ઑલિમ્પિકમાં વધારે વજનને લીધે બહાર થયાં બાદ વીનેશ ફોગાટે કુસ્તીને કહ્યું અલવિદા

પેરિસ ઑલિમ્પિકમાં કુસ્તીના 50 કિલો ભાર વર્ગની ફાઇનલમાં વજન વધારે હોવાને કારણે અયોગ્ય જાહેર થયેલાં વીનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.

પેરિસ ઑલિમ્પિકમાંથી બહાર થયાં બાદ વીનેશ ફોગાટે સોશિયલ મીડિયામાં ટ્વીટ કર્યું, “મા કુસ્તી મારાથી જીતી ગઈ, હું હારી ગઈ. માફ કરજો તમારું સપનું, મારી હિમ્મત તૂટી ગઈ. હવે વધારે તાકાત નથી.”

વીનેશે લખ્યું છે, “અલવિદા કુસ્તી 2001-2024”

તેમણે એમ પણ લખ્યું, “હું તમામની ઋણી રહીશ, માફી.”

નોંધનીય છે કે વીનેશને જે કૅટેગરીમાં રમવાનું હતું, એમાં એમનું વજન લગભગ 100 ગ્રામ વધારે રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. વીનેશના અયોગ્ય જાહેર થવાથી આ ઇવેન્ટમાં ભારતનું ગોલ્ડ કે સિલ્વર જીતવાનું સપનું અધૂરુ રહી ગયું છે.

પેરિસ ઑલિમ્પિક ફાઇનલમાં પહોંચતાં પહેલાં તેમણે એક જ દિવસમાં સતત ત્રણ મૅચ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે જાપાનનાં નંબર વન કુસ્તીબાજ સહિત ત્રણ ખેલાડીઓને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

ફોગાટે કુસ્તી અલવિદા કરી એ અંગે ભારતીય મહિલા પહેલવાન સાક્ષી મલીકે પ્રતિક્રિયા આપી છે.

સાક્ષી મલીકે સોશિયલ મીડિયા પર લખ્યું, "વીનેશ, તુ હારી નથી. એ તમામ દીકરી હારી, જેના માટે તું લડી અને જીતી."

તેમણે એવું પણ લખ્યું, "આ આખા ભારતની હાર છે. દેશ તારી સાથે છે. ખેલાડી તરીકે તારાં સંઘર્ષ અને જોમને સલામ."

આ પહેલાં હરિયાણાના સીએમ નાયબ સૈનીએ કહ્યું, "અમારી સરકારે એ નિર્ણય કર્યો છે કે વીનેશનું સ્વાગત અને અભિનંદન એક મેડલિસ્ટની જેમ જ કરવામાં આવશે."

તો ભારતીય પહેલવાન બજરંગ પુનિયાએ પણ કહ્યું, "વીનેશ તમે હાર્યાં નથી, હરાવાયાં છો. અમારા માટે તમે હંમેશાં વિજેતા રહેશો. તમે ભારતની દીકરી ઉપરાંત ભારતનું અભિમાન પણ છો."

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

વીનેશ કેમ ગેરલાયક ઠર્યાં?

વીનેશ ફોગાટે ઑલિમ્પિકની ફાઇનલમાં પહોંચીને કરોડો ભારતીયોનાં દિલ જીતી લીધાં હતાં પણ આ ખુશી વધુ સમય ટકી નહોતી શકી.

વીનેશ ફોગાટ પેરિસ ઑલિમ્પિકમાં વધુ વજન હોવાના કારણે અયોગ્ય જાહેર કરાયાં હતાં.

વીનેશ ફોગાટ મહિલાઓના 50 કિલો વજનની ફ્રિ સ્ટાઇલ સ્પર્ધામાં ઊતર્યાં હતાં. પણ ગુરુવારે સવારે જ્યારે તેમનું વજન કરાયું તો માન્ય વજન કરતાં કેટલાક ગ્રામ વધુ આવ્યું હતું.

ભારતીય ગ્રૂપે વીનેશના વજનને 50 કિલોગ્રામ સુધી લાવવા માટે થોડો સમય માગ્યો પણ અંતતઃ વીનેશ ફોગાટનું વજન માન્ય વજન કરતાં થોડું વધુ આવતાં તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યાં હતાં.

તેનો અર્થ એ છે કે 50 કિલોગ્રામ ભાર વર્ગની ઇવેન્ટના ફાઇનલ મુકાબલામાં વીનેશ બહાર થઈ ગયાં હતાં. જેને કારણે ઑલિમ્પિકમાં મેડલ જીતવાનું એમનું સપનું અધૂરું રહી ગયું હતું.

આ મામલે ભારતીય ઑલિમ્પિક સંઘે પણ આ મામલે ખેદ વ્યક્ત કર્યો હતો.

જાતીય સતામણી સામે લડતથી ઑલિમ્પિક સુધી

વીનેશ ફોગાટ એ પાંચ મહિલા કુસ્તીબાજો પૈકી એક હતાં જેમણે આ વર્ષે પેરિસ ઑલિમ્પિક માટે ક્વૉલિફાય કર્યું હતું.

પેરિસ ઑલિમ્પિકમાં ભાગ લેતાં પહેલાં તેમણે ભારતમાં જાતીય સતામણી સામે એક લાંબી લડત આપી હતી.

ગયા વર્ષે ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ રહેલા બૃજભૂષણશરણસિંહ પર જાતીય સતામણીના આરોપ લાગ્યા હતા અને કેટલાંક ભારતીય કુસ્તીબાજો સતત તેમની સામે વિરોધ કરી રહ્યા હતા. જોકે બૃજભૂષણશરણ સિંહ આરોપોને ફગાવતા આવ્યા છે.

કુસ્તીબાજ બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે પોતાના સરકારી સન્માન 'ખેલ રત્ન' અને 'અર્જુન પુરસ્કાર' દિલ્હીના ફૂટપાથ પર છોડી દીધાં હતાં. બંને કુસ્તીબાજોએ પોલીસને આ સન્માન વડા પ્રધાનને સોંપવાની વિનંતી કરી હતી

વીનેશ ફોગાટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક ખુલ્લો પત્ર પણ લખ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ મેડલ પરત આપી દેશે.

પત્રમાં તેમણે લખ્યું હતું, "આ પુરસ્કારોનો મારા જીવનમાં હવે કોઈ અર્થ નથી રહ્યો."

આની પહેલાં કુસ્તીબાજ સાક્ષી મલિકે રમતમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી અને કસ્તીબાજ બજરંગ પુનિયાએ પણ તેમને મળેલું પદ્મશ્રી સન્માન પરત આપી દીધું હતું.

આ મામલે બૃજભૂષણશરણ સિંહ વિરુદ્ધ આરોપ નક્કી કરી દેવામાં આવ્યા છે. અને દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટે પોતીની ટિપ્પણીમાં કહ્યું છે કે તેમની વિરુદ્ધ પર્યાપ્ત પુરાવા છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.