રાતા સમુદ્રમાં જહાજો પર હૂતી વિદ્રોહીઓના હમલાઓની વેપાર પર શું અસર થશે?

    • લેેખક, માઇકલ રેસ
    • પદ, બીબીસી બિઝનેસ સંવાદદાતા

અમેરિકા અને યુકેના સૈન્યે યમનમાં હૂતી વિદ્રોહીઓનાં ઠેકાણાં પર હુમલા શરૂ કર્યા છે.

રાતા સમુદ્રમાં છેલ્લા કેટલાક સમયથી કાર્યરત દુનિયાની મોટી શિપિંગ કંપનીઓનાં જહાજ પર વિદ્રોહીઓનાં હમલા થયા છે. ત્યાર પછી અમુક કંપનીઓએ પોતાનાં જહાજના રૂટ બદલવાનો નિર્ણય કર્યો હતો.

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનનું કહેવું છે કે ઈરાનના સમર્થનવાળા હૂતી વિદ્રોહી ગત નવેમ્બરથી રાતા સમુદ્રમાંથી પસાર થનારાં જહાજોને નિશાન બનાવી રહ્યા છે, આ હુમલા તેના જવાબમાં જ કરાઈ રહ્યા છે.

કંપનીઓનાં જહાજોના રૂટ બદલવાના નિર્ણયનો વૈશ્વિક સપ્લાઈ ચેન પર ગંભીર અસર થઈ શકે છે.

યમનના હૂતી વિદ્રોહીઓએ હાલના દિવસોમાં વેપારી માલવાહક જહાજો પર હુમલા કર્યા હતા.

વિશ્વના સૌથી વ્યસ્ત શિપિંગ માર્ગો પૈકીના એક એવા લાલ સમુદ્રમાંથી પસાર થતાં જહાજો પરના હુમલાઓને કારણે કંપનીઓને તેમનાં જહાજો આ માર્ગ પરથી ન મોકલવાની ફરજ પડી છે.

આ હમલાઓ કરનાર હૂતી વિદ્રોહીઓ પોતાને હમાસના સમર્થક ગણાવે છે. વિદ્રોહીઓ કહે છે કે તે માત્ર એવાં જહાજો પર હુમલો કરે છે જે ઇઝરાયલ તરફ જઈ રહ્યાં છે.

અત્યાર સુધી ક્યાં ક્યાં હુમલા થયા?

હૂતી વિદ્રોહીઓએ પોતાના હુમલા ગયા વર્ષના ઑક્ટોબર મહિનામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે થયેલા સંઘર્ષ પછી વધારી દીધા હતા.

આ વિદ્રોહીઓને ઈરાનનું સમર્થન છે અને કે બાબ અલ-મન્દાબની ખાડીમાંથી પસાર થતાં વિદેશી જહાજો પર ડ્રોન અને રૉકેટ વડે હુમલાઓ કર્યા હતા.

બાબ અલ-મન્દાબની ખાડી એ 20-માઇલ પહોળો વિસ્તાર છે જે આફ્રિકન દ્વીપકલ્પ પરના એરિટ્રિયા અને જીબુટીને અરબી દ્વીપકલ્પ પરના યમનથી અલગ કરે છે. તે રાતા સમુદ્રને એડનના અખાત સાથે જોડે છે.

દક્ષિણ તરફથી આવતાં માલવાહક જહાજ સામાન્ય રીતે ઇજિપ્ત પહોંચવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે અને ત્યાંથી તે સુએજ કેનાલનો ઉપયોગ કરીને આગળની તરફ વધે છે.

રાતા સમુદ્રમાં જહાજો પર થઈ રહેલા હુમલાઓ અને ભવિષ્યમાં વધુ હુમલાની આશંકાને પગલે મેડિટેરેનિયન શિપિંગ કંપની અને મેયર્સ્ક જેવી દુનિયાની સૌથી મોટી કંપનીઓએ પોતાનાં જહાજોનો રસ્તો બદલી નાખ્યો હતો.

ઑઇલ કંપની બીપીએ ખરાબ પરિસ્થિતીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તે રાતા સમુદ્રના રસ્તે ક્રૂડ ઑઇલ લઈ જતાં પોતાનાં જહાજોને હાલમાં રોકી દીધાં છે.

ચિંતાનો વિષય એ છે કે જો જહાજ રાતા સમુદ્રને બદલે બીજો કોઈ રૂટ પસંદ કરે છે તો તેમને સામાન પહોંચાડવામાં દસ દિવસ વધારે લાગી શકે છે, જેની આર્થિક અસર કંપની પર પડશે અને તેના માટે વધારે ડૉલર પણ ખર્ચ કરવા પડે છે.

બાબ અલ-મન્દાબની ખાડીનું મહત્ત્વ

  • જો આપણે વિશ્વના નકશા પર નજર કરીએ તો, ઇજિપ્તમાંથી પસાર થતી સુએઝ કેનાલ ભૂમધ્ય સમુદ્રને રાતા સમુદ્ર સાથે જોડે છે, જે આગળ બાબ અલ-મન્દાબની ખાડી દ્વારા અદનના અખાત સાથે જોડાય છે.
  • અદનની ખાડી અરબી સમુદ્રમાં ખૂલે છે.
  • બીજી બાજુ, ભૂમધ્ય સમુદ્રમાંથી માર્ગ જીબ્રાલ્ટર થઈને ઉત્તર ઍટલાન્ટિકમાં ખુલે છે.
  • આ રીતે ઉત્તર ઍટલાન્ટિકમાંથી માલવાહક જહાજો આફ્રિકાની આસપાસ ફર્યા વિના ભૂમધ્ય સમુદ્ર સુધી પહોંચી શકે છે અને પછી રાતા સમુદ્ર દ્વારા સીધા અરબી સમુદ્ર સુધી પહોંચી શકે છે.

સુએઝ કેનાલથી પસાર થતા કોઈ પણ જહાજને જો હિંદ મહાસાગર સુધી પહોંચવા માગતા હોય તો તેમને બાબ અલ-મન્દાબની ખાડીમાંથી પસાર થવું જ પડે છે.

સુએઝ કેનાલ એશિયા અને યુરોપને જોડતો સૌથી ઝડપી સમુદ્રી રસ્તો છે. ક્રૂડ ઑઇલ અને એનએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ)ની આયાત અને નિકાસ માટે તે સૌથી મહત્ત્વપૂર્ણ રસ્તો છે.

ફ્રેઇટ ઍનાલિટિક્સ કંપની વૉરટેક્સા પ્રમાણે 2023ના પહેલા છ મહિનામાં આ રસ્તે દરરોજ લગભગ 90 લાખ બેરલ તેલ બીજા દેશો સુધી પહોંચાડવામાં આવ્યું હતું.

એસ ઍન્ડ પી ગલોબલ માર્કેટ ઇન્ટેલિજન્સના નિષ્ણાત કહે છે કે એશિયા અને ગલ્ફમાંથી યુરોપ, મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા પહોંચતા ઓછામાં ઓછા 15 ટકા માલ આ માર્ગ પરથી પસાર થાય છે, જેમાં 21.5 ટકા રિફાઇન્ડ ઑઇલ અને 13 ટકા ક્રૂડ ઑઇલ છે.

જો કે આ મામલો માત્ર તેલની આયાત-નિકાસ પૂરતો સીમિત નથી. આ માર્ગ પરથી પસાર થતાં જહાજો પર ભરેલાં કન્ટેનરોમાં ટેલિવિઝન, કપડાં, રમતગમતનો સામાન જેવી અન્ય વસ્તુઓ પણ હોય છે.

ગ્રાહકો પર શું અસર થશે?

એ વાત ચોક્કસ છે કે જો જહાજોનો રૂટ લાલ સમુદ્રમાંથી નહીં પણ કેપ ઑફ ગુડ હોપમાંથી પસાર થાય તો તેની સીધી અસર સપ્લાય ચેઇન પર પડશે.

એસ ઍન્ડ પી ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સ ખાતે સપ્લાય ચેઇન રિસર્ચના વડા ક્રિસ રૉજર્સ કહે છે, "સૌથી વધુ અસર ઉપભોક્તા માલ પર પડશે."

જો કે તેઓ કહે છે કે વર્તમાન વિક્ષેપ એવા સમયે થયો જ્યારે તે શિપિંગ સિઝનનો સૌથી વધુ વ્યસ્તતાનો સમય ન હતો.

આના કારણે દુકાનો સુધી માલસામાન પહોંચવામાં ઓછામાં ઓછો 10 દિવસનો વિલંબ થઈ શકે છે કારણ કે લાલ સમુદ્રમાંથી પસાર થતો વૈકલ્પિક માર્ગ એટલે કે કેપ ઑફ ગુડ હોપનો માર્ગ તેના કરતાં 3,500 નોટિકલ માઈલ લાંબો છે.

ફર્નિચર કંપની Ikea અને બ્રિટિશ રિટેઇલર નેક્સ્ટે ચેતવણી આપી છે કે જો શિપિંગ માર્ગો ખોરવાતા રહેશે તો પુરવઠામાં વિલંબ થઈ શકે છે.

માલસામાનના પરિવહન માટે માત્ર અંતર જ નહીં પરંતુ તેને લઈ જવાનો ખર્ચ પણ વધશે. છેલ્લાં એક સપ્તાહમાં શિપિંગના ભાવમાં લગભગ 14 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીનો વધેલા ખર્ચનો ભાર સીધો ગ્રાહકો પર આવશે.

જોકે આમાં રાહતની એક વાત એ છે કે શિપિંગની કિંમતો ગત વર્ષેની કિંમતોની સરખામણીમાં હાલ ઘણી ઓછી છે અને 2021માં જોવા મળેલી કિંમતોની સરખામણીમાં ઘણી ઓછી છે. 2021માં કોવિડ મહામારીને કારણે જ્યારે પ્રતિબંધો દૂર થવાની શરૂઆત થઈ ત્યારે માગ વધી અને આ સાથે શિપિંગની કિંમતો વધી ગઈ હતી.

એવો ભય છે કે સપ્લાય ચેઇનમાં અવરોધ આવતો રહેશે તો કાચા તેલની કિંમતો વધી શકે છે.

તેલની કિંમતો પર થનારી અસરને કારણે ભાર સીધો ગ્રાહકોના ખિસ્સાં પર પડી શકે છે અને આ કારણે મોંઘવારી વધી શકે છે. યુકેમાં હાલના સમયમાં મોંઘવારી ધીરે ધીરે ઓછી થઈ રહી હતી અને તેનો દર 4.6 ટકા પર પહોંચ્યો હતો.

જો લિક્વિફાઇડ નેચરલ ગૅસની વાત કરવામાં આવે તો તેના પુરવઠામાં અવરોધની અસર ઊર્જાની કિંમતો પર થશે. એનાથી વ્યક્તિનો ઊર્જા ખર્ચ વધવાનો ખતરો છે. જોકે જાણકારો કહે છે કે એપ્રિલ 2024 પહેલાં આવું થવાની શક્યતા ઓછી છે.

આનું કારણ એ છે કે સપ્લાયર્સ ઊર્જા માટે જે કિંમતો વસૂલશે તેના પર ભાવ મર્યાદા લાદવામાં આવી છે. આ કેપ આ વર્ષે જાન્યુઆરીમાં જ લાદવામાં આવી છે. તેથી ઊર્જાના ભાવમાં તાત્કાલિક વધારો થશે નહીં.

પણ શું સમુદ્રનો રસ્તો જ સામાન લાવવા લઈ જવા માટેનો એકમાત્ર વિકલ્પ છે?

ક્રિસ રૉજર્સ કહે છે, "જો રેલવે માર્ગથી સામાન લઈ જવો પડ્યો તો તમારે રશિયા થઈને જવું પડશે પણ યુક્રેન પર હુમલો કર્યા પછી તેના પર પ્રતિબંધ લાગેલા છે. એ ઉપાય અમલમાં લાવી શકાય તેમ નથી.”

"જો આપણે ગલ્ફ દેશોના રસ્તે ઇઝરાયલમાં માલ પરિવહન કરવાનો પ્રયાસ કરીએ તો પણ તેનાથી શિપિંગ ખર્ચમાં માત્ર 3 ટકાનો જ ઘટાડો થશે."

સમસ્યાના નિરાકરણ કેવી રીતે શોધવામાં આવી રહ્યું છે?

હૂતી બળવાખોરોએ જહાજો પર કરેલા હુમલા પછી અમેરિકાએ આંતરરાષ્ટ્રીય નેવલ ઑપરેશન શરૂ કર્યું હતાં.

તેનાં યુદ્ધ જહાજો રાતાસમુદ્રમાંથી પસાર થતા વ્યાવસાયિક જહાજોને મદદ કરી રહ્યા હતાં. હવે યુકે, કૅનેડા, ફ્રાન્સ, બેહરીન, નોર્વે અને સ્પેન પણ આ અભિયાનમાં જોડાયા હતા.

અમેરિકાના સંરક્ષણમંત્રી લૉયડ ઑસ્ટીને કહ્યું છે કે આ વિસ્તારમાંથી જહાજો સુરક્ષિત રીતે અવરજવર કરી શકે એ માટે અન્ય દેશોએ પણ આ પ્રયાસમાં સહકાર આપવો જોઈએ.

પરંતુ સુરક્ષામાં વધારો કર્યા પછી પણ કેટલીક શિપિંગ કંપનીઓને હજુ પણ આ માર્ગનો ઉપયોગ કરવા અંગે આશંકા છે. તેઓ અત્યારે રાતાસમુદ્રનો ઉપયોગ કરવા માગતા નથી.

સુરક્ષા ઝુંબેશ શરૂ થયા પછી મેયર્સ્કે ફરીથી રાતાસમુદ્રના રસ્તે તેનાં જહાજો મોકલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેના પ્રયત્નોને તેણે રોકવા પડ્યા હતા.

લાલ સમુદ્રમાં તેનાં એક માલવાહક જહાજ પર વધુ એક હુમલા પછી તેણે ફરી આ માર્ગે જહાજો મોકલવા પર પ્રતિબંધ મૂક્યો હતો.