You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાંગ્લાદેશઃ સપ્તાહો સુધી વિરોધપ્રદર્શન અને વડાં પ્રધાને દેશ છોડ્યા બાદ હવે શું થશે?
- લેેખક, સુવોજિત બાગચી અને વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા
બાંગ્લાદેશમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં 300થી વધુ લોકોનાં મોતને કારણે રાજકીય ઊથલપાથલ સર્જાઈ છે.
લાંબા સમય સુધી બાંગ્લાદેશનાં વડાં પ્રધાન રહેલા શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડી દીધો છે.
શેખ હસીનાએ દેશ છોડ્યાના એક દિવસ બાદ તેમના દીર્ઘકાલીન રાજકીય વિરોધી નોબલ પુરસ્કાર વિજેતા મહમદ યુનૂસના નેતૃત્વમાં નવી સરકારની રચના કરાઈ છે.
17 કરોડ લોકોની વસ્તીવાળા બાંગ્લાદેશ પર શેખ હસીના 2009થી શાસન કરી રહ્યાં હતાં. સરકારી નોકરીઓમાં અનામત ખતમ કરવાના મુદ્દે શરૂ થયેલું હિંસક વિરોધપ્રદર્શન સરકાર વિરોધી આંદોલન બની ગયું હતું. તેના પરિણામે શેખ હસીનાએ દેશ છોડવો પડ્યો છે.
વાત એટલેથી અટકી ન હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે દક્ષિણ બાંગ્લાદેશના નોઆખલીમાં બે પોલીસ કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા પાંચ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. દેશભરમાં સેંકડો લોકો ઘાયલ થયા છે અને અનેક લોકોને ગોળી વાગી છે.
શેખ હસીનાના અવામી લીગ પક્ષના અનેક અધિકારીઓ પર કથિત રીતે હુમલા કરવામાં આવ્યા છે. અનેક લોકો માર્યા ગયા છે.
આ બધાની વચ્ચે શેખ હસીનાનું કાયમી ઠેકાણું રહસ્ય બની રહ્યું છે, કારણ કે પોતે બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાનને શરણ આપવા માટે તૈયાર હોવાનો જાહેર સંકેત એકપણ દેશે આપ્યો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બાંગ્લાદેશમાં એક બહુ મોટા મંથનની ક્ષણ છે અને ભવિષ્ય અનિશ્ચિત છે. આગળનો માર્ગ પડકારજનક દેખાય છે.
‘રાજકીય શૂન્યાવકાશ’
વૉશિંગ્ટનસ્થિત વિલ્સન સેન્ટરમાં સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર માઈકલ કુગલમેને બીબીસીને કહ્યું હતું, “શેખ હસીના અને તેમના પક્ષનો બાંગ્લાદેશના રાજકારણ પર 15 વર્ષ સુધી દબદબો હતો. તેમના જવાથી મોટો રાજકીય શૂન્યાવકાશ સર્જાયો છે, જે એક અસહજ મિશ્રણથી ભરવામાં આવશે.”
તેમણે ઉમેર્યું હતું, “નબળી તથા વિભાજિત બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (બીએનપી), નાના પક્ષોનો સમૂહ અને પહેલાંની વર્ષોની માફક કેન્દ્રીય રાજકીય ભૂમિકા ભજવવામાં અસહજ જણાતું સૈન્ય તેમજ આંદોલનનું નેતૃત્વ રાજકીય રીતે પોતાનો માર્ગ શોધવાના પ્રયાસ કરી રહ્યા છે.”
બહારથી એવી આશા છે કે શાંતિપૂર્ણ સંક્રમણ ભણી ડગલાં ભરવામાં આવશે અને ભાવિ અસ્થિરતાના જોખમને ઘટાડવામાં આવશે.
કુગલમેને કહ્યું હતું, “વચગાળાની સરકારમાં બિન-રાજકીય લોકોને પ્રતિનિધિત્વ આપવાની માગણી પણ કરવામાં આવી રહી છે અને તે શાણપણભર્યો વિચાર છે, કારણ કે તેનાથી વર્તમાન રાજકીય અસ્થિરતામાં સંતુલન આવી શકે છે.”
દેશના લશ્કરી વડા વકર-ઉજ-જમાન વચગાળાની સરકારનો પ્રસ્તાવ પહેલાં જ રજૂ કરી ચૂક્યા છે. તેની રચના અને સંયોજન હજુ અસ્પષ્ટ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે વિરોધપ્રદર્શન દરમિયાન થયેલાં મોતની તપાસ કરવામાં આવશે.
દેશના ભાવિ સંબંધે સૈન્યની ભૂમિકા અસ્પષ્ટ છે. બાંગ્લાદેશનો ઇતિહાસ 1971માં તેના જન્મથી જ લશ્કરી બળવાઓથી છલોછલ છે.
વિદ્યાર્થી નેતાઓ કહી ચૂક્યા છે કે તેમને લશ્કરી શાસન સ્વીકાર્ય નથી. કેટલાકે પોતાના પ્રતિનિધિને સ્થાન આપવાનો આગ્રહ કર્યો છે.
દેશમાં ઘણા લોકોને કાયદો તથા વ્યવસ્થા અને શાંતિની સ્થાપનાની આશા છે. તેઓ સૈન્ય સહિતના અધિકારીઓનો ભરોસો કરે છે.
મહમદ યુનૂસ કોણ છે?
અનેક સપ્તાહ સુધી ચાલેલા જીવલેણ વિરોધપ્રદર્શનને પગલે શેખ હસીનાએ રાજીનામું આપ્યું અને તેઓ દેશ છોડીને ચાલ્યાં ગયાંના એક દિવસ પછી નોબલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મહમદ યુનૂસની નિમણૂક કરવામાં આવી હતી.
આ જાહેરાત બે મહત્ત્વના વિદ્યાર્થી સંકલનકર્તાઓ મોહમ્મદ નાહિદ ઇસ્લામ અને અબુ બકર મજુમદારે તેમને સાંકળવાની હાકલ કરી એ પછી કરવામાં આવી હતી.
વિદ્યાર્થી નેતાઓના નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું, “અમને આપણી વચગાળાની સરકારનો પ્રસ્તાવ રાખવામાં 24 કલાક થયા હતા. કટોકટીની સ્થિતિને ધ્યાનમાં લેતાં હવે અમે તેની રૂપરેખાની જાહેરાત કરી રહ્યા છીએ. અમે નોબલ પુરસ્કાર વિજેતા ડૉ. મહમદ યુનૂસને મુખ્ય સલાહકાર બનાવીને વચગાળાની સરકાર રચવાનો નિર્ણય કર્યો છે. ડૉ. યુનૂસ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય અને વિખ્યાત છે.”
રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીન, સૈન્યના નેતાઓ અને વિદ્યાર્થી નેતાઓ વચ્ચેની એક બેઠક બાદ ડૉ. મહમદ યુનૂસને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પ્રોફેસર યુનૂસે કહ્યું હતું, “આટલું મોટું બલિદાન આપી ચૂકેલા વિદ્યાર્થીઓ આ મુશ્કેલ સમયમાં મને આગળ આગવાની વિનંતી કરી રહ્યા છે તો હું તેનો ઇનકાર કેવી રીતે કરી શકું?”
પ્રોફેસર યુનૂસને માઇક્રો લૉન્સના ઉપયોગ માટે વખાણવામાં આવે છે, જ્યારે શેખ હસીનાને સાર્વજનિક દુશ્મન ગણવામાં આવે છે. પ્રોફેસર યુનૂસ હાલ જામીન પર છે. તેમણે એક કેસમાં કરવામાં આવેલી છ મહિનાની જેલસજાને રાજકારણ પ્રેરિત ગણાવી છે અને તેની સામે અપીલ કરી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે “ગરીબોના બૅન્કર” તરીકે ઓળખાતા પ્રોફેસર યુનૂસને લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં મદદ કરનાર માઇક્રો ફાઇનાન્સ લોનની અગ્રણી પ્રણાલી સ્થાપિત કરવાનું શ્રેય આપવામાં આવે છે.
પ્રોફેસર યુનૂસ અને તેમની ગ્રામીણ બૅન્કને આ કાર્ય માટે 2006માં નોબલ શાંતિ પુરસ્કારથી સંયુક્ત રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેમના વકીલોનું કહેવું છે કે પ્રોફેસર યુનૂસ પર શ્રમ કાયદાના ઉલ્લંઘન અને કથિત ભ્રષ્ટાચારના 100થી વધુ આરોપ છે. તેમને ટેકેદારોનું કહેવું છે કે તે આરોપો “રાજકારણ પ્રેરિત” છે.
વડાં પ્રધાન શેખ હસીનાએ પ્રોફેસર યુનૂસને એક વખત “ગરીબોનું લોહી ચૂસનાર” ગણાવ્યા હતા અને ગ્રામીણ બૅન્ક પર તોતિંગ વ્યાજ વસૂલવાનો આરોપ મૂક્યો હતો.
ભારતની ચાંપતી નજર
બાંગ્લાદેશનું મોટો પાડોશી ભારત પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
આ દરમિયાન અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું છે કે ભારતે બાંગ્લાદેશની સ્થિતિ પર નજર રાખવા એક સમિતિ બનાવાનો નિર્ણય લીધો છે. આ સમિતિ બાંગ્લાદેશી હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.
84 વર્ષના પ્રોફેસર યુનૂસનાં પ્રારંભિક નિવેદનો સાંભળીને ભારત બહુ ઉત્સાહિત નહીં હોય એવું કહેવું કદાચ યોગ્ય ગણાશે.
ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારને આપેલા એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાંના વિરોધપ્રદર્શનને “આંતરિક મામલો” ગણાવતા ભારતના નિવેદનથી તેમને “પીડા” થઈ છે.
શેખ હસીના ભારતની નજીક હોવાનું માનવામાં આવે છે. ભારત સાથે ઘનિષ્ઠ સંબંધ બાંધવા તેમણે પાછલાં વર્ષોમાં ઘણી મહેનત કરી છે.
યુનૂસે ભારતીય અખબારને કહ્યું હતું, “ભારત તેને આંતરિક મામલો ગણાવે છે ત્યારે મને દુઃખ થાય છે. ભાઈના ઘરમાં આગ લાગી હોય તો તેને હું આંતરિક મામલો કઈ રીતે કહી શકું? તેને આંતરિક મામલો ગણાવવાને બદલે કૂટનીતિમાં ઘણી સમૃદ્ધ શબ્દાવલી છે.”
બાંગ્લાદેશના એક વિશ્લેષકે પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે કહ્યુ હતું, “આગામી મહિનાઓ અને વર્ષોમાં જેમણે મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે તે વચગાળાની સરકારના વડા તેમના કાર્યકાળના આરંભે જ ભારત વિરુદ્ધ આવું નિવેદન કરે તે સારો સંકેત નથી.”
પ્રોફેસર યુનૂસ હવે રાજકીય પક્ષો, વિદ્યાર્થી નેતાઓ, નાગરિક સમાજના પ્રતિનિધિઓ અને સૈન્ય સાથે મળીને આગામી થોડા દિવસોમાં વચગાળાની સરકારની રચના કરશે તેવી આશા છે.
નિરીક્ષકો માને છે કે નવા વચગાળાના પ્રધાનમંડળની રચનાને પગલે હિંસામાં ઘટાડો થવાની શક્યતા છે.
દક્ષિણ એશિયામાં ચીનની વધતી આર્થિક, રાજદ્વારી અને રાજકીય તાકાતથી ભારત ચિંતિત છે. ભારત દક્ષિણ એશિયાને પોતાનું પ્રભાવ ક્ષેત્ર ગણે છે.
ભારત માટે બાંગ્લાદેશ એક પાડોશી દેશ જ નથી. તે વ્યૂહાત્મક ભાગીદાર અને ગાઢ સહયોગી પણ છે.
બાંગ્લાદેશમાંની ઘટનાઓ પર ભારત ચાંપતી નજર રાખશે.
આર્થિક મંદી
બાંગ્લાદેશના શુભેચ્છકોને હિંસા ઓસરવાની આશા છે ત્યારે ભારતના ભૂતપૂર્વ રાજદૂત સર્વજિત ચક્રવર્તીએ જણાવ્યું હતું કે હિંસાનું ચાલુ રહેવું “ખતરનાક” હશે.
તેમણે કહ્યું હતું, “લૉકડાઉન પછી સામાન્ય લોકો ખરાબ આર્થિક મંદીના ભરડામાં જકડાયેલા છે. અર્થતંત્રને ઊર્જા આપતું ઍક્સપોર્ટ માર્કેટ અમેરિકા તથા યુરોપ બન્નેના માર્કેટ્સ બન્નેમાં સંકોચાઈ ગયું છે. તેને કારણે અર્નિંગ્ઝમાં મોટો ઘટાડો થયો છે. ભ્રષ્ટાચારના આરોપો તેમાં વધારો કર્યો છે અને તેને કારણે લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો છે.”
શેખ હસીનાના નેતૃત્વમાં બાંગ્લાદેશનું અર્થતંત્ર મજબૂત થયું હતું અને આવકમાં વૃદ્ધિ થઈ હતી, પરંતુ કોવિડ મહામારીએ દેશને આકરો ફટકો માર્યો હતો. તેનાથી આર્થિક તણાવ અને બેરોજગારીમાં વધારો થયો હતો.
સર્વજિત ચક્રવર્તીએ કહ્યું હતું, “હિંસામાં ઘટાડો થવાની આશા છે, કારણ કે દેશ સૈન્યના નિયંત્રણમાં છે અને વિરોધ પક્ષ બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટી, જમાતે ઇસ્લામી, નાગરિક સમાજ, વિદ્યાર્થીઓ તથા સૈન્ય સહિતના તમામ હિતધારકો સાથે હોવાથી વચગાળાની સરકારની રચના થશે. તેનાથી પરિસ્થિતિ સ્થિર થવાની અને સરકારી ગતિવિધિ ફરી શરૂ થવાની આશા છે.”
બાંગ્લાદેશ નૅશનલિસ્ટ પાર્ટીનું નેતૃત્વ, શેખ હસીનાના કટ્ટર વિરોધી ખાલેદા ઝિયા કરી રહ્યાં છે.
દિલ્હીની ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય મામલાઓના પ્રોફેસર શ્રીરાધા દત્તા પણ માને છે કે એક વખત લોકોનો ગુસ્સો શાંત થઈ જશે તો કદાચ એક જ સપ્તાહમાં શાંતિ સ્થપાઈ જશે.
તેમણે કહ્યું હતું, “મુજીબુર રહેમાનની પ્રતિમાને અપવિત્ર કરવામાં આવી એ દૃશ્યોના આધારે બાંગ્લાદેશનું આકલન ન કરવું જોઈએ.”
શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાન અને તેમના પરિવારના મોટા ભાગના સભ્યોની 1971માં પાકિસ્તાનથી મુક્તિના યુદ્ધ બાદ 1975માં થયેલા સૈન્ય બળવામાં હત્યા કરવામાં આવી હતી.
પ્રોફેસર દત્તાએ કહ્યું હતું, “બાંગ્લાદેશી યુવાઓ આજે પણ મુજીબને એક રાષ્ટ્રીય પ્રતીક અને નાયક માને છે. તેમાં કોઈ ફેરફાર નહીં થાય. સત્ય એ છે કે શેખ હસીનાએ તે મુક્તિ યુદ્ધની ઘટનાની એટલી અતિશયોક્તિ કરી કે તેનાથી આટલો રોષ પેદા થયો હતો. તેમ છતાં 1971ના યુદ્ધનાં પ્રતીકો ફરી રજૂ થયાં હતાં, ગીતો ગવાયાં હતાં. પ્રારંભિક ઊભરો શાંત થશે પછી બાંગ્લાદેશ ફરી પોતાના પગ પર ઊભો થઈ જશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન