ચંદ્રગુપ્ત મૌર્ય : ઈરાન, અફઘાનિસ્તાન અને બલુચિસ્તાન જેના રાજનો ભાગ હતા એ ભારતીય રાજાને કેટલાક લોકો "શુદ્રનો પુત્ર" કેમ કહેતા?

ચંદ્રગુપ્ત, મૌર્ય, બીબીસી ગુજરાતી, ભારતનો ઇતિહાસ, ઇતિહાસ, સંસ્કૃતિ, સમાચાર, સમ્રાટ ચંદ્રગુપ્ત, ચાણક્ય, ચાણક્યની નીતિ

ઇમેજ સ્રોત, Life Span publisher

ઇમેજ કૅપ્શન, ઘણા વિદ્વાનો માને છે કે મૌર્ય શબ્દનું મૂળ મયૂરમાં છે (સાંકેતિક તસવીર)
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી

ચંદ્રગુપ્ત મૌર્યના પ્રભાવનો અંદાજ એ વાત પરથી આવે છે કે સંસ્કૃત, પાલી, પ્રાકૃત; એટલે સુધી કે ગ્રીક અને લેટિન ભાષાઓની ઘણી રચનામાં પણ તેમનો ઉલ્લેખ જોવા મળે છે.

આ રચનાઓમાં મેગેસ્થનીસના 'ઇન્ડિકા'નો સમાવેશ પણ થાય છે, પરંતુ કોઈ પણ રચનાની મૂળ પ્રત (નકલ) ક્યાંય ઉપલબ્ધ નથી જેનાથી મૌર્ય વંશનો પાયો નાખનાર સમ્રાટના શાસનનું પ્રમાણિત વિવરણ મળી શકે.

એટલે સુધી કે તેમના પૌત્ર અશોકે પોતાના શિલાલેખોમાં પોતાના દાદાનો બિલકુલ ઉલ્લેખ નથી કર્યો.

ઇતિહાસકારોમાં ચંદ્રગુપ્ત મૌર્ય વિશે એકમત નથી. બૌદ્ધ સ્રોતો જેવા કે, 'દીઘ નિકાય' અને 'દિવ્યાવદાન'માં મૌર્ય લોકોને પિપ્પલિવન પર રાજ કરનારા ક્ષત્રિયોના વંશજ ગણાવાયા છે.

બીજી તરફ, ઘણા વિદ્વાનો માને છે કે, મૌર્ય શબ્દનું મૂળ મયૂરમાં છે, જેના કારણે એવું મનાય છે કે તેઓ એવા ક્ષેત્રમાં રહેતા હતા, જ્યાં મોર હતા અથવા તો તેમના જીવનમાં મોરનું ઘણું મહત્ત્વ હતું.

કેટલાક લોકો માને છે કે, તેઓ મોર પાળતા હતા, જ્યારે કેટલાક માનતા હતા કે તેઓ મોરનો શિકાર કરતા હતા, પરંતુ પાકા પાયે કશું કહેવું મુશ્કેલ છે.

વિશાખદત્તે પોતાના ચર્ચિત નાટક 'મુદ્રારાક્ષસ'માં ચંદ્રગુપ્ત માટે 'વૃષલા' શબ્દનો પ્રયોગ કર્યો છે. કેટલાક લોકો તેનો અર્થ 'શૂદ્રનો પુત્ર' જણાવે છે.

પરંતુ, રાધાકુમુદ મુખરજી પોતાના પુસ્તક 'ચંદ્રગુપ્ત મૌર્ય ઍન્ડ હિઝ ટાઇમ્સ'માં લખે છે, 'વૃષલા' એક આદરસૂચક શબ્દ છે, જેનો અર્થ 'સૌથી સારો રાજા' થાય છે. ઘણી પ્રાચીન રચનાઓમાં ચાણક્ય ચંદ્રગુપ્તને પ્રેમથી વૃષલા નામે સંબોધે છે.

ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યની મુલાકાત

ચંદ્રગુપ્ત, મૌર્ય, બીબીસી ગુજરાતી, ભારતનો ઇતિહાસ, ઇતિહાસ, સંસ્કૃતિ, સમાચાર, સમ્રાટ ચંદ્રગુપ્ત, ચાણક્ય, ચાણક્યની નીતિ, સિકંદર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગ્રીક ઇતિહાસકાર જસ્ટિન લખે છે કે ચંદ્રગુપ્તની બોલવાની શૈલીએ સિકંદરને નારાજ કરી દીધા હતા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચંદ્રગુપ્ત મૌર્યના જન્મ વિશે ઘણા મતભેદ છે, પરંતુ એમાં સહેજે શંકા નથી કે તેમણે ઈસવીસન પૂર્વે ચૌથી સદીમાં લગભગ 21 વર્ષ રાજ કર્યું હતું.

સૌથી પહેલાં તેમણે પોતાને પંજાબમાં સ્થાપ્યા અને પછી પૂર્વમાં જઈને મગધ પર નિયંત્રણ મેળવ્યું. આ સમગ્ર અભિયાનમાં ચંદ્રગુપ્તને સૌથી વધુ મદદ ચાણક્યે કરી. ચંદ્રગુપ્ત ચાણક્યને મળ્યા તે કહાણી પણ રસપ્રદ છે.

ઘણી બધી પ્રાચીન રચનાઓમાં વર્ણન જોવા મળે છે કે મગધના રાજા ધનાનંદના ખરાબ વ્યવહારથી ઘવાયેલા ચાણક્ય ગ્રામીણ વિસ્તારોમાં ફરતા હતા. એ સમયે બાળકો સાથે રમતા 11-12 વર્ષના ચંદ્રગુપ્તે રાજા બનીને એક દરબાર ભર્યો હતો.

દેવિકા રંગાચારી પોતાના પુસ્તક 'ધ મૌર્યાઝ ટુ અશોકા'માં લખે છે, "ચાણક્યે ચંદ્રગુપ્તને એક ઝાડના થડ પર બેસીને પુરાવાના આધારે ન્યાય કરતા જોયા. તેઓ તેનાથી ખૂબ પ્રભાવિત થયા. તેમણે એ છોકરાનાં માતાપિતાને વિનંતી કરી કે તેઓ તેને પોતાની સાથે મોકલે."

"ચાણક્ય ચંદ્રગુપ્તને પોતાની સાથે તક્ષશિલા લઈ આવ્યા—આ જગ્યા હવે પાકિસ્તાનમાં છે—જ્યાં તેમણે તેમને ગુરુકુળમાં પ્રવેશ અપાવ્યો. એ સમયે તક્ષશિલા શિક્ષણનું સૌથી મોટું કેન્દ્ર હતું. તદુપરાંત, ચાણક્યે વારંવાર તેમની પરીક્ષા લઈને આવનાર પડકારો માટે તેમને તૈયાર કર્યા."

આ દરમિયાન સિકંદરે ભારતમાં પોતાનું અભિયાન શરૂ કર્યું. તકનો લાભ ઉઠાવવામાં પારંગત ચાણક્યે ચંદ્રગુપ્તને સિકંદરને મળવા મોકલ્યા.

ગ્રીક ઇતિહાસકાર પ્લૂટાર્ક લખે છે, "એ વાતના સંકેત નથી મળતા કે ચંદ્રગુપ્ત મગધ પર હુમલો કરવા માટે સિકંદરની મદદ માગવા ગયા હતા. જોકે, આ બેઠક સફળ ન થઈ, ચંદ્રગુપ્તે સિકંદર સમક્ષ કંઈક એવી વાત કહી જે તેમને ગમી નહીં."

બીજા એક ગ્રીક ઇતિહાસકાર જસ્ટિને લખ્યું, "ચંદ્રગુપ્તના બોલવાની શૈલીએ સિકંદરને એટલા નારાજ કરી દીધા કે તેમણે તેમને મારી નાખવાનો આદેશ આપી દીધો. પોતાની દોડવાની ઝડપના કારણે ચંદ્રગુપ્તનો જીવ બચી શક્યો."

"ત્યાંથી ભાગ્યા પછી, ચંદ્રગુપ્ત થાકીને જ્યારે સૂતા હતા ત્યારે એક મોટો વાઘ તેમની પાસે આવ્યો. તેણે પોતાની જીભથી તેમના શરીર પરના પરસેવાને ચાટ્યો અને ત્યાંથી જતો રહ્યો. ત્યાર પછી ચંદ્રગુપ્તે થોડાક લોકોને ભેગા કરીને પોતાની સેના બનાવવાનું શરૂ કરી દીધું."

જસ્ટિનના વિવરણ પરથી જાણવા મળે છે કે સિકંદરના મૃત્યુ પછી ચંદ્રગુપ્તે પંજાબ અને સિંધના લોકોને આઝાદ કરાવી લીધા હતા.

ચંદ્રગુપ્તની ચાણ્કય પર નિર્ભરતા

ચંદ્રગુપ્ત, મૌર્ય, બીબીસી ગુજરાતી, ભારતનો ઇતિહાસ, ઇતિહાસ, સંસ્કૃતિ, સમાચાર, સમ્રાટ ચંદ્રગુપ્ત, ચાણક્ય, ચાણક્યની નીતિ, સિકંદર

ઇમેજ સ્રોત, S&S India

ઇમેજ કૅપ્શન, દેવિકા રંગાચારીના પુસ્તક 'ધ મૌર્યાઝ ટુ અશોકા'

ત્યાર પછીનું ચંદ્રગુપ્તનું લક્ષ્ય મગધ હતું. ત્યાં ચંદ્રગુપ્તની અપેક્ષાકૃત નાની સેનોએ ધનાનંદની વિશાળ સેનાનો સામનો કરવાનો હતો. ચંદ્રગુપ્તની જીત થઈ.

બૌદ્ધ ગ્રંથ 'મિલિંદ પન્હો'માં આ યુદ્ધનું વર્ણન છે. તેના અનુસાર, "ભદ્દસાલાના નેતૃત્વમાં નંદના સૈનિકોએ ચંદ્રગુપ્તનો બહાદુરીથી સામનો કર્યો. આ લડાઈમાં ધનાનંદને બાદ કરતાં નંદ વંશના બધા ભાઈઓ મૃત્યુ પામ્યા."

આ આખા અભિયાનમાં ચાણક્ય પડછાયાની જેમ તેમની સાથે રહ્યા.

દેવિકા રંગાચારીએ લખ્યું, "આ આખા કથાનક પર ચાણક્યની છાપ સ્પષ્ટ જોઈ શકાય છે. ઘણી જગ્યાએ તો ચંદ્રગુપ્ત મૂક દર્શક બનેલા જોવા મળે છે, જે ચાણક્યની સાથે સાથે ચાલે છે અને તેમણે બનાવેલી યોજનાનો અમલ કરીને મગધના રાજા બની જાય છે."

"પરંતુ આપણે યાદ રાખવું જોઈએ કે, એ પણ કંઈ આસાન કામ નહોતું કે તમે કોઈ અજાણ્યા વ્યક્તિ પર એટલો ભરોસો કરો કે પોતાનું આખું ભવિષ્ય તેના ઉપર જ છોડી દો, પરંતુ જ્યારે ચંદ્રગુપ્ત આ બધું કરી રહ્યા હતા ત્યારે તેઓ ખૂબ યુવા હતા."

ચાણક્ય અને ધનાનંદની તકરાર

ચંદ્રગુપ્ત, મૌર્ય, બીબીસી ગુજરાતી, ભારતનો ઇતિહાસ, ઇતિહાસ, સંસ્કૃતિ, સમાચાર, સમ્રાટ ચંદ્રગુપ્ત, ચાણક્ય, ચાણક્યની નીતિ, સિકંદર

ઇમેજ સ્રોત, Gyan Publishing House

ઇમેજ કૅપ્શન, રાધાકુમદ મુખરજીનું પુસ્તક 'ચંદ્રગુપ્ત મૌર્ય ઍન્ડ હિઝ ટાઇમ્સ'

સવાલ એ ઊભો થાય છે કે ધનાનંદ સાથે ચાણક્યની એવી શી દુશ્મની હતી કે તેમણે તેમને સિંહાસન પરથી હઠાવવા માટે ચંદ્રગુપ્ત મૌર્યનો સહારો લીધો.

એક વર્ણન એવું છે કે, એક વાર ચાણક્ય જ્યારે પાટલિપુત્રમાં ધનાનંદના દરબારમાં બેસીને ભોજન કરતા હતા, ત્યારે જ ધનાનંદે દરબારમાં પ્રવેશ કર્યો અને તેમની પ્રથમ નજર ચાણક્ય પર પડી.

દીપા અગ્રવાલ પોતાના પુસ્તક 'ચાણક્ય – ધ માસ્ટર ઑફ સ્ટેટક્રાફ્ટ'માં લખે છે, "ચાણક્યે રાજાને જોયા છતાં ભોજન કરવાનું ચાલુ રાખ્યું. દંભી રાજાને આ વાત ખૂબ ખરાબ લાગી અને તેમણે આદેશ આપ્યો કે ચાણક્ય ભોજન કરવાનું બંધ કરીને તરત જ દરબારમાંથી નીકળી જાય."

"જ્યારે ચાણક્યે તેમની વાત ન સાંભળી ત્યારે રાજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. ત્યાર પછી ચાણક્ય ગુસ્સામાં ઊભા થતાં બોલ્યા કે તેઓ ત્યાં સુધી પોતાની શિખા (ચોટલી)ની ગાંઠ નહીં બાંધે, જ્યાં સુધી તેઓ નંદ વંશને મૂળમાંથી ન ઉખાડી નાખે. ત્યાર પછી તેઓ એક એવા વ્યક્તિને શોધવા ફરવા લાગ્યા જે તેમની આ પ્રતિજ્ઞાને પૂરી કરવામાં તેમની મદદ કરી શકે."

દુર્ધરા સાથે ચંદ્રગુપ્ત મૌર્યનાં લગ્ન

ચંદ્રગુપ્ત, મૌર્ય, બીબીસી ગુજરાતી, ભારતનો ઇતિહાસ, ઇતિહાસ, સંસ્કૃતિ, સમાચાર, સમ્રાટ ચંદ્રગુપ્ત, ચાણક્ય, ચાણક્યની નીતિ, સિકંદર

ઇમેજ સ્રોત, Life Span publisher

ઇમેજ કૅપ્શન, ધનાનંદનાં સૌથી નાનાં પુત્રી દુર્ધરા હતાં

ધનાનંદની હાર થયા પછી તેમણે સિંહાસન છોડવું પડ્યું અને ચાણક્યે પોતાની શિખા ફરીથી બાંધવી શરૂ કરી દીધી.

દેવિકા રંગાચારી લખે છે, "ચાણક્યે પ્રસ્તાવ રજૂ કર્યો કે ચંદ્રગુપ્ત નિર્વાસિત રાજાની સૌથી નાની પુત્રી દુર્ધરા સાથે લગ્ન કરી લે. એ વાત વિચિત્ર લાગે છે કે જે છોકરીના પિતાને સિંહાસન પરથી ઉતારી મૂક્યા હોય, તે એવું કરનાર સાથે લગ્ન કરવા અંગે કઈ રીતે વિચારી શકે, પરંતુ આ પ્રસ્તાવના રાજકીય અર્થ હતા. પહેલાં પણ લગ્નના માધ્યમથી બે વિરોધી રાજાઓને એક કરીને તેમની વચ્ચેની કટુતાને દૂર કરવાની કોશિશ કરાતી રહી છે."

પાટલિપુત્રની ભવ્યતા

ચંદ્રગુપ્ત, મૌર્ય, બીબીસી ગુજરાતી, ભારતનો ઇતિહાસ, ઇતિહાસ, સંસ્કૃતિ, સમાચાર, સમ્રાટ ચંદ્રગુપ્ત, ચાણક્ય, ચાણક્યની નીતિ, સિકંદર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સિકંદરના ઉત્તરાધિકારી સેલ્યુકસે પોતાના રાજ્યનો પૂર્વ વિસ્તાર ચંદ્રગુપ્તને આપી દીધો હતો (સાંકેતિક તસવીર)

ઈ.સ.પૂ. 320 સુધી ચંદ્રગુપ્ત પોતાના બધા ભારતીય હરીફોને હરાવીને ગંગાના મેદાની પ્રદેશ પર પોતાનું નિયંત્રણ કરી ચૂક્યા હતા. એ જમાનામાં મગધની રાજધાની પાટલિપુત્રની ગણના દુનિયાનાં સૌથી મોટાં શહેરોમાં થતી હતી.

ડાઇટર શિલિંગલૉફ પોતાના પુસ્તક 'ફોર્ટિફાઇડ સિરીઝ ઑફ ઇન્ડિયા'માં લખે છે, "પાટલિપુત્રનું કુલ ક્ષેત્રફળ 33.8 કિલોમીટર હતું. ઇજિપ્તનું શહેર અલેક્ઝેડ્રિયાનું ક્ષેત્રફળ તેના કરતાં અડધું હતું, જ્યારે રોમનું ક્ષેત્રફળ માત્ર 13.72 વર્ગ કિલોમીટર હતું. પાટલિપુત્ર શહેર એથેન્સથી અગિયાર ગણું મોટું શહેર હતું. આખા શહેરમાં 64 દ્વાર અને 570 ટાવર હતાં. એ સમયે પાટલિપુત્રમાં લગભગ પાંચ લાખ લોકો રહેતા હતા."

જ્યારે સિકંદરના ઉત્તરાધિકારી સેલ્યુકસે તેના સામ્રાજ્યને પાછું મેળવવા માટે પૂર્વ તરફ ડગ ભર્યાં ત્યારે એ પ્રયાસ નિષ્ફળ રહ્યો. ઈ.સ.પૂ. 305માં ચંદ્રગુપ્ત મૌર્ય સાથે તેમનો સામનો થયો, જેમાં તેમની જોરદાર હાર થઈ.

ઇતિહાસકાર વિલિયમ ડેલરિંપલ પોતાના પુસ્તક 'ધ ગોલ્ડન રોડ'માં લખે છે, "ચંદ્રગુપ્તે પોતાના 9 હજાર હાથીઓમાંથી 500 હાથી સેલ્યુકસને આપીને આ જમીન લીધી હતી. સેલ્યુકસે પોતાના રાજ્યનો પૂર્વ વિસ્તાર ચંદ્રગુપ્તને આપી દીધો હતો. જ્યારે ચંદ્રગુપ્તે પોતાના એક પુત્રનાં લગ્ન સેલ્યુકસની પુત્રી સાથે કરાવી દીધું ત્યારે બંને પક્ષ વચ્ચેનું ગઠબંધન વધુ મજબૂત થયું."

પૅટ્રિક ઓલીવેલ પોતાના પુસ્તક 'સોસાયટી ઇન ઇન્ડિયા 300 બીસી ટુ 400 બીસી'માં લખે છે, "બની શકે કે, ચંદ્રગુપ્તે પોતે એક ગ્રીક મહિલા સાથે લગ્ન કર્યાં હોય, કેમ કે એ જમાનામાં શાંતિ સમજૂતી માટે એવું કરવાનું ચલણ હતું. એવું અશક્ય નથી કે ચંદ્રગુપ્તના ઉત્તરાધિકારીઓની નસોમાં ગ્રીક લોહી વહેતું હોય."

ચંદ્રગુપ્ત મૌર્યની શાસનપ્રણાલી કેવી હતી?

ચંદ્રગુપ્ત, મૌર્ય, બીબીસી ગુજરાતી, ભારતનો ઇતિહાસ, ઇતિહાસ, સંસ્કૃતિ, સમાચાર, સમ્રાટ ચંદ્રગુપ્ત, ચાણક્ય, ચાણક્યની નીતિ, સિકંદર

ઇમેજ સ્રોત, Life Span publisher

ઇમેજ કૅપ્શન, પુસ્તકોમાંથી જાણવા મળે છે કે મૌર્ય સામ્રાજ્યનું શાસન ખૂબ પ્રગતિ કરી ચૂક્યું હતું

સેલ્યુકસે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં પોતાના એક પ્રતિનિધિ મેગસ્થનીસને મોકલ્યા હતા. તેમણે પોતાના પુસ્તક 'ઇન્ડિકા'માં તે સમયના ભારતનું વિસ્તૃત વર્ણન કર્યું છે.

દુર્ભાગ્યે મેગેસ્થનીસે જે વર્ણન કર્યું હતું તેની મૂળ નકલ હવે ઉપલબ્ધ નથી, પરંતુ તેનો ઉપયોગ કરીને ઘણા ગ્રીક અને લેટિન લેખકોને તે સમયના ભારતનું ચિત્ર વર્ણવ્યું છે.

આ વર્ણન પરથી જાણવા મળે છે કે મૌર્ય સામ્રાજ્યનું વહીવટી તંત્ર ખૂબ પ્રગતિ કરી ચૂક્યું હતું અને રાજ્યની આર્થિક પ્રવૃત્તિઓ પર તેમનું સંપૂર્ણ નિયંત્રણ હતું.

રાજા વહીવટી તંત્રના પ્રમુખ હતા. તેમની મદદ કરવા માટે 18 'અમાત્ય' રહેતા હતા, જેઓ વહીવટના દરેક એકમ પર નજર રાખતા હતા.

ચંદ્રગુપ્ત મૌર્યની વિશાળ સેના

ચંદ્રગુપ્ત, મૌર્ય, બીબીસી ગુજરાતી, ભારતનો ઇતિહાસ, ઇતિહાસ, સંસ્કૃતિ, સમાચાર, સમ્રાટ ચંદ્રગુપ્ત, ચાણક્ય, ચાણક્યની નીતિ, સિકંદર

ઇમેજ સ્રોત, Picador India

ઇમેજ કૅપ્શન, એએલ બાશમનું પુસ્તક 'ધ વંડર ધૅટ વૉઝ ઇન્ડિયા'

મેગેસ્થનીસે ચંદ્રગુપ્તની ન્યાયવ્યવસ્થાની પ્રશંસા કરતાં લખ્યું હતું કે રાજા ખુલ્લા દરબારમાં સ્વયં લોકોને ન્યાય આપતા હતા.

એએલ બાશમ પોતાના પુસ્તક 'ધ વન્ડર ધૅટ વૉઝ ઇન્ડિયા'માં મેગેસ્થનીસનો ઉલ્લેખ કરીને લખે છે, "ચંદ્રગુપ્ત પાટલિપુત્રમાં એક આલીશાન અને વિશાળ મહેલમાં રહેતા હતા, જેની ભવ્યતા અને સુંદરતા અકલ્પનીય હતી, પરંતુ તેમનું જીવન ખૂબ સુખી નહોતું, કેમ કે તેમને હંમેશાં પોતાની હત્યાનો ડર સતાવતો હતો."

"તેમની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવતો હતો. પાટલિપુત્રને ચારેબાજુથી લાકડાની બનેલી દીવાલોથી ઘેરી લેવામાં આવ્યું હતું. આ દીવાલોમાં અનેક જગ્યાએ કાણાં કરેલાં હતાં, જેથી ત્યાંથી બાણો છોડી શકાય."

દીવાલોને અડીને 600 ફૂટ પહોળી ખાઈ ખોદવામાં આવી હતી, જેથી વિરોધી સેના નગરની અંદર ન ઘૂસી શકે. પાટલિપુત્ર પર 30 સભ્યોની એક વહીવટી સમિતિ શાસન કરતી હતી.

ચંદ્રગુપ્તની પાસે એક મોટી સેના હતી, જેને નિયમિતપણે પગાર અને હથિયાર આપવામાં આવતાં હતાં.

મેગેસ્થનીસ અનુસાર, ચંદ્રગુપ્તની સેનામાં 6 લાખ સૈનિક, 30 હજાર ઘોડેસવાર અને 9 હજાર હાથી હતા. દરેક હાથી પર મહાવત સિવાય ચાર સૈનિક સવાર રહેતા હતા.

ચંદ્રગુપ્તની દિનચર્યા

ચંદ્રગુપ્ત મૌર્યનો મોટા ભાગનો સમય રાજમહેલમાં પસાર થતો હતો.

જેડબ્લ્યુ મેક્રેંડલ પોતાના પુસ્તક 'એન્શિયન્ટ ઇન્ડિયા એજ ડિસ્ક્રાઇબ્ડ બાય મેગેસ્થનીઝ ઍન્ડ એરિયન'માં લખે છે, "ચંદ્રગુપ્તની સુરક્ષાની જવાબદારી સશસ્ત્ર મહિલા અંગરક્ષકોને સોંપવામાં આવી હતી. જ્યારે તેઓ લોકોની વચ્ચે જતા હતા ત્યારે તેઓ ઉચ્ચ પ્રકારના મખમલનાં કપડાં પહેરતા હતા, જેના પર જાંબલી અને સોનેરી રંગનું ભરત ભરવામાં આવતું હતું. નજીકની જગ્યાએ તેઓ ઘોડા પર જતા હતા, પરંતુ લાંબા અંતરની મુસાફરી તેઓ હાથી પર બેસીને કરતા હતા."

"તેઓ દિવસે ઊંઘતા નહોતા. રાત્રે તેઓ જુદા જુદા શયનખંડમાં સૂતા હતા, જેથી તેમની હત્યાની કોઈ પણ યોજના નિષ્ફળ કરી શકાય. માલિશ કરાવતા સમયે પણ તેઓ લોકોની ફરિયાદ સાંભળતા હતા. તેમને હાથીઓ, બળદો અને ગેંડાઓની લડાઈ જોવાનો શોખ હતો. તેઓ બળદોની હરીફાઈ જોવાની એક પણ તક ચૂકતા નહોતા."

સિંહાસનનો પરિત્યાગ

ચંદ્રગુપ્ત, મૌર્ય, બીબીસી ગુજરાતી, ભારતનો ઇતિહાસ, ઇતિહાસ, સંસ્કૃતિ, સમાચાર, સમ્રાટ ચંદ્રગુપ્ત, ચાણક્ય, ચાણક્યની નીતિ, સિકંદર

ઇમેજ સ્રોત, Life Span publisher

ઇમેજ કૅપ્શન, ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ ઈ.સ.પૂ. 293માં થયું હતું

પોતાના જીવનના અંતિમ પડાવમાં ચંદ્રગુપ્ત મૌર્યે શાંતિની શોધમાં જૈન ધર્મનું શરણ લીધું, તેમણે સિંહાસનનો પરિત્યાગ કરીને પોતાના પુત્ર બિંદુસારને મગધના રાજા બનાવી દીધા હતા.

રોમિલા થાપર પોતાના પુસ્તક 'અર્લી ઇન્ડિયા'માં લખે છે, "ચંદ્રગુપ્ત મૌર્ય એક જૈન સાધુ ભદ્રબાહુ સાથે દક્ષિણમાં ચાલ્યા ગયા હતા. ત્યાં તેમણે કર્ણાટકના શ્રવણ બેલગોલામાં જૈન પરંપરા અનુસાર ભૂખ્યા રહીને પોતાના જીવનનો અંત કર્યો હતો. તેમનું મૃત્યુ ઈ.સ.પૂ. 293માં થયું હતું. તે સમયે તેમની ઉંમર 50 વર્ષ કરતાં વધુ હતી."

તેઓ એક રીતે સંપૂર્ણ ભારતીય ઉપખંડના રાજા હતા. તેમનું સામ્રાજ્ય ઈરાનની સીમાથી લઈને ગંગાના સમગ્ર મેદાન સુધી વિસ્તરેલું હતું.

જેમાં અત્યારના હિમાચલ પ્રદેશ અને કાશ્મીર પણ સામેલ હતા. કલિંગ (ઓડિશા), આંધ્ર પ્રદેશ અને તામિલનાડુ તેમના સામ્રાજ્યમાં સામેલ નહોતાં, પરંતુ આજનું અફઘાનિસ્તાન અને બલૂચિસ્તાન તેમના સામ્રાજ્યનો ભાગ ગણાતા હતા.

તેમના વિશે કહેવાય છે કે તેઓ ફક્ત એક મહાન વિજેતા અને સામ્રાજ્ય-નિર્માતા જ નહોતા, પરંતુ એટલા જ મોટા વ્યવસ્થાપક અને વહીવટકર્તા પણ હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન