ગુજરાતના વેપારીઓને રાતા સમુદ્રની કટોકટીને કારણે કેટલું મોટું નુકસાન થઈ રહ્યું છે?

    • લેેખક, રુચિતા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સુએઝ કૅનાલ એશિયા અને યુરોપ વચ્ચેનો સૌથી ટૂંકો દરિયાઈ માર્ગ છે.

આ દરિયાઈ માર્ગ મારફતે પરિવહન કરતા જહાજો પર નવેમ્બર મહિનાથી હૂતીઓએ હુમલા કરવાનું શરૂ કરી દીધું છે. આ હુમલાઓને કારણે રાતા સમુદ્રમાંથી પસાર થતાં જહાજોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જેને કારણે વિશ્વનાં મોટાં ભાગનાં જહાજો જે સુએઝ કૅનાલ મારફતે પરિવહન કરતાં હતાં તે હવે રૂટ બદલીને ભારતીય મહાસાગરમાં થઈને આફ્રિકા ખંડ ઓળંગીને યુરોપ અને અમેરિકા તરફ જાય છે.

બદલાયેલો આ રૂટ વેપારીઓને મોંધો પડે છે. રૂટમાં થયેલા વિક્ષેપને કારણે ભારતમાંથી થતી નિકાસ પર ગંભીર અસર પડી છે, ખાસ કરીને ગુજરાતના વેપારીઓને.

ગુજરાત એ ઉત્પાદન અને નિકાસનું હબ મનાય છે.

નવો દરિયાઈ માર્ગ ઘણો લાંબો છે અને આ માર્ગે જવામાં આવે તો મુસાફરીનો સમય વધી જાય છે. આ સમસ્યાને કારણે નિકાસ કરતા ગુજરાતના વેપારીઓનું કહેવું છે કે તેમને માલ નિકાસ કરવા માટે વધારાની કિંમત ચૂકવવી પડે છે.

એવાં કૃષિ ઉત્પાદનો જે જલદી બગડી જતા હોય તેની નિકાસ કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે વસ્તુઓ બગડી જાય છે તેને મોકલવા માટે ઍરકાર્ગોનો ઉપયોગ કરવો પડે છે. ઍરકાર્ગોની માગ વધતા તેના ભાવ પણ વધી ગયા છે.

હિરેન આહીર કેરીના નિકાસકાર છે. તે યુએસએ, યુકે, અને યુરોપમાં કેરીની નિકાસ કરે છે.

તેઓ બીબીસી સાથે વાત કરતા કહે છે કે, "રાતા સમુદ્રમાં જે કટોકટી થઇ છે તેના કારણે અમે કેરીના નિકાસકાર અત્યારે ફ્રી બેઠા છીએ, નહીંતર આ સમય અમારા માટે કમાણી કરવાની પીક સિઝન હોય છે."

પંકજભાઈ રૂપારેલ ભાવનગરના મહુવામાં પીનટ બટર(મગફળીનું માખણ)ની નિકાસ કરે છે. તેઓ જણાવે છે કે, "ત્રણથી ચાર મહિના સુધી મારો ઑર્ડર 30 ટકા જેટલો ઘટી ગયો હતો. હવે માર્ચ મહિનાથી જ ઑર્ડર સામાન્ય થયો છે."

ગુજરાતના ઘણા વેપારીઓ જે તેમના માલ-સામાનની નિકાસ કરે છે તેમની બધાની પરિસ્થિતિ કંઈક આવી જ છે.

નિકાસકાર વેપારીને કઈ રીતે નુકસાન થઇ રહ્યું છે?

જહાજનો રૂટ બદલાતાં ઘણાં ક્ષેત્રે ફેરફારો થયા છે, જેનાથી ગુજરાતી નિકાસકારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કેરીના વેપારીઓની પણ તકલીફ ઍરકાર્ગોના ભાવ વધવાને કારણે વધી ગઈ છે. હિરેન આહીર આ સમસ્યા વિશે વાત કરતા કહે છે, “તકલીફ એ થઇ છે કે જહાજને લાંબો રસ્તો લેવો પડે છે જેના કારણે ઍરકાર્ગોના ભાવ વધી ગયા છે. પરંતુ, કેરી જેવી વસ્તુ 40 દિવસ સુધી ન રાખી શકાય. તેથી તેને મોકલવા માટે ઍરકાર્ગોનો ઉપયોગ કરવો પડે છે. હવે અચાનક ઍરકાર્ગોની માગ વધતા તેના ભાવ વધી ગયા છે.”

વધતા ભાવોને કારણે પડતી તકલીફ વર્ણવતા તેઓ કહે છે, “પહેલાં ઍરકાર્ગો મારફતે મોકલાવાતા એક કિલો સામાનના 120થી 130 રૂપિયા થતા હતા જેનો ભાવ વધીને 500 રૂપિયા પ્રતિકિલો થઈ ગયો છે.”

તેઓ એમ પણ કહે છે કે આ ભાવો તેમને પરવડતા નથી. વધુમાં તેઓ ઉમેરે છે, "આમ પણ કેરીના નિકાસમાં 70 ટકા ખર્ચો ઍરકાર્ગો મારફતે નિકાસ કરવાનો હતો અને હવે તેનાથી વધી ગયો છે."

હિરેનભાઈ કહે છે કે, "સમસ્યા છે કે વધતા ઍરકાર્ગોના ભાવ પર સરકારનું કોઈ નિયંત્રણ જ નથી. ઘણા દેશોમાં, એવી નીતિ હોય છે કે કોઈ પણ ઍરકાર્ગો નિશ્ચિત કરેલી કિંમત કરતા ભાવ વધારી શકે નહીં. ભારતમાં આ નીતિ નથી."

નિકાસના દિવસો વધતા પેમેન્ટ મોડું મળે છે.

આ વિશે વાત કરતા પીનટ બટરના વેપારી પંકજભાઈ રૂપારેલ કહે છે કે, "જે જહાજને યુએસ પહોંચતા 20 દિવસ થતા હતા તેને હવે આફ્રિકાથી થઈને જવામાં 40થી 45 દિવસ થાય છે."

"નિકાસનો ધંધો એવો છે કે જયારે જહાજનું કન્ટેનર ત્યાં પોર્ટ પર પહોંચે ત્યારે પેમેન્ટ મળે. એનો મતલબ છે જે પેમેન્ટ મળતા અમને 20 દિવસ લગતા હતા તેને હવે 40થી 45 દિવસ લાગે છે. એટલે અમારા પૈસા પણ રોકાઈ જાય છે."

હિરેનભાઈ જણાવે છે, "ભાવ વધવાથી જે તે દેશના બજારમાં અમારી કેરી બીજા દેશની કેરી કરતાં મોંઘી બને છે અને તેથી તેની માગ ઓછી થઇ જાય છે."

"કારણકે ફળો એ રોજિંદી જરૂરિયાત છે અને લક્ઝરી વસ્તુ નથી, ચોક્કસ રૂપિયાથી વધુ કોઈ ગ્રાહક ખર્ચ સહન કરી શકતો નથી અને તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય કેરીની માગ હવે ઘટે એવું બની શકે."

પંકજભાઈ સમજાવતા કહે છે કે, "હું વર્ષોથી મારો માલ પશ્ચિમના દેશોમાં મોકલું છું. મારે વાર્ષિક કૉન્ટ્રેક્ટ છે ત્યાંની કંપની સાથે. તેથી જયારે રાતા સમુદ્રની કટોકટી આવી ત્યારે મેં શરૂઆતમાં તો નુકસાન વેઠીને પણ માલ મોકલ્યો પણ પાછળથી ભાવ વધારવો પડ્યો. જ્યારે મેં મારા માલની કિંમત વધારી ત્યારે મારા માલની માગ ઘટી ગઈ. જોકે મારા માલની ગુણવત્તા સારી હોવાને કારણે હવે ફરી ઑર્ડરો મળવા લાગ્યા છે."

હિરેનભાઈ કહે છે, "આ ઉપરાંત અમે દાળ, કઠોળ, ફરસાણ વગેરેની પણ નિકાસ કરીએ છીએ જે માલ પહેલાં જહાજ મારફતે મોકલવામાં આવતો હતો પરંતુ નિકાસની કિંમત એટલી વધી ગઈ છે કે તેને કારણે અમારો ધંધાને અસર થઈ છે. હવે તો આયાત કરતા વિદેશી વેપારીઓ ભારતના માલની અવેજી શોધવા લાગ્યા છે."

'ભાડું વધ્યું, વીમાનું પ્રીમિયમ મોંધું થયું અને કૉન્ટ્રેક્ટ રદ થયા'

ધી સીફૂડ એક્સ્પૉર્ટર્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ પવનકુમાર નૂર ભાડાંમાં થયેલા વધારા વિશે વિગતો આપતા કહે છે, "જો પરિવહનનો સમય વધે છે, તો કન્ટેનરની ઉપલબ્ધતા ઘટે છે, કારણકે એક કન્ટેનર એક રૂટ પર વધુ સમય લેશે. આથી વેપારીએ વધુ રાહ જોવી પડે છે."

જગદીશ ફોપંડી સીફૂડ એક્સ્પૉર્ટર્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ અધ્યક્ષ છે. તેઓ કહે છે કે, "હવે નૂર આફ્રિકાના માર્ગે થાય છે. ગયા નવેમ્બર જયારે હુમલા થયા ત્યારે નૂરના ભાવ પ્રતિ કન્ટેનર1500 ડૉલર્સ હતા, જેના ભાવ હવે વધીને માર્ચમાં 2000 ડૉલર પ્રતિ કન્ટેનર થઇ ગયા હતા. આ ભાવ આજે 3300થી 4500 ડૉલર્સ પ્રતિ કન્ટેનરની આસપાસ છે."

જગદીશભાઈ વધુમાં સમજાવે છે, "જયારે નૂરના ભાવ વધવાના શરૂ થયા ત્યારે જ માછીમારોની માછલી પકડવાની સિઝન પૂર્ણ થઈ હતી. તેથી બજારમાં સીફૂડની ઉપલબ્ધતા વધારે હતી. પરંતુ નૂરના ભાવ વધવા લાગ્યા. તે જ સમયે જહાજની પણ ખોટ સર્જાઈ હતી. તેથી સીફૂડ માર્કેટને 40 લાખ ડૉલરનો ફટકો પડ્યો હતો. આ કટોકટીના કારણે સીફૂડની કુલ નિકાસ 15-20 ટકા ઓછી થઇ ગઈ હતી. છેવટે આ નુકસાન માછીમારો અને નિકાસકારોને પણ થયું."

પંકજભાઈ વધુમાં જણાવે છે કે, "નૂર ભાડું ત્રણ ગણું વધી ગયું છે. તેથી, વિદેશના બજારમાં જે માલ સારી ગુણવત્તાનો હોય અને મોંઘો જ હોય તેમાં નૂરના થોડા રૂપિયા વધવાની અસર એટલી બધી ન હોય. પરંતુ જે માલ સસ્તો જ હોય અને નૂરના ભાવ ત્રણ ગણા વધે તો ગ્રાહકને ન પરવડે તેથી તે ન ખરીદે."

પંકજભાઈ કહે છે, "હવે જ્યારે કોઈ માલ રાતા સમુદ્રમાર્ગે જતો હોય તો વીમો મળતો જ નથી. વીમા કંપનીઓ હુતીઓના હુમલા સામે માલને રક્ષણ આપવા તૈયાર જ નથી. બીજી તરફ આફ્રિકા થઈને જતા માલનો વીમાનું પ્રીમિયમ દોઢગણું વધી ગયું છે."

હિરેનભાઈનું કેહવું છે કે, "ઍરકાર્ગોના ભાવો વધવાથી અમારા જેવા નાના નિકાસકારોના કૉન્ટ્રેક્ટ પણ રદ કરી દીધા છે, કેમ કે તેમને જહાજના ભાડા વધતા બીજા મોટા વેપારી વધારે ભાવ આપે છે."

"ગયા વર્ષે અમે 200 ટન કેરીની નિકાસ કરી હતી, પરંતુ આ વર્ષે હું ફક્ત 100 ટનની જ નિકાસ કરી શક્યો."

વળી દરિયાઈ માર્ગ અને હવાઈ માર્ગ મારફતે મોકલાતા માલમાં જીએસટીનો પણ તફાવત છે. શિપ મારફતે માલ મોકલવામાં આવે તો 5 ટકા ટૅક્સ લાગે છે જ્યારે ઍરકાર્ગો મારફતે માલ પર 18 ટકા ટૅક્સ લાગે છે.

હિરેનભાઈ કહે છે, "હવે, આંતરરાષ્ટ્રીય બજારો ભારત સિવાય અન્ય બજારો શોધી રહ્યા છે, જેમાં ઘણા આફ્રિકન અને લેટિન અમેરિકન દેશો છે જેઓ પણ ભારત જેવા જ ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થોની સપ્લાય કરે છે."

ભારતીય અર્થતંત્રને કેવી અસર થશે?

મનીકંટ્રોલ દ્વારા સ્રોત કરાયેલ ફેડરેશન ઑફ ઇન્ડિયન એક્સ્પૉર્ટ ઑર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવેલ એક સર્વે દર્શાવે છે કે પ્લાસ્ટિક, ચોખા અને વસ્ત્રો સહિત વિવિધ ક્ષેત્રોમાં સુએઝ કૅનાલ સંકટને કારણે 64 બિલિયન ડૉલર્સની ભારતીય નિકાસને અસર થઈ શકે છે.

ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ અનુસાર, 2024ના પ્રથમ બે મહિનામાં, સુએઝ કૅનાલ મારફતે થતો વેપાર 2023 કરતાં 50 ટકા જેટલો ઘટી ગયો હતો અને સપ્લાય ચેઇન ખોરવાઈ હતી.

એસ ઍન્ડ પી વૈશ્વિક કૉમોડિટી ઇન્સાઇટ્સના વિશ્લેષક અનુજ ગર્ગ આ વિશે બીબીસીને જણાવે છે કે, "આ પરિસ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે જહાજોની ઉપલબ્ધતા ઘટી છે, નૂરના ભાવ વધ્યા છે. ભૌગોલિક રાજકીય વિક્ષેપને કારણે તેલના ભાવ પણ વધ્યા છે જે ભારતના નાણાકીય સંતુલન માટે નકારાત્મક છે. જો તેલના ભાવ વધે તો તેલની આયાત માટે ભારતને વધારે વિદેશી હૂંડિયામણ ખર્ચ કરવું પડે જેથી કરીને ટૂંક સમયમાં ભાવવધારો દેખાશે.”

જોકે તેઓ કબૂલે છે કે લાંબા ગાળે આ પરિસ્થિતિ ભારતના અર્થતંત્રને ઝાઝી અસર નહીં કરે.

પવનકુમાર પણ કહે છે કે, "મોટી શિપિંગ કંપનીઓએ કામગીરી રોકી નથી, તેથી નિકાસ કરવામાં આવતા વેપારનું પ્રમાણ ઘટશે નહીં. તેથી ભારતીય અર્થતંત્ર પર તેની અસર નહીં થાય."

"આ આખી પરિસ્થિતિમાં મુખ્ય અસરગ્રસ્તો વેપારી છે જેમણે નિકાસ માટે વધુ ભાવ ચૂકવવા પડશે."

જગદીશભાઈ કહે છે કે, "એટલે એકંદરે નુકસાન વેપારીને થાય છે અને અંતિમ નુકસાન વપરાશકર્તાને થાય છે, જેમણે ચીજવસ્તુઓ માટે વધુ કિંમત ચૂકવવી પડે છે."

જોકે, નિકાસ એકમાત્ર એવું ક્ષેત્ર નથી કે જેને અસર થઈ છે. આયાતને પણ અસર થઈ છે.

એસ અને પી ગ્લોબલ અનુસાર , રાતા સમુદ્રના સંઘર્ષે મધ્ય પૂર્વથી ભારતમાં આવતા ખાતરની નિકાસને અસર થઈ છે. અહેવાલો મુજબ, આ કટોકટીએ શિપમૅન્ટનો સમય લગભગ 15 દિવસ સુધી લંબાઈ ગયો છે અને નૂર ખર્ચમાં પણ વધારો થયો છે. જોર્ડન અને ઇઝરાયલમાંથી આવતું ખાતર, મ્યુરિએટ ઑફ પોટાશ (એમઓપી)ની આયાતને મોટી અસર થઈ છે.

અંકિત મજમુદાર ગ્લોબલ બિઝનેસ સોલ્યુશન્સના સ્થાપક છે. અંકિત કહે છે, "અન્ય ક્ષેત્રો જે અસરગ્રસ્ત છે તે કૃષિ અને દરિયાઈ ઉત્પાદનો, કાપડ, રસાયણો અને ઇલેક્ટ્રૉનિક્સ છે."

ભારતના નિકાસમાં ગુજરાતની ભૂમિકા

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ગુજરાત રાજ્યના જીડીપી એટલે કે ગ્રૉસ સ્ટેટ ડૉમેસ્ટિક પ્રોડક્ટમાં વેપારી માલના નિકાસનો ફાળો 35% છે - આ ટકાવારી ભારતનાં તમામ રાજ્યો કરતાં સૌથી વધુ છે.

2021માં દેશના ટોચના નિકાસ જિલ્લાઓ હેઠળ, ગુજરાતનું જામનગર ટોચ પર છે અને સુરત બીજા ક્રમે છે. ગુજરાતમાંથી જે અન્ય જિલ્લાઓ છે તેમાં છઠ્ઠા ક્રમે ભરૂચ, 8મા ક્રમે અમદાવાદ, 11મા ક્રમે દેવભૂમિ દ્વારકા, 12મા ક્રમે કચ્છ, 27મા ક્રમે વડોદરા, 23મા ક્રમે વલસાડ છે.

ભારતના કુલ નિકાસમાં સૌથી વધુ 12.18 ટકા હિસ્સો એકલા જામનગરનો છે, જે આંધ્રપ્રદેશ, ઓડિશા અને હરિયાણાના સંયુક્ત યોગદાનની સમકક્ષ છે.

આ જિલ્લાઓ જે ટોચની વસ્તુઓની નિકાસ કરે છે તેમાં પેટ્રોલિયમ પેદાશો, કાર્બનિક અને અકાર્બનિક કેમિકલ્સ, પ્લાસ્ટિક અને લિનોલિયમ, એન્જિનિયરિંગ માલ-સામાન, અબરખ, કોલસો, રત્ન અને ઝવેરાત, કોટન યાર્ન, હેન્ડલૂમનાં ઉત્પાદનો, દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ, ચોખા, દરિયાઈ અને ઍક્વા ઉત્પાદનો.