ભારતીય નૌસૈન્યે અપહૃત જહાજથી 15 ભારતીયો સહિત 21 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા

ભારતીય નૌસૈન્યે શુક્રવારે સાંજે જણાવ્યું કે સોમાલિયાના દરિયાકાંઠાની નજીકથી એક માલવાહક જહાજમાં ફસાયેલા 15 ભારતીય નાગરિકો સહિત કૂલ 21 લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે.

ભારતીય નૌસૈન્યે કહ્યું છે કે તેમને માલવાહક જહાજ (એમવી લીલા નૉરફૉક) પર કોઈ અપહરણકાર નહોતા મળ્યા. નૅવીના અંદાજ અનુસાર તેમની ચેતવણી બાદ ચાંચિયાઓએ પોતાના ઇરાદા બદલી નાખ્યા.

ભારતીય નૌસૈન્યે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, “મરિન કમાન્ડોને માલવાહક જહાજની તલાશી દરમિયાન કોઈ ચાંચિયા નહોતા મળ્યા. એવું લાગે છે કે ભારતીય નૌસૈન્યની ચેતવણી બાદ અપહરણ કરનારાઓએ પોતાના ઇરાદા બદલી નાખ્યા.”

નૅવીએ જણાવ્યું કે આઇએનએસ ચેન્નઈ હાલ પણ માલવાહક જહાજની નજીક જ છે અને એ જહાજ પર વીજળીનો પુરવઠો પુન:સ્થાપિત કરવાના પ્રયાસ કરી રહ્યું છે. જેથી એ આગળના બંદરે પહોંચી શકે.

આ પહેલાં ભારતીય નૌસૈન્યનું યુદ્ધજહાજ આઇએનએસ ચેન્નઈ એમવી લીલા નૉરફૉક પાસે પહોંચ્યું હતું.

સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર આ ઑપરેશનમાં ભારતીય નૌસૈન્યના મરિન કમાન્ડો સામેલ હતા. નૌસૈન્યનું એક હેલિકૉપ્ટર પણ એમવી લીલા નૉરફૉક પર નજર રાખી રહ્યું હતું.

ગુરુવારે એવા સમાચાર આવ્યા હતા કે 15 ભારતીયોવાળા એમવી લીલા નૉરફૉકનું સોમાલિયાના ચાંચિયાઓએ અપહરણ કરી લીધું હતું.

તે બાદ ભારતીય નૌસૈન્યે અરબી સમુદ્રમાં લાઇબેરિયન ધ્વજવાળા વેપારી જહાજ તરફ પોતાનું યુદ્ધજહાજ રવાના કર્યું હતું.

નૌકાદળે એક વિમાનને પણ આ જહાજ તરફ મોકલ્યું હતું, જેથી અપહૃત જહાજ પર નજર રાખી શકાય.

ભારતીય નૌસૈન્ય હાલ શું કરી રહ્યું છે?

આ એક માલવાહક જહાજ હતું, જે બ્રાઝિલથી બહરીન તરફ જઈ રહ્યું હતું. પરંતુ સોમાલિયાના કાંઠેથી લગભગ 300 નોટિકલ માઇલ દૂર તેને કબજે કરી લેવાયું હતું.

આ શિપ પર ગુરુવારે કબજો કરાયો હતો, જે બાદ શિપથી જ યુકે મૅરિટાઇમ ટ્રેડ ઑપરેશન્સને સંદેશ મોકલાયો.

આ સંદેશમાં જણાવાયું હતું કે ગુરુવારે સાંજે જહાજ પર પાંચથી છ હથિયારબંધ લોકો આવી ગયેલા.

યુકે મેરિટાઇમ ટ્રેડ ઑપરેશન્સ બ્રિટિશ સૈન્યનું સંગઠન છે, જે વ્યૂહરચનાની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ સમુદ્ર માર્ગો પર જુદાં જુદાં જહાજોને ટ્રૅક કરે છે.

ભારતીય નૌસૈન્યના પ્રવક્તાએ જણાવ્યું છે કે આ ઘટનાની જાણકારી મળતાં જ સૈન્ય તરફથી સ્થાપિત કરાયેલાં પ્લૅટફૉર્મોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે.

અરબી સમુદ્રમાં વધતા જતા હુમલા

તાજેતરનાં કેટલાંક અઠવાડિયાંમાં અરબી સમુદ્રમાંથી પસાર થતાં વેપારી જહાજોને હુમલાનો શિકાર થવું પડ્યું છે.

આ પહેલાં લાઇબેરિયન ધ્વજવાળા જહાજ એમવી કેમ પ્લૂટો પર હુમલો કરાયો હતો, જેના પર 21 ભારતીય નાગરિક હાજર હતા.

આ જહાજ પર ડ્રોન વડે હુમલા કરાયાના સમાચાર આવ્યા હતા.

આ પહેલાં આફ્રિકન દેશ ગેબૉનના ધ્વજવાળા જહાજ એમ સાંઈબાબા પર હુમલો કરાયો હતો, જેના પર ઑઇલ લદાયેલું હતું.

આ જહાજ ભારત તરફ આવી રહ્યું હતું. તેના ચાલકદળમાં 25 લોકો સવાર હતા, જે તમામ ભારતીય હતા.

આ સાથે જ નૉર્વેના ધ્વજવાળા એક જહાજ પર પણ હુમલાની ઘટના સામે આવી હતી.

ભારતીય નૌસૈન્યના એમવી કેમ પ્લૂટો પર ડ્રોન હુમલા બાદ અરબી સમુદ્રમાં અલગઅલગ સ્થળે આઇએનએસ મોર્મુગાઓ, આઇએનએસ કોચ્ચી અને આઇએનએસ કોલકાતા નામક ગાઇડેડ મિસાઇલ તહેનાત કરાઈ હતી.

અરબી સમુદ્રમાં ભારત આવી રહેલાં જહાજો પર હુમલા એવા સમયે થઈ રહ્યા છે, જ્યારે રાતા સમુદ્રમાં યમનના હૂતી વિદ્રોહી ઇઝરાયલ અને તેના સહયોગી દેશો જોડાયેલાં જહાજોને નિશાન બનાવ્યાં હતાં.

અમેરિકાએ કહ્યું છે કે આ હુમલાને ગંભીરતાપૂર્વક લેવાની જરૂર છે, કારણ કે આ પ્રકારના હુમલા આંતરરાષ્ટ્રીય સમુદ્રમાર્ગોની સુરક્ષા માટે ખતરો પેદા કરી શકે છે.

ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ તરફથી આ હુમલા અંગે કઠોર પ્રતિક્રિયા અપાઈ છે.

તેમણે કહ્યું હતું કે, “ભારતની વધતી જતી આર્થિક અને રાજદ્વારી તાકતને કારણે કેટલાકને ઈર્ષ્યા થઈ રહી છે. અરબી સમુદ્રમાં હાલમાં એમવી કેમ પ્લૂટો પર થયેલા ડ્રોન હુમલા અને અમુક દિવસ પહેલાં રાતા સમુદ્રમાં એમવી સાઈ બાબા પરના હુમલા અંગે ભારત સરકાર અત્યંત ગંભીર છે. આ હુમલા માટે જવાબદાર લોકોને સાગરના તળમાંથીય શોધીને સજા કરાશે.”

હુમલાનું ઇઝરાયલ-હમાસ કનેક્શન

અત્યાર સુધી એ વાત સ્પષ્ટ નથી થઈ શકી કે એમવી લીલા નૉરફૉક પર હુમલા માટે કયો પક્ષ જવાબદાર છે. અત્યાર સુધી કોઈએ પણ આ હુમલાની જવાબદારી નથી લીધી અને જહાજ પર રહેલા સશસ્ત્ર લોકો સાથે જોડાયેલી જાણકારીઓ સામે નથી આવી.

પરંતુ પાછલા અમુક દિવસો દરમિયાન થયેલા હુમલામાંથી કેટલાક હુમલાના તાર હૂતી વિદ્રોહીઓ અને ઇઝરાયલ-હમાસ યુદ્ધ સાથે જોડાતા દેખાઈ રહ્યા છે.

આ હુમલા ઇઝરાયલ અને હમાસ વચ્ચે સંઘર્ષ શરૂ થયા બાદ જ શરૂ થયા છે. આ દિશામાં સૌપ્રથમ 21 નવેમ્બરના રોજ ઇઝરાયલી કાર્ગો જહાજ ગૅલેક્સી લીડર પર હુમલો થયો હતો.

આ જહાજ પણ તુર્કીથી ભારત તરફ જઈ રહ્યું હતું. ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ આ જહાજ પર સવાર 25 લોકોનું અપહરણ કરી લીધું હતું.

આ બાદ હૂતી વિદ્રોહીઓના પ્રવક્તા મોહમ્મદ અબ્દુલ સલામે કહ્યું હતું કે ઇઝરાયલના મિત્ર દેશોનાં તમામ જહાજોની આવી જ દશા થશે.

તેમણે કહ્યું, “આ પહેલાં હૂતી વિદ્રોહીઓના પ્રવક્તાએ એ દેશોને ઇઝરાયલી જહાજો પરથી પોતાના નાગરિકોને પરત બોલાવી લેવા કહ્યું હતું.”

અરબી સમુદ્ર તરફ આગળ વધતો સંઘર્ષ

આ દરમિયાન ભારતીય નૌસૈન્યના એક મોટા અધિકારીએ નામ ન પ્રકાશિત કરવાની શરતે બીબીસીને કહ્યું હતું કે, “હમાસ અને ઇઝરાયલનો સંઘર્ષ હવે અરબી સમુદ્ર તરફ આગળ વધતો જણાઈ રહ્યો છે. આ પ્રકારના મોરચા ખૂલવાને કારણે ભારત પર મોટી અસર પડી શકે છે.”

“ભારત પર આની અસર પડવા પણ લાગી છે. આ જ કારણે ભારત મિસાઇલ વિધ્વંસક જહાજ તહેનાત કર્યાં છે. ભારતની મોટા ભાગની આયાત-નિકાસ મુંબઈ, કોચ્ચી, મેંગલુરુ, ગોવા અને ચેન્નાઈથી થઈને આગળ વધે છે. તેથી ભારત માટે આ સ્થિતિ ચિંતાજનક છે.”

ભારતનો 80 ટકા વેપાર સમુદ્રના માર્ગે થાય છે. સાથે જ તેનું 90 ટકા ઈંધણ પણ સમુદ્ર માર્ગે જ આવે છે.

આવી સ્થિતિમાં કોઈ પણ હુમલો સીધો ભારતના કારોબાર અને તેના પુરવઠાતંત્ર માટે ખતરો બની શકે છે.

આજે સમગ્ર વિશ્વમાં 12 ટકા શિપિંગ ટ્રાફિક રાતા સમુદ્ર અને સુએજ નહેરથી પસાર થાય છે. રાતો સમુદ્રનો માર્ગ અદનની ખાડીમાં ખૂલે છે અને અદનની ખાડી અરબી સમુદ્રમાં ખૂલે છે. સુએજ નહેર ભૂમધ્ય સાગરમાં ખૂલે છે.

ભૂમધ્ય સાગર અને તેની પાછળ સમગ્ર યુરોપ છે અને તેની નજીક ઍટલાન્ટિક સાગરની પાછળ ઉત્તર અને દક્ષિણ અમેરિકા છે.

આ વેપારી માર્ગની સંપૂર્ણ હારમાળા છે. તેમાં કોઈ પણ મુશ્કેલી સમગ્ર વૈશ્વિક કારોબારને નુકસાન પહોંચાડી શકે છે.