બાંગ્લાદેશ શેખ હસીનાને પાછાં મોકલવાનું કહેશે તો ભારત શું કરશે

    • લેેખક, શુભજ્યોતિ ઘોષ
    • પદ, બીબીસી ન્યૂઝ બાંગ્લા, દિલ્હી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2013થી પ્રત્યર્પણ-સંધિ થયેલી છે.

બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીના હાલ ભારતમાં રહે છે.

બાંગ્લાદેશનાં એક અન્ય પૂર્વ વડાં પ્રધાન ખાલિદા ઝિયાની બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ કહ્યું છે કે ભારત શેખ હસીનાને સોંપી દે.

જોકે, દિલ્હીના નિરિક્ષકો અને નિષ્ણાતોનું કહેવું છે કે શેખ હસીના સામે બાંગ્લાદેશમાં અનેક કેસ નોંધાયેલા હોવા છતાં બન્ને દેશો વચ્ચે પ્રત્યર્પણ-સંધિ હેઠળ તેમને બાંગ્લાદેશ પાછાં મોકલવાની શક્યતા નહીંવત્ છે.

બાંગ્લાદેશ તરફથી શેખ હસીનાના પ્રત્યર્પણની વિનંતિ કરવામાં આવશે તો ભારત શું કરશે?

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું હતું, “તેઓ પ્રત્યર્પણની વાત કરે તો તે સંપૂર્ણપણે હાઇપોથેટિકલ (કાલ્પનિક) સવાલ છે. આવી પરિસ્થિતિમાં કોઈ કાલ્પનિક સવાલનો જવાબ આપવાની પરંપરા નથી.”

અત્યારે આ સવાલનો જવાબ આપવાથી બચવા છતાં દિલ્હીએ એ શક્યતાનો ઇનકાર કર્યો નથી કે ઢાકા તરફથી વહેલી-મોડી આ પ્રકારની વિનંતી કરવામાં આવી શકે છે.

તેની સાથે બાંગ્લાદેશની વચગાળાની સરકારના ટોચના નેતૃત્વએ એવો સંકેત પણ આપ્યો છે કે આ મામલો હવે વધુ દિવસ સુધી ‘કાલ્પનિક’ રહેશે નહીં.

બાંગ્લાદેશના વિદેશી બાબતોના સલાકાર એમ. તૌહિદે ગત સપ્તાહે રૉઇટર્સ ન્યૂઝ એજન્સીને આપેલી એક મુલાકાતમાં કહ્યુ હતું, “ગૃહ અને કાયદા મંત્રાલય શેખ હસીના સામે નોંધાવવામાં આવેલા કેસોને આધારે નક્કી કરશે કે તેમના પ્રત્યર્પણની વિનંતી ભારતને કરવી કે નહીં. એ સ્થિતિમાં શેખ હસીનાને પ્રત્યર્પણ કરાર હેઠળ બાંગ્લાદેશને સોંપવાં જરૂરી રહેશે.”

જોકે, હકીકત એ છે કે તે કરાર હેઠળ પ્રત્યર્પણની વિનંતી કરવા છતાં શેખ હસીનાને પાછાં લાવવાનું આસાન નહીં હોય એ વાત પણ ઢાકા સારી રીતે જાણે છે.

તેનું કારણ એ છે કે આ કરારમાં એવી અનેક શરતો કે જોગવાઈઓ છે, જેના આધારે ભારત શેખ હસીનાના પ્રત્યર્પણનો ઇનકાર કરી શકે છે. વળી, કાયદાકીય જટિલતા તથા દાવપેચને સહારે પણ પ્રત્યર્પણની વિનંતીને લાંબા સમય સુધી અટકાવી શકાય તેમ છે.

સૌથી મોટી વાત એ છે કે શેખ હસીના છેલ્લાં લગભગ 50 વર્ષથી ભારતના સૌથી વધુ ભરોસાપાત્ર અને વફાદાર મિત્રો પૈકીનાં એક છે. તેથી કોઈ ખચકાટ વિના માની શકાય કે ભારત તેમને ન્યાયિક પ્રક્રિયાનો સામનો કરવા કે સજા થવાની સ્થિતિમાં બાંગ્લાદેશને હવાલે નહીં કરે.

આ માટે હજારો દલીલ કરી શકાય તેમ છે. દરમિયાન, શેખ હસીના કોઈ ત્રીજા જ દેશમાં જઈને શરણ લે તો ભારતે કોઈ અસમંજસની સ્થિતિમાં ફસાવું નહીં પડે.

આ કારણસર ભારત હાલ એ સંબંધી સવાલને કાલ્પનિક ગણાવીને તેનો જવાબ આપવાથી બચી રહ્યું છે. બાંગ્લાદેશ તરફથી પ્રત્યર્પણની વિનંતી કરવામાં આવે તે સંજોગોમાં ભારત કઈ-કઈ દલીલો દ્વારા તેને લંબાવી કે ફગાવી શકે છે?

રાજકીય સાહસ

બાંગ્લાદેશ અને ભારત વચ્ચે 2013માં થયેલા પ્રત્યર્પણ કરારની એક મહત્ત્વની જોગવાઈમાં કહેવામાં આવ્યું છે કે પ્રત્યર્પણ કરવાનું હોય તે વ્યક્તિ પર મૂકવામાં આવેલા આરોપો રાજકીય પ્રકૃતિના હોય તો તેની વિનંતીની ફગાવી શકાય છે.

એ જોગવાઈ મુજબ, કોઈ અપરાધ “રાજકારણ સંબંધી” હોય તો એવા મામલાઓમાં પ્રત્યર્પણનો ઇનકાર કરી શકાય છે.

અલબત, ક્યા અપરાધને રાજકીય ન કહી શકાય તેની યાદી પણ બહુ લાંબી છે. તેમાં હત્યા, ગૂમ થઈ જવું, બૉમ્બ-વિસ્ફોટ અને આતંકવાદ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.

છેલ્લાં બે સપ્તાહ દરમિયાન બાંગ્લાદેશમાં શેખ હસીના વિરુદ્ધ જે કેસ નોંધવામાં આવ્યા છે તેમાં હત્યા અને સામૂહિક હત્યાના કેસનો સમાવેશ થાય છે. ગૂમ થઈ જવું અને અત્યાચારના વિવિધ આરોપ છે. પરિણામે પહેલી નજરે તેને રાજકીય ગણાવીને ફગાવી દેવાનું મુશ્કેલ છે.

એ સિવાય 2016માં મૂળ કરારમાં સુધારો કરીને એક કલમ ઉમેરવામાં આવી હતી. તેનાથી ટ્રાન્સફરની પ્રક્રિયા ઘણી સરળ બની છે. આ ફેરફારનો હેતુ ભાગેડુઓનું ઝડપથી અને સરળતાથી પ્રત્યર્પણ કરવાનો હતો.

સુધારિત કરારની કલમ ક્રમાંક 10 (3)માં જણાવવામાં આવ્યું છે કે કોઈ આરોપીના પ્રત્યર્પણની વિનંતી કરતી વખતે સંબંધિત દેશે તે આરોપોના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કરવાની જરૂર નથી. એ સંબંધી કોર્ટનું અરેસ્ટ વૉરંટ રજૂ કરવાથી તેને કાયદેસરની વિનંતી ગણવામાં આવશે.

તેનો અર્થ એ છે કે બાંગ્લાદેશમાં શેખ હસીના સામેના મામલાઓ પૈકીના એકેય કેસમાં કોર્ટ ઍરેસ્ટ વૉરંટ ઇસ્યુ કરે તો બાંગ્લાદેશ સરકાર તેના આધારે ભારતને પ્રત્યર્પણની વિનંતી કરી શકે છે. તેમ છતાં આ કરારમાં એવી અનેક કલમો છે, જેની મદદથી સંબંધિત દેશને પ્રત્યર્પણની વિનંતીને ફગાવી દેવાનો અધિકાર છે.

દાખલા તરીકે, જે દેશ દ્વારા પ્રત્યર્પણની વિનંતી કરવામાં આવી હોય એ દેશમાં સંબંધિત વ્યક્તિ સામે પ્રત્યર્પણ યોગ્ય કોઈ કેસ ચાલી રહ્યો હોય તો તે દર્શાવીને વિનંતીને ફગાવી શકાય છે.

જોકે, શેખ હસીનાના કિસ્સામાં આ વાત લાગુ પડતી નથી. તેનું કારણ એ છે કે ભારતમાં તેમની સામે કોઈ કેસ ચાલતો નથી કે નજીકના ભવિષ્યમાં તેવી કોઈ શક્યતા નથી.

એક અન્ય કલમ હેઠળ, કોઈ વ્યક્તિ સામેના તમામ આરોપો માત્ર “ન્યાયિક પ્રક્રિયાના હિતમાં અને સદ્ભાવનાથી” કરવામાં આવ્યા નથી, એવું સંબંધિત દેશને લાગે તો તેવા કિસ્સામાં તે વ્યક્તિના પ્રત્યર્પણની વિનંતીને નકારી કાઢવાનો એ દેશને અધિકાર છે.

આવા તમામ આરોપો સામાજિક ગુના સંબંધી હોય, ફોજદારી કાયદાના દાયરામાં આવતા ન હોય તો તેવા કિસ્સામાં પણ વિનંતીને નકારી શકાય છે.

દિલ્હીના વિશ્લેષકોનું કહેવું છે કે ભારતને શેખ હસીનાના પ્રત્યર્પણની વિનંતી ખરેખર કરવામા આવે તો પણ તે આ કલમનો ઉપયોગ કરીને વિનંતીનો અસ્વીકાર કરી શકે છે.

સ્ટ્રેટેજિક થિંક ટેન્ક આઈડીએસઈનાં સિનિયર ફેલો સ્મૃતિ પટનાયકે બીબીસી બાંગ્લાને કહ્યું હતું, “પહેલાં એ કહેવું જરૂરી છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર શેખ હસીનાના પ્રત્યર્પણની કોઈ ઔપચારિક વિનંતી ભારત સરકારને કરશે, એવું મને લાગતું નથી.”

તેઓ માને છે કે આવી વિનંતીથી બન્ને દેશો વચ્ચેના સંબંધમાં કડવાશ આવવાની શક્યતા છે. બાંગ્લાદેશમાં હાલની સંકટજનક પરિસ્થિતિમાં સત્તા સંભાળનારી કોઈ પણ સરકાર આવું જોખમ લેશે નહીં.

સ્મૃતિએ કહ્યું હતું, “તેમ છતાં કોઈ વિનંતી કરવામાં આવે તો તેને રાજકીય હેતુસરની સાબિત કરવા માટે ભારત પાસે પૂરતી દલીલો હશે.”

“ધારો કે મંગળવારે અદાલતમાં રજૂ કરતી વખતે ભૂતપૂર્વ શિક્ષણમંત્રી દીપુ મણિને જે રીતે થપ્પડ અને ઠોંસા મારવામાં આવ્યાં હતાં કે એ પહેલાં ભૂતપૂર્વ ઔદ્યોગિક સલાહકાર સલમાન એફ. રહમાન કે ભૂતપૂર્વ કાયદામંત્રી અનિસુલ હક્કે જે રીતે અદાલતમાં અપમાનિત થવું પડ્યું હતું એવું શેખ હસીનાના મામલામાં પણ નહીં થાય તેની ગૅરન્ટી કોણ આપશે?”

સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ભારત આવી ઘટનાઓનો દાખલો આપીને આસાનીથી કહી શકે કે શેખ હસીનાને બાંગ્લાદેશમાં યોગ્ય અને નિષ્પક્ષ સુનાવણી પછી ન્યાય મળશે એવું અમને લાગતું નથી અને તેથી તેમનું પ્રત્યર્પણ શક્ય નથી.

દિલ્હીના મોટા ભાગના નિરિક્ષકોના મતે, પ્રત્યર્પણની વિનંતીને ભારત આરોપોને “ન્યાયિક પ્રક્રિયાના હિત અને સદ્ભાવના વિરુદ્ધ”ના ગણાવતી કલમની મદદથી અસ્વીકાર કરી શકે છે.

સમય બરબાદ કરવાની રીત

ભારતમાં વિશ્લેષકોનું એક જૂથ માને છે કે શેખ હસીનાના પ્રત્યર્પણની કોઈ વિનંતી ભારતને ખરેખર મળે તો દિલ્હી તેનો તરત અસ્વીકાર કરવાને બદલે લાંબા સમય સુધી લટકતી રાખી શકે છે.

ભારતના ભૂતપૂર્વ ટોચના રાજદ્વારી અધિકારી ટીસીએ રાઘવનનું કહેવું છે કે ભારતે કટોકટીની સ્થિતિમાં જે રીતે શેખ હસીનાના આશરો આપ્યો છે એ તેની નીતિ છે. તેમને વધુ મોટા સંકટમાં ધકેલવાંનો વિકલ્પ ભારત માટે હોઈ શકે નહીં.

રાઘવન માને છે કે પ્રત્યર્પણની વિનંતીનો અસ્વીકાર કરવાની રીત કે દલીલ શોધવી એ કોઈ મોટી સમસ્યા નથી. રાઘવને કહ્યું હતું, “એક વાત યાદ રાખવી જોઈએ કે આપણે અત્યારે શેખ હસીનાને સાથ નહીં આપીએ તો દુનિયામાં કોઈ પણ મિત્ર દેશના નેતા ભવિષ્યમાં ભારત પર ભરોસો નહીં કરે.”

શેખ હસીના સાથે ઊભા રહેવું એ જ તેમના પ્રત્યર્પણની વિનંતીને અનિશ્ચિત કાળ સુધી લંબિત રાખવાનો એકમાત્ર માર્ગ હોઈ શકે છે. તેનું કારણ એ છે કે આવા કરારોમાં વિવિધ કાનૂની ખામીઓ કે છીંડાં હોય છે. કાયદા નિષ્ણાતો તેની મદદથી કોઈ પણ વિનંતીને મહિનાઓ કે વર્ષો સુધી લંબિત રાખી શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે પ્રત્યર્પણની વિનંતી કરવામાં આવશે ત્યારે ભારત શેખ હસીનાના કિસ્સામાં પણ આ જ માર્ગ અપનાવશે.

ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ અને ઢાકામાં ભૂતપૂર્વ ઉચ્ચાયુક્ત રંજન ચક્રવર્તીએ જણાવ્યુ હતું કે આવા કરાર હેઠળ પ્રત્યર્પણની વિનંતી વિશે નિર્ણય કરવામાં ઘણીવાર વર્ષો થતાં હોય છે.

રંજન ચક્રવર્તીએ બીબીસી બાંગ્લાને કહ્યું હતું, “મુંબઈના 26/11ના હુમલાના મુખ્ય આરોપી, પાકિસ્તાની મૂળના અમેરિકન નાગરિક તહવ્વુર રાણાના પ્રત્યર્પણ માટે ભારત 2008થી પ્રયાસ કરી રહ્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે 1997થી પ્રત્યર્પણ કરાર છે.”

“અત્યાર સુધીમાં તો રાણાનો કબજો ભારતને મળી જવો જોઈતો હતો, પરંતુ રાણાને ભારતને સોંપવાનો આદેશ કેલિફોર્નિયાની એક કોર્ટે ગત 15 ઑગસ્ટે જ આપ્યો હતો. અત્યાર સુધી 16 વર્ષ વીતી ગયાં છે. તેને ભારત લાવવામાં કેટલો સમય લાગે છે તે જોવાનું રહેશે.”

આ પરિસ્થિતિમાં એવું માનવાનું કોઈ કારણ નથી કે શેખ હસીનાના પ્રત્યર્પણની કોઈ વિનંતી મળવાના થોડાક દિવસો કે મહીનાઓમાં એ બાબતે નિર્ણય થઈ જશે.

એ પહેલાં શેખ હસીના ભારત છોડીને કોઈ ત્રીજા દેશમાં શરણ લેશે તેવી શક્યતાનો દિલ્હીના અધિકારીઓ અત્યારે પણ ઇનકાર કરતા નથી. એવી પરિસ્થિતિ સર્જાશે તો પ્રત્યર્પણની વિનંતી બાબતે કોઈ નિર્ણય લેવાનો સવાલ જ પેદા થતો નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.