અધવચ્ચે શેખ હસીનાએ ચીનનો પ્રવાસ છોડ્યો, ભારત માટે કરી મહત્ત્વપૂર્ણ જાહેરાત

બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાનું કહેવું છે કે ભારત તથા ચીનને તિસ્તા પરિયોજનામાં રસ હતો, પરંતુ તેઓ ઇચ્છે છે કે ભારત આ પ્રકલ્પને પૂર્ણ કરે.

ચીનની યાત્રાએથી પરત ફરેલાં શેખ હસીનાએ પત્રકારો સાથે વાત કરતાં આ માહિતી આપી હતી. લગભગ એક અબજ ડૉલરની તિસ્તા યોજના સાથે ભારતની સુરક્ષાસંબંધિત ચિંતાઓ જોડાયેલી હતી અને જો તે ચીનને મળી હોત, તો તેની મુશ્કેલીઓ વધી હોત.

રવિવારે સ્વદેશ પરત ફર્યા બાદ પત્રકારોએ તેમને અનામતવિરોધી આંદોલન, સરકારમાં ભ્રષ્ટાચાર, યુનિવર્સિટીના શિક્ષકોને પેન્શન તથા પેપર લીક સંબંધે પણ સવાલ પૂછ્યા હતા.

ચીનનું દબાણ, ભારતની ચિંતા

છેલ્લાં કેટલાંક વર્ષોથી ચીને દક્ષિણ એશિયાના ઉપ-મહાદ્વીપમાં પોતાનું પ્રભુત્વ વધારવા પ્રયાસ હાથ ધર્યા છે. બાંગ્લાદેશમાં ભારત અને ચીન બંનેનો પ્રભાવ છે, છતાં એવું કહેવાય છે કે શેખ હસીના સરકારનો ઝુકાવ ભારત તરફ વધુ છે.

414 કિલોમીટર લાંબી તિસ્તા નદી ભારતમાંથી થઈને બાંગ્લાદેશમાં પહોંચે છે. જૂન મહિનામાં જ્યારે શેખ હસીના ભારત આવ્યાં હતાં, ત્યારે આ નદી ઉપરની પરિયોજના વિશે વિસ્તૃત વાતચીત થઈ હતી.

અનેક એવી નદીઓ છે, જે ભારત અને બાંગ્લાદેશમાં સંયુક્તપણે વહે છે. જે હિમાલયની પર્વતશ્રૃંખલામાંથી ઉદ્ભવે છે અને બંગાળની ખાડીમાં ભળી જાય છે.

ભારતના વિખ્યાત વ્યૂહરચનાકાર બ્રહ્મા ચેલાની તિસ્તા નદી પરિયોજના સંદર્ભે બાંગ્લાદેશનાં વડાં પ્રધાનના નિર્ણયને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માને છે.

ચેલાનીએ ટ્વીટમાં લખ્યું, "એક અબજ ડૉલરની આ પરિયોજના ભારત માટે ખૂબ જ સંવેદનશીલ હતી, કારણ કે તે ચિકન-નૅક જેવી છે. ચીનના હાથમાંથી આ યોજનાનું સરકી જવું એ ભારત માટે રાહતજનક બાબત છે."

શેખ હસીનાએ પોતાનો તર્ક આપતાં કહ્યું, "હું ઇચ્છું છું કે આ પરિયોજનાને ભારત પૂર્ણ કરે, કારણ કે તિસ્તાનું પાણી ભારતમાંથી થઈને આવે છે. જો આપણે તેમની પાસેથી પાણી જોઈતું હોય તો આ કામ ભારતે કરવું જોઈએ. આ પ્રોજેક્ટ માટે જે કંઈ જરૂરી હશે, તે ભારત ઉપલબ્ધ કરાવી શકશે."

શેખ હસીનાએ ઉમેર્યું, "આપણા દક્ષિણ બંગાળના વિસ્તારની ખૂબ જ ઉપેક્ષા થઈ છે. મેં ચીનને દક્ષિણક્ષેત્રના વિકાસ માટે કહ્યું છે. પછાત રહી ગયું હોવાને કારણે અહીં કામ કરવું મુશ્કેલ છે. મેં કામની વહેંચણી કરી દીધી છે, આમ કરવાથી આપણું કામ સરળ થઈ જશે અને હું વધુ સારી રીતે કામ કરી શકીશ."

બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાનું કહેવું છે કે તેઓ બધાય દેશોની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી રાખવા માગે છે.

શું છે તિસ્તા પરિયોજના?

જૂન મહિનામાં શેખ હસીનાએ ચીનને રજૂઆત કરી હતી કે આ પરિયોજના માટે સરળ શરતો ઉપર ધિરાણ અપાવે.

આ પહેલાં મે-2024માં ભારતના વિદેશસચિવે ઢાકાની યાત્રા ખેડી હતી. એ દરમિયાન બાંગ્લાદેશના વિદેશમંત્રી હસન મહમૂદે પત્રકારોને જણાવ્યું હતું કે ભારત તિસ્તા પરિયોજના માટે નાણાંકીય સહાય આપવા ઇચ્છુક છે.

આ યોજનાનો હેતુ જળપ્રવાહ ઉપર નિયંત્રણ મૂકવો, જમીનધોવાણ અટકાવવું તથા જમીનને પુનઃસંપાદિત કરવા જેવાં કામો હાથ ધરવામાં આવનાર છે. આ યોજના હેઠળ બાંગ્લાદેશની બાજુએ બૅરેજનું પણ નિર્માણ કરવામાં આવશે.

અમુક જગ્યાએ તિસ્તા નદીની પહોળાઈ પાંચ કિલોમીટર જેટલી છે, જેને ઘટાડવાની છે. કેટલાંક સ્થળોએ નદીની ઊંડાઈ વધારવાની જરૂર છે, તે કેટલાક ભાગમાં કાંઠા મજબૂત કરવાની જરૂર છે.

આ પરિયોજનાને કારણે તિસ્તા નદીના તટવિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલીઓમાં ભારે ઘટાડો થશે.

વર્ષ 2011માં ભારતના તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહ ઢાકાના પ્રવાસે ગયા હતા, ત્યારે તિસ્તા નદી સંબંધિત કરાર ઉપર હસ્તાક્ષર થવાના હતા, પરંતુ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીના વિરોધને કારણે આ પ્રૉજેક્ટ અદ્ધરતાલ રહી ગયો હતો.

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછી વર્ષ 2015માં મમતા બેનરજીની સાથે બંગાળની યાત્રાએ ગયા હતા. જ્યાં તેમણે તિસ્તા નદીના પાણીની વહેંચણી સંબંધે એક કરાર ઉપર સહમતિ સધાઈ જશે એવું આશ્વાસન આપ્યું હતું. એ વાતને દસેક વર્ષ જેટલો સમય વીતવા છતાં એ દિશામાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ ન હતી.

અધવચ્ચે અટકાવ્યો પ્રવાસ

ગત અઠવાડિયે શેખ હસીનાએ ચીનનો પ્રવાસ અધવચ્ચેથી પડતો મૂક્યો હતો, આ એક અસામાન્ય ઘટના હતી. એવું કહેવાય છે કે શેખ હસીના જે વિચારીને ચીન ગયાં હતાં, એ પ્રકારને થયું ન હતું.

મીડિયા રિપૉર્ટ્સ મુજબ, શેખ હસીનાને ચીન પાસેથી ઇચ્છિત નાણાંકીયમદદ મળી ન હતી, જેનાં કારણે તેઓ નારાજ હતાં.

ચીને પાંચ અબજ ડૉલરની સહાય આપવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ બાંગ્લાદેશને માત્ર બે અબજ ડૉલરની મદદ મળી હતી.

આ અંગે શેખ હસીનાને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું, "જે લોકો કહી રહ્યા છે કે ચીનના પ્રવાસમાંથી કશું નથી મળ્યું, તેઓ અફવા ફેલાવી રહ્યા છે, જેથી કરીને મારું અપમાન કરી શકાય."

તેમણે ઉમેર્યું, "હું આ બાબતને મહત્ત્વ નથી આપવા માગતી. મને આ બધી બાબતોની આદત પડી ગઈ છે. જે લોકો આ સવાલ ઊભા કરી રહ્યા છે, તેઓ ઇરાદાપૂર્વક આવું કરી રહ્યા છે અથવા તો મને અપમાનિત કરવા માગે છે. ટીકાકારો ઘણી વાતો કરે છે, જેઓ બોલે છે, એમને બોલવા દો મને પરવાહ નથી."

હસીનાએ જણાવ્યું કે ચીનના પ્રવાસ દરમિયાન 21 કરાર થયા હતા, જેમાંથી સાતની જાહેરાત કરવામાં આવી.

ચીન સાથેના સંબંધો વિશે શેખ હસીનાએ કહ્યું, "ચીન સાથે આપણા સંબંધ સારા છે. આ પહેલાં હું ભારતના પ્રવાસે ગઈ હતી. મેં દેશ ભારતને વેંચી દીધો છે. ચીનની યાત્રામાંથી કશું મળ્યું નથી. આ બધાં નિવેદનો આવતાં રહે છે. મને લાગે છે કે લોકો માનસિક રીતે બીમાર છે."

ચીનની યાત્રાની ફલશ્રુતિ

બાંગ્લાદેશનાં વડાં પ્રધાનનાં લેખિત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે શેખ હસીના તથા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઈ હતી.

આ યાત્રા દરમિયાન બાંગ્લાદેશને બે અબજ ડૉલરનું ધિરાણ આપવા માટે ચીન તૈયાર થયું હતું. આ રકમ સહાય, વ્યાજમુક્ત ધિરાણ, રાહતદરે ધિરાણ તથા વ્યવસાયિક ધિરાણસ્વરૂપે રહેશે.

શેખ હસીનાએ બાંગ્લાદેશના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણકાર્ય કરવા બદલ શી જિનપિંગનો આભાર માન્યો હતો. આ સિવાય સંશોધન, શિક્ષણ, આઈસીટી ટેકનૉલૉજી અને સાંસ્કૃતિક બાબતોમાં કમ્યુનિકેશન સંદર્ભે સંબંધોને વધુ સુદૃઢ કરવાની આશા વ્યક્ત કરી હતી.

પત્રકારપરિષદ દરમિયાન હસીનાએ કહ્યું હતું કે ચીનના રાષ્ટ્રપતિને ચટગાંવ ખાતે આઠસો એકરમાં રોકાણ કરવા માટે પ્રસ્તાવ આપ્યો છે. આ સિવાય બાંગ્લાદેશના રોહિંગ્યા સંકટને પહોંચી વળવા માટે પણ ચીનની મદદ માગી છે.

શેખ હસીનાએ આશા વ્યક્ત કરી હતી કે પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય સ્તરે બાંગ્લાદેશને ચીનનો સહકાર મળતો રહેશે. આગામી વર્ષે ચીન અને બાંગ્લાદેશના રાજકીયસંબંધોને 50 વર્ષ પૂર્ણ થશે.