન જથ્થો આપવો પડતો હતો. તેનો અર્થ એ કે ખેડૂતો પાસે ખાવા માટે બહુ ઓછું અને ક્યારેક તો કશું બચતું ન હતું. તેઓ નીરણ માટે પર્વતોમાં ભટકતા હતા. આખરે કેટલાકે ખેતી કરવાનું છોડી દીધું હતું.

સોંગમીના કહેવા મુજબ, તેના વતન મુસાનમાં રોજગારનો બીજો સ્રોત ખાણમાં કામ કરવાનો છે, પણ ખાણમાં કામ કરતા લોકોની હાલત વધારે ખરાબ હતી. ઉત્તર કોરિયાએ અણુશસ્ત્રોનું પરીક્ષણ કર્યું એ પછી 2017માં તેના પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા. તેના પરિણામે તેની પાસેથી કોઈ આયર્ન ઓર ખરીદી શકતું ન હતું. ખાણનું કામ લગભગ બંધ થઈ ગયું હતું અને કામદારોને પગાર મળતો બંધ થઈ ગયો હતો. કામદારો મશીનના પુરજા ખાણમાં ઘૂસતા હતા. જંગલમાં ખોરાક કેવી રીતે શોધવો એ તેઓ જાણતા ન હતા.

2019 સુધીમાં જીવવા માટે પૂરતો ખોરાક મેળવવા સિવાયનો બીજો ભય વિદેશી ફિલ્મો અને ટીવી કાર્યક્રમો નિહાળતા પકડાઈ જવાનો હતો. તે ઉત્તર કોરિયામાં લાંબા સમયથી ગેરકાયદે ઘૂસાડવામાં આવી રહ્યાં હતાં. એ નિહાળીને નાગરિકો તેમની સરહદ બહારની લલચામણી દુનિયાની ઝલક મેળવે છે કે-ડ્રામા તરીકે ઓળખાતા કાર્યક્રમોમાં દર્શાવવામાં આવતી આધુનિક દક્ષિણ કોરિયાની આકર્ષક ઇમેજીસ ઉત્તર કોરિયાની સરકાર માટે સૌથી મોટો ખતરો છે.

સોંગમી કહે છે, “દક્ષિણ કોરિયાની ફિલ્મ જોવા બદલ ઉત્તર કોરિયાના નાગરિકને દંડ અથવા બેથી ત્રણ વર્ષની જેલ સજા થતી હતી, પરંતુ 2019 સુધીમાં એવા કૃત્ય બદલ દોષીતોને રાજકીય જેલમાં મોકલવાનું શરૂ થયું હતું.”

સોંગમી પાસેથી ભારતીય ફિલ્મોની યુએસબી ડ્રાઇવ મળી આવી હતી, પરંતુ એ પેનડ્રાઇવમાં ફિલ્મો હોવાનું પોતે જાણતાં ન હોવાની વાત સલામતી અધિકારીના ગળે ઉતારીને સોંગમી દંડ ચૂકવવામાંથી બચી ગયાં હતાં. જોકે, તેમની સખી એટલી નસીબદાર ન હતી. દક્ષિણ કોરિયામાં આવી પહોંચ્યા પછી 2022ના જુનના એક દિવસે સોંગમીને તેમની સખીનાં માતાનો ફોન આવ્યો હતો.

“તેમણે મને કહ્યું હતું કે મારી સખી સ્ક્વિડ ગેમની કૉપી સાથે પકડાઈ ગઈ છે અને તે તેનું વિતરણ કરતી હોવાને કારણે તેને મૃત્યુદંડ આપવામાં આવ્યો છે,” સોંગમી કહે છે.

ઉત્તર કોરિયામાં વિદેશી કાર્યક્રમોનું વિતરણ કરવા બદલ લોકોને ફાંસીની સજા કરવામાં આવી હોવાના અહેવાલો સાથે સોંગમીની આ વાતનો મેળ ખાય છે.

સોંગમી કહે છે, “હું ત્યાં હતી તેના કરતાં પણ વધારે ડરામણી સ્થિતિ અત્યારે હોય તેવું લાગે છે. દક્ષિણ કોરિયા કાર્યક્રમો નિહાળવા બદલ લોકોને તેમની ઉંમરને ધ્યાનમાં લીધા વિના ઠાર મારવામાં આવે છે અથવા તો કૅમ્પોમાં ધકેલી દેવામાં આવે છે.”

માતાપુત્રીનું ફરીથી મિલન થયું ત્યારે કેવાં દૃશ્યો સર્જાયાં?

મૂડીવાદી, સ્વૈરવિહારી દક્ષિણ કોરિયામાં જીવનને સમાયોજિત કરવું એ ઉત્તર કોરિયાના લોકો માટે બહુ મુશ્કેલ હોય છે. દક્ષિણ કોરિયાનું જીવન ઉત્તર કોરિયાથી તદ્દન અલગ છે, પરંતુ સોંગમી નોંધપાત્ર રીતે આગળ વધી રહ્યાં છે.

સોંગમીને તેમના દોસ્તો યાદ આવે છે. તેઓ ઉત્તર કોરિયામાંથી ચાલી નીકળ્યાં ત્યારે એમને કહી શક્યાં ન હતા કે હું જાઉં છું. દોસ્તો સાથે કરેલું નૃત્ય, દોસ્તો સાથે ઘૂળમાં જે રમત રમ્યાં હતાં એ સોંગમીને યાદ આવે છે.

સોંગમી થોડા અણગમા સાથે કહે છે, “દક્ષિણ કોરિયામાં દોસ્તોને મળી ત્યારે માત્ર શૉપિંગ કરવા કે કૉફી પીવા જવાનું હોય છે.” પોતે દક્ષિણ કોરિયાના સમોવડિયાઓથી જરાય અલગ નથી એવા દૃઢ વિશ્વાસને કારણે સોંગમીને આ દેશમાં અનુકૂલન સાધવામાં સૌથી વધુ મદદ મળી છે.

સોંગમી કહે છે, “ચીન અને લાઓસમાં મહિનાઓ સુધી પ્રવાસ કર્યા બાદ મને લાગ્યું હતું કે હું અનાથ છું, મને વિદેશમાં રહેવા મોકલી આપવામાં આવી છે.” અલબત, સોંગમી સોલના ઍરપૉર્ટ પર ઊતર્યાં ત્યારે ગ્રાઉન્ડ સ્ટાફે તેમનું સ્વાગત "અન-ન્યોંગ-હા-સે-યો" શબ્દો સાથે કર્યું હતું.

ઉત્તર અને દક્ષિણ કોરિયા બન્નેમાં ‘હેલ્લો’નો આ સમાનાર્થી શબ્દ સાંભળીને સોંગમીને અત્યંત આનંદ થયો હતો. તેઓ કહે છે, “મને સમજાયું હતું કે અમે એક જ ભૂમિમાં સમાન લોકો છીએ. હું કોઈ અલગ દેશમાં આવી નથી. માત્ર દક્ષિણમાં આવી છું.”

સોંગમી ઍરપૉર્ટ પર 10 મિનિટ રડતાં બેસી રહ્યાં હતાં.

સોંગમી જણાવે છે કે તેમને હવે જીવનનો હેતુ મળી ગયો છે. તે બન્ને કોરિયાને ફરી એક કરવાનો છે. બન્ને કોરિયા ફરી એક થવાનું સપનું નિહાળવાનું દક્ષિણ કોરિયાના નાગરિકોને જણાવવામાં આવે છે, પરંતુ એ પૈકીના ઘણાને તેમાં ભરોસો પડતો નથી. દેશના વિભાજન પછી જેટલો વધુ સમય પસાર થાય છે એટલા જ વધુ લોકો, ખાસ કરીને યુવા લોકો, ફરી એક થવાનું જરૂરી માનતા નથી.

ઉત્તર કોરિયા વિશે જાણકારી આપવા માટે સોંગમી શાળાઓની મુલાકાત લે છે. વિદ્યાર્થીઓ પૈકીના કેટલા બન્ને દેશના ફરી એકીકરણ બાબતે વિચારે છે. તે પૂછે છે ત્યારે બહુ ઓછા વિદ્યાર્થીઓ હાથ ઊંચા કરે છે, પરંતુ સોંગમી તેમને કોરિયાનો નકશો દોરવાનું કહે છે ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ ઉત્તર અને દક્ષિણ કોરિયા સહિતના સમગ્ર દ્વીપકલ્પનું ચિત્ર દોરે છે. આ કારણે સોંગમીની આશા જીવંત રહે છે.

સોંગમીના તેમનાં માતા સાથેના સંબંધમાં સ્થિરતા આવી રહી છે અને હવે તાણની નાની ઝલક જ દેખાય છે. મા-દીકરીની જોડી વારંવાર હસે છે, એકમેકને આલિંગન કરે છે. સોંગમી તેમનાં માતાનાં આંસુ લૂંછે છે, કારણ કે એ આંસુ તેમના પીડાદાયક ભૂતકાળની યાદ અપાવે છે.

સોંગમીના કહેવા મુજબ, તેમના માતાનો નિર્ણય સાચો હતો, કારણ કે હવે બન્ને દક્ષિણ કોરિયામાં ખુશીથી જીવી રહ્યાં છે.

મ્યુંગ હુઇ ભલે તેમની દીકરીને ઓળખી ન શક્યાં હોય, પણ હવે તેમની જોડી આશ્ચર્યજનક રીતે એકસરખી દેખાય છે. મ્યુંગ હુઇને 19 વર્ષની દીકરીમાં પોતાની છબી દેખાય છે.

તેમની વચ્ચેનો સંબંધ દોસ્તો અથવા બે બહેનો જેવો છે. મ્યુંગ હુઇને પોતાના ડેટિંગની બધી વાત જણાવતાં સોંગમીને આનંદ થાય છે.

તેમની વચ્ચે દલીલ થાય છે ત્યારે ખરી મજા પડે છે. સોંગમી હસતાં હસતાં કહે છે, “એ વખતે મને એવું લાગે છે કે વાહ, હું ખરેખર મારી માતા સાથે રહું છું.”

(પૂરક માહિતી, ફિલ્માંકન અને સંપાદન – હોસુ લી)