You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાંગ્લાદેશ: આર્થિક 'વિકાસ' છતાં શેખ હસીનાના હાથમાંથી સત્તા સરકી ગઈ
- લેેખક, જુગલ પુરોહિત
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા વિશે હાલનાં વર્ષોમાં જે નિવેદનો સામે આવ્યાં છે તેના પર એક નજર કરીએ.
વિશ્વ બૅન્ક : બાંગ્લાદેશે ગરીબી ઘટાડવામાં સારી પ્રગતિ કરી છે. સતત આર્થિક વિકાસને કારણે તેમાં મદદ મળી છે. આ પ્રગતિ વિકાસની એક પ્રેરક કહાણી છે.
બ્રૂકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશન : હાલનાં વર્ષોમાં બાંગ્લાદેશ એશિયાની સૌથી ઉલ્લેખનીય અને અણધારી સફળતાની કહાણીઓ પૈકીની એક છે.
બાંગ્લાદેશ સરકાર : અમે વિશ્વની સૌથી ઝડપી ગતિ સાથે વધતી અર્થવ્યવસ્થાઓ પૈકીની એક છીએ. બાંગ્લાદેશ એક દાયકાથી વધારે સમયથી ઝડપથી વિકાસ કરીને આવનાર એશિયન ટાઇગર બનવાના રસ્તે છે.
એશિયાઈ વિકાસ બૅન્ક : બાંગ્લાદેશ વર્ષ 2026માં સૌથી ઓછા વિકસિત દેશોના જૂથમાંથી આગળ વધવાના રસ્તે છે. જોકે, આ ફેરફારમાં પડકારો પણ છે.
આઈએમએફ : બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા ઘણા પડકારોને આગળ વધી રહી છે. ત્યાં સુધી કે મુશ્કેલ સમયમાં પણ દેશના વિકાસની ગાડી મોટે ભાગે પાટા પર જ રહી છે.
બાંગ્લાદેશના ઘટનાક્રમમાંથી બોધપાઠ
બાંગ્લાદેશમાં વર્ષ 2009થી શેખ હસીનાની સરકાર સત્તામાં હતી. અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાનું શ્રેય મોટે ભાગે આ સરકારને જ જાય છે.
જોકે, છેલ્લા કેટલાક દિવસોમાં બાંગ્લાદેશમાં નાટકીય ઘટનાક્રમે એક સવાલ ઊભો કર્યો છે. એ સવાલ છે કે આર્થિક મોર્ચે સારા પ્રદર્શન છતાં પણ લોકો સરકાર પ્રત્યે ગુસ્સે કેમ હતા?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાંગ્લાદેશના આ ઘટનાક્રમમાંથી કેવા રાજકીય બોધપાઠ લઈ શકાય? આ વાતને સમજવા માટે કેટલાક વિશ્લેષકો સાથે વાત કરી. આ ઉપરાંત કેટલાંક સંગઠનો દ્વારા જાહેર કરાયેલા આંકડાની તપાસ કરી.
ડૉક્ટર સલીમ રેહાન ઢાકા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “હું આ સરકારના આર્થિક પ્રદર્શનને કોવિડ પહેલાં અને કોવિડ પછી આ બે ભાગમાં રાખીશ.”
“હાં, એ વાત સાચી છે કે આ સરકારે દેશની આર્થિક વ્યવસ્થામાં સુવર્ણકાળની શરૂઆત કરી હતી. ગરીબી નાબૂદીનું કામ ચાલી રહ્યું હતું, રોકાણ આવી રહ્યું હતું. વિકાસનો દર પણ વધી રહ્યો હતો. જોકે, અર્થતંત્ર સાથે મૂળભૂત સમસ્યા છે, જેમ કે ડિફૉલ્ટ લોનનો દર વધારે છે અને ટૅક્સ બેઝ ખૂબ જ ઓછો છે.”
ડૉ. રેહાને કહ્યું, “આ વર્ષોમાં સરકારની રાજકીય કાયદેસરતા ઘટતી ગઈ, જેમાં ચૂંટણી અને વિપક્ષ પર હુમલો કરવા માટે સત્તાનો દુરુપયોગના આરોપો પણ સામેલ છે. જોકે, અર્થતંત્ર સારું હતું એટલે લોકો વધારે નારાજ ન હતા.”
જોકે, એક તથ્ય એ પણ છે કે અંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ પ્રમાણે, બાંગ્લાદેશનો જીડીપી થોડાંક વર્ષો માટે ભારતથી પણ વધારે હતો. આ ટ્રૅન્ડમાં હાલમાં જ ફેરફાર જોવા મળ્યો છે.
પ્રોફેસરે કહ્યું, “જ્યારે કોવિડનો સમય આવ્યો ત્યારે પણ આ સરકારનું પ્રદર્શન ખરાબ ન હતું. એ સમયે એ રીતે કામ કરવામાં આવ્યું કે સમાજની સાથે-સાથે રસીકરણ પ્રોગ્રામને પણ આર્થિક પૅકેજ મળ્યું. આ બધું જ સરસ રીતે થયું અને સરકારને તેનું શ્રેય પણ મળ્યું.”
“આ વર્ષ 2021નો અંત અને 2022ની શરૂઆતનો સમય હતો જ્યારે મહામારી પોતાના અંત તરફ આગળ વધી રહી હતી, પરંતુ અર્થતંત્ર ગતિ ન પકડી. મોંઘવારી વધી રહી હતી અને નિકાસ પણ સારી ન હતી.”
“આ દરમિયાન બાંગ્લાદેશનો વિદેશી મુદ્રાનો ભંડાર ઓછો થઈ રહ્યો હતો. આ ઉપરાંત રોજગારની તકો પણ ઘટી રહી હતી.”
તેમણે ઉમેર્યું કે સરકાર આ સ્થિતિ માટે રશિયા-યુક્રેન સંકટને જવાબદાર ગણાવતી હતી. જોકે, લોકોને સરકારની આ વાત ન ગમી, ખાસ કરીને ત્યારે જ્યારે રોજિંદી વસ્તુઓની કિંમતના દર મહિને વધી રહ્યા હતા.
પ્રોફેસર રેહાન બાંગ્લાદેશી થિન્ક ટૅન્ક સાઉથ એશિયન નેટવર્ક ઑન ઇકૉનૉમિક મૉડલિંગમાં (એસએએનઈએમ) કારોબારી સંચાલક પણ છે.
તેમણે કહ્યું, “એક તરફ સરકાર જ્યારે પોતાની રાજકીય કાયદેસરતા ગુમાવી રહી હતી ત્યારે આર્થિક પ્રદર્શનને કારણે સરકારને મજબૂતી મળી હતી. આ મજબૂતી હવે ઘટી રહી હતી અને વિદ્યાર્થીઓનું આંદોલન શરૂ થવા પાછળ આ એક મોટું કારણ હતું.”
રેટિંગથી દેશની આર્થિક સ્થિતિની માહિતી મળતી હતી
બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા પર સંકટનાં વાદળ ઘેરાઈ રહ્યાં છે તેવા સંકેતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા.
કોવિડ મહામારી પહેલાં ‘મૂડીઝે’ બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાને શ્રીલંકાની સાથે-સાથે એશિયા પેસેફિક વિસ્તારમાં “નૅગેટિવ”ની શ્રેણીમાં રાખી હતી.
ઢાકામાં હાજર અર્થશાસ્ત્રી ડૉક્ટર અલ મહમૂદ ટીટુમીરે બીબીસીને જણાવ્યું કે બાંગ્લાદેશના આર્થિક મૉડલની પોતાની લિમિટ હતી અને તે મૉડલ પોતાની સીમા પર પહોંચી ગયું હતું.
તેમણે કહ્યું, “બાંગ્લાદેશની વિકાસગાથામાં વપરાશની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. દેશના કાપડ ઉદ્યોગ અને વિદેશોમાં રહેતા બાંગ્લાદેશી નાગરિકો તરફથી આવતા ધનને કારણે પેમેન્ટ ક્રાઇસિસથી બચવામાં મદદ મળી હતી.”
“જોકે, અર્થતંત્રને આ રીતે મળતી મદદની પણ એક લિમિટ હતી અને અમે એ સીમા સુધી પહોંચી ગયા હતા. અર્થવ્યવસ્થામાં રોકાણ અને રોજગારીની તકો ઉત્પન્ન કરવાની વાત છે તો તે ક્યારેય નથી થયું. મોટા ભાગની નોકરીઓ ઇનફૉર્મલ સૅક્ટરમાં હતી.”
ડૉક્ટર અલ મહમૂદ ટીટુમીરે કહ્યું કે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ પર નજર કરીએ તો ખબર પડશે કે બાંગ્લાદેશની રેટિંગ “સતત ઘટાડી” રહી હતી.
તેમની આ વાત ખોટી નથી. સપ્ટેમ્બર 2023માં રેટિંગ એજન્સી ફિચે બાંગ્લાદેશની લાંબા ગાળાની વિદેશી મુદ્રાને ડિફૉલ્ટથી નૅગેટિવમાં બદલી હતી. આ વાતથી જાણકારી મળે છે કે બાંગ્લાદેશ પર બાહ્ય આંચકાનું જોખમ વધી રહ્યું હતું.
આ જ વર્ષે જૂનમાં રેટિંગ એજન્સી ફિચે બાંગ્લાદેશની રેટિંગ બી પૉઝિટિવથી બીબી નૅગેટિવ કરી હતી, જેના પરથી જાણકારી મળે છે કે દેશનું “એક્સટર્નલ બફર્સ” નબળું થયું છે. જે તાજેતરના નીતિગત સુધારા છતાં પણ પડકારજનક પુરવાર થઈ શકે છે.
આ કારણે બાંગ્લાદેશની આર્થિક હાલત વધારે નાજુક બની હતી. વર્ષ 2022થી જે નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા તે ફૉરેન ઍક્સચેન્જ રિઝર્વમાં થઈ રહેલા ઘટાડાને રોકવા માટે પૂરતા ન હતા.
ડૉક્ટર રશીદ ઢાકા યુનિવર્સિટીમાં ડેવલપમૅન્ટ સ્ટડીઝના પ્રોફેસર છે. તેમણે બાંગ્લાદેશના લોકોની સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું, “અહીં મોંઘવારી વધી, સ્થાનિક ચલણની કિંમત ખરાબ રીતે ઘટી, જેને કારણે આયાત ખૂબ મોંઘી થવા લાગી.”
“છેલ્લાં કેટલાંક વર્ષોમાં બાંગ્લાદેશનું દેવું ત્રણ ગણું થઈ ગયું છે. આ ઉપરાંત નબળી મુદ્રાને કારણે મુશ્કેલીઓ વધતી ગઈ. સોશિયલ સેફ્ટી નેટ પર ભારતમાં જાહેર વિતરણ વ્યવસ્થા છે. જોકે, બાંગ્લાદેશમાં આ મામલે રાજકારણ થાય છે.”
“લોકોને અહીં જે પણ લાભ મળે છે તે રાજકારણને કારણે મળે છે. આ માટે આર્થિક અને સામાજિક જરૂરિયાતો પર વિચાર કરવાની જરૂર પડતી નથી. આ સ્થિતિમાં જ્યારે દેશની આવક વધી રહી ન હતી ત્યારે તે સ્થિતિમાં મદદ કરવાની ક્ષમતા પણ વધી નહીં.”
યુવાનોમાં વધતો અસંતોષ
બાંગ્લાદેશની વસ્તીની મોટી સંખ્યા યુવા છે. સરકારી આંકડાઓથી જાણકારી મળે છે 24 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા લોકોની સંખ્યા 45 ટકા છે.
આ જ રીતે 40થી ઓછી ઉંમરવાળા લોકોની સંખ્યા 70 ટકા છે. લગભગ 23 લાખ યુવાઓ દર વર્ષે રોજગારીની શોધમાં નીકળી પડે છે.
ડૉક્ટર રશીદના કહેવા પ્રમાણે, “વસ્તીમાં યુવાઓની આ ભાગીદારીનો અમને લાભ મળવો જોઈએ, પરંતુ તે ન થયું. આ કારણે ઘણા યુવાનોને લાગ્યું કે આ દેશમાં તેમનું કોઈ ભવિષ્ય છે કે નહીં. આ સ્થિતિમાં જે યુવાનોએ દેશ છોડ્યો એ કદાચ જ ફરીથી આવવા ઇચ્છશે.”
બાંગ્લાદેશમાં જે બે વિશ્લેષકો સાથે અમે વાત કરી તે બંને વિશ્લેષકોએ દેશમાં થઈ રહેલા વિરોધપ્રદર્શનનું બીજું એક કારણ આપ્યું.
ડૉક્ટર રેહાને કહ્યું કેટલાક લોન ડિફૉલ્ટર્સ પોતાની લોનનું સ્વરૂપ બદલાવતા રહ્યા. ભ્રષ્ટાચાર ચરમ પર હતો અને દેશના ધનને વિદેશોમાં લઈ જવા વિશે મીડિયાના અહેવાલો પર લોકોનો ગુસ્સો વધ્યો.
બીજી તરફ ડૉક્ટર રાશીદે કહ્યું, “સંસાધનોનો લાભ દેશના લોકોને નહીં, પરંતુ શક્તિશાળી વ્યક્તિઓને મળી રહ્યો હતો. અમે કાયદો ઘડનાર અને પૈસાની કમાણી કરનાર લોકો વચ્ચે જે સંકલન જોયું, તે ન થવું જોઈએ.”
અંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ લાંબી વાતચીત પછી જાન્યુઆરી 2023માં બાંગ્લાદેશને 4.7 અરબ ડૉલરની આર્થિક મદદ કરવા માટે તૈયાર થયું, જેથી દેશની ખરાબ આર્થિક હાલતને વધારે ખરાબ થતાં અટકાવી શકાય.
વિશ્લેષકો કહે છે કે દેશની અર્થવ્યવસ્થામાં સુધારના ઇરાદા સાથે કરવામાં આવેલા આ ઉપાયોનું પરિણામ હજુ મળ્યા નથી.
જોકે, ફેરફારના સંકેતો ફરીથી જોવા મળી રહ્યા છે.
ઢાકા સ્ટૉક ઍક્સચેન્જ માર્કેટમાં ગયા સોમવારે 3.77 ટકાનો વધારો નોંધાયો હતો જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધારે છે. ચિટગાંવ સ્ટૉક ઍક્સચેન્જમાં પણ આ વલણ જોવા મળ્યું.
જાણકારોની નજરમાં તેની પાછળનું કારણ એ છે કે નવી આશા જાગી છે અને સારા વહીવટીતંત્રની સંભાવનાઓ દેખાઈ રહી છે.