You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જૂનાગઢના મહંત રાજભારતીબાપુનો લમણે ગોળી મારીને આપઘાત, શું છે સમગ્ર મામલો?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
જૂનાગઢના ઝાંઝરડા ગામ પાસેના ખેતલિયાદાદા આશ્રમના મહંત રામકૃષ્ણાનંદ ગુરુમુકુંદનંદ એટલે કે રાજભારતીબાપુએ તેમની વાડીએ પોતાની રિવોલ્વરમાંથી લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો છે.
રાજભારતીબાપુ આશરે છેલ્લાં 10 વર્ષથી ખેતલિયાદાદા આશ્રમના મહંત તરીકે સેવા આપતા હતા.
રાજભારતીબાપુ ઝાંઝરડા ગામ પાસેના આશ્રમથી નીકળીને ક્યાંક ચાલ્યા હતા અને તેમનો મોબાઈલ પણ રિસીવ થતો ન હતો.
આશ્રમના રૂમમાં અચાનક રિવોલ્વરમાંથી ભડાકાનો અવાજ આવતા બે વ્યક્તિએ અંદર લઈને જોયું હતું. તો ત્યાં રાજભારતીબાપુ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા અને બાજુમાં રિવોલ્વર પડી હતી.
ઘટના બાદ તાત્કાલિક તેમને જૂનાગઢ સિવિલ હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા, પરંતુ ફરજના તબીબોએ બાપુને મૃત જાહેર કર્યા હતા.
પોલીસે આ મામલે સમગ્ર રીતે તપાસ હાથ ધરી છે.
(આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)
આત્મહત્યા કરવાનું કારણ શું?
રાજભારતીબાપુએ આપઘાત કરી લેતા જૂનાગઢના સંતો-મહંતોમાં પણ ચર્ચા જાગી છે અને અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ આ ઘટના અંગે મીડિયાને જણાવ્યું કે બનાવની જાણ થતા તાલુકા પોલીસ, એલસીબી સહિતની ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે "તેમણે વાડી પાસેના આશ્રમમાં પોતાની રિવોલ્વરથી લમણાના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી છે. ઘટનાસ્થળેથી મળી આવેલી રિવોલ્વર બાપુની લાયસન્સવાળી હતી."
પોલીસે કહ્યું કે "હજુ સુધી કોઈ સ્યુસાઈટ નોટ કે તેમના લિખિત કોઈ કાગળ સામે આવ્યો નથી."
આ ઘટના પૂર્વેના કલાકોની વાત કરીએ તો રાજભારતીબાપુના કેટલાક કથિત વિવાદિત ફોટો-વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હોવાના અહેવાલો આવ્યા હતા અને એક સાત પાનાંનો નનામો પત્ર પણ વાઇરલ થયો હતો. જેમાં રાજભારતીબાપુ પર કેટલાક આરોપ મૂકવામાં આવ્યા હતા.
જોકે પોલીસનું કહેવું છે કે આ ઘટના મામલે હજુ સુધી કોઈ ફરિયાદ કે રજૂઆત ધ્યાને આવી નથી. આ અંગે સાયબર સેલની મદદ વડે તપાસ શરૂ કરવામાં આવી છે.
આત્મહત્યાના કારણ અંગે પોલીસે જણાવ્યું કે કયા કારણે તેમણે આત્મહત્યા કરવા મજબૂર થવું પડ્યું એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
તેમણે કહ્યું કે ટેકનિકલ સર્વેલન્સને આધારે બ્લેકમેઇલ કર્યા હતા કે શું એ સમગ્ર બાબતની જાણ થશે.
કોણ હતા રાજભારતીબાપુ?
રાજભારતીબાપુ હાલ જે આશ્રમના મહંત તરીકે હતા તે આશ્રમના મહંત પહેલાં તેમના ગુરુભાઈ રામભારતી હતા.
તેમની 10 વર્ષ પહેલાં જમીન વિવાદમાં રિવોલ્વરમાંથી ફાયરિંગ કરીને હત્યા કરી દેવાઈ હતી. ત્યાર બાદ રાજભારતીબાપુને આશ્રમના ગાદીપતિ તરીકે બેસાડવામાં આવ્યા હતા.
રાજભારતીબાપુ ભારતી આશ્રમના અખંડાનંદ ભારતીના શિષ્ય હતા.
(અહેવાલમાં જૂનાગઢથી બીબીસીના સહયોગી હનીફ ખોખર પાસેથી ઇટપૂટ મળેલા છે)