You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'50 હજારમાં સોદો થયો, આઠ વખત ગર્ભવતી કરાઈ' સાંકળે બાંધી રખાયેલી યુવતીની કહાણી
- લેેખક, ફ્રાન્સીસ માઓ
- પદ, સિંગાપોર
વર્ષો સુધી શારીરિક શોષણ, અત્યાચાર અને માનસિક સ્થિતિ ખરાબ હોવા છતાં ઉપરાઉપરી આઠ બાળકોના જન્મ માટે કોઈ મહિલાને મજબૂર કરાય તો?
આ તમામ તકલીફો ઇમોશનલ નવલકથાના પાના પર કંડારાયેલ કોઈ દૃશ્ય નહીં પરંતુ એક મહિલાની સાચી આપવીતીની દુ:ખદ દાસ્તાન છે.
વર્ષોથી ‘વન ચાઇલ્ડ પૉલિસી’ માટે જાણીતા ચીનમાં કોઈ મહિલાને બળજબરીપૂર્વક આઠ-આઠ બાળકોને જન્મ આપવો પડે અને પોતાનાં સંતાનોનાં માતા પર તેમના પિતા દ્વારા એટલો ત્રાસ ગુજારાય કે મહિલા ‘બૂજવાની શક્તિ જ ગુમાવી’ બેસે એ વાત ખરેખર પ્રથમ દૃષ્ટિએ અવિશ્વસનીય લાગી શકે.
પરંતુ ચીનના એક અંતરિયાળ ગામડામાં આ ઘટના ખરેખર બની છે.
40 વર્ષની વય વટાવી ચૂકેલાં ચીનના જિઆંગસુ ક્ષેત્રના ક્ષુઝુ નજીકના ગામડે રહેતાં ઝિયાનહુઆમેઇ સાથે આ અત્યાચારો તેમનાં સંતાનોના પિતા દ્વારા કરાતા હતા.
પોતાના પારિવારિક ઘર બહાર બનાવાયેલ માટીના તળિયાવાળા ઝૂંપડામાં વર્ષોથી 'સાંકળેથી બંધાયેલાં' રહેનાર ઝિયાનહુઆમેઇની આપવીતી સામે આવતાં મામલો અદાલત પહોંચ્યો હતો .
અદાલતમાં આ મહિલાને તરુણાવસ્થામાં લગભગ 50 હજાર રૂપિયામાં વેચી દેવાનો ભેદ ખૂલ્યો હતો.
આ મામલાના કારણે સમગ્ર દેશમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. તેમજ આ કેસ સામે આવ્યા બાદ માનવ ટ્રાફિકિંગના વધુ મામલા સામે કડક પગલાંનો સિલસિલો શરૂ થયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ હાઇપ્રોફાઇલ હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં કોર્ટે છ લોકોને જેલની સજા કરી છે.
આ મહિલાના પતિને ત્રાસ, શોષણ અને બંધક રાખવા મામલે નવ વર્ષની જેલ કરાઈ છે. આ સિવાય અન્ય પાંચને આઠથી 13 વર્ષ વચ્ચે સજા સંભળાવાઈ છે.
પરંતુ શુક્રવારે આવેલા આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતાં ઘણાએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમનો મત હતો કે આ કેસમાં ખૂબ જ ઓછી સજા કરાઈ છે તેમજ સુધારા માટે હજુ વધુ પગલાં લેવાની જરૂરિયાત છે.
જાન્યુઆરી, 2022માં એક ચાઇનીઝ વ્લોગર ઝિયાનહુઆમેઇ દયનીય હાલતમાં મળી આવ્યાં હતાં. જે બાદ તેમની વ્યથા જગજાહેર થઈ હતી.
ફેંગક્સિઆન કાઉન્ટીના આ વ્લોગરે ઉતારેલો આ વીડિયો તરત જ વાઇરલ થઈ ગયો હતો.
વીડિયોમાં તેમણે માનવતસ્કરીનો મુદ્દો ઉઠાવ્યો. તેમજ તેઓ આ દરમિયાન ‘પ્રતિક્રિયા આપતાં મૂંઝવણ અનુભવતી’ અને માનસિક શક્તિઓ ક્ષીણ થયેલી અવસ્થામાં હતાં.
મામલો સામે આવતાં લોકોમાં જોવા મળ્યો આક્રોશ
આ કેસ ચીનમાં ઘણા દિવસો સુધી ચર્ચામાં રહ્યો, કેસની ચર્ચા કરનાર લોકો પૈકી કેટલાકે તો મહિલાને ન્યાય મળે તે માટે દિવસો સુધી સતત ઑનલાઇન માગણી પણ ઉઠાવી.
પહેલાં તો સ્થાનિક તંત્ર દ્વારા આ માનવતસ્કરીનો ન હોવાની વાતનું રટણ કર્યું. અને કહ્યું કે દંપતી પાસે લગ્ન અંગેનું યોગ્ય પ્રમાણપત્ર હતું, તેમની વચ્ચે માત્ર વૈવાહિક અણબનાવ હતો.
તંત્ર દ્વારા વારંવાર પીડિતાના પતિ ડોંગ ઝિમિનનો બચાવ કરાયો, જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેમનાં પત્નીને સ્કીઝોફ્રેનિયા છે અને વાંરવાર હિંસા કરવા ટેવાયેલાં છે.
જોકે આ પ્રકારનાં નિવેદનોને કારણે જાહેર જનતા વધુ ઉગ્ર બની. લોકોએ ઑનલાઇન આ મહિલા મામલે તંત્રની નિષ્ક્રિયતાની ઝાટકણી કાઢી અને મહિલાની જેમ અન્ય લોકોની માનવતસ્કરીના ભોગ બન્યા હોવાનો મુદ્દો ઉઠાવ્યો.
આ બધી પ્રતિક્રિયાઓને કારણે આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરાઈ હતી. તેમજ પોલીસે પણ મહિલાઓ અને બાળકોને સાંકળતી માનવતસ્કરીના કિસ્સામાં કડક પગલાં લેવાશે એવું આશ્વાસન આપ્યું હતું.
આ કેસની ઘણી બધી વિગતો આ અઠવાડિયે ટ્રાયલ દરમિયાન પ્રથમ વખત કન્ફર્મ કરાઈ હતી.
કોર્ટે 1998માં મહિલાના ગૃહ પ્રાંત યુન્નાનથી તરુણાવસ્થા દરમિયાન અપહરણ થયાની અને તે બાદ તેમને ડોંઘાઈ પ્રાંતમાં એક ખેડૂતને પાંચ હજાર યુઆન એટલે કે લગભગ 50 હજાર રૂપિયામાં વેચી દેવાયાં હોવાની વાત માની હતી.
એક વર્ષ બાદ તેમને આગળ વધુ માનવતસ્કરોને વેચી દેવાયા, જેઓ એક દંપતી હતાં, આ દંપતીએ ઝિયાનહુઆમેઇને ડોંગના પિતાને સોંપી દીધાં.
જજો એ કહ્યું કે જ્યારે ઝિયાનહુઆમેઇ પ્રથમ વખત ડોંગના ઘરે આવ્યાં ત્યારે તેઓ “પોતાની સારસંભાળ રાખી શકતાં અને અન્ય લોકો સાથે વાત કરી શકતાં હતાં.”
કોર્ટે ડોંગને તેમનાં પત્ની પર અત્યાચાર અને શોષણ મામલે દોષિત ઠેરવ્યાં. ડોંગે ઝિયાનહુઆમેઇને બાળકો પેદા કરવા મજબૂર કર્યાં, તેમનું પ્રથમ સંતાન 1999માં અને પાછળનાં સાત 2011થી 2020 દરમિયાન જન્મ્યાં.
જિઆંગસુ પ્રાંતના ક્ષુઝુ શહેરની ઇન્ટરમિડિએટ પીપલ્સ કોર્ટે નોંધ્યું કે ત્રીજા બાળક બાદ, ઝિયાનહુઆમેઇની સ્કીઝોફ્રેનિયાની સ્થિતિ વધુ વણસી. આ સ્થિતિને કારણે ડોંગે વધુ ને વધુ અત્યાચાર કરવાનું શરૂ કર્યું.
વર્ષ 2017માં તેમનાં પતિએ તેમને પોતાના પારિવારિક ઘરમાંથી કાઢીને બહાર આવેલા ઝૂંપડામાં શિફ્ટ કરી દીધાં, જ્યાં તેઓ ઝિયાનહુઆમેઇને કપડાંનાં દોરડાં અને સાંકળ વડે બાંધીને રાખતા.
ઝૂંપડામાં પાણી, વીજળી, પ્રકાશ વગેરેની કોઈ વ્યવસ્થા ન હતી. ઉપરાંત તેમને ભોજનથી પણ વંચિત રખાતાં.
સજામાં વધારો કરવાની માગ
જજોની ખંડપીઠના અધ્યક્ષસ્થાને રહેલા જજ યાઓ હુઈએ કહ્યું કે ડોંગ તેમનાં પત્ની બીમાર હતાં ત્યારે ક્યારેય તેમને ડૉક્ટર પાસે લઈ ગયા નહોતા. તેમજ ડોંગ તેમની સ્થિતિ વિશે વિચાર્યા વગર તેમને અવારનવાર ગર્ભવતી કરતા રહ્યા.
શુક્રવારે આ ચુકાદા અંગેના સમાચાર સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ વીબો પર ખૂબ ચર્ચામાં રહ્યા. ચુકાદાના એક કલાકમાં જ આ અંગેના સમાચારને એક કરોડ ઉપરાંત હિટ મળ્યા હતા.
મોટા ભાગના યૂઝરોએ આ ચુકાદા અંગે ગુસ્સો અને નિરાશા વ્યક્ત કર્યાં હતાં.
એક યુઝરે લખ્યું કે, “કોઈ વ્યક્તિનું જીવન ખરાબ કરવા બદલ માત્ર આટલી સજા?”
અન્ય એક યુઝરના કૉમેન્ટમાં કહેવાયું હતું કે, “મહિલાનું આખું જીવન અને ડોંગને માત્ર નવ વર્ષની સજા.”
અન્ય એક યુઝરે લખ્યું કે, “આઠ વખત માતા બનવા બદલ નવ વર્ષની સજા પૂરતી નથી.”
જોકે, કેટલાકે માનવતસ્કરીના આરોપોમાં કેવી રીતે દસ વર્ષની મર્યાદામાં સજા અપાય છે એ વાત અંગે ધ્યાન દોર્યું.
ગયા વર્ષે કેટલાક ઍક્ટિવિસ્ટોએ સુધારા પર ભાર મૂક્યો હતો. તેમની દલીલ હતી કે આવી ઓછી સજા વધૂ માટે માનવતસ્કરો અને તેના ખરીદદારો માટે યોગ્ય ભયસ્થાન ઊભું કરી શકતી નથી..
શુક્રવારના ઑનલાઇન સંવાદમાં એક યુઝરે લખ્યું કે, “કાયદામાં સુધારો કરો, સજા ખૂબ જ ઓછી છે.”
અમુકે ઝિયાનહુઆમેઇની અત્યારની હાલત અંગે પૂછ્યું.
ચાઇનીઝ મીડિયા અનુસાર મામલો સામે આવતાં તેમને ગત વર્ષે ગામમાંથી હઠાવી દેવાયાં હતાં, તે બાદ તેમને મેડિકલ વૉર્ડમાં મુકાયાં હતાં, જ્યાં તેઓ હજુ પણ છે.