You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શેખ હસીનાએ બાંગ્લાદેશ કેમ છોડ્યું, શું તેઓ રાજકારણમાં પાછાં ફરશે, પુત્રએ બીબીસીને શું કહ્યું?
શેખ હસીનાએ બાંગ્લાદેશના વડા પ્રધાન પદેથી રાજીનામું આપીને દેશ છોડી દીધો છે. એવા અહેવાલો છે કે દેશ છોડતી વખતે તેમના બહેન રેહાના પણ હતાં.
બીબીસી બાંગ્લા અનુસાર શેખ હસીના ભારતના અગરતલા આવવા માટે હૅલિકોપ્ટરથી રવાના થયાં હતાં.
બીબીસી વર્લ્ડ સર્વિસના ન્યૂઝઅવર કાર્યક્રમમાં તેમના પુત્ર સજીબ વાજિદ જૉયે જણાવ્યું છે કે તેમનાં માતાએ રવિવારે જ આ પદ છોડવાનું નક્કી કરી લીધું હતું.
બાંગ્લાદેશના સેનાધ્યક્ષ વકાર-ઉઝ-ઝમાને ટીવી પર રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું હતું કે વચગાળાની સરકાર બનશે. તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનને મળીને કોઈ સમાધાન આવે એવી કોશિશ કરી રહ્યા છે.
બાંગ્લાદેશમાં અનામતને લઈને ચાલી રહેલું આંદોલન સોમવારે વધુ વ્યાપક થઈ ગયું હતું.
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ હતી. બીબીસી બાંગ્લા સંવાદદાતાઓ અનુસાર, ઢાકામાં મોટાપાયે લૂંટની ઘટનાઓ બની હતી.
હજારો વિરોધીઓએ વડાં પ્રધાન શેખ હસીનાના સત્તાવાર નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો.
ઘણી તસવીરોમાં જોવા મળે છે કે લોકો ઘરમાં રહેલી વસ્તુઓને લઈ ગયા હતા. તસ્વીરોમાં લોકો સોફા પર બેસીને ફોટા પાડતા અને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, સોમવારની હિંસામાં અત્યાર સુધીમાં 20 લોકોનાં મોત થયાં છે. ઢાકાની મેડિકલ કૉલેજમાં હાજર પોલીસ ઇન્સ્પેક્ટર બચ્ચુ મિયાએ એજન્સીને જણાવ્યું હતું કે 20 મૃતદેહો ત્યાં પહોંચ્યા હતા.
ઢાકામાં શું-શું બન્યું?
આ પહેલાં સોમવારે વિદ્યાર્થી નેતાઓ દ્વારા આપવામાં આવેલા 'લોંગ માર્ચ ટુ ઢાકા'ના કોલ પર હજારો લોકોએ ઢાકાના ઉપનગરીય વિસ્તારો તરફ કૂચ કરી હતી.
ઢાકાના મોહાખાલી અને મીરપુર વિસ્તારમાં હાજર બીબીસી બાંગ્લા સંવાદદાતાઓ અનુસાર, હજારો લોકો પગપાળા અને રિક્ષામાં શાહબાગ તરફ કૂચ કરી રહ્યા હતા.
પદયાત્રા કરનારાઓ પૈકી મોટી સંખ્યામાં મહિલાઓ હતી.
શાહબાગ વિસ્તાર શહેરનું મુખ્ય પરિવહન હબ અને કેન્દ્ર છે, જેમાં અનેક ઉદ્યાનો અને યુનિવર્સિટીઓ છે.
સેનાના જવાનો સડકો પર તહેનાત છે પરંતુ તેણે કૂચ કરનારાઓને રોક્યા નહોતા અને બપોરથી જ શેરીઓમાં પોલીસની બહુ ઓછી હાજરી જોવા મળી હતી.
ઢાકાના મધ્ય વિસ્તારમાં મોટા પાયે આગજનીની ઘટનાઓ બની હતી. પ્રદર્શનકારીઓએ અવામી લીગની ઑફિસ, મુજીબ મ્યુઝિયમ, પોલીસ બિલ્ડીંગને આગ ચાંપી દીધી હતી. શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાનની પ્રતિમાની પણ તોડફોડ કરવામાંં આવી હતી.
શેખ હસીનાના પુત્રએ કહ્યું, “મારા અને મારા પરિવારની સીમા પૂર્ણ થઈ ગઈ”
બાંગ્લાદેશ છોડી ગયેલાં વડાં પ્રધાન શેખ હસીનાના પુત્રએ બીબીસીને કહ્યું હતું કે, “તેઓ તેમની ઉંમરના સાત દાયકા વટાવી ચૂક્યાં છે. દેશ માટે તેમણે કરેલી મહેનત બાદ તેઓ નાખુશ છે. મને લાગે છે કે બસ, હવે તેમનાથી વધુ કંઈ થઈ શકશે નહીં. હું અને મારો પરિવાર બંનેની હવે સીમા આવી ગઈ છે.”
બીબીસી વર્લ્ડ સર્વિસના ન્યૂઝઅવર પ્રોગ્રામમાં સજીબ વાજિદ જૉયે વાતચીત કરી હતી. તેઓ અત્યાર સુધી બાંગ્લાદેશના વડાં પ્રધાનનાં ઇન્ફોર્મેશન અને કમ્યૂનિકેશન ટેકનૉલૉજી વિષયના અધિકૃત સલાહકાર હતા.
તેમણે કહ્યું હતું કે તેમનાં માતા રવિવારથી જ રાજીનામું આપવાનું વિચારી રહ્યાં હતાં. તેમણે પોતાની સુરક્ષા માટે દેશ છોડી દીધો છે કારણ કે તેમના પરિવારે તેમને આમ કરવાનું કહ્યું હતું.
તેમણે શેખ હસીનાના કાર્યકાળની તરફેણ કરતાં કહ્યું હતું કે, “તેમણે છેલ્લાં 15 વર્ષમાં બાંગ્લાદેશની સિકલ બદલી છે. જ્યારે તેમણે બાંગ્લાદેશની ધુરા સંભાળી ત્યારે બાંગ્લાદેશને લોકો નિષ્ફળ રાષ્ટ્ર તરીકે ગણતા હતા. એ ગરીબ દેશ હતો. અત્યાર સુધી આ દેશ ‘રાઇઝિંગ ટાઇગર ઑફ એશિયા’ તરીકે ઓળખાતો હતો. તેઓ ખૂબ દુ:ખી છે.”
તેમણે એ આરોપોને ફગાવ્યા હતા કે તેમની સરકારે પ્રદર્શનકારીઓ સાથે કડકાઈભર્યું વલણ દાખવ્યું છે. “લોકોએ પોલીસને પણ માર્યા છે, 13 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે ટોળું પોલીસને માર મારી રહ્યું હોય ત્યારે તમે પોલીસ પાસેથી શું આશા રાખો? ”
તેમણે એમ પણ કહ્યું હતું કે શેખ હસીના હવે કોઈ રાજકીય પુનરાગમન નહીં કરે, “તેઓ તેમણે કરેલી મહેનત પછી દુ:ખી છે. મને લાગે છે કે હવે બહુ થયું, હવે બસ.”
આર્મી ચીફે શું કહ્યું?
આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને મીડિયાને સંબોધતા કહ્યું કે દેશમાં વચગાળાની સરકારની સ્થાપના કરવામાં આવશે.
સેનાધ્યક્ષે કહ્યું કે તેમણે દેશના વિપક્ષ સાથે વાત કરી છે. હજુ એ સ્પષ્ટ નથી કે સરકારનું નેતૃત્વ કોણ કરશે.
રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે આર્મી ચીફે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
સેના પ્રમુખે કહ્યું કે બાંગ્લાદેશમાં આંદોલનમાં માર્યા ગયેલા લોકોને ન્યાય મળશે.
બાંગ્લાદેશ સરકારે સમગ્ર દેશમાં ઇન્ટરનેટ શટડાઉન કરી દીધું છે.
શેખ હસીના ભારત કેમ આવ્યાં?
વકાર-ઉઝ-ઝમાને કહ્યું હતું કે તેઓ બાંગ્લાદેશના લોકોને ન્યાય અપાવશે જેની માંગ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો કરી રહ્યા હતા.
રિપોર્ટ અનુસાર શેખ હસીના ભારત પહોંચી ગયાં છે.
કેટલાંક વર્ષોથી ભારત શેખ હસીનાનો સૌથી મોટો સહયોગી દેશ રહ્યો છે અને બંને માટે સારાં પરિણામો રહ્યાં છે.
બાંગ્લાદેશ અને ભારતનાં કેટલાંક ઉત્તર પૂર્વનાં રાજ્યો સરહદથી જોડાયેલાં છે. ભારતનાં ઉત્તર પૂર્વનાં કેટલાંક રાજ્યોમાં હિંસા થતી આવી છે જેમાં બાંગ્લાદેશ ભારત માટે મદદરૂપ થાય છે.
શેખ હસીનાએ પોતાના કાર્યકાળમાં બાંગ્લાદેશમાં ભારતવિરોધી ઉગ્રવાદી જૂથોને ડામ્યાં છે જેને કારણે દિલ્હી સાથે તેમની મિત્રતા ગાઢ બની છે. તેમણે ભારતને ટ્રાન્ઝિટ રાઇટ્સ આપ્યા છે જેથી આ રાજ્યો સુધી ત્યાંનો સામાન પહોંચાડી શકાય.
હસીના 1996માં પ્રથમ વખત ચૂંટાયાં ત્યારથી તેમણે ભારત સાથે નિકટના સંબંધો જોડ્યા છે અને ઢાકા તથા દિલ્હીના નિકટના સંબંધને વાજબી ઠેરવતાં આવ્યાં છે.
2022માં ભારતના પ્રવાસ દરમિયાન તેમણે બાંગ્લાદેશના લોકોને યાદ અપાવ્યું હતું કે કેવી રીતે ભારતે, તેની સરકાર, લોકો અને સૈન્યે 1971માં આઝાદી મેળવવામાં બાંગ્લાદેશની મદદ કરી હતી.
દિલ્હી સાથે તેમની નિકટતા અને ભારત તરફથી તેમને મળતા સમર્થનની વિપક્ષનાં દળો અને કાર્યકર્તાઓ ટીકા કરતા આવ્યાં છે. તેમનું કહેવું છે કે ભારતે બાંગ્લાદેશના લોકોને સમર્થન આપવું જોઈએ, કોઈ એક પાર્ટીને નહીં.