You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઑલિમ્પિક મેડલ વિજેતાઓને કેટલા પૈસા મળે છે અને ગોલ્ડ મેડલની કિંમત શું હોય છે?
ઍથેન્સમાં 1896માં આધુનિક ઑલિમ્પિક ગેઇમ્સનો પ્રારંભ થયો ત્યારે તેમાં શોખથી રમત રમતા ખેલાડીઓ જ ભાગ લેતા હતા. કોઈ પ્રૉફેશનલ ઍથ્લીટ્સ તેમાં ભાગ લેતા ન હતા અને તેમાં નાણાકીય ઇનામો પણ મળતાં ન હતાં.
જોકે, પેરિસ 2024 ઑલિમ્પિકમાં એવા ઍથ્લીટ્સ ભાગ લઈ રહ્યા છે, જેઓ વર્ષે લાખો ડૉલર કમાય છે અને એવા ખેલાડીઓ પણ છે કે જેમણે તાલીમના ખર્ચ માટે પણ કોઈની મદદ લેવી પડે છે.
સ્પૉન્સરશિપથી માંડીને પોતાના દેશમાંથી મળતી ઇનામી રકમ એમ અનેક સ્રોતોમાંથી ઑલિમ્પિકના સ્પર્ધકો કમાણી કરી શકે છે અને હવે તો ઑલિમ્પિકમાં પણ ઇનામ આપવામાં આવે છે.
અલબત, તમામ રમતોમાં રમતવીરોને ઇનામ આપવામાં આવતું નથી. તેથી ઑલિમ્પિક ગેઇમ્સ દ્વારા થતા નફાની ઉત્તમ વહેંચણી કેવી રીતે કરવી તે બાબતે મોટો વિવાદ સર્જાયો છે.
પેરિસ 2024 ઑલિમ્પિકની કુલ 32 સ્પોર્ટ્સ પૈકીની માત્ર બે – બૉક્સિંગ અને ઍથ્લેટિક્સમાં ભાગ લેનારા ખેલાડીઓને જ પુરસ્કાર આપવામાં આવશે.
વિશ્વમાં ઍથ્લેટિક્સનું સંચાલન કરતી સંસ્થા વર્લ્ડ ઍથ્લેટિક્સે પેરિસ ઑલિમ્પિકના થોડા સમય પહેલાં આશ્ચર્યજનક જાહેરાત કરી હતી કે ઍથ્લેટિક્સ ઇવેન્ટ્સના ગોલ્ડ મેડલ વિજેતાઓને 50,000 ડૉલરનું ઇનામ આપવામાં આવશે.
ઇન્ટરનેશનલ બૉક્સિંગ ઍસોસિયેશન(આઈબીએ)ને ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી(આઈઓસી)એ માન્યતા આપી નથી અને તેના થકી ટૉક્યો 2020 ઑલિમ્પિકમાં બૉક્સિંગ સ્પર્ધાનું આયોજન નથી થયું. પરંતુ થોડા સપ્તાહ પહેલાં આઈબીએએ જાહેરાત કરી હતી કે ગોલ્ડ મેડલ વિજેતાઓને તે એક લાખ ડૉલરનું ઇનામ આપશે.
જોકે, આઈબીએએ સ્પષ્ટતા કરી હતી કે ઇનામી રકમના 25 ટકા બૉક્સરના મૂળ ફેડરેશનને અને બીજા 25 ટકા તેના ટ્રેનરને આપવાના રહેશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બન્ને સ્પોર્ટ્સમાં સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ વિજેતાઓને પણ ઇનામ મળશે, પરંતુ ઇનામી રકમ ઘણી ઓછી હશે. બૉક્સિંગમાં પાંચમા સ્થાને રહેલા બૉક્સરને પણ થોડા પૈસા મળશે.
હકીકત એ છે કે આ ઍવૉર્ડ આઈઓસી નહીં, પરંતુ બન્ને સ્પોર્ટ્સનાં ઇન્ટરનેશનલ ફેડરેશન આપવાનાં છે.
આ ઇનામની ચૂકવણી માટે વર્લ્ડ ઍથ્લેટિક્સ ઑલિમ્પિક ગેઇમ્સમાં થતા આર્થિક નફાના ભાગરૂપે આઈઓસી પાસેથી મળેલાં કેટલાંક નાણાંનો ઉપયોગ કરે છે.
અગાઉ આ નાણાં ઍથ્લીટ્સના વ્યાપક વિકાસ કાર્યક્રમો માટે ખર્ચવામાં આવતાં હતાં ત્યારે કેટલાક લોકો સવાલ કરે છે કે ઇનામ આપવાનો નિર્ણય યોગ્ય છે કે કેમ?
કોવેન્ટ્રી યુનિવર્સિટીના સૅન્ટર ફૉર બિઝનેસ ઇન સોસાયટીના ટૉમ બેસને બીબીસીને કહ્યું હતું, “પૈસા વિજેતાઓને જ મળે છે એ હકીકત તે વિચારની પુષ્ટિ કરે છે કે સૌથી પ્રસિદ્ધ ઍથ્લીટ્સને જ કમાણી થાય છે.”
તેમણે ઉમેર્યું હતું, “જે લોકો પહેલેથી જ ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ્સ જીતી રહ્યા છે તેમની પાસે પહેલાંથી જ જંગી સ્પૉન્સરશિપ ડિલ્સ હોય તેવી શક્યતા છે.”
બેસન માને છે કે આ પૈસાનો ઉપયોગ ઍથ્લીટ્સના બહેતર વિકાસ માટે થવો જોઈએ અને નાણાં પોતાની કારકિર્દીના ચરમ પર હોય તેવા ઍથ્લીટ્સને નહીં, પરંતુ યુવા ઍથ્લીટ્સને આપવા જોઈએ.
ઑલિમ્પિક ચૅમ્પિયન્સને પણ વધારાના પૈસાનો લાભ મળી શકે. 2017માં એવું બહાર આવ્યું હતું કે આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સમાં પોતાની કારકિર્દી દરમિયાન ચાર ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા રશિયાના એક દંતકથારૂપ ખેલાડી ઓલ્ગા કોર્બુટે ત્રણ મેડલ 3,33,000 ડૉલરમાં વેચવા પડ્યા હતા.
ઍથ્લીટ્સ માટે ભંડોળનો સ્રોત આઈઓસી છે, પરંતુ બૉક્સિંગમાં ઇનામી રકમનો સ્રોત ઓછો સ્પષ્ટ છે.
આઈબીએની કામગીરીમાં “નાણાકીય સ્પષ્ટતાના અભાવે” આઈઓસીએ તેને અપ્રમાણિત કર્યું છે.
આઈઓસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું, “કાયમ બને છે તેમ આઈબીએ પાસે પૈસા ક્યાંથી આવે છે તે સ્પષ્ટ નથી.”
“ઇનામો આપવાની આઈબીએની જાહેરાત ઑલિમ્પિક ગેઇમ્સ સાથે સંકળાયેલા રહેવાની અને આંતરરાષ્ટ્રીય સ્તરે સુસંગત રહેવાની વ્યૂહરચના હોઈ શકે છે.”
રાષ્ટ્રીય ગૌરવ
બ્રાઝિલ, મૅક્સિકો અને કોલંબિયા જેવા લેટિન અમેરિકન દેશો ઑલિમ્પિક મેડલ વિજેતાઓને નાણાકીય પુરસ્કારો આપે છે.
દાખલા તરીકે, મૅક્સિકો ગોલ્ડ મેડલ વિજેતાઓને 1,54,000 ડૉલર્સ, સિલ્વર મેડલ વિજેતાઓને 1,03,000 ડૉલર્સ અને બ્રૉન્ઝ મેડલ વિજેતાઓને 52,000 ડૉલર્સ ઇનામ આપે છે.
કોલંબિયામાં તે આંકડો થોડો ઓછો છે. ત્યાં ગોલ્ડ મેડલ વિજેતાઓને 82,000 ડૉલર્સ અને (જિમ્નાસ્ટ એન્જેલ બરાજાસ જેવા) સિલ્વર મેડલ વિજેતાઓને 42,000 ડૉલર આપવામાં આવે છે.
બ્રાઝિલનાં રેબેકા એન્ડ્રેડે આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સની ફ્લોર ઇવેન્ટમાં અદ્ભુત પ્રદર્શન કર્યું હતું. તેમને બ્રાઝિલ સરકાર તરફથી લગભગ 65,000 ડૉલર મળશે.
વૈશ્વિક સ્તરે સિંગાપુર તેના ગોલ્ડ મેડલ વિજેતાઓને સૌથી વધુ નાણાં આપતો દેશ હોવાનું માનવામાં આવે છે.
દાખલા તરીકે, સિંગાપુરના ઑલિમ્પિક ચૅમ્પિયનને લગભગ 7,50,000 ડૉલર્સ આપવામાં આવશે.
ફ્રાન્સમાં દરેક ગોલ્ડ મેડલ વિજેતા માટેની ઇનામી રકમ 80,000 ડૉલર છે, જ્યારે મોરોક્કોના આવા વિજેતાઓને બે લાખ ડૉલર મળવાની આશા છે.
અમેરિકામાં ગોલ્ડ મેડલ વિજેતાઓને લગભગ 37,000 ડૉલર્સ મળે છે.
બ્રિટન જેવા અન્ય દેશો પણ છે, જેઓ કોઈ રોકડ ઇનામ આપતા નથી.
તેનાથી વિપરીત, બ્રિટિશ ટીમ ઑલિમ્પિક ગેઇમ્સ પહેલાં ફંડિંગ શેડ્યૂલ કરે છે અને ગોલ્ડ મેડલ જીતવાની ઉચ્ચ શક્યતા ધરાવતા સ્પર્ધકો લગભગ 36,000 ડૉલર પ્રાપ્ત કરી શકે છે.
આ આંકડાઓ કોઈ પણ રીતે નગણ્ય નથી, પરંતુ સૌથી વિખ્યાત રમતવીરો જેટલી કમાણી કરે છે તેની નજીક સુદ્ધાં નથી.
બેસને કહ્યું હતું, “પેરિસ 2024માં અમેરિકન બાસ્કેટબૉલ ટીમની જેમ નોંધપાત્ર પગાર મેળવતા ઍથ્લીટ્સથી માંડીને પોતાના ખર્ચને પહોંચી વળવા માટે પાર્ટ-ટાઈમ નોકરી કરતા હોય તેવા ઍથ્લીટ્સ પણ છે.”
સ્ટાર ઍથ્લિટ્સ
ફૉર્બ્સ સામયિક દ્વારા પ્રકાશિત સૌથી ઘનાઢ્ય ખેલાડીઓની વાર્ષિક યાદી અનુસાર, પેરિસ 2024માં સૌથી વધુ કમાણી કરનાર ઍથ્લીટ સ્પેનિશ ગૉલ્ફર જોન હરમ છે.
સામયિકનો અંદાજ છે કે જોન રહમે ગયા વર્ષે 21.8 કરોડ ડૉલરની કમાણી કરી હતી. એ પૈકીનાં મોટાં ભાગનાં નાણાં સાઉદી પ્રોત્સાહિત વિવાદાસ્પદ લિવ ગૉલ્ફ ટૂરમાંથી આવ્યાં હતાં.
બીજા હાઈએસ્ટ પેઈડ ખેલાડી અમેરિકાના સ્ટાર બાસ્કેટબૉલ ખેલાડીઓ પૈકીનો એક લેબ્રોન જેમ્સ છે તેમાં આશ્ચર્યજનક કશું નથી.
લેબ્રોન જેમ્સે 12.8 કરોડ ડૉલરની કમાણી કરી હોવાનું માનવામાં આવે છે.
ગૉલ્ફ અને બાસ્કેટબૉલ જેવી રમતોમાં જંગી પ્રમાણમાં નાણાં મળતાં હોવાને કારણે ઑલિમ્પિકમાં ભાગ લેવાથી રેહમ અને જેમ્સની આવક પર બહુ ઓછી અસર થાય છે, પરંતુ મેડલ જીતવાથી લો-પ્રોફાઇલ ઍથ્લીટ્સને દીર્ઘ પ્રતિક્ષિત નાણાં જરૂર મળી શકે છે.
ઍથ્લીટ્સ તેમના સ્પૉન્સરશિપ કૉન્ટ્રેક્ટમાં એવી કલમ પણ ઉમેરતા હોય છે કે તેઓ વિજેતાપદે પહોંચશે તો સ્પૉન્સર્સે તેમને બોનસ આપવું પડશે.
સામાન્ય રીતે આવી શરતો ગોપનીય હોય છે, પરંતુ 2016માં નાઇકી અને ન્યૂ બેલેન્સ વચ્ચેના કાનૂની વિવાદમાં એવું બહાર આવ્યું હતું કે અમેરિકન દોડવીર બોરિસ બેરિયન ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતે તો તેને દોઢ લાખ ડૉલર સ્પૉન્સરે આપવાના હતા.
બેસને કહ્યું હતું, “મને લાગે છે કે ઍથ્લીટ્સ, અમેરિકાના ટોચના ખેલાડી કે યુરોપિયન ટીમો માટે રમતા સૉકર ખેલાડીઓ સામે જોઈને ઘણા લોકો વિચારતા હોય છે કે એ બધાં અઠવાડિયાંમાં એકથી બે લાખ ડૉલરની કમાણી કરતા હશે. હકીકતમાં એવું નથી.”
તેમણે ઉમેર્યું હતું, “ઘણા ઍથ્લીટ્સ તેની પ્રાપ્તિ માટે સંઘર્ષ કરી રહ્યા છે. થોડાં વર્ષો પહેલાં ઑસ્ટ્રેલિયામાં એક સંશોધન થયું હતું. તેમાં જાણવાં મળ્યું હતું કે 2023માં ઑલિમ્પિક માટે તાલીમ લઈ રહેલા 40 ટકા ઍથ્લીટ્સ પાર્ટ-ટાઇમ કે ફૂલટાઇમ નોકરી કરતા હતા.”
અમેરિકામાં વિશ્વના ઘણા ધનિક સ્પોર્ટ્સસ્ટાર્સ રહે છે. ત્યાં પણ ઘણા સ્પર્ધકો પ્રયાસરત્ છે.
દેશની ઑલિમ્પિક અને પૅરાલિમ્પિક કમિટીના તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે વર્તમાન ઍથ્લીટ્સ પૈકીના 26.5 ટકાની વાર્ષિક કમાણી 15,000 ડૉલરથી ઓછી છે.
ભાવિ પરિવર્તન
બેસને કહ્યું હતું, “ચંદ્રક વિજેતાઓને ઇનામ આપવાનું દબાણ ફેડરેશન્શ પર ચોક્કસ હશે.”
જોકે, તેને લીધે મીડિયામાં ઓછી પ્રસિદ્ધિ મેળવતી અને એ કારણે ઓછા પૈસા મળતા હોય તેવી સ્પોર્ટસ ઇવેન્ટ્સ માટે સમસ્યા સર્જાઈ શકે છે.
બેસને સમજાવ્યું હતું, “ઍથ્લેટિક્સ અને ઇન્ટરનેશનલ બૉક્સિંગ એ વિશ્વની સર્વોચ્ચ હાઈ પ્રોફાઇલ રમતો છે.”
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ બે એવી સ્પોર્ટ્સ છે, જેમાં સ્પૉન્સર્સ અને ઍન્ડોર્સમેન્ટ્સ દ્વારા વધારાનું ભંડોળ મેળવવાનું સરળ હોય છે.
“કેનોઈંગ જેવી અન્ય સ્પોર્ટસમાં તેમના ઍથ્લીટ્સને ચૂકવણી કરવાનું દબાણ નહીં હોય તો તેઓ તે સરળતાથી કરી શકશે નહીં,” એવી ચેતવણી તેમણે આપી હતી.
પેરિસ 2024 ઑલિમ્પિકના ચૅમ્પિયનો કમસેકમ એ વાતનું આશ્વાસન લઈ શકશે કે તેઓ આ વર્ષની ગેઇમ્સમાં વિજયી બનશે તો તેમને ગોલ્ડ મેડલ તો મળશે જ.
મેડલની કિંમત શું છે?
આ વર્ષના વિજેતાના મેડલમાં 505 ગ્રામ ચાંદી અને છ ગ્રામ સોનું છે. (ગોલ્ડ મેડલ્સ છેક 1912થી નક્કર સોનામાંથી બનાવવામાં આવતા નથી) તેનું કુલ મૂલ્ય 950 ડૉલર છે.
અલબત, પેરિસ ઑલિમ્પિકના ચૅમ્પિયનોને આશા છે કે તેમના વિજયની સ્મૃતિઓ અમૂલ્ય સાબિત થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન