બાંગ્લાદેશમાં વિરોધપ્રદર્શન: વિદ્યાર્થીઓએ એશિયાનાં સૌથી તાકતવર મહિલા શેખ હસીનાને કેવી રીતે હચમચાવી નાખ્યાં?

    • લેેખક, શુભજ્યોતિ ઘોષ
    • પદ, બીબીસી બાંગ્લા સંવાદદાતા

ઘણા લોકોનું માનવું છે કે સોળ વરસથી વડાં પ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશને ગરીબીમાંથી બહાર કાઢ્યું છે.

કેટલાક લોકોનું કહેવું છે કે રાષ્ટ્રે જે મહાન પ્રગતિ કરી છે, તે તેમના (શેખ હસીના)ને કારણે છે.

કેટલાક લોકોનું કહેવું છે કે આવું તેમના નિરંકુશ શાસન છતાં થયું છે.

જોકે શેખ હસીનાની સ્થિતિ આટલી ક્યારેય અસ્થિર રહી નથી.

યુનિવર્સિટી અને કૉલેજના વિદ્યાર્થીઓનાં વિરોધપ્રદર્શને આખા દેશમાં મોટા પાયે અશાંતિ, રક્તપાત અને અરાજકતા ફેલાવ્યાં અને અંતે શેખ હસીના દેશ છોડીને ચાલ્યાં ગયાં છે.

ચાર ઑગસ્ટે ફરીથી વિદ્યાર્થીઓનું આંદોલન ફરી હિંસક બની ગયું હતું.

બાંગ્લાદેશની સરકારે તેમને રોકવાનો પ્રયાસ કર્યો પણ વિદ્યાર્થીઓ પાછા પડ્યા નથી.

આખરે દબાણને કારણે શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો છે.

શું વિદ્યાર્થીઓનું આંદોલન સરકારને પાડી દેશે?

શેખ હસીનાએ સોમવારે વડાં પ્રધાનપદેથી રાજીનામું આપીને દેશ છોડી દીધો છે. મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓએ તેમના આવાસ પર હલ્લો મચાવ્યો છે.

શાંત અને દૃઢનિશ્ચયી ગણાતાં શેખ હસીના દેશના સંસ્થાપક રાષ્ટ્રપતિનાં દીકરી છે અને તેમણે અનેક સંકટો અને તેમના જીવન પરના હુમલાઓને જોયાં છે.

તેમના કાર્યકાળમાં તેમની સરકાર દેશના અર્ધસૈનિક સીમા દળોના વિદ્રોહથી બચી ગઈ, જેમાં સેનાના 57 અધિકારીઓનાં મોત થયાં હતાં.

તેઓ ત્રણ વિવાદાસ્પદ સામાન્ય ચૂંટણી જીતી ચૂક્યાં છે, જેની આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ નિંદા કરી હતી.

તેઓ માનવાધિકારોના હનનનો આરોપ અને વિપક્ષો દ્વારા રસ્તા પર વિરોધપ્રદર્શનનો સામનો કરી ચૂક્યાં છે.

જોકે વર્તમાનમાં તેઓ પોતાના રાજકીય જીવનના સૌથી કપરા સમયનો સામનો કરી રહ્યાં છે, કેમ કે વિદ્યાર્થીઓનું આંદોલન દેશને જકડી રહ્યું છે અને વિપક્ષ વિદ્યાર્થીઓની પાછળ એક થઈ રહ્યા છે.

રવિવારે બાંગ્લાદેશની ઉચ્ચ ન્યાયાલયે સરકારી નોકરીઓમાં મોટા ભાગના ક્વૉટાને ખતમ કરી દીધો, છતાં વિદ્યાર્થીઓનું આંદોલન ચાલુ રહ્યું હતું.

આ પ્રદર્શન દરમિયાન 100થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે.

'પ્રેશરકૂકર જેવી સ્થિતિ'

ઑસ્લો યુનિવર્સિટીના ડૉ. મુબાશર હુસૈન એશિયામાં અધિનાયકવાદ પર બહોળું સંશોધન કર્યું છે. તેમનું માનવું છે કે આ કોઈ રાતોરાત થયેલો ઘટનાક્રમ નથી, પણ 'પ્રેશરકૂકર ફૂટે તેવી સ્થિતિ' છે.

ડૉ. હુસૈને બીબીસી બાંગ્લાને કહ્યું, "યાદ રાખો, આપણે એવા દેશની વાત કરીએ છીએ જ્યાં પ્રેસની આઝાદીનો સૂચકાંક રશિયાથી પણ નીચે છે."

"શેખ હસીના અને તેમની પાર્ટી દ્વારા મુક્તિ સંગ્રામની ભાવનાનું અતિ-રાજનીતિકરણ, નાગરિકોને દર વર્ષે પ્રાથમિક મતાધિકારથી વંચિત રાખવા અને તેમના શાસનની તાનાશાહી પ્રકૃતિએ સમાજને એક મોટા વર્ગને નારાજ કરી દીધો છે."

"દુર્ભાગ્યવશ, તેઓ આખા દેશનાં વડાં પ્રધાન બની શક્યાં નથી, માત્ર એક વર્ગ પૂરતાં સીમિત થઈ ગયાં છે."

ડૉ. હસન છેલ્લા થયેલી ઘટનાઓથી અચંબિત નથી.

બાંગ્લાદેશમાં યુનિવર્સિટી અને કૉલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા એ વ્યવસ્થાને સમાપ્ત કરવાની માગ કરી હતી, જેમાં 1971ના મુક્તિ સંગ્રામના વંશજો માટે 30 ટકા સરકારી નોકરીમાં અનામત હતી.

ગત મહિને હાઈકોર્ટ દ્વારા વિવાદાસ્પદ ક્વૉટા પ્રણાલીને બહાલ કરી દેતા વિરોધપ્રદર્શન વધી ગયાં હતાં. સત્તાધારી પાર્ટીના કાર્યકરો દ્વારા પ્રદર્શનકારીઓ પર હુમલા કરતા સ્થિતિ હિંસક બની હતી.

રવિવારે અગાઉ બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે ક્વૉટા પ્રણાલીવાળા હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો. જોકે તેમ છતાં વિદ્યાર્થીઓનું આંદોલન ચાલુ રહ્યું હતું.

સર્વોચ્ચ ન્યાયાલયમાં સરકારનું પ્રતિનિધિત્વ કરનાર ઍટોર્ની જનરલે પણ એ રીતની દલીલ કરી હતી. જેનાથી સંકેત મળતો હતો કે હસીના સરકાર આ મામલાને થાળે પાડવા માગે છે.

બાંગ્લાદેશમાં કેમ ચાલી રહ્યું છે આંદોલન?

બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓએ સરકારી નોકરીઓમાં મુક્તિ સંગ્રામના સેનાનીઓના પરિજનોને 30 ટકા અનામતને ખતમ કરવાની માગ સાથ વિરોધ શરૂ કર્યો હતો.

1971માં પૂર્વ પાકિસ્તાનથી અલગ થઈને સ્વતંત્ર બાંગ્લાદેશની રચના માટે લડત આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારને બાંગ્લાદેશની સરકારી નોકરીઓમાં અનામતના મામલે ત્યાં અનામતવિરોધી આંદોલનો થયાં અને દેશમાં હિંસા ફાટી નીકળી હતી.

જોકે, સરકારી નોકરીઓમાં અનામતના વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટે મોટા ભાગની નોકરીઓમાં અનામત સમાપ્ત કરવાનો નિર્ણય આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે દેશમાં 93 ટકા સરકારી નોકરીમાં ભરતી યોગ્યતાને આધારે થાય. તેમજ કોર્ટે કહ્યું હતું કે 1971ના સ્વતંત્રતા આંદોલનમાં સામેલ રહેલા સેનાનીઓના પરિજનોને માત્ર પાંચ ટકા અનામત અપાય.

બાકી અન્ય બે ટકા નોકરીઓ વિકલાંગો, ટ્રાન્સજેન્ડરો અને વંશીય અલ્પસંખ્યકો માટે અનામત રખાઈ છે.