બાંગ્લાદેશમાં જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધો હટાવાયા, જમાત પ્રમુખે ભારત વિશે શું ટિપ્પણી કરી

બાંગ્લાદેશની વચગાળાની સરકારે બુધવારે જમાત-એ-ઇસ્લામી પર લાગેલા પ્રતિબંધો હટાવી દીધા છે.

જમાત-એ-ઇસ્લામીના વિદ્યાર્થી સંગઠન 'ઇસ્લામી છાત્ર શિબિર' અને બીજાં સંગઠનો પર લાગેલા પ્રતિબંધો પણ હટાવી લેવાયા છે.

આ સંગઠનો પર શેખ હસીના સરકારે વર્ષ 2013માં પ્રતિબંધો લાદ્યા હતા. બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે જમાતને ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ લાદ્યો હતો.

બાંગ્લાદેશની વચગાળાની સરકારના ગૃહ મંત્રાલયે 28 ઑગસ્ટે પ્રતિબંધ હટાવવાની અધિસૂચના જાહેર કરી છે.

જમાત-એ-ઇસ્લામી પરથી પ્રતિબંધો હટવાને કારણે બાંગ્લાદેશના રાજકારણમાં સંગઠન માટે વિકલ્પો ખુલી ગયા છે. દેશમાં થનારી ચૂંટણીઓમાં સંગઠન પોતાની ભૂમિકા ભજવી શકે છે.

જમાત-એ-ઇસ્લામી બાંગ્લાદેશની સૌથી મોટી ઇસ્લામી પાર્ટી છે. આ પાર્ટીનું વિદ્યાર્થી સંગઠન પણ ખૂબ જ મજબૂત છે. આ સંગઠન પર દેશમાં હિંસા અને ચરમપંથને પ્રોત્સાહન આપવાના આરોપો લાગતા રહ્યા છે.

ભારતમાં બાબરી મસ્જિદના ધ્વંસ પછી પાર્ટી પર બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી રમખાણો ભડકાવવાનો આરોપ લાગ્યો હતો. જમાત-એ-ઇસ્લામીની છબી ભારત વિરોધી રહી છે.

વર્ષ 1990માં બાંગ્લાદેશમાં સૈન્ય શાસન ખતમ થયા પછી જમાત-એ-ઇસ્લામી અને તેમના નેતાઓ પર યુદ્ધ અપરાધોના આરોપ લાગ્યા હતા અને કેસો થયા હતા.

વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યૂનલે પાર્ટીના આઠ નેતાઓને યુદ્ધ અપરાધના દોષી ગણાવ્યા હતા.

જમાતે પ્રથમ વખત વર્ષ 1978ની ચૂંટણીમાં ભાગ લીધો હતો. વર્ષ 2001માં બેગમ ખાલિદા જિયાના નેતૃત્વવાળી સરકારમાં જમાત-એ-ઇસ્લામી સામેલ થઈ હતી.

બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયે અધિસૂચનામાં કહ્યું, 'જમાત-એ-ઇસ્લામી બાંગ્લાદેશ, તેમનું વિદ્યાર્થી સંગઠન ઇસ્લામી છાત્ર શિબિર અને સંગઠનની બીજી બધી જ શાખાઓનો આતંકવાદ સાથે કોઈ સીધો સંબંધ મળ્યો નથી.'

"આ કારણે સરકાર માને છે કે જમાત-એ-ઇસ્લામી બાંગ્લાદેશ, ઇસ્લામી છાત્ર શિબિર અને જમાતની અન્ય બધી જ સહયોગી શાખા આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ નથી."

જમાત પ્રમુખે ભારત વિશે શું કહ્યું?

જમાત-એ-ઇસ્લામીના પ્રમુખ શફીક-ઉર-રહમાને સમાચાર એજન્સી પીટીઆઈએ કહ્યું કે ભારતે ભૂતકાળમાં કેટલાંક એવાં કામ કર્યાં છે જે બાંગ્લાદેશના લોકોને પસંદ આવ્યાં નથી.

તેમણે કહ્યું, "જેમ કે વર્ષ 2014માં બાંગ્લાદેશની ચૂંટણી દરમિયાન એક વરિષ્ઠ ભારતીય રાજદૂતે ઢાકાનો પ્રવાસ કર્યો અને નિર્દેશ આપ્યો કે ચૂંટણીમાં કોણ ભાગ લઈ શકે અને કોણ નહીં. આ વાત અસ્વીકાર્ય છે, કારણ કે પાડોશી દેશની આ ભૂમિકા નથી."

જમાત પ્રમુખે કહ્યું, "અમારું માનવું છે કે ભારત અંતે બાંગ્લાદેશ સાથે તેના સંબંધમાં પોતાની વિદેશ નીતિનું ફરીથી મૂલ્યાંકન કરશે. અમને લાગે છે કે એકબીજાના આંતરિક મુદ્દાઓમાં દખલ ન કરવી જોઈએ."

શફીર-ઉર-રહમાને કહ્યું, "સાથે મળીને કામ કરવું અને દખલ કરવી બંને અલગ-અલગ બાબત છે. સાથે મળીને કામ કરવું એ સકારાત્મક વાત છે જ્યારે દખલ કરવી એ નકારાત્મક વાત છે."

"ભારત અમારો સૌથી નજીકનો પડોશી દેશ છે. અમે જમીન અને સમુદ્ર બંને સીમાઓ શૅર કરીએ છીએ. આ કારણે બંને દેશો વચ્ચે સંબંધો સારા હોવા જોઈએ."

તેમણે ઉમેર્યું કે તેમની પાર્ટી ભારત સાથે સૌહાર્દપૂર્ણ અને સ્થિર સંબંધ ઇચ્છે છે. જોકે, તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતે પાડોશમાં પોતાની વિદેશ નીતિ વિશે ફરીથી વિચાર કરવાની જરૂર છે. દ્વિપક્ષીય સંબંધોનો અર્થ એકબીજાના આંતરિક મુદ્દામાં દખલ કરવી ન હોઈ શકે.

શફીર-ઉર-રહમાને બાંગ્લાદેશમાં હાલમાં જ આવેલા પૂરની સ્થિતિ અને ભારતની ભૂમિકા પર ટિપ્પણી કરી છે.

હિંદુઓ પર હુમલાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

શેખ હસીના સરકારે જમાત-એ-ઇસ્લામી પર પ્રતિબંધ લાદ્યા હતા. જોકે, શેખ હસીના પાંચ ઑગસ્ટે દેશ છોડીને ભાગ્યા પછી જ ઢાંકામાં જમાતની ઑફિસ સક્રિય થઈ ગઈ હતી.

જમાતના પ્રમુખે કહ્યું કે બાંગ્લાદેશનાં પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ દેશમાં અશાંતિને કારણે રાજીનામું આપીને ભારત ભાગી જવાને બદલે કાયદાનો સામનો કર્યો હોત તો સારું હોત.

રહમાને સ્વીકાર્યું કે ભૂતકાળમાં જમાત-એ-ઇસ્લામીના ભારતીય સંસ્થાઓ સાથે સંબંધ છે. જોકે, અવામી લીગનાં છેલ્લાં 16 વર્ષના શાસન દરમિયાન સંપર્ક ઓછો થઈ ગયો છે.

જમાત પ્રમુખ માને છે કે ભારત સાથે ફરીથી અસરકારક સંબંધો સ્થાપિત કરી શકાય છે.

રહેમાને બાંગ્લાદેશમાં જમાત-એ-ઇસ્લામી કાર્યકર્તાઓ દ્વારા હિંદુઓ પર હુમલાના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.

તેમણે જમાત-એ-ઇસ્લામીના નકારાત્મક ચિત્રણ માટે દૂષિત મીડિયા અભિયાનને જવાબદાર ગણાવ્યું હતું.

રહેમાને કહ્યું, "છેલ્લાં 15 વર્ષમાં શેખ હસીના સરકારના અત્યાચારોનો સૌથી વધારે શિકાર થયા હોવા છતાં પણે અમે બચ્યા છીએ અને જમાતને હજી પણ લોકોનું સમર્થન હાંસલ છે."

પાકિસ્તાનની સાથે સંબંધ વિશે રહેમાને કહ્યું, "અમે તેમની સાથે પણ સારા સંબંધ ઇચ્છીએ છીએ. અમે ઉપમહાદ્વીપમાં અમારા બધા જ પાડોશીઓ સાથે સમાન અને સંતુલિત સંબંધ ઇચ્છીએ છીએ. સ્થિરતા જાળવી રાખવા માટે આ સતુંલન ખૂબ જ જરૂરી છે."

"જમાત-એ-ઇસ્લામી ભારત વિરોધી નથી"

શફીર-ઉર-રહેમાને કહ્યું, "અમે એ નથી કહી રહ્યા કે ભારે વરસાદ માટે ભારત જવાબદાર છે. જોકે, ભારતે પાણી છોડતા પહેલાં અમને જાણ કરવી જોઈએ જેથી કરીને અમે સ્થિતિને સારી રીતે સંભાળી શકીએ અને લોકોનો જીવ બચી શકે."

"અમારું માનવું છે કે આ બંધ ન હોવો જોઈએ અને પાણીને તેના પ્રાકૃતિક રસ્તા પર વહેવા દેવું જોઈએ."

રહેમાનની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે ઢાકામાં છપાયેલા અહેવાલોમાં બાંગ્લાદેશમાં આવેલા પૂર માટે ભારતને જવાબદાર ગણાવવામાં આવ્યું છે.

બાંગ્લાદેશ અને તેની નજીકના ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને પૂરને કારણે ઘણા લોકોનાં મોત થયાં છે અને લગભગ 30 લાખ લોકોને અસર થઈ છે.

આ પૂર રાજકીય ફેરફારો પછી બાંગ્લાદેશની નવી વચગાળાની સરકાર માટે એક મોટો પડકાર છે.

ભારતે બાંગ્લાદેશમાં છપાયેલા તે અહેવાલનું ખંડન કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ત્રિપુરાની ગુમતી નદી પર ડેમના દરવાજા ખોલવાને કારણે બાંગ્લાદેશના કેટલાક વિસ્તારોમાં પૂર આવ્યું છે.

રહમાને કહ્યું કે તેમની પાર્ટી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સારા સંબંધોનું સમર્થન કરે છે. જોકે, બાંગ્લાદેશે ભૂતકાળનો ભાર છોડીને અમેરિકા, ચીન અને પાકિસ્તાન જેવા દેશો સાથે મજબૂત અને સંતુલિત સંબંધો જાળવી રાખવા જોઈએ.

રહેમાને તર્ક આપ્યો કે જમાત-એ-ઇસ્લામીને ભારત વિરોધી માનવાની ભારતની ધારણા ખોટી છે. જમાત-એ-ઇસ્લામી કોઈ દેશની વિરુદ્ધમાં નથી.

જમાત-એ-ઇસ્લામી સંગઠન શું છે?

જમાત-એ-ઇસ્લામીની મૂળ શાખા જમાત-એ-ઇસ્લામી બાંગ્લાદેશની સ્થાપના 26 ઑગસ્ટ 1941માં પાકિસ્તાનના લાહોરમાં થઈ હતી.

આ સંગઠન અવિભાજિત પાકિસ્તાનનું સમર્થક હતું. સંગઠને વર્ષ 1971માં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ પછી આ માટે અભિયાન ચલાવ્યું હતું.

ડૉ. રહેમાને ઢાકામાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે "પાકિસ્તાનના શાસન દરમિયાન અમારું બાંગ્લાદેશ પાકિસ્તાનનો ભાગ હતું. જોકે, અમારી સાથે ભેદભાવ કરવામાં આવતો હતો."

તેમણે સ્વીકાર્યું કે બાંગ્લાદેશ ઘણા ધર્મોને માનનારો દેશ છે.

"બાંગ્લાદેશ મુસ્લિમો, હિંદુ, બોદ્ધ, ખ્રિસ્તિ અને બીજા નાના ધાર્મિક સમૂહોથી બનેલો છે. હું સ્પષ્ટપણે કહું છું કે અમે બધા મળીને બાંગ્લાદેશ બનાવીએ છીએ."

બાંગ્લાદેશની વચગાળાની સરકારે પૂર્વ વડા પ્રધાન શેખ હસીના અને તેમની સરકારમાં મંત્રી રહેલા બધા જ લોકોના રાજદ્વારી પાસપોર્ટ રદ કરી દીધા છે.

શફીક-ઉર-રહમાને કહ્યું કે બાંગ્લાદેશમાં જ્યારે પણ ચૂંટણી થશે ત્યારે જમાત-એ-ઇસ્લામી તેમાં ભાગ લેશે.

તેમણે કહ્યું, "અમારું માનવું છે કે વચગાળાની સરકારને સમય આપવો જોઈએ. જોકે, તે સમય અનિશ્ચિતકાળ સુધી ન હોઈ શકે. અમે નવી ચૂંટણી સમયે અમારી સ્થિતિ સ્પષ્ટ કરીશું. જોકે, જ્યારે પણ ચૂંટણી થશે અમે તેમાં ભાગ લઈશું."

જમાત-એ-ઇસ્લામીએ 1978માં પ્રથમ વખત સામાન્ય ચૂંટણીમાં ભાગ લીધો હતો. 1986માં બાંગ્લાદેશની સંસદમાં પાર્ટીના દસ ઉમેદવાર ચૂંટાયા.

વર્ષ 2001માં પાર્ટીએ સંસદમાં 18 બેઠકો મેળવી અને ત્રણ અન્ય દળો સાથે ગઠબંધન કર્યું.

આ વર્ષે પાર્ટી બેગમ ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટીના નેતૃત્વમાં બનેલી સરકારમાં સામેલ થઈ.

જમાત પર લાગેલા મુખ્ય આરોપો

  • 1971માં બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ દરમિયાન પાર્ટીના ઘણા નેતાઓ પર અત્યાચારના ગંભીર આરોપ લાગ્યા.
  • પાર્ટી પૃથક બાંગ્લાદેશનો વિરોધ કરી રહી હતી કારણે કે તેમની દૃષ્ટિએ તે ઇસ્લામ વિરોધી હતું.
  • 1990માં સૈન્ય શાસન સમાપ્ત થયા પછી પાર્ટી અને તેના નેતાઓ વિરુદ્ધ યુદ્ધ અપરાધમાં સામેલ થવાના આરોપ લાગ્યા અને કેસ ચાલ્યા.
  • મે 2008માં બાંગ્લાદેશ પોલીસે જમાત નેતા અને પૂર્વ મંત્રી મતીઉર રહમાનની બીજા બે મંત્રીઓ અબ્દુલ મન્નાન ભુઇયાં અને શમ્સુલ ઇસ્લામ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
  • વર્ષ 2010માં આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યૂનલે પાર્ટીના આઠ નેતાઓને યુદ્ધ અપરાધના દોષી ગણાવ્યા.
  • ભારતમાં બાબરી ધ્વંસ પછી પાર્ટીના નેતાઓ અને વિદ્યાર્થી સંગઠનો પર બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી રમખાણો ભડકાવવાનો પણ આરોપ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.