You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબી : દલિત યુવકે પગાર માગતા 'ચંપલ ચટાવી' ઢોર માર મારવાનાં આરોપી વિભૂતિ પટેલની ધરપકડ, શું છે સમગ્ર મામલો?
મોરબીમાં ‘બાકી પગાર માગવા’ મુદ્દે દલિત યુવાનને કથિતપણે ‘ઢોર માર મારી મોઢામાં જૂતું લેવડાવ્યા’નાં આરોપી વિભૂતિ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે.
મોરબીમાં બીબીસી ગુજરાતીના સહયોગી રાજેશ આંબલિયાના જણાવ્યા અનુસાર આ કેસનાં મુખ્ય આરોપી વિભૂતિ પટેલ (સોશિયલ મીડિયામાં રાણીબાના નામે પણ ઓળખાય છ), તેમના ભાઈ ઓમ પટેલ અને રાજ પટેલની પોલીસે વિધિવત રીતે ધરપકડ કરી લીધી છે.
આરોપીઓ પોલીસ સમક્ષ રજૂ થયા હતા અને તેમની અટક કરી લેવામાં આવી હતી. તપાસ અધિકારી ડીવાયએસપી પી.એ.ઝાલાએ જણાવ્યું કે અન્ય આરોપી મયુર (દિલીપભાઈ કલોતરા)ની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયા હતા પરંતુ તેમને જામીન ન મળતા જેલમાં મોકલવામાં આવ્યા હતા અને વિભૂતિ પટેલ સહિત બાકીના આરોપીઓની ધરપકડ બાદ આગળની કાર્યવાહી નિયમસર કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે આગળની તપાસ ચાલુ છે.
વિભૂતિ પટેલ (રાણી બા ) કોણ છે?
મોરબીમાં ‘બાકી પગાર માગવા’ મુદ્દે દલિત યુવાનને કથિતપણે ‘ઢોર માર મારી મોઢામાં જૂતું લેવડાવ્યા’ની ફરિયાદ સ્થાનિક પોલીસ દ્વારા નોંધાઈ હતી.
21 વર્ષીય નીલેશ દલસાણિયા નામના દલિત યુવકને માર મારી અપમાનિત કર્યાના આરોપસર મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સિરામિક ફેકટરીનાં માલકણ વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને અન્ય પાંચ લોકો સામે ઍટ્રોસિટી ઍક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી.
કથિતપણે નીલેશને ઢોર માર મારવાને કારણે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા. સમગ્ર ઘટનાની વિગતો પ્રમાણે આવતાં ‘બાકી પગાર ન ચૂકવવા’ મુદ્દે આ મામલો ઉગ્ર બન્યો હતો.
નોંધનીય છે કે વિભૂતિ પટેલ મોરબીની રાવપર ચોકડી પાસે આવેલી સિરામિક ફેકટરીનાં માલકણ છે. ફેકટરી મોટા ભાગે ટાઇલ્સની નિકાસ સાથે જોડાયેલી છે. ફરિયાદની વિગતો અનુસાર કૅપિટલ માર્કેટ નામના શોપિંગ સેન્ટર ખાતે ગત બુધવારે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રાથમિક વિગતો અનુસાર ગત ઑક્ટોબર માસમાં નીલેશ ફેકટરીમાં સેલ્સ મૅનેજર તરીકે જોડાયાના અમુક દિવસ બાદ તેમણે નોકરી છોડી દીધી હતી. જે બાદ ‘બાકી પગાર માગવા મુદ્દે મનદુ:ખ રાખી આરોપીઓએ ફરિયાદીને ઢોર માર માર્યો’ હોવાનો આરોપ છે.
કથિત મારઝૂડ બાદ ફરિયાદી સારવાર માટે હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે પોલીસ આ મામલે વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી. ડી. રબારી અને અન્ય એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધી હતી. ઘટના બાદ હૉસ્પિટલ લેવાયેલા પીડિતના ફોટોમાં તેમની પીઠ અને ખભાના ભાગે ‘લાલ નિશાન’ દેખાઈ રહ્યાં છે.
આ સમગ્ર ઘટના અંગે વિગતવાર જાણવા બીબીસી ગુજરાતીએ પ્રયાસ કર્યો હતો.
‘બાકી પગાર માગવા જતાં પડ્યો માર’
મીડિયા સાથેની વાતચીતમાં હૉસ્પિટલના બેડ પરથી સમગ્ર ઘટના અંગે જણાવતાં પીડિત નીલેશ કહે છે કે તેમણે 20 દિવસ સુધી રાણીબા ઍક્સપૉર્ટ ઑફિસમાં નોકરી કર્યા બાદ ‘અમુક અન્ય કામસર’ નોકરી છોડી દીધી હતી.
તેઓ કહે છે કે, “આ બાદ મેં 20 દિવસનો પગાર માગવા માટે તેમનો સંપર્ક કર્યો, પરંતુ તેમણે પહેલાં તો મને પગાર આપવાની ના પાડી દીધી. થોડી આનાકાની બાદ વિભૂતિ પટેલના ભાઈનો ફોન આવ્યો અને મને સાંજે મળવા બોલાવ્યો હતો.”
ફોન પર થયેલી વાતચીત બાદ નીલેશના જણાવ્યાનુસાર તેઓ પોતાના ભાઈ અને એક મિત્ર સાથે ફેકટરી પર ગયા હતા. ત્યાં પહોંચીને ફેકટરી બહાર ઊભા રહીને ફોન કરતાં અચાનક 30-35 જણે તેમને ઘેરી લીધા હતા.
ફરિયાદ અનુસાર, “ટોળાએ અચાનક જ અમારી પર હુમલો કરી દીધો હતો. મારી સાથેના બેય માણસ ભાગી ગયા અને હું પડી ગયો. સ્થળ પર માર માર્યા બાદ પણ મને ઊંચકીને અગાસીએ લઈ જવાયો હતો.”
‘જાતિસૂચક શબ્દો ચંપલ ચટાવ્યા’
પીડિત નીલેશ પોતાની આપવીતી આગળ જણાવતાં કહે છે કે, “બાદમાં મને અગાશીએ લઈ જઈને બેલ્ટ અને જે હાથમાં આવે એનાથી મારવા લાગ્યા. થોડી વાર બાદ વિભૂતિ પટેલ ત્યાં આવ્યાં અને તેમણેય ‘પૈસા શાના માંગે છે’ કહીને મને લાફા માર્યા અને માફી માગવા કહ્યું.”
નીલેશ દલસાણિયા પોતાની ફરિયાદમાં આગળ જણાવે છે કે તે બાદ ‘રાણીબા’એ તેમને ‘જાતિસૂચક શબ્દો બોલી’ અને ‘ચંપલ ચટાવ્યા’ હતાં.
નીલેશ આગળ આરોપ કરતાં કહે છે કે, “આ બાદ મને તેમણે હું મારા સાથીદારો સાથે ખંડણી માગું છું તેવો અને વિભૂતિ પટેલને મોડી રાત્રે મૅસેજ કરું છું એવું કહીને માફી માગતા વીડિયો પણ ડરાવી-ધમકાવીને બનાવી લીધા.”
ફરિયાદ અનુસાર નીલેશને આ કથિત વીડિયો બનાવડાવ્યા બાદ જાનથી મારવાથી ધમકી આપી, મારઝૂડ કરીને છોડી મુકાતાં તેઓ સિવિલ હૉસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં સારવાર મેળવ્યા બાદ પોલીસમાં ફરિયાદ કરી હતી.
બીબીસી ગુજરાતીએ ફરિયાદ પક્ષ પાસેથી આરોપો અંગે પ્રતિક્રિયા મેળવવા ફોનથી સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, તમામના ફોન બંધ આવી રહ્યા હતા.
મોરબીના ડીવાય. એસ. પી. પી. એ. ઝાલાએ આ સમગ્ર બનાવ અંગે બીબીસી ગુજરાતીને જાણકારી આપતાં કહ્યું હતું કે, “આ કેસની ફરિયાદ દાખલ થઈ ગઈ છે, આરોપીની તપાસ ચાલુ છે.”
તેમજ આરોપીઓની ધરપકડ બાબતે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, “આરોપીઓ મળી આવ્યા નથી, તેથી આ મામલે ધરપકડ થઈ નથી.”
ડીવાય. એસ. પી. પી. એ. ઝાલાએ આ કેસ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે આઇપીસી કલમ 323, 504, 506 (2) અને રાયોટિંગ ઉપરાંત ઍટ્રોસિટી ઍક્ટની લાગતી-વળગતી કલમો અંતર્ગત ફરિયાદ દાખલ કરાઈ છે.
તેમણે આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, “આરોપીઓએ ફરિયાદી પાસેથી 500 રૂપિયા રોકડા અને સ્માર્ટવૉચ લૂંટી લેવાની ફરિયાદ બાદ કેસમાં લૂંટની કલમો ઉમેરવાની તજવીજ હાથ ધરાઈ છે.”
“આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયાં છે, ફરિયાદીના ભાઈને સાથે રાખી આરોપીનાં ઘરે અને ઑફિસમાં તપાસ કરાઈ હતી, જ્યાં તેઓ મળી આવ્યાં નહોતાં. આરોપીઓની શોધખોળ માટે અલગ અલગ ત્રણ ટીમો બનાવાઈ છે. જેમાં એક ટીમ એસસી-એસટી સેલ, બીજી સિટી એ ડિવિઝન પીઆઇની તથા એક ટીમ ડી-સ્ટાફ પીએસઆઇની છે. ઉપરાંત એલસીબી ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ જાહેર કરાયું છે.”
ફરિયાદીના કથિત વીડિયો અંગે વાત કરતાં ડીવાયએસપી ઝાલાએ કહ્યું હતું કે, “આ બાબતે જ્યારે આરોપીઓની ધરપકડ કરાશે ત્યારે મોબાઇલ કબજે કરી આગળ તપાસ કરાશે. આ સિવાય કાવતરાની કલમ લાગુ કરવાના પણ કોઈ પુરાવા મળશે તો તે પણ ઉમેરાશે.”