બોડેલીમાં માતાની નજર સમક્ષ બાળકીની હત્યા કે 'બલિ', બાળકીનાં માતાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
નોંધ- આ અહેવાલના અમુક અંશ કેટલાક વાચકને વિચલીત કરી શકે છે. પાઠકનો વિવેક અપેક્ષિત.
"હત્યારાએ મારી નજર સામે કુહાડીના ઘા મારીને મારી દીકરીની હત્યા કરી નાખી. મારી દીકરી મારી સામે જ તડપીને મરી ગઈ અને હું કંઈ જ ના કરી શકી. મારી દીકરીએ કોઈનું શું બગાડ્યું હતું? મારી આંખ સામેથી તે દૃશ્ય જઈ શકતું નથી."
આ શબ્દો છે એક માતાના, જેમની આંખો સામે જ તેમની સાડા ચાર વર્ષની દીકરીની હત્યા કરવામાં આવી હતી.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પાસે આવેલા પાણેજ ગામમાં પડોશીએ માતા અને સગાસંબંધીઓની નજર સામે જ કથિત રીતે તાંત્રિકવિધિ માટે સાડા ચાર વર્ષની બાળકીની કુહાડીના ઘા મારીને હત્યા કરી હતી.
ઘટના અંગે પ્રાથમિક તપાસમાં પોલીસને માનવબલિ હોવાની શંકા ઉપજી હતી, પરંતુ બોડેલી પોલીસે આ સંદર્ભે મંગળવારે પ્રેસનોટ વિજ્ઞપ્તીમાં ઘટનામાં 'તાંત્રિકવિધિ અને અંધશ્રધ્ધા'ની વાતને નકારી દીધી છે.
ઘટના અંગે પોલીસનું કહેવું છે કે આ અપહરણ અને હત્યાનો ગુનો છે. પોલીસે દાવો કર્યો છે કે હત્યારો માનસિક વિકૃત છે.
કૉંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ ઘટનાને રાજ્ય સરકાર માટે 'શરમજનક' અને 'ચિંતાનો વિષય' ગણાવી આ અંગે વિધાનસભાના ફ્લૉર ઉપર જવાબની માગણી કરી છે.

કેવી રીતે ઘટના ઘટી હતી?

ઇમેજ સ્રોત, Bipin Tankaria
લાલા તડવી નામનો પડોશી દીકરીને ઉપાડીને ભાગી ગયો, ત્યારે બાળકીનાં માતા રમીલાબહેને (નામ બદલેલ છે) બૂમો પાડતાં આસપાસના ભેગા થઈ ગયા હતા, પરંતુ હત્યારાના હાથમાં કુહાડી હોવાથી કોઈ તેને હત્યા કરતાં અટકાવી શક્યું ન હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રમીલાબહેને (નામ બદલેલ છે) ઘટના અંગે વાત કરતાં જણાવ્યું હતું, "ઘટના બની એ દિવસે બપોરે હું ઘરની પાછળ વાડામાં કપડાં ધોવા માટે જઈ રહી હતી. મારો દોઢ વર્ષનો દીકરો મારી કેડમાં હતો. મારી દીકરી મારી પાછળ આવી રહી હતી."
"અચાનક જ મારી દીકરીએ બૂમો પાડી એટલે મેં પાછળ જોયું. મેં જોયું કે અમારો પડોશી લાલા તડવી મારી દીકરીના મોઢા પર હાથ દબાવીને તેને ઉંચકીને દોડી રહ્યો હતો. હું તેમની પાછળ દોડી, તો લાલાએ મારા દીકરાને પણ ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો. મેં બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા."
રમીલાબહેન ઉમેરે છે, "મેં અને મારા દાદાના દીકરાએ જોયું કે લાલાના ઘરનો દરવાજો ખુલ્લો હતો. અમે જોયું કે મારી દીકરીને ઘરની વચ્ચોવચ સુવડાવી હતી. લાલાના હાથમાં કુહાડી હતી. તે કુહાડી લઈને ઘરમાં આંટા મારી રહ્યો હતો. અમારા દાદાના દીકરા તેમજ સગાસંબંધીએ ઘરમાં જવાનો પ્રયત્ન કર્યો, તો લાલાએ તેમને ધમકી આપી કે જો તમે ઘરમાં આવશો તો તમને પતાવી દઈશ."
"તેના હાથમાં કુહાડી જોઈને ત્યા ભેગા થયેલા લોકો ડરી ગયા હતા. લાલાએ અમારી નજર સમક્ષ જ મારી દીકરીના ગળાના ભાગ પર કુહાડીનો ઘા માર્યો હતો."
બાળકીનાં માતાએ શું કહ્યું?

ઘટના અંગે વાત કરતાં રમીલાબહેન રડી પડતાં હતાં.
વાતને આગળ વધરાતાં તેમણે કહ્યું, "મારી નજર સમક્ષ જ મારી દીકરીને કુહાડીનો ઘા માર્યો હતો. મારી દીકરી મારી સામે જ તડપીને મરી ગઈ. હું કંઈ જ કરી શકી નહીં. મારી આંખ સામેથી આ દૃશ્ય જતું જ નથી. હું રાતે ઊંઘી શકતી નથી."
રમીલાબહેન જણાવે છે, "હત્યા કર્યા બાદ મારી દીકરીની લાશને લાલાએ તેના ઘરમાં આવેલા મંદિર પાસે મૂકી રાખી હતી. હત્યા કર્યા બાદ પણ તે ત્યાં ઘરમાં કુહાડી લઈને આંટા મારી રહ્યો હતો. કોઈને ઘરમાં જવા દેતો ન હતો."
"મારા પતિ અને મારા જેઠ બનાવ સમયે કારખાનામાં નોકરી ગયેલા હતા. બનાવ અંગે તેમને ફોન કરતા તેઓ દસેક મિનિટમાં ઘરે પહોચ્યા હતા. મારા પતિ, જેઠ તેમજ અન્ય સગાઓએ મળીને તેના હાથમાંથી કુહાડી છીનવીને ત્યાં ફેકી દીધી હતી. મારી દીકરી લોહીનાં ખાબોચિયામાં મૃત હાલતમાં પડેલી હતી." હાજર લોકોએ પોલીસને જાણ કરી હતી."
પોલીસ ઇન્સ્પેક્ટર બી. એસ. વાઢેરે જણાવ્યું હતું, "ઘટના અંગેની જાણ થતા પોલીસ તાત્કાલિક પહોંચી હતી. પોલીસે આરોપીની સ્થળ પર જ કસ્ટડીમાં લઈ લીધો હતો."
પી.આઈ. બી. એસ. વાઢેર જણાવે છે કે "આરોપીએ બાળકીનાં માતા સહિત ત્રણ લોકોની હાજરીમાં હત્યા કરી હતી. હત્યા બાદ લગભગ 15 મિનિટ સુધી આરોપી તે કુહાડી લઈને આંટા મારી રહ્યો હતો. જો તે સમયે કોઈ તેની નજીક ગયું હોત, તો તેને પણ નુકશાન પહોંચાડવાની ધમકી આપતો હતો."
છોટાઉદેપુર જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ ઇમ્તિયાઝ શેખે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "આરોપી લગભગ છેલ્લાં 15 વર્ષથી એકલો રહે છે. આરોપીનો સ્વભાવ તામસી હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે તેનાં પત્ની અને બાળકો તેની સાથે રહેતાં નથી."
તાંત્રિક વિધિ માટે બલિ કે હત્યા?

ઇમેજ સ્રોત, Getty Images
બાળકીના પરિવારના લોકોએ તાંત્રિકવિધિનો આક્ષેપ કર્યો છે.
જોકે, પોલીસનું કહેવું છે કે તેમને ઘટનાસ્થળ પરથી તાંત્રિકવિધિ અંગેના કોઈ પુરાવા મળ્યા નથી.
ઇન્સ્પેક્ટર બી. એસ. વાઢેરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "ફરિયાદીએ પોતાની ફરિયાદમાં તાંત્રિકવિધિ અંગે જણાવ્યું છે, પરંતુ અન્ય નજરે જોનારા અને હાજર પુરવામાં તે તાંત્રિકવિધિ હોવાનું જાણવા મળતું નથી. આરોપી બાળકીને નજર સામે લઈ જઈને નજર સામે જ હત્યા કરી છે, જેથી આ અપહરણ અને સદોષ હત્યાની ઘટના છે."
રમીલાબહેને વધુમાં જણાવ્યું હતું, "હત્યા બાદ લાલાએ મારી દીકરીને મંદિર પાસે મૂકી રાખી હતી. તેમજ વહી રહેલું લોહી તેને છાંટ્યુ હતું. લાલાએ દેવને પ્રસન્ન કરવા માટે મારી દીકરીની હત્યા કરી હતી."
પોલીસ ઇન્સ્પેક્ટર બી.એસ. વાઢેર કહે છે, "પોલીસ અને એફએસએલની (ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી) ટીમ સાથે રહીને આરોપીના ઘરમાં તપાસ કરી હતી, પરંતુ ઘરમાં પૂજાવિધિ કે તાંત્રિક ક્રિયા માટેનો કોઈ સામાન મળી આવ્યો ન હતો."
એસ.પી. ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતું, "બાળકીનાં માતા શોકમાં હતાં, જેથી તેમણે તાંત્રિકવિધિ માટે હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જો કે પોલીસે આ અંગે ગામ લોકોનાં નિવેદન લેતા જાણવા મળ્યું હતું કે આરોપી ભૂવો કે તાંત્રિક નથી, તેનો સ્વભાવ તામસિક છે."
પોલીસે આપેલી માહિતી અનુસાર આરોપી અને ફરિયાદીનું ઘર વચ્ચે લગભગ 25 ફુટનું જ અંતર છે. ફરિયાદી અને આરોપી પડોશી હોવાથી તેમની વચ્ચે નાનીમોટી તકરાર હોવાનું આરોપી કહી રહ્યો છે.
એસ. પી. ઇમ્તિયાઝ શેખે જણાવ્યું, "આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે મૃત બાળકીના પિતાએ તેમનાં બહેનની હત્યા કરીને તેને તળાવમાં નાખી દીધી હતી, જેથી બદલો લેવા માટે તેણે બાળકીની હત્યા કરી છે. અમે આ અંગે તપાસ હાથ ધરી હતી."
"નજીકમાં સમયમાં જ નહીં, પરંતુ દૂરદૂર સુધી આવી કોઈ ઘટના બની હોવાનું ધ્યાનમાં આવ્યું નથી. આરોપીને બે બહેન છે. જેમનાં લગ્ન થઈ ગયાં છે."
એસ.પી. ઇમરાન શેખે જણાવ્યું હતું, "આરોપીએ બાળકીની હત્યા કેમ કરી? તેનો શું ઇરાદો હતો? તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ કેસમાં ઝડપથી ચાર્જશીટ દાખલ કરવામાં આવશે."
મૃત બાળકીના પિતાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "આરોપી લાલા સાથે અમારે કોઈ ઝઘડો નથી. તેમજ ભૂતકાળમાં પણ આવી કોઈ ઘટના બની નથી."
તાંત્રિકવિધિ અંગે એસ.પી. ઇમ્તિયાઝ શેખે જણાવ્યું, " આરોપીનું ઘર એક રૂમ અને રસોડું હતું. તેનો રૂમ નાનો હતો. તેને બાળકીના ગળાના ભાગે ઘા કર્યો તો તેનું લોહી ઉડ્યું હતું. તેમજ તે ઘરમાં આંટા મારી રહ્યો હતો, તે સમયે બાળકીની બૉડી તેને વચ્ચે નડી રહી હતી, જેથી તેણે ખસેડી હતી."
બોડેલી પોલીસે પ્રેસનોટમાં જણાવ્યું હતું કે બાળકીના ગળાના ભાગમાં ઘા મારીને હત્યા કરી હતી, જેથી ભોંયતળિયે તેમજ ઘરની દીવાલ પર અને મંદિરનાં પગથીયે લોહીના છાંટા ઉડેલા હતા.
અંધશ્રદ્ધા નિર્મૂલનક્ષેત્રમાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાન ભારત જનવિજ્ઞાન જાથાના ચૅરમૅન જયંત પંડ્યાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે લોકો સાથે વાત કરી હતી અને સંબંધિત વીડિયો જોયા હતા.
એ પછી પત્રકારો સાથે વાત કરતાં પંડ્યાએ કહ્યું હતું, "વીડિયો અને લોકો પાસેથી મળેલી માહિતીના આધારે આ ઘટના માનવ બલિની હોય તેમ જણાય છે."
આ અંગે વડગામની બેઠક પરથી ધારાસભ્ય તથા ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિજ્ઞેશ મેવાણીએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું:
'રાજ્ય સરકારે અંધશ્રદ્ધા નિર્મૂલન તથા સંબંધિત કાયદાની કલમનોનો ઉપયોગ કરીને કેસ દાખલ કરવો જોઈએ. '
મેવાણીએ માગ કરી હતી કે રાજ્ય સરકાર આ અંગે ગુજરાત વિધાનસભાના ફ્લૉર ઉપર જવાબ આપે. સાથે જ છોટા ઉદેપુર અને ગુજરાતની જનતાને આશ્વસ્ત કરે કે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ નહીં ઘટે.
આ પહેલાં ઘટના અંગે વાત કરતા બોડેલીના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઑફ પોલીસ ગૌરવ અગ્રવાલે સોમવારે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું, "પાણેજ ગામમાં એક બાળકીના પડોશીએ કુહાડીના ઘા મારીને હત્યા કરી છે. બાળકીનાં માતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હત્યાના આરોપીએ બાળકીની હત્યા બાદ તેનું લોહી મંદિરનાં પગથિયાં પર ચડાવ્યું હતું. બાળકીની માતાની ફરિયાદ પરથી આ ઘટના નરબલિની હોય એમ લાગી રહ્યું છે. આરોપી પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે."
ગૌરવ અગ્રવાલે મંગળવારે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "પ્રાથમિક તપાસમાં નરબલિની ઘટના લાગી રહી હતી. જો કે પોલીસ તપાસમાં અન્ય પાસાંઓ બહાર આવી રહ્યા છે. તપાસ બાદ જ આ નરબલિ છે કે નહી તે અંગે ચોક્કસ કહી શકીશું. પોલીસ આરોપીની પૂછપરછના આધારે અલગ-અલગ પાસાંની તપાસ કરી રહી છે."
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024માં નરબલિ તથા અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ ઉપર લગામ કસવા માટે કાયદો લાગુ કર્યો હતો, જેમાં કડક દંડનીય જોગવાઈઓ કરવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












