પાકિસ્તાનની ચૂંટણીમાં પ્રથમ હિંદુ મહિલા ઉમેદવાર ડૉ. સવીરા પ્રકાશ કોણ છે?

ઇમેજ સ્રોત, SAVEERA PRAKASH
- લેેખક, શુમાયલા જાફરી
- પદ, બીબીસી સંવાદદાતા
ડૉક્ટર સવીરા પ્રકાશ પાકિસ્તાનના ઉત્તર-પૂર્વમાં આવેલા ખૈબર પખ્તુન્ખ્વા વિસ્તારમાં બૂનેરની સામાન્ય બેઠક પરથી ચૂંટણી લડનારાં પ્રથમ હિંદુ મહિલા છે.
બૂનેર એક પશ્તૂન વસ્તી ધરાવતો પ્રદેશ છે અને ભાગલા અગાઉ તે સ્વાત રજવાડાનો ભાગ હતો.
બૂનેર જિલ્લો પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદના ઉત્તરે આશરે 100 કિલોમીટર દૂર આવેલો છે.
નિકટની સ્વાત ખીણ પર કબજે કરનાર તહરીક-એ-તાલિબાને વર્ષ 2009માં ત્યાં ઇસ્લામિક કાયદા લાગુ કરવાના બહાને બૂનેરમાં પોતાનો વિસ્તાર વધારવાનો પ્રયાસ કર્યો હતો.
તેમણે મહત્ત્વનાં સ્થળોએ ચેકપોસ્ટ બનાવી હતી અને પર્વતો પર પણ કબજો કર્યો હતો. બાદમાં સૈન્ય કાર્યવાહી દ્વારા તેમને ત્યાંથી હાંકી કઢાયા હતા.
સવીરા જણાવે છે, “પહેલાં બૂનેરને ઑપરેશન બ્લૅક થંડરસ્ટૉર્મ માટે ઓળખવામાં આવતું હતું. હવે આ વિસ્તાર ખાસ કરીને હકારાત્મક કારણોસર ચર્ચામાં છે. એક સામાન્ય બેઠક પર મારી ઉમેદવારી આવા જ સમાચારોમાંથી એક છે. મને આનંદ છે કે મારા કારણે મારો પ્રદેશ ચર્ચામાં છે.”
આ વાત જણાવતાં તેમની આંખોમાં ચમક દેખાય છે.
સ્વાત, બૂનેર, નિચલા દીર અને શાંગલા જિલ્લાને તહરીક-એ-તાલિબાનના કબજામાંથી મુક્ત કરાવવા માટે પાકિસ્તાન થળ સૈન્ય, વાયુ સેના અને નૌકાદળે સંયુક્ત અભિયાન ચલાવ્યું હતું. જેનું નામ બ્લૅક થંડરસ્ટૉર્મ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પિતા પાસેથી મળી પ્રેરણા

ઇમેજ સ્રોત, SAVEERA PRAKASH
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સવીરા પ્રકાશના પિતા પણ એક ડૉક્ટર અને સમાજસેવક છે. તેઓ 30 વર્ષથી પણ વધુ સમયથી પાકિસાતન પીપલ્સ પાર્ટીના સભ્ય છે.
સવીરા કહે છે કે સમાજકાર્ય માટેની પ્રેરણા તેમને તેમના પિતા પાસેથી મળી છે. સવીરાએ હાલમાં જ પોતાનું કામ પૂર્ણ કરીને પીપીપીની ટિકિટ પર આ વિસ્તારની વિધાનસભા બેઠક માટે દસ્તાવેજો જમા કરાવ્યા છે.
તેઓ કહે છે, “મેં રાજકારણમાં જોડાવાનું નક્કી કર્યું ત્યારે આ નિર્ણય પાછળનો માનવીય હેતુ વધુ મહત્ત્વપૂર્ણ હતો. ડૉક્ટર બનવાનો હેતુ પણ એ જ હતો. હું મારા લોકોની મદદ કરવા માગતી હતી. પણ ઘરનાં કામ કરતાં કરતાં મને લાગ્યું કે હું કંઈ ખાસ પરિવર્તન લાવી નહીં શકું. હું દર્દીઓની સારવાર કરી શકતી હતી, પણ હું વધારે કંઈક કરવા માગતી હતી. હું સિસ્ટમ બદલવા માગતી હતી. એટલે મેં રાજકારણમાં પ્રવેશવાનું નક્કી કર્યું.”
સવીરા ઘણા મુદ્દા પર કામ કરવા માગે છે. જેમ કે સ્વાસ્થ્ય, શિક્ષણ અને પર્યાવરણ, પણ તેમને મહિલા સશક્તીકરણ ક્ષેત્રે વધુ કામ કરવાની જરૂર હોવાનું અનુભવાય છે.
તેમણે બીબીસીને કહ્યું, “મારા વિસ્તારમાં શિક્ષણ સામાન્ય રીતે એક મુદ્દો છે, પરંતુ છોકરીઓ માટે ઘણી ઓછી તકો છે. ઘણા લોકોને તેમનાં બાળકોને ભણાવવાનું પરવડતું નથી, તેથી તેઓ તેમના છોકરાને મદરેસામાં મોકલે છે જ્યાં શિક્ષણ મફત છે, પરંતુ છોકરીઓને ઘરે જ રહેવું પડે છે. કેટલાક કિસ્સામાં તેમને દેશના અન્ય ભાગોમાં ઘરેલુ નોકર તરીકે મોકલવામાં આવે છે. હું આ બાબતોને ઠીક કરવા માગું છું, માત્ર તબીબી વ્યવસાયમાં રહીને આ વિશે કંઈ કરી શકતી નહોતી."
બૂનેર વિશે સવીરાએ કહ્યું કે આ એક એવો જિલ્લો છે જ્યાં મહિલાને તેમના શરીરને સંપૂર્ણપણે ઢાંક્યા વિના અથવા તેમના પરિવારના કોઈ સભ્ય વિના ઘરની બહાર જવાની પરવાનગી નથી.
'મળી રહ્યું છે સમર્થન'

ઇમેજ સ્રોત, SAVEERA PRAKASH
જ્યારે તેમને પુછાયું કે આવી સ્થિતિમાં તેઓ પોતાનું ચૂંટણીઅભિયાન કઈ રીતે ચલાવશે ત્યારે આ પ્રશ્નના જવાબમાં ડૉ. સવીરા કહે છે કે શરૂઆતમાં તેમને ડર લાગતો હતો, પણ ઉમેદવારી કર્યા પછી મળેલી પ્રતિક્રિયાઓ પછી તેમનો ડર ખતમ થઈ ગયો છે.
તેઓ કહે છે, “બૂનેરમાંથી કોઈ મહિલા રાજકારણી નથી. કેટલાક વિસ્તારોમાં અગાઉ મહિલાઓને મતદાન કરવાની પણ છૂટ નહોતી. જ્યારે મેં પહેલી વાર શેરી સભા કરી ત્યારે હું ખૂબ ડરી ગઈ હતી. ત્યાં કેટલાક પુરુષોએ પણ ભાષણ આપ્યાં, પરંતુ સૌથી વધારે તાળીનો ગડગડાટ મારા ભાષણમાં સંભળાયો. મેં મારું ભાષણ પૂરું કર્યું ત્યારે લોકોએ સતત એક મિનિટ સુધી તાળીઓ પાડી."
સવીરા પ્રમાણે તેમને માત્ર તેમના પરિવાર અને સમર્થકો તરફથી પ્રોત્સાહન નથી મળી રહ્યું.
“આજુબાજુના લોકોએ તેમના રાજકીય મતને ધ્યાને લીધા વિના તેમના મનખી મને ટેકો આપ્યો. તેમણે મારું નામ 'બૂનેરની પુત્રી' અને 'બૂનેરનું ગૌરવ' રાખ્યું છે."
"વિવિધ પક્ષોના લોકો મારા પિતાને મળ્યા અને તેમને કહ્યું કે તેઓ ચૂંટણીમાં મારી ઉમેદવારીથી ખુશ છે અને આગામી ચૂંટણીમાં મને મત આપવાનું વચન આપ્યું છે."
માનસિકતા બદલાઈ

ઇમેજ સ્રોત, SAVEERA PRAKASH
સવીરા કહે છે, “લોકોની માનસિકતા બદલાઈ રહી છે. લોકોને હવે એ વાતનો અહેસાસ થવા લાગ્યો છે કે યુવાનો, મહિલાઓ અને લઘુમતી સમુદાયના લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવાની જરૂર છે અને હું આ માપદંડો પર ખરી ઊતરું છું. કોઈ પણ ભેદભાવ વિના દરેક વ્યક્તિ મને સહકાર આપી રહી છે.”
સવીરા કહે છે કે એક હિંદુ તરીકે તેમને ક્યારેય ભેદભાવનો સામનો કરવો પડ્યો નથી અને તેમની ધાર્મિક માન્યતાઓને કારણે તેઓ ક્યારેય અન્યાયી વર્તનનો ભોગ નથી બન્યાં.
તેઓ કહે છે, “અમે પશ્તૂન છીએ. અમારી પોતાની પરંપરા અને રિવાજો છે અને તે ખૂબ જ સમાવેશી છે. હિંદુ હોવાના કારણે ક્યારેય કોઈ ભેદભાવ નથી થયો અને ના તો અમારા પૂર્વજોએ ભાગલા પછી ભારત જતા રહેવાનું વિચાર્યું હતું. આ અમારું ઘર છે, અમે અહીંનાં છીએ.”














