બાંગ્લાદેશ : ઢાકામાં મોટાપાયે લૂટફાટ, શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ 'વચગાળાની સરકાર બનશે'

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બીબીસી બાંગ્લા સંવાદદાતા અનુસાર પ્રદર્શનકારીઓએ ગૃહમંત્રીના આવાસ પર પણ તોડફોડ કરી છે અને શહેરમાં મોટા પાયે લૂટફાટ ચાલી રહી છે.

આની પહેલાં દેશના સેના પ્રમુખે લોકોને શાંતિ જાળવી રાખવાની વિનંતી કરી હતી

બીબીસી બાંગ્લા સેવા અનુસાર ગૃહમંત્રીના ઘરથી ધુમાડો નીકળતા જોઈ શકાય છે.

બાંગ્લાદેશમાં સેના પ્રમુખ જનરલ વકારે દેશને સંબોધિત કરતા કહ્યું છે કે દેશમાં એક વચગાળાની સરકારની સ્થાપના થશે. તેના માટે અલગ-અલગ પક્ષો સાથે વાત કરવામાં આવી રહી છે.

બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધો છે અને ભારતના અગરતલા તરફ શેખ આવી રહ્યાં છે. બીબીસી બાંગ્લાએ આ વાતની પુષ્ટિ કરી છે.

પત્રકારોના જણાવ્યા અનુસાર શેખ હસીનાનાં બહેન પણ તેમની સાથે ફ્લાઇટમાં હતાં. પત્રકારોના જણાવ્યા અનુસાર પ્રદર્શનકારીઓએ શેખ હસીનાના અધિકૃત નિવાસસ્થાને હુમલો કરી દીધો છે.

આ દરમિયાન શેખ હસીનાના અધિકૃત નિવાસસ્થાને પ્રદર્શનકારીઓએ લૂંટ મચાવી હોવાની તસવીરો સામે આવી છે.

કેટલાક પ્રદર્શનકારીઓ ખુરશીઓ અને સોફા લઈને જઈ રહ્યા હોવાનું જોઈ શકાય છે.

શેખ હસીના ભારત તરફ કેમ આવી રહ્યાં છે?

બાંગ્લાદેશના સેનાધ્યક્ષ વકાર-ઉઝ-ઝમાને ટીવી પર રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે વચગાળાની સરકાર બનશે. તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનને મળવા જઈ રહ્યા છે અને તેઓ આજે કોઈ સમાધાન આવે એવી આશા રાખી રહ્યા છે.

સેનાધ્યક્ષે કહ્યું કે તેમણે દેશના વિપક્ષ સાથે વાત કરી છે. હજુ એ સ્પષ્ટ નથી કે સરકારનું નેતૃત્વ કોણ કરશે.

વકાર-ઉઝ-ઝમાને કહ્યું કે તેઓ બાંગ્લાદેશના લોકોને ન્યાય અપાવશે જેની માગ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો કરી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર શેખ હસીના સુરક્ષા માટે ભારત આવી રહ્યાં છે.

કેટલાંક વર્ષોથી ભારત શેખ હસીનાનું સૌથી મોટો સહયોગી દેશ રહ્યો છે અને બંને માટે સારાં પરિણામ રહ્યાં છે.

બાંગ્લાદેશ અને ભારતનાં કેટલાંક ઉત્તર પૂર્વનાં રાજ્યો સરહદથી જોડાયેલાં છે. ભારતનાં ઉત્તર પૂર્વનાં કેટલાંક રાજ્યોમાં હિંસા થતી આવી છે જેમાં બાંગ્લાદેશ ભારત માટે મદદરૂપ થાય છે.

શેખ હસીનાએ પોતાના કાર્યકાળમાં બાંગ્લાદેશમાં ભારતવિરોધી ઉગ્રવાદી જૂથોને ડામ્યાં છે જેને કારણે દિલ્હી સાથે તેમની મિત્રતા ગાઢ બની છે. તેમણે ભારતને ટ્રાન્ઝિટ રાઇટ્સ આપ્યા છે જેથી આ રાજ્યો સુધી ત્યાંનો સામાન પહોંચાડી શકાય.

હસીના 1996માં પ્રથમ વખત ચૂંટાયાં ત્યારથી તેમણે ભારત સાથે નિકટના સંબંધો જોડ્યા છે અને ઢાકા તથા દિલ્હીના નિકટના સંબંધને વાજબી ઠેરવતાં આવ્યાં છે.

2022માં ભારતના પ્રવાસ દરમિયાન તેમણે બાંગ્લાદેશના લોકોને યાદ અપાવ્યું હતું કે કેવી રીતે ભારતે, તેની સરકાર, લોકો અને સૈન્યે 1971માં આઝાદી મેળવવામાં બાંગ્લાદેશની મદદ કરી હતી.

દિલ્હી સાથે તેમની નિકટતા અને ભારત તરફથી તેમને મળતા સમર્થનની વિપક્ષનાં દળો અને કાર્યકર્તાઓ ટીકા કરતા આવ્યાં છે. તેમનું કહેવું છે કે ભારતે બાંગ્લાદેશના લોકોને સમર્થન આપવું જોઈએ, કોઈ એક પાર્ટીને નહીં.

ઢાકાના રસ્તાઓ પર પ્રદર્શનકારીઓની ઉજવણી

શેખ હસિનાના દેશ છોડવા પર બાંગ્લાદેશમાં લોકો રસ્તાઓ પર ઉજવણી કરતા જોવા મળ્યા છે.

સમાચાર સંસ્થા એએફપી અનુસાર ઢાકામાં એક ટૅન્ક પર લોકો ઝંડા લઈને ચડી ગયેલા જોવા મળ્યા હતા.

ઢાકાના મોહાખાલી વિસ્તારમાં હાજર બીબીસી બાંગ્લાના સંવાદદાતા પ્રમાણે મોટી સંખ્યામાં લોકો શાહબાગલ તરફ ચાલતા જઈ રહ્યા છે. કેટલાક રીક્ષામાં કૂચ કરી રહ્યા છે.

કૂચ કરનાર લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ છે. મીરપુર વિસ્તારમાં હાજર બીજા એક સંવાદદાતાએ જણાવ્યું કે હજારો લોકો શાહબાગલ તરફ કૂચ કરી રહ્યા છે.

શહેરના મધ્યમાં આવેલો આ વિસ્તાર ટ્રાન્સપોર્ટ માટેનું એક મોટું હબ છે. અહીં મોટી સંખ્યામાં બગીચાં અને યુનિવર્સિટી છે.

સૈન્યને રસ્તાઓ પર તહેનાત કરવામાં આવી છે પરંતુ સૈનિકો કૂચ કરનાર લોકોને અટકાવી રહ્યા નથી. બપોર બાદથી જ રસ્તાઓ પર પોલીસની પાંખી હાજરી જોવા મળી હતી.

બાંગ્લાદેશના સેનાપ્રમુખ ટૂંક સમયમાં સંબોધન કરવાના છે. આ દરમિયાન સમાચાર એજન્સીઓએ જણાવ્યું કે જનરલ વકર-ઉઝ-ઝમાન 'હિતધારકો' સાથે બેઠક કરી રહ્યા છે.

આ પહેલાં બાંગ્લાદેશમાં જુલાઈ મહિનાથી વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની માગ છે કે દેશમાં મોટા ભાગની સરકારી નોકરીમાં અપાતી અનામત રદ કરવામાં આવે.

અલબત્ત, વિદ્યાર્થીઓના આંદોલન બાદ શેખ હસિનાની સરકારે ક્વૉટામાં ઘટાડો ચોક્કસથી કર્યો પણ સતત હિંસાને પગલે વિદ્યાર્થીઓ શેખ હસિનાના રાજીનામાની માગ કરી રહ્યા હતા.

વિદ્યાર્થીઓના હિંસક આંદોલનને પગલે બાંગ્લાદેશમાં અત્યાર સુધી 300 લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે.

આખા દેશમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ

આ પહેલાં બાંગ્લાદેશ સરકારે આખા દેશમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. રવિવારની હિંસા અગાઉ દેશમાં મોબાઇલ પર ઇન્ટરનેટ સેવાઓ બંધી હતી, જ્યારે બ્રૉડબ્રૅન્ડ સેવાઓ ચાલુ હતી.

સમાચારો અનુસાર, હવે સરકારે આખા દેશમાં ઇન્ટરનેટ સેવાને સંપૂર્ણ બંધ કરવાનો આદેશ અપાયો છે.

આ આંદોલનને લીધે દેશમાં ભારે હિંસા અને આગચંપી પણ થઈ છે. 300 લોકોનાં મૃત્યુમાં સમાચાર એજન્સી એએફપી અનુસાર, રવિવારે હિંસામાં થયેલાં મોત પણ સામેલ છે.

બાંગ્લાદેશમાં સૌથી વધુ વંચાતી વેબસાઇટ ઢાકા ટ્રિબ્યુન અને તેની સહયોગી પ્રકાશન કંપની બાંગ્લા ટ્રિબ્યુન બંને ઑફલાઇન થઈ ગઈ છે. અન્ય એક ન્યૂઝ વેબસાઇટ ધ ડેલી બાંગ્લા સ્ટાર પણ ડાઉન છે.

બાંગ્લાદેશમાં કેમ ચાલી રહ્યું છે આંદોલન?

1971માં પૂર્વ પાકિસ્તાનથી અલગ થઈને સ્વતંત્ર બાંગ્લાદેશની રચના માટે લડત આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારને બાંગ્લાદેશની સરકારી નોકરીઓમાં અનામતના મામલે ત્યાં અનામતવિરોધી આંદોલનો થયાં અને દેશમાં હિંસા ફાટી નીકળી હતી.

જોકે, સરકારી નોકરીઓમાં અનામતના વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટે મોટા ભાગની નોકરીઓમાં અનામત સમાપ્ત કરવાનો નિર્ણય આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે દેશમાં 93 ટકા સરકારી નોકરીમાં ભરતી યોગ્યતાને આધારે થાય. તેમજ કોર્ટે કહ્યું હતું કે 1971ના સ્વતંત્રતા આંદોલનમાં સામેલ રહેલા સેનાનીઓના પરિજનોને માત્ર પાંચ ટકા અનામત અપાય.

બાકી અન્ય બે ટકા નોકરીઓ વિકલાંગો, ટ્રાન્સજેન્ડરો અને વંશીય અલ્પસંખ્યકો માટે અનામત રખાઈ છે.