નવાઝ શરીફઃ પાકિસ્તાનના કમબૅક કિંગ, જે ફરીથી બની શકે છે વડા પ્રધાન

પાકિસ્તાન ચૂંટણી

ઇમેજ સ્રોત, EPA

પાકિસ્તાનના ત્રણ વખત વડા પ્રધાન બનેલા નવાઝ શરીફ જાતે લીધેલા દેશનિકાલમાંથી ગયા વર્ષે જ પાછા ફર્યા છે અને ફરીથી પાકિસ્તાનના રાજકારણના કેન્દ્રમાં આવી ગયા છે.

પાકિસ્તાની રાજકારણમાં છેલ્લા ત્રણ દાયકાથી તેમનું વર્ચસ્વ હોવા છતાં બહુ ઓછા લોકો તેમના ટોચ પર પાછા ફરવાની આગાહી કરી શક્યા હતા.

તેમને ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવવામાં આવ્યા એ સાથે તેમની છેલ્લી ટર્મનો અંત આવ્યો હતો અને એ પહેલાં તેમને એક લશ્કરી બળવામાં પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

તેમ છતાં તેઓ ફરી એક વાર સફળ પુનરાગમનની અણી પર હોય તેવું લાગે છે, જે પાકિસ્તાની સૈન્યની લાંબા સમયથી વિરોધી ગણવામાં આવતી વ્યક્તિ માટે નાટ્યાત્મક બદલાવ છે.

વિલ્સન થિંક ટૅન્કના દક્ષિણ એશિયાના નિયામક, વિશ્લેષક માઇકલ કુગેલમૅન કહે છે, “તેઓ આગામી વડા પ્રધાન બનવા માટે ટોચના ઉમેદવાર છે. તેનું કારણ તેમની વ્યાપક લોકપ્રિયતા નહીં, પરંતુ તેમણે તેમની રમત બહુ સારી રીતે રમી છે.”

નવાઝ શરીફના કટ્ટર હરીફ અને અગાઉના સૈન્ય સમર્થિત ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન હવે જેલમાં કેદ છે અને તેમના લોકપ્રિય પક્ષ પર સમગ્ર દેશમાં નિયંત્રણો છે.

પાકિસ્તાનમાં કઈ પાર્ટીને કેટલી સીટ મળી?

પાકિસ્તાન ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી થવાના ત્રણ દિવસ બાદ આખરે ચૂંટણીપંચે રાષ્ટ્રીય અને પ્રાંતની ઍસેમ્બ્લીનાં બધાં પરિણામો જાહેર કર્યાં છે.

તાજા પરિણામમાં સ્વતંત્ર ઉમેદવારોએ 101 બેઠકો પર જીત મેળવી છે અને બીબીસી ઉર્દૂ અનુસાર આમાં 93 બેઠકો પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી એટલે ઇમરાન ખાન સમર્થિત ઉમેદવારો છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીજા નંબર પર પાકિસ્તાન મુસ્લિમ લીગ- એનના ખાતામાં 75 બેઠકો આવી છે.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી 54 બેઠકો સાથે ત્રીજા સ્થાન પર છે જ્યારે એમક્યૂએમ પાકિસ્તાનના ખાતામાં 17 બેઠકો આવી છે.

આની સાથે જ ચાર પ્રાન્તોની ઍસેમ્બ્લીની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં છે.

પંજાબ ઍસેમ્બ્લી

પાકિસ્તાન ચૂંટણીપંચ મુજબ પંજાબ ઍસેમ્બ્લીમાં પીએમએલ (એન)ને સૌથી વધુ 137 બેઠકો મળી છે. જોકે પીએમએલ-ક્યૂને આઠ બેઠકો મળી છે.

પંજાબ ઍસેમ્બ્લીમાં 297 બેઠકો છે અને એક બેઠક પર ચૂંટણી રદ કરવામાં આવી છે.

સિંધ ઍસેમ્બ્લી

130 બેઠકોવાળી સિંધ ઍસેમ્બ્લીમાં પીપીપીને 84 બેઠકો મળી છે. 28 બેઠકો એમક્યૂએમને મળી છે.

ખૈબર પખ્તુનખ્વાહ

ખૈબર પખ્તુનખ્વાહ પ્રાંત ઍસેમ્બ્લીમાં પીટીઆઈ સમર્થિત ઉમેદવારો સરકાર બનાવવાની પરિસ્થિતિમાં છે.

115 બેઠકોવાળી આ ઍસેમ્બ્લીમાં તેને 90 બેઠકો મળી છે. અહીં સાત બેઠકો સાથે જમીયત ઉલેમા-એ ઇસ્લામ સાત બેઠકો સાથે બીજા અને પાંચ બેઠકો સાથે પીએમએલ-એન ત્રીજા ક્રમે છે.

બલૂચિસ્તાન

બલૂચિસ્તાન ઍસેમ્બ્લીની 51 બેઠકોમાંથી 50 બેઠકોનાં પરિણામ આવી ગયાં છે.

ચૂંટણીપંચ અનુસાર, પીપીસી અને જમીયત ઉલેમા-એ- ઇસ્લામને 11 બેઠકો મળી છે જ્યારે પીએમએલ(એન)ની 10 બેઠકો જીતી છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોર શહેરમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના સંભવિત પ્રદર્શનને જોતાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.

પીટીઆઈએ ચૂંટણીમાં ગોટાળાના આરોપ કર્યા છે અને પ્રદર્શનની જાહેરાત કરી છે.

નવાઝ શરીફની કથા શું છે?

પાકિસ્તાન ચૂંટણી

ઇમેજ સ્રોત, AFP

તમે એમ કહી શકો કે નવાઝ શરીફ પુનરાગમનના રાજા છે. તેમણે પહેલાં પણ આવું કર્યું છે.

1999ના લશ્કરી બળવાને પગલે તેમને વડા પ્રધાન તરીકેની તેમની બીજી ટર્મમાં હાંકી કાઢવામાં આવ્યા પછી 2013ની સંસદીય ચૂંટણીમાં તેમણે વિજય મેળવ્યો હતો અને વિક્રમી ત્રીજી ટર્મ માટે વડા પ્રધાન બનવા માટે પુનરાગમન કર્યું હતું.

પાકિસ્તાન માટે તે ઐતિહાસિક ક્ષણ હતી, કારણ કે 1947માં આઝાદી પછી લોકશાહી ઢબે ચૂંટાયેલી એક સરકારમાંથી બીજીનું એ પ્રથમ સંક્રમણ હતું.

જોકે, વડા પ્રધાન તરીકેના નવાઝ શરીફના છેલ્લા કાર્યકાળ દરમિયાન જોરદાર ઊથલપાથલ થઈ હતી. તેની શરૂઆત રાજધાની ઇસ્લામાબાદની વિરોધ પક્ષ દ્વારા છ મહિના સુધી નાકાબંધીથી થઈ હતી અને ભ્રષ્ટાચારના આરોપ બદલ અદાલતી કાર્યવાહી સાથે તેનો અંત આવ્યો હતો. તેના પગલે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ દ્વારા તેમને જુલાઈ, 2017માં અયોગ્ય ઠેરવવામાં આવ્યાના થોડા સમય બાદ તેમણે રાજીનામું આપ્યું હતું.

જુલાઈ, 2018માં તેમને પાકિસ્તાનની એક કોર્ટે ભ્રષ્ટાચાર બદલ દોષિત ઠેરવ્યા હતા અને તેમને 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ અંતિમ ચુકાદો આવતા પહેલાં અદાલતે તેમની સજા સસ્પેન્ડ કરી દીધી એટલે બે મહિના પછી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા.

જોકે, તેમના પરિવારની સાઉદી અરેબિયામાંની સ્ટીલ મિલોની માલિકી સંબંધી ભ્રષ્ટાચારના કેસમાં ડિસેમ્બર, 2018માં તેમને ફરી વખત સાત વર્ષ માટે જેલમાં ગોંધી દેવામાં આવ્યા હતા.

એ પછી તેમણે બ્રિટનમાં તબીબી સારવાર લેવી જરૂરી હોવાના મુદ્દે જામીન માટે લડાઈ લડી હતી. 2019માં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા અને તેમને લંડન જવાની છૂટ મળી હતી. ગયા ઑક્ટોબરમાં પાકિસ્તાન પાછા ફર્યા ત્યાં સુધી નવાઝ શરીફ લંડન ખાતેના તેમના લક્ઝરી ફ્લૅટમાં ચાર વર્ષ સુધી રહ્યા હતા.

તેઓ પાકિસ્તાનમાં ન હોવા છતાં છેલ્લં 35 વર્ષથી દેશના ટોચના રાજકારણીઓ પૈકીના એક બની રહ્યા છે.

નવાઝ શરીફનાં પ્રારંભિક વર્ષો

પાકિસ્તાન ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

નવાઝ શરીફનો જન્મ લાહોરના એક અગ્રણી ઉદ્યોગપતિ પરિવારમાં 1949માં થયો હતો અને તેમણે શહેરી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં રાજકારણમાં પોતાની ઓળખ બનાવી હતી.

પાકિસ્તાન પર 1977થી 1988 સુધી શાસન કરનાર સૈન્ય નેતા જનરલ ઝિયા ઉલ હક્કના શિષ્ય નવાઝ શરીફ 1998માં દેશના પ્રથમ અણુ પરીક્ષણનો આદેશ આપવા માટે દેશ બહાર વધારે જાણીતા છે.

જનરલ ઝિયાના માર્શલ લોના શરૂઆતના દિવસોમાં તેઓ રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા હતા અને તેમણે 1985થી 1990 સુધી પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નાણામંત્રી અને પછી મુખ્ય મત્રી તરીકે કામ કર્યું હતું.

નિરીક્ષકો તેમને પ્રભાવશાળી રાજકીય વ્યક્તિ તરીકે યાદ કરતા નથી, તેમ છતાં તેમણે ખુદને એક કુશળ વહીવટકર્તા સાબિત કર્યા છે.

તેઓ 1990માં વડા પ્રધાન બન્યા હતા, પરંતુ 1993માં તેમને બરતરફ કરવામાં આવ્યા હતા. તેનાથી વિરોધ પક્ષનાં તત્કાલીન નેતા બેનઝીર ભુટ્ટો માટે સરકાર બનાવવાનો માર્ગ સાફ થયો હતો.

તેઓ અગ્રણી સ્ટીલ મિલ સમૂહ ઇત્તેફાક ગ્રૂપના માલિક છે અને તેમનો સમાવેશ દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાં થાય છે.

પાકિસ્તાનમાં લશ્કરી બળવો

પાકિસ્તાન ચૂંટણી

ઇમેજ સ્રોત, AFP

1997માં આસાન બહુમતી સાથે ફરીથી વડા પ્રધાન બન્યા પછી નવાઝ શરીફનું રાજકીય મોરચે પ્રભુત્વ સ્થપાયું હતું અને તેમણે દેશની તમામ મુખ્ય સંસ્થાઓ પર શક્તિશાળી પકડ મેળવી હતી.

એ પછી સંસદમાં વિરોધ પક્ષથી હતાશ થઈને તેમણે શરિયા કાયદો લાગુ કરવા માટે બંધારણીય સુધારો પસાર કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે સત્તાનાં અન્ય કેન્દ્રો સામે પણ શિંગડાં ભરાવ્યાં હતાં. તેમના સમર્થકોનાં ટોળાંએ સુપ્રીમ કોર્ટમાં તોડફોડ કરી હતી અને પાકિસ્તાનના શક્તિશાળી સૈન્ય પર લગામ તાણવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, 1999માં નવાઝ શરીફ દ્વારા સૈન્યના તત્કાલીન વડા પરવેઝ મુશર્રફને ઊથલાવી દેવાની ઘટનાએ દર્શાવ્યું હતું કે પાકિસ્તાનમાં સૈન્યના પ્રભાવને ઘટાડવાનો પ્રયાસ કોઈ પણ રાજકારણી માટે કેટલો ખતરનાક હોય છે.

નવાઝ શરીફની ધરપકડ કરવામાં આવી હતી, તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને આખરે અપહરણ તથા આતંકવાદના આરોપસર તેમને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. તેમને ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમની રાજકીય પ્રવૃત્તિ પર આજીવન પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

અલબત્ત, સાઉદી દ્વારા કરવામાં આવેલા એક કથિત સોદાને લીધે તેઓ અને તેમના અન્ય પરિવારજનો જેલના સળિયા પાછળ ધકેલાતા બચી ગયા હતા. નવાઝ શરીફ અને તેમના પરિવારના 40 સભ્યોનો દસ વર્ષ માટે સાઉદી અરેબિયામાં દેશનિકાલ કરવામાં આવ્યો હતો.

એ સમયે બીબીસીના ઇસ્લામાબાદ ખાતેના સંવાદદાતા તરીકે કાર્યરત ઓવેન બેનેટ-જોન્સે જણાવ્યું હતું કે નવાઝ શરીફને સત્તા પરથી હટાવવામાં આવ્યા ત્યારે ઘણા પાકિસ્તાનીઓએ તેમને ભ્રષ્ટ, અક્ષમ અને સત્તા ભૂખ્યા રાજકારણી ગણાવીને મોટી રાહત વ્યક્ત કરી હતી.

ભ્રષ્ટાચારના આક્ષેપો

પાકિસ્તાન ચૂંટણી

ઇમેજ સ્રોત, EPA

નવાઝ શરીફનો પ્રથમ રાજકીય વનવાસ, સૈન્ય સાથેના સોદા બાદ 2007માં પાકિસ્તાન પાછા ફરવા સુધી ચાલ્યો હતો.

પાકિસ્તાન પાછા ફર્યા બાદ તેમણે વિરોધ પક્ષના નેતા તરીકે ધીરજપૂર્વક સમય પસાર કર્યો હતો. તેમના પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) પક્ષે 2008ની ચૂંટણીમાં લગભગ એક ચતુર્થાંશ સંસદીય બેઠકો જીતી હતી.

તેઓ 2013ની ચૂંટણી જીતશે તેવી આગાહી હતી, પરંતુ તેમણે જંગી વિજય મેળવીને ઘણાને આશ્ચર્યચકિત કર્યા હતા. તેમણે રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ પંજાબ પ્રાંતમાં ભૂતપૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનના પક્ષની જોરદાર ટક્કરનો સામનો કર્યો હતો.

2013માં વડા પ્રધાન બન્યા બાદ નવાઝ શરીફે ઇમરાન ખાનની પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ પાર્ટી (પીટીઆઈ) દ્વારા ઇસ્લામાબાદની છ મહિના સુધીની નાકાબંધીનો સામનો કરવો પડ્યો હતો. તેમણે નવાઝ શરીફ પર ચૂંટણીમાં ગોટાળાનો આક્ષેપ કર્યો હતો.

સૈન્યની કુખ્યાત ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (આઈએસઆઈ)ના કેટલાક અધિકારીઓના ઇશારે નાકાબંધી કરવામાં આવી હોવાનો જાહેર આક્ષેપ હતો.

વિશ્લેષકો માને છે કે નવાઝ શરીફને ભારત સાથેના વેપારી સંબંધનો વિસ્તાર કરતા રોકવા માટે સૈન્ય વહીવટીતંત્ર તેમના પર દબાણ લાવવા ઇચ્છતું હતું. વેપારી સંબંધની પ્રક્રિયા આગલી સરકારના કાર્યકાળમાં શરૂ થઈ હતી.

નવાઝ શરીફે તેમના ત્રીજા કાર્યકાળમાં નવાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને “ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા”વાળી સરકાર સાથે પાકિસ્તાનને “એશિયન ટાઇગર” બનાવવાનું વચન આપ્યું હતું.

એ પછી સમસ્યાઓનો ગુણાકાર થયો અને દેશના એકમાત્ર આર્થિક આકર્ષણ, ચીનના ભંડોળ સાથેનો 56 અબજ ડૉલરનો ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર દેશના નાજુક અર્થતંત્રમાં ફસાઈ ગયો. અત્યાર સુધીમાં આ યોજનાના કેટલાક પ્રોજેક્ટ્સ જ પૂર્ણ થયા છે.

2016માં પનામા પેપર્સ લીકે વડા પ્રધાન નવાઝ શરીફ માટે નવું જોખમ સર્જ્યું હતું. તેના પરિણામ સ્વરૂપે ભ્રષ્ટાચારના દાવાઓની તપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી.

આરોપ મધ્ય લંડનના અતિ સમૃદ્ધ વિસ્તારમાંના તેમની માલિકીના ઍપાર્ટમૅન્ટ્સ સંબંધી હતા. એ ઉપરાંત આ પ્રોપર્ટી હસ્તગત કરવા માટેની નાણાકીય લેવડદેવડ બાબતે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

પોતે કશું ખોટું કર્યાનો નવાઝ શરીફે ઇનકાર કર્યો હતો અને તમામ આરોપને રાજકારણ પ્રેરિત ગણાવ્યા હતા.

જોકે, 2018ની 6, જુલાઈએ પાકિસ્તાનની એક અદાલતે તેમને ભ્રષ્ટાચાર બદલ દોષી ઠેરવ્યા હતા અને તેમની ગેરહાજરીમાં તેમને 10 વર્ષના કારાવાસની સજા ફટકારી હતી. સજાની જાહેરાત કરવામાં આવી ત્યારે નવાઝ શરીફ લંડનમાં હતા, જ્યાં તેમનાં પત્નીની અસાધ્ય બીમારીની સારવાર ચાલતી હતી.

નવાઝ શરીફનાં પુત્રી અને જમાઈને પણ દોષી ઠેરવવામાં આવ્યાં હતાં.

તક મળવાની પ્રતિક્ષા

પાકિસ્તાન ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images

નવાઝ શરીફે લંડનમાં રહેવાનું નક્કી કર્યું હતું, કારણ કે તેમના હરીફ ઇમરાન ખાન પાકિસ્તાનમાં શાસન કરતા હતા, પરંતુ ઇમરાન ખાનનો વડા પ્રધાન તરીકેનો કાર્યકાળ પણ અશાંત હતો અને સૈન્ય સાથેના તેમના સંબંધ કથળ્યા હતા.

2022માં સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ વડે તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા. તેને પગલે નાના ભાઈ શહબાઝ શરીફના વડપણ હેઠળના નવાઝના પક્ષ માટે સત્તા સંભાળવાનો માર્ગ મોકળો થયો હતો.

ઇમરાન ખાનના પતન બાદથી જ નવાઝ શરીફ સત્તામાં પાછા આવવા રાજકીય વ્યસ્તતા વધારી રહ્યા હતા.

તેઓ ઑક્ટોબર, 2023માં પાકિસ્તાન પાછા ફર્યા હતા અને એ મહિનાઓમાં તેમની વિરુદ્ધના તમામ વિચારાધીન કાયદાકીય કેસો ખતમ થઈ ગયા હતા. જેણે બળવો કરીને તેમને સત્તા પરથી ફેંકી દીધા હતા એ જ સૈન્ય વહીવટીતંત્રે તેમને આવકાર્યા હતા.

તેઓ આવકાર્ય છે એવું નથી, નવાઝ શરીફ અને તેમના પક્ષ સામે વ્યાપક નારાજગી છે. તેમના પર પાકિસ્તાનની આર્થિક બદહાલી માટે દોષી ગણાવવામાં આવે છે. નવાઝ શરીફ પણ ભ્રષ્ટાચારના આરોપોથી કલંકિત છે.

ચેથમ હાઉસના એશિયા-પેસિફિક પ્રોગ્રામના ઍસોસિએટ ફેલો ડૉ. ફરઝાના શેખે કહ્યું હતું, “નવાઝ શરીફ વિજયી બનશે, પરંતુ શરીફના પક્ષ સિવાયના એકેય પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળે.” ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં આવેલાં પરિણામો પણ એ સ્થિતિ દેખાઈ રહી છે.

નવાઝ શરીફ ચોથી વખત વડા પ્રધાન બનશે?

પાકિસ્તાન ચૂંટણી

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

પાકિસ્તાનના રાજકારણમાં હાલ અશાંત, અસ્થિર સમય છે અને નવાઝ શરીફ ખુદને ત્રણ વખતના વડા પ્રધાન તરીકેના અનુભવી નેતા સ્વરૂપે પ્રસ્તુત કરી રહ્યા છે.

તેઓ પાકિસ્તાનના અર્થતંત્રને સ્થિરતા આપવાનો અને “જહાજને સાચી દિશા આપવાનો” વાયદો કરી રહ્યા છે.

કુગલમૅને કહ્યું હતું, “શરીફના ટેકેદારોને આશા હશે કે સ્થિરતા, અનુભવ અને ભરોસાપાત્રતાના મુદ્દે તેમને મત મળશે તેમજ સૈન્ય પણ તેમની સાથે સહજ હશે અથવા કમસે કમ પક્ષ તેમની સાથે સહજ હશે.”

જોકે, વિશ્લેષકો હજુ પણ સાવધ છે. તેમની સમક્ષ માત્ર કટોકટીમાં ફસાયેલું અર્થતંત્ર નહીં, પરંતુ બીજા મુદ્દાઓ પણ છે. મુખ્ય વિરોધ પક્ષ જેલમાં હોવાથી ચૂંટણી નિષ્પક્ષ નહીં હોય તેવી વ્યાપક લાગણી પણ છે.

ડૉ. ફરઝાના શેખે કહ્યું હતું, “તેઓ સંઘર્ષ કરી રહ્યા છે, કારણ કે તેમના ભાઈના વડપણ હેઠળનો તેમનો પક્ષ અગાઉની ગઠબંધન સરકારમાં વરિષ્ઠ ભાગીદાર હતો, જેણે સંખ્યાબંધ આર્થિક નીતિનો અમલ કરવો પડ્યો હતો અને તેનાથી બહુ નુકસાન થયું છે.”

તેમણે ઉમેર્યું હતું, “શરીફ અને તેમના પક્ષને દેશમાં વ્યાપ્ત કટોકટી માટે નહીં તો આર્થિક બદહાલી માટે તો જવાબદાર ઠેરવવામાં આવ્યો જ છે.”

એ ઉપરાંત સૈન્ય છે, જેનો પાકિસ્તાનના વહીવટમાં મોટો હસ્તક્ષેપ હોય છે.

નવાઝ શરીફ વિદેશમાં રહેતા હતા ત્યારે સશસ્ત્ર દળો વિરુદ્ધ પ્રસંગોપાત બહુ અવાજ ઉઠાવતા રહ્યા હતા.

તેમણે ખાસ કરીને પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા માટે દેશની ખતરનાક ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ભૂતપૂર્વ વડા અને સૈન્યના ભૂતપૂર્વ વડાને દોષી ઠેરવ્યા હતા. આ આરોપ બન્નેએ નકારી કાઢ્યો હતો.

તેમણે દેશના ન્યાયતંત્રની પણ ટીકા કરી હતી, ન્યાયાધીશો પર મિલીભગતનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે તેમના પર “બૉગસ કેસ” કરવામાં આવ્યા હતા. તેના પરિણામે લોકતંત્ર પંગુ બન્યું હતું અને એ કારણે પાકિસ્તાનના એકેય વડા પ્રધાન તેમનો બંધારણીય કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નથી.

પોતે નવાઝ શરીફને કે ઇમરાન ખાનને પસંદ કરે છે કે પછી અન્ય કોઈ રાજકીય નેતાને તે બાબતે પાકિસ્તાની સૈન્યે ક્યારેય એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. તેણે રેકર્ડ પર કહ્યું છે કે સૈન્ય રાજકારણમાં સામેલ થતું નથી.

જોકે, વિશ્લેષકો માને છે કે સત્તા પર પાછા ફરવા માટે નવાઝ શરીફે સૈન્ય સાથે સોદો કર્યો છે.

કુગલમૅને કહ્યું હતું, “વતન પાછા ફર્યા પછી નવાઝ શરીફને ઘણી કાયદાકીય રાહત મળી છે. આ હકીકત સાબિત કરે છે કે તેઓ ન્યાયતંત્ર પર વ્યાપક પ્રભાવ ધરાવતા શક્તિશાળી સૈન્યના આશીર્વાદ સાથે પાછા ફર્યા છે.”

નવાઝ શરીફની સફળતાની “મોટી વિડંબણા” નોંધતા તેમણે જણાવ્યુ હતું કે હાલ તેઓ બુલંદી પર છે, પરંતુ તેઓ સૈન્ય સાથે સતત ઝઘડતા હતા.

તેમણે કહ્યું હતું, “પાકિસ્તાનમાં તમે રાજકીય નેતા હો અને સૈન્ય તમારી પાછળ હોય તો ચૂંટણીમાં તમારી સફળતાની શક્યતા વધારે હોય છે.”

બીબીસી
બીબીસી