બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા – પાંચ મહત્ત્વના પ્રશ્નો અને તેના જવાબ

વિદ્યાર્થી આંદોલનના કારણે બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડી દીધો છે અને ભારત આવી ગયાં છે.

સમગ્ર દેશમાં અનામતના મામલે હિંસા ભડકતાં પરિસ્થિતિ વણસી ગઈ હતી. પોલીસ ફાયરિંગમાં મોટી સંખ્યામાં લોકોનાં મૃત્યુ થયાં, જે બાદ વડાં પ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું હતું.

સોમવાર સાંજે તેઓ ભારત આવી ગયાં હતાં.

આ બધા વચ્ચે હાલમાં બાંગ્લાદેશમાં રાજકીય સ્થિતિ કેવી છે? બાંગ્લાદેશના સૈન્યવડાએ શું કહ્યું? શેખ હસીના ભારત કેમ આવ્યાં? આ સવાલોના જવાબ મેળવવાની કોશિષ કરીએ આ લેખમાં.

બાંગ્લાદેશમાં સેનાએ સત્તા સંભાળી?

શેખ હસીનાએ રાજીનામું આપતાં બાંગ્લાદેશના સેનાધ્યક્ષ વકાર-ઉઝ-ઝમાને ટીવી પર રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે દેશમાં વચગાળાની સરકાર બનશે. પરંતુ અત્યારે દેશમાં કર્ફ્યૂ અથવા ઇમર્જન્સી લાગુ કરવાની જરૂર નથી.

તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ મહમદ શહાબુદ્દીનને મળીને સમાધાન કાઢશે.

સેનાધ્યક્ષે કહ્યું કે હાલની સ્થિતિ મામલે તેમણે દેશના વિરોધ પક્ષો સાથે વાત કરી છે. તેમણે પ્રદર્શકારીઓને પોતાનું પ્રદર્શન બંધ કરીને ઘરે પરત ફરવા માટે જણાવ્યું હતું. સેનાધ્યક્ષએ કહ્યું કે સેના દેશમાં કાયદા અને વ્યવસ્થા પર નજર રાખશે.

''દરેક વ્યક્તિએ સમર્થનમાં ઊભા રહેવું પડશે. અમે તમારી સામે લડીને નહીં જીતી શકીએ. ચિંતા કરવાનું બંધ કરો. ચાલો સાથે મળીને એક સુંદર દેશનું નિર્માણ કરીએ.''

તેમણે વધુમાં જણાવ્યું કે જે ઘટનાઓ થઈ છે તેની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે.

જોકે, સેનાધ્યક્ષે હજુ એ સ્પષ્ટ નથી કર્યું કે સરકારનું નેતૃત્વ કોણ કરશે.

શેખ હસીનાએ રાજીનામું કેમ આપ્યું?

છેલ્લા કેટલાક દિવસોથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ 1971માં પૂર્વ પાકિસ્તાનથી અલગ થઈને સ્વતંત્ર બાંગ્લાદેશની રચના માટે લડત આપનારા સ્વાતંત્ર્યસેનાનીઓના પરિવારને મળતી સરકારી નોકરીઓમાં અનામતનો વિરોધ કરી રહ્યા હતા.

જો લોકોએ 1971 'બાંગ્લા મુક્તિ'ની લડતમાં ભાગ લીધો હતો તેમને બાંગ્લાદેશમાં યુદ્ધનાયક તરીકે ઓળખવામાં આવે છે. સરકારી નોકરીમાં એક તૃતીયાંશ નોકરીઓ સ્વાતંત્ર્યસેનાનીઓનાં બાળકો માટે અનામત રાખવામાં આવી હતી.

કેટલીક નોકરીઓ વિકલાંગો, ટ્રાન્સજેન્ડરો અને વંશીય અલ્પસંખ્યકો માટે અનામત રખાઈ છે.

વર્ષ 2018માં ભારે વિરોધપ્રદર્શનો બાદ શેખ હસીનાની સરકારે અનામતની જોગવાઈને હઠાવી દીધી હતી, પરંતુ જૂન મહિનામાં ઢાકા હાઈકોર્ટે અનામતવ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા અધિકારીઓને આદેશ આપ્યા હતા, જેના કારણે ફરી એક વખત વિરોધપ્રદર્શનો શરૂ થઈ ગયાં હતાં.

ઍટર્ની જનરલે હાઇકોર્ટે આપેલા ચુકાદાની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે મોટા ભાગની નોકરીઓમાં અનામત સમાપ્ત કરવાનો નિર્ણય આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે દેશમાં 93 ટકા સરકારી નોકરીમાં ભરતી યોગ્યતાને આધારે થાય. તેમજ કોર્ટે કહ્યું હતું કે 1971ના સ્વતંત્રતા આંદોલનમાં સામેલ રહેલા સેનાનીઓના પરિજનોને માત્ર પાંચ ટકા અનામત અપાય.

બાકી અન્ય બે ટકા નોકરીઓ વિકલાંગો, ટ્રાન્સજેન્ડરો અને વંશીય અલ્પસંખ્યકો માટે અનામત રખાઈ છે.

પરંતુ દેશમાં અનામતવિરોધી આંદોલનો બંધ થયાં નહોતાં અને દેશમાં હિંસા ફાટી નીકળી હતી. અનામતની માગ છોડીને પ્રદર્શનકારીઓ શેખ હસીનાનું રાજીનામું માગવા લાગ્યા.

શેખ હસીના ભારત કેમ આવ્યાં?

કેટલાંક વર્ષોથી ભારત શેખ હસીનાનો સૌથી મોટો સહયોગી દેશ રહ્યો છે અને જેનાં બંને માટે સારાં પરિણામ રહ્યાં છે.

બાંગ્લાદેશ અને ભારતનાં ઉત્તર પૂર્વનાં સાત રાજ્યો સરહદથી જોડાયેલાં છે. ભારતનાં ઉત્તર પૂર્વનાં કેટલાંક રાજ્યોમાં હિંસા થતી આવી છે જેમાં બાંગ્લાદેશ ભારત માટે મદદરૂપ થાય છે.

શેખ હસીનાએ પોતાના કાર્યકાળમાં બાંગ્લાદેશમાં ભારતવિરોધી ઉગ્રવાદી જૂથોને ડામ્યાં હતાં, જેને કારણે દિલ્હી સાથે તેમની મિત્રતા ગાઢ બની હતી. તેમણે ભારતને ટ્રાન્ઝિટ રાઇટ્સ આપ્યા હતા, જેથી આ રાજ્યો સુધી ત્યાંનો સામાન પહોંચાડી શકાય.

હસીના 1996માં પ્રથમ વખત ચૂંટાયાં ત્યારથી તેમણે ભારત સાથે નિકટના સંબંધો બનાવ્યા હતા અને ઢાકા તથા દિલ્હીના નિકટના સંબંધને વાજબી ઠેરવતાં આવ્યાં છે.

2022માં ભારતના પ્રવાસ દરમિયાન તેમણે બાંગ્લાદેશના લોકોને યાદ અપાવ્યું હતું કે કેવી રીતે ભારતે, તેની સરકાર, લોકો અને સૈન્યે 1971માં આઝાદી મેળવવામાં બાંગ્લાદેશની મદદ કરી હતી.

દિલ્હી સાથે તેમની નિકટતા અને ભારત તરફથી તેમને મળતા સમર્થનની વિપક્ષનાં દળો અને કાર્યકર્તાઓ ટીકા કરતા આવ્યાં છે. તેમનું કહેવું છે કે ભારતે બાંગ્લાદેશના લોકોને સમર્થન આપવું જોઈએ, કોઈ એક પાર્ટીને નહીં.

હવે બાંગ્લાદેશમાં સત્તા કોની પાસે છે?

બાંગ્લાદેશમાં 2024માં સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. આવામી લીગ અને તેનાં સહયોગી દળોએ ચૂંટણીમાં 300 બેઠકોમાંથી 225 બેઠકો જીતી હતી.

પરિણામસ્વરૂપ આવામી લીગનાં નેતા શેખ હસીના ફરી એક વખત વડાં પ્રધાન બન્યાં હતાં. વિદ્યાર્થીઓનાં વિરોધપ્રદર્શનોને કારણે તેમણે રાજીનામું આપી દીધું અને બાંગ્લાદેશમાં સત્તાનું સંકટ ઊભું થયું.

રાષ્ટ્રજોગ સંબોધનમાં સેનાના પ્રમુખે કહ્યું કે દેશમાં વચગાળાની સરકાર બનશે પણ તેમણે એ સ્પષ્ટ નહોતું કર્યું કે સરકારનું નેતૃત્વ કોણ કરશે.

ભારત સરકારનું શું કહેવું છે? વિરોધ પક્ષનું શું કહેવું છે?

બાંગ્લાદેશમાં જે રાજકીય અસ્થિરતા છે તેના પર અને શેખ હસીનાના રાજીનામું આપવા પર ભારતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

જોકે, શેખ હસીના પહેલાં અગરતલા પહોંચ્યા હતા અને ત્યારબાદ દિલ્હી પહોંચ્યા હતા. હજુ સુધી આ વિશે ભારત સરકારે કંઈ કહ્યું નથી.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર શેખ હસીનાને લઈ જતા સી-130 પ્લૅન દિલ્હી નજીક હિંડોન ઍરબેસ પર લૅન્ડ કરતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ત્યાં પહોંચ્યા હતા.

બીજી બાજુ વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વિદેશ મંત્રી જયશંકર સાથે મુલાકાત કરી હતી.

એએનઆઈ અનુસાર બંને નેતાઓએ બાંગ્લાદેશની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. કૉંગ્રેસના નેતા કાર્તિ ચિંદમબરમ્, મનીષ તીવારી અને ગૌરવ ગોગોઇએ સરકાર પાસે માગ કરી છે કે બાંગ્લાદેશમાં રહેતા ભારતીયો સુરક્ષિત રહે તે માટે પ્રયાસ કરવા જોઈએ.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ બંગાળના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી અને કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવાનો અનુરોધ કર્યો હતો. મમતા બેનરજીએ કહ્યું કે આ બે દેશો વચ્ચેનો મામલો છે અને એટલા માટે તેઓ કેન્દ્ર સરકારને સંપૂર્ણ રીતે સહયોગ આપશે.