કુનો અભયારણ્યમાં ‘શૌર્ય’ ચિત્તાનું મોત : કેમ સતત થઈ રહ્યાં છે ચિત્તાનાં મોત?

ઇમેજ સ્રોત, Getty Images
મધ્ય પ્રદેશના કુનો અભયારણ્યમાં ચિત્તાઓનાં મૃત્યુનો સિલસિલો અટકી નથી રહ્યો. નામીબિયાથી ભારત લાવવામાં આવેલા વધુ એક ચિત્તાનું મોત થયું છે.
‘લાયન પ્રૉજેક્ટ’ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, 'શૌર્ય' નામના ચિત્તાનું 16 જાન્યુઆરીના રોજ બપોરે 3:17 કલાકે મૃત્યુ થયું હતું. એવું કહેવામાં આવ્યું છે કે શૌર્યના મૃત્યુનું કારણ મૃતદેહના પરીક્ષણ બાદ જ ખબર પડશે.
મંગળવારે, 16 જાન્યુઆરીના રોજ સવારે ચિત્તાની તબિયત થોડી ખરાબ હતી. તપાસ બાદ ખબર પડી હતી કે ચિત્તો બીમાર છે.
નબળાઈને કારણે શૌર્ય બેભાન થઈ ગયો હતો. સારવાર બાદ થોડા સમય માટે તેને હોશ આવ્યો હતો પરંતુ તરત જ તેની તબિયત ખરાબ થવા લાગી હતી. શૌર્યને સીપીઆર આપીને તેનો ઇલાજ કરવામાં આવ્યો પરંતુ તેના પર તેની કોઈ જ અસર થઈ ન હતી.
સપ્ટેમ્બર 2022માં, કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી ચિત્તા પુનર્વસન કાર્યક્રમ હેઠળ નામીબિયાથી 8 ચિત્તા ભારત લાવવામાં આવ્યા હતા. ત્યારપછીના તબક્કામાં વધુ 12 ચિત્તાઓને દક્ષિણ આફ્રિકાથી મધ્ય પ્રદેશના કુનો અભયારણ્યમાં લાવવામાં આવ્યા હતા અને ફેબ્રુઆરી 2023માં તેમને છોડવામાં આવ્યા હતા.
જેમાંથી અત્યાર સુધીમાં દસ ચિત્તાનાં મોત થયાં છે અને કેટલાક નવા ચિત્તાઓ ભારતમાં પણ જન્મ્યા છે.
આફ્રિકાથી લાવવામાં આવેલા આઠ ચિત્તાનું મોત

ઇમેજ સ્રોત, Getty Images
2 ઑગસ્ટ, 2023ના રોજ અભયારણ્યમાં આફ્રિકાથી લાવવામાં આવેલા આઠમા ચિત્તાનું મૃત્યુ થયું હતું.
કુનો અભયારણ્યના એક વરિષ્ઠ અધિકારીએ ત્યારે કહ્યું હતું કે ચિત્તાનું મોત લડાઈને કારણે થયું હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મૃત ચિત્તાનું નામ 'તેજસ' હતું જ્યારે બીજો એક નર ચિત્તો ઘાયલ થયો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે 1952માં ભારતમાં ચિત્તાને વિલુપ્ત જાહેર કરી દેવામાં આવ્યા હતા. એ સમયે દેશમાં એકપણ જીવિત ચિત્તો બચ્યો ન હતો.
પરંતુ આ પ્રજાતિને ભારતમાં પુન: સ્થાપિત કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના હેઠળ ચિત્તાઓને 2022માં ભારત લાવવામાં આવ્યા હતા.
મે, 2023માં નામીબિયાથી ભારત લાવવામાં આવેલા માદા ચિત્તાએ 4 બચ્ચાંને જન્મ આપ્યો હતો જેમાંથી ત્રણનાં મૃત્યુ થઈ ગયાં હતાં.
ચિત્તાનાં તમામ બચ્ચાં અતિશય નાજુક અને ઓછાં વજનનાં હતાં. કુનોના વન અધિકારીઓએ કહ્યું હતું કે તે સમયે તેમના શરીરમાં પાણીની માત્રા ખૂબ ઓછી હતી. જ્યારે મોટી ઊંમરના ચિત્તાઓનાં મૃત્યુ સંભોગ દરમિયાન ઈજાઓને કારણે થયાં હતાં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી જાહેરાત કરીને દેશવાસીઓને કહ્યું કે તેઓ ભારતમાં ચિત્તા લાવ્યા છે. કેટલાક વન્યજીવ નિષ્ણાતોએ આ નિર્ણયને આવકાર્યો હતો જ્યારે અન્ય લોકોએ સંભવિત જોખમો અને મોટા માંસાહારી પ્રાણીઓના ગેરકાયદેસર શિકાર અંગે ચેતવણી આપી હતી.
મે, 2023માં સુપ્રીમ કોર્ટે ચિત્તાઓના મૃત્યુ પર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર સરકારને આ ચિત્તાઓને શક્ય તેટલી વહેલી તકે અન્ય વૈકલ્પિક સ્થળોએ સ્થાનાંતરિત કરવા ગંભીરતાથી વિચારણા કરવા જણાવ્યું હતું.
ભારતમાં ચિત્તાનું ખૂબ જ સાંકેતિક મહત્ત્વ છે કારણ કે ઘણી લોકવાર્તાઓમાં તેનો ઉલ્લેખ છે. પરંતુ શિકાર, રહેઠાણ અને શિકારના અભાવને કારણે 1947 પછી દીપડાઓ ભારતમાંથી અદૃશ્ય થવા લાગ્યા.
ચિત્તાનાં મૃત્યુ પાછળ કયાં કારણો જવાબદાર?

ઇમેજ સ્રોત, ADRIAN TORDIFFE
નોંધનીય છે કે ચિત્તાનાં મૃત્યુ થવા પાછળનું એક મોટું કારણ કિડની ફેલ થવાની સમસ્યા છે, જેને વૈજ્ઞાનિકો અને ડૉક્ટરોએ સંશોધન વડે સાબિત કરવાની કોશિશ કરી છે.
અમેરિકન સરકારના નેશનલ સેન્ટર ઑફ બાયોટેકનૉલૉજી ઇન્ફર્મેશને વર્ષ 1967-2014 વચ્ચે 243 એવા ચિત્તા અંગે તપાસ કરી હતી જે કેદમાં રહ્યા હતા.
એમિલી મિચેલના નેતૃત્વમાં કરાયેલ આ ગહન સંશોધનમાં જાણવા મળ્યું કે, “કેદમાં રહેતા કેટલાક ચિત્તામાં નાની ઉંમરેથી જ કિડની ખરાબ થવાનાં લક્ષણો દેખાવા લાગે છે, જે આગળ જતાં જીવલેણ સાબિત થાય છે.”
સંશોધન પરથી એવું તારણ આવ્યું કે કેદમાં કે અન્ય કોઈ નિયંત્રિત માહોલમાં રહેતા ચિત્તા મોટા ભાગે તણાવગ્રસ્ત થઈ જાય છે, જેની અસર તેમની કિડની પર પણ પડે છે.
ચિત્તાના સંરક્ષણ માટે કામ કરનારી પ્રખ્યાત સંસ્થા ‘ચિત્તા કંઝર્વેશન ફંડ’ના એક રિસર્ચ પેપરે પણ એ વાત તરફ ધ્યાન આપ્યું છે કે ચિત્તામાં કિડની ફેલ થવાની શરૂઆતમાં જ કેવી રીતે પકડી શકાય જેનાથી તેનો સફળ ઇલાજ થઈ શકે.
ચિત્તા મધ્ય પ્રદેશના કુનોમાં કેમ લવાયા હતા?

ઇમેજ સ્રોત, ADRIAN TORDIFFE
મધ્ય પ્રદેશના 1.15 લાખ હૅક્ટર ક્ષેત્રફળવાળા કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડાય એ પહેલાં પાંચ-સાત વર્ષની ઉંમરવાળા તમામ 20 ચિત્તાને એક મહિના સુધી ક્વૉરેન્ટીન ઝોનમાં રખાયા હતા, જેનાથી તેઓ આ આબોહવાથી ટેવાઈ શકે.
આગામી તબક્કામાં આ ચિત્તાને ક્વૉરેન્ટીન ઝોનથી બહાર ચાર વર્ગ કિલોમીટર વિસ્તારમાં રાખવામાં આવ્યા, જેથી એ જંગલી પ્રાણીઓ અને શિકાર વગેરેથી ટેવાઈ શકે.
ભારતમાં નામીબિયાથી આઠ અને દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા લવાયા હતા.
ભારત આવનારા ચિત્તાને અભયારણ્યોમાંથી જ લવાયા છે, જ્યાં સારી રીતે તેમનું પ્રજનન કરાય છે.
દક્ષિણ આફ્રિકામાં લગભગ 50 જેટલાં અભયારણ્ય છે, જેમાં 500 પુખ્ત ચિત્તા છે.
ચિત્તા કન્ઝર્વેશન ફંડનાં નિદેશક લૉરી માર્કરે બીબીસી સાથે થયેલી એક ખાસ વાતચીતમાં નામીબિયાથી જણાવ્યું હતું કે, "આ પ્રૉજેક્ટ માટે અમે ઘણી મહેનત કરી હતી અને આશા છે કે બધું ઠીક રહેશે."
"આ ચિત્તા સિંહો અને દીપડા સિવાય અન્ય પ્રાણીઓની આસપાસ રહીને મોટા થયા છે."
"ભારતમાં પણ તેઓ પોતાનું ઘર વસાવી લેશે એવી અમને આશા છે."
લૉરી માર્કર પ્રમાણે, તેમની ટીમે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનને આ ચિત્તાના વસવાટ માટે ખૂબ યોગ્ય ઠરાવ્યો હતો. તેથી તેમને અહીં લાવવામાં આવ્યા છે.












