પાકિસ્તાનમાં ચૂંટણીઃ ઇમરાન ખાનના જેલમાં જવાથી નવાઝ શરીફનો ફરી વડા પ્રધાન બનવાનો માર્ગ મોકળો થયો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફરહાત જાવેદ અને ફ્લોરા ડ્રુરી*
- પદ, ટીમ બીબીસી, ઈસ્લામાબાદ અને લંડનથી
પાકિસ્તાનમાં અભૂતપૂર્વ સમય ચાલી રહ્યો છે. ગુસ્સો, હતાશા અને આશા એકમેકની સાથે સંકળાયેલા છે. પાકિસ્તાનમાં પણ અનેક રાજકીય ઉઠાપટક વચ્ચે ચૂંટણી યોજાવા જઈ રહી છે.
21.4 કરોડ લોકોની વસ્તી ધરાવતા મુસ્લિમ બહુમતીવાળા દેશમાં નાગરિકો સતત ત્રીજી વખત સંસદીય ચૂંટણી માટે મતદાન કરવાના છે. આ એક એવો દેશ છે, જ્યાં કોઈ પણ વડા પ્રધાને તેમનો સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કર્યો નથી તેમજ લશ્કરી શાસન અને સરમુખત્યારશાહીનો તેનો લાંબો ઇતિહાસ છે ત્યારે સંસદીય ચૂંટણી એ ઉજવણીની ક્ષણ હોવી જોઈએ.
જોકે, આઠમી ફેબ્રુઆરીએ મતદાન સૈન્યના કથિત હસ્તક્ષેપના ઓછાયામાં થવાનું છે.
પાકિસ્તાનના ઇતિહાસમાં એકેય ચૂંટણી નિર્વિવાદ રહી નથી, પરંતુ આ વખતની ચૂંટણી વધુ વિવાદાસ્પદ લાગે છે, કારણ કે એક ભૂતપૂર્વ વડા પ્રધાન જેલમાં છે, ચૂંટણી લડી શકે તેમ નથી, જ્યારે બીજા ભૂતપૂર્વ વડા પ્રધાન જાતે લીધેલા દેશનિકાલમાંથી પાછા ફરી રહ્યા છે અને તેમને તમામ ગુનામાંથી મુક્તિ મળી છે.
પાકિસ્તાનમાં ચૂંટણી વિશે તમારે જે જાણવું જરૂરી છે તેની વાત અહીં કરવામાં આવી છે.
આ ચૂંટણી મહત્ત્વપૂર્ણ શા માટે?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાન ભારતનું કટ્ટર પ્રતિસ્પર્ધી છે અને ઈરાન તથા તાલિબાન-નિયંત્રિત અફઘાનિસ્તાન સાથેની તેની સરહદ અશાંત છે. પાકિસ્તાનને અમેરિકા સાથે પ્રેમ-તિરસ્કારનો સંબંધ છે અને એ ચીનનું નજીકનું મિત્ર છે. પરમાણુ શસ્ત્રોથી સજ્જ પાકિસ્તાનમાં જે કોઈ સત્તા પર આવે તે વ્યક્તિ, પક્ષ મહત્ત્વના હોય છે.
પાકિસ્તાનના રાજનેતાઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી સત્તા મેળવવાના ઝઘડામાં વ્યસ્ત છે. પાકિસ્તાનમાં 2022માં ચૂંટાયેલા વડા પ્રધાન ઇમરાન ખાનની હકાલપટ્ટી કરવામાં આવી હતી અને તેમના સ્થાને ગઠબંધન સરકાર રચવામાં આવી હતી.
ગયા ઑગસ્ટમાં એ ગઠબંધનનું સ્થાન બિન-ચૂંટાયેલી કાર્યવાહક સરકારે લીધું હતું. આ સરકારે નવેમ્બર સુધીમાં ચૂંટણી યોજવી જરૂરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વસતિગણતરીના કામને લીધે ચૂંટણી યોજવામાં વિલંબ થયો છે. હવે ચૂંટણીનું કામ ચાલી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘણા લોકો માને છે કે ઈરાન સાથેના તાજેતરના 'જેવા સાથે તેવા' મિસાઇલ હુમલા જેવી ઘટનાઓનો સામનો કરવા માટે જ નહીં, પરંતુ સરકાર જેના પર નિર્ભર છે તે નાણાકીય સહાય અને રોકાણ મળતું રહે એ સુનિશ્ચિત કરવા માટે પાકિસ્તાનમાં સ્થિર સરકારની જરૂર છે.
જોકે, આ ચૂંટણીમાં જે સ્પર્ધકો મોખરે છે તેમને જોતાં લાગે છે કે સ્થિરતા સિવાય બધું જ થઈ શકે છે.
નવાઝ શરીફ સૈન્યના સમર્થનથી ફરી સત્તા મેળવશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ત્રણ વખત વડા પ્રધાન બનેલા નવાઝ શરીફ 2018ની ચૂંટણી લડ્યા ન હતા, કારણ કે તેઓ જેલમાં હતા અને કરોડો પાઉન્ડના લંડન ખાતેના એપાર્ટમેન્ટ સંબંધી ભ્રષ્ટાચારના કેસ સંદર્ભે તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
લંડનના વૈભવી ફ્લૅટમાં છ વર્ષ સુધી દેશનિકાલમાં રહ્યા બાદ નવાઝ શરીફ પાકિસ્તાન પાછા ફર્યા છે.
2022માં ઇમરાન ખાનની હકાલપટ્ટી પછી તેમના ભાઈના નેતૃત્વ હેઠળના પીએમએલ(એન) પક્ષે પાકિસ્તાન પર નિયંત્રણ મેળવ્યું હતું.
દરમિયાન, છેલ્લા બે મહિનામાં, 2024ની ચૂંટણી માટે સમયસર, તેમને તમામ આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમના ચૂંટણી લડવા પરના આજીવન પ્રતિબંધને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યો છે.
ઘણા લોકો માને છે કે ઇમરાન ખાન સાથે મતભેદ પછી દેશના સૈન્ય અને ન્યાયતંત્રનું સમર્થન મેળવી શક્યા હોવાને કારણે નવાઝ શરીફ માટે વડા પ્રધાન તરીકેના તેમના સંભવિત ચોથા કાર્યકાળનો માર્ગ મોકળો થયો છે.
અલબત, નવાઝ શરીફ પણ સારી રીતે જાણે છે કે સૈન્ય પલટી મારી શકે છે. 2013માં વડા પ્રધાન તરીકેના ત્રીજા કાર્યકાળ દરમિયાન સૈન્ય સાથેના તંગ સંબંધને કારણે નવાઝ શરીફની હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેમનો બીજો કાર્યકાળ 1999માં સૈન્યના બળવાને કારણે ટૂંકાઈ ગયો હતો.
બિલાવલ ભુટ્ટો 'કિંગમેકર' બની શકે

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા 71 વર્ષના ઇમરાન ખાન આ વર્ષે ચૂંટણી નહીં લડી શકે, કારણ કે જેલમાં એ સજા ભોગવતા રહેશે. આ સજાને ઇમરાન અને તેમના સમર્થકો ‘રાજકારણ પ્રેરિત’ અને ‘ષડયંત્ર’ ગણાવી રહ્યા છે.
ઇમરાન ખાનનો ઉદય અને પતન બન્ને સૈન્યને આભારી છે. અલબત, આ હકીકતને બન્ને પક્ષ નકારતા રહ્યા છે. ઇમરાન ખાનના વિરોધીઓએ 2018માં એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ સૈન્ય વતી સરકાર ચલાવી રહ્યા છે, જ્યારે ઇમરાન ખાનના સમર્થકો એવો આક્ષેપ કરે છે કે ઇમરાન ખાનને જેલમાં નાખવામાં સૈન્યના વડાનો હાથ છે.
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના નેતા ઇમરાન ખાનને 2018માં પરિવર્તનના ઉમેદવાર ગણવામાં આવતા હતા. તેમણે વંશવાદી રાજકારણના અંતનું, ભ્રષ્ટ રાજકારણીઓને સજા કરવાનું, ન્યાયતંત્રમાં સુધારાનું અને અર્થતંત્રમાં સુધારાના એક ભાગરૂપે યુવાનો માટે રોજગારના સર્જનનું વચન આપ્યું હતું.
જોકે, તેમના શાસનકાળમાં અર્થતંત્ર ભાંગી પડ્યું હતું. જીવન ચલાવવા માટેના જરૂરી ખર્ચમાં મોટો વધારો થયો હતો, તેમના અનેક રાજકીય વિરોધીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા, મીડિયાના સ્વાતંત્ર્ય પર અંકુશ લાદવામાં આવ્યો હતો અને માનવાધિકારના ઉલ્લંઘન તથા પત્રકારો પરના હુમલાઓમાં વધારો થયો હતો.
પાકિસ્તાની તાલિબાન સાથે શાંતિ કરાર કરવાની મંજૂરી આપવા બદલ અને અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનને ટેકો આપવા બદલ ઇમરાન ખાનની વ્યાપક ટીકા કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં મહિલાઓ સામેની હિંસા અને અફઘાનિસ્તાનમાં છોકરીઓને શિક્ષણથી વંચિત રાખવાને વાજબી ઠેરવતી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ પણ તેમની ઝાટકણી કાઢવામાં આવી હતી.
કેટલાક રાજકીય વિશ્લેષકો દલીલ કરે છે કે તાજેતરનાં વર્ષોમાં ઇમરાન ખાનને મળતા સમર્થનમાં એટલો બધો ઘટાડો થયો છે કે ઇમરાન ખાન ઇચ્છતા હતા તેમ 2023માં ચૂંટણી યોજાઈ હોત તો તેઓ જરૂર હારી ગયા હોત. પછી ભલે તેઓ જેલમાં હોય કે જેલની બહાર.
તેમ છતાં, જાન્યુઆરી-2024માં બહાર પાડવામાં આવેલા ગેલપ પોલના તારણ અનુસાર, ઇમરાન ખાન રાષ્ટ્રીય સ્તરે હજુ પણ સૌથી લોકપ્રિય રાજકારણી છે. જોકે, છેલ્લા છ મહિનામાં નવાઝ શરીફની લોકપ્રિયતામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
પીટીઆઈને પ્રચાર માટે પૂરતી તક ન આપવામાં આવી હોવાની વાત વાસ્તવિક છે. તેના અનેક નેતાઓ જેલમાં છે અથવા તેમણે પક્ષપલટો કર્યો છે. કેટલાક અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કેટલાક ભાગતા ફરે છે. લાખો અભણ મતદારો મતદાન કરી શકે એટલા માટે મતપત્રક પર પક્ષનું ચૂંટણીચિહ્ન હોવું જરૂરી છે, પરંતુ પીટીઆઈનું ચૂંટણીચિહ્ન - ક્રિકેટ બેટ પણ છીનવી લેવામાં આવ્યું છે.
માત્ર 35 વર્ષના બિલાવલ ભુટ્ટો-ઝરદારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી)ના અધ્યક્ષ છે. ગત ચૂંટણીમાં પીપીપી ત્રીજા સ્થાને રહી હતી.
જ્યાં વંશવાદી રાજકારણીઓ અપવાદને બદલે શિરસ્તો છે એ દેશમાં આવું થાય તે આશ્ચર્યજનક ગણાય.
ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટો અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના ઑક્સફર્ડમાંથી શિક્ષિત પુત્ર બિલાવલે, ઇમરાન ખાન સરકારની હકાલપટ્ટી પછી સત્તા પર આવેલી ગઠબંધન સરકારમાં વિદેશ પ્રધાન તરીકે સેવા આપી હતી.
હવે તેમના પક્ષે, બમણા વેતન જેવાં શ્રેણીબદ્ધ ખર્ચાળ વચનો સાથેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બજેટમાં અને શ્રીમંતોને આપવામાં આવતી સબસિડીમાં કાપ મૂકીને વેતન બમણું કરવું શક્ય છે.
આ નીતિના અમલ માટેની તક પક્ષને મળે તેવી શક્યતા નથી, પરંતુ રાજકીય પંડિતો સૂચવે છે કે શાસકીય જોડાણમાં બિલાવલનો પક્ષ કિંગમેકર બની શકે છે.
અલબત, બીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે પીએમએલ-એન અને પીટીઆઈમાંથી કોની પસંદગી કરવી એ બાબતે તેઓ અસમંજસની સ્થિતિમાં મૂકાઈ ગયા છે.
વિજેતા સામેના પડકારો
2024ની ચૂંટણી પર નજર રાખી રહેલા લોકો માને છે કે છ વર્ષ પહેલાંની સરખામણી ખાસ કશું બદલાયું નથી. સંખ્યાબંધ ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે અથવા ઉમેદવારીથી દૂર રાખવામાં આવ્યા છે.
પત્રકારોને હેરાન કરવામાં અને નિશાન બનાવવામાં આવ્યા છે. મીડિયા ઘૂંટણિયે પડ્યું છે અને માત્ર પસંદગીના નેતાને સમર્થન આપતા ન્યાયતંત્ર-સૈન્યની સાંઠગાંઠ સામે સોશિયલ પ્લૅટફોર્મ્સ જ સક્રિય છે.
હકીકતમાં પરિસ્થિતિ ઘણા સંદર્ભમાં ખરાબ છે. નાગરિકો વેરવિખેર રાજકારણમાંથી, વધતી મોંઘવારીમાંથી, તૂટતી અર્થવ્યવસ્થામાંથી અને સલામતીની બગડતી સ્થિતિમાંથી રાહત ઝંખી રહ્યા છે.
મતદારો માટે ચુનંદા રાજકારણીઓ વચ્ચેની લડાઈની સરખામણીએ મોંઘવારીમાં વાસ્તવિક ઘટાડો, યુવાનો માટે રોજગાર સર્જન અને પાકિસ્તાનના લાંબા ગાળા ભવિષ્ય માટે સલામત રોકાણ મેળવવું વધુ મહત્ત્વનું છે.
ફેબ્રુઆરીમાં જેનો વિજય થશે તેની સામે કરવાના કામની યાદી બહુ લાંબી હશે.
*ઈસ્લામાબાદથી કેરોલિન ડેવિસ દ્વારા આ અહેવાલ માટે જરૂરી વધારાનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે












