You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાંગ્લાદેશમાં ક્રિકેટર લીટન દાસના ઘરને આગ ચાંપી દેવાઈ હોવાના દાવામાં કેટલું સત્ય?
સોમવારે બાંગ્લાદેશમાં ઘટનાક્રમ નાટકીય રીતે ઘટવા લાગ્યો અને અચાનક શેખ હસીનાએ રાજીનામું આપીને દેશ છોડી દીધો.
એ બાદ પ્રદર્શનકારીઓ વડાં પ્રધાનના નિવાસમાં ઘૂસી ગયા અને ભારે તોડફોડ કરી. પ્રદર્શનકારીઓના હાથમાં જે વસ્તુ આવી એ તેમણે લૂંટી લીધી.
આ દરમિયાન બાંગ્લાદેશના લઘુમતી હિંદુઓનાં ઘરો અને સંપત્તિ પર હુમલા થવાના સમાચારો પણ આવવા લાગ્યા. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે સંસદમાં નિવેદન આપ્યું કે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ચિંતાજનક છે.
આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એવાં કેટલાંય વીડિયો અને તસવીરો જોવાં મળ્યાં, જેમાં હિંદુઓનાં મંદિરો, ઘરો કે સંપત્તિને નિશાન બનાવવાનો દાવો કરાયો હોય. કેટલીય પોસ્ટમાં એવો પણ દાવો કરાયો કે બાંગ્લાદેશની ક્રિકેટર લીટન દાસના ઘરને પણ આગ ચાંપી દેવામાં આવી છે.
લીટન દાસનું ઘર ખરેખર સળગાવી દેવાયું?
સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ 'એક્સ' પર કેટલીય પોસ્ટોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બાંગ્લાદેશમાં પ્રવર્તમાન રાજકીય અશાંતિ અને અસમંજસની સ્થિતિ વચ્ચે હિંદુઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને એ દરમિયાન હિંદુ ક્રિકેટર લીટન દાસના ઘરમાં આગ લગાડી દેવાઈ છે.
આ અંગે પોસ્ટ કરવામાં આવી રહેલી તસવીરોમાં સળગી રહેલું ઘર લીટન દાસનું હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જોકે, ફેક્ટ ચેક કરતાં જાણવા મળ્યું છે કે સંબંધિત ઘર લીટન દાસનું નથી.
એવું જાણવા મળ્યું છે કે જે ઘરની તસવીરો વાઇરલ થઈ રહી છે એ ક્રિકેટર લીટન દાસનું નહીં પણ મુશર્રફ બિન મોર્તઝાનું છે.
પૂર્વ ક્રિકેટર અને વર્તમાન સાંસદ મોર્તઝા શેખ હસીનાની પાર્ટી આવામી લીગના સાંસદ છે અને બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન પણ રહી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષ 2019માં અવામી લીગની ટિકિટ પરથી મોર્તઝા નરેઇલ-2 બેઠક પરથી ચૂંટાયા હતા. 2014માં પણ તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા.
બાંગ્લાદેશમાં હિંદુઓ કેમ નિશાન બનાવવામાં આવે છે?
1971માં પૂર્વ પાકિસ્તાનથી અલગ થઈને સ્વતંત્ર બાંગ્લાદેશની રચના માટે લડત આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારને બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં મળતી અનામતના મામલે ત્યાં અનામતવિરોધી આંદોલનો થયાં હતાં અને દેશમાં હિંસા ફાટી નીકળી હતી.
એક દાયકા કરતાં પણ વધુ સમયથી બાંગ્લાદેશના લોકો શેખ હસીનાને ‘આયરન લેડી એટલે કે લોખંડી મહિલા તરીકે સંબોધતા હતા. ઘણા લોકોએ કલ્પના પણ કરી નહોતી કે 15 વર્ષ કરતાં વધુ સમય સુધી બાંગ્લાદેશની સત્તા પર મજબૂત પકડ ધરાવનાર વડાં પ્રધાન આ રીતે દેશ છોડીને ચાલ્યાં જશે.
બાંગ્લાદેશના ઇતિહાસમાં પ્રથમ વખત એવું થયું છે કે સત્તા ગુમાવ્યા બાદ કોઈને દેશ છોડવો પડ્યો હોય. સોમવારે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના 'લૉન્ગ માર્ચ ટુ ઢાકા' એટલે કે ઢાકા અભિયાનના કારણે શેખ હસીના અને તેમનાં બહેન શેખ રેહાના દેશ છોડવા માટે મજબૂર થઈ ગયાં હતાં.
શેખ હસીના દેશ છોડીને જતાં રહ્યાં એ બાદથી સોશિયલ મીડિયામાં હિંદુઓની સંપત્તિ અને મંદિરો પર હુમલાઓ સંબંધિત સમાચારોનું પૂર આવવા લાગ્યું હતું.
બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓને સામાન્ય રીતે શેખ હસીનાની પાર્ટી આવામી લીગના સમર્થક ગણવામાં આવે છે અને તેમના ઉપર આ ઇસ્લામિક દેશમાં સતત વિરોધીઓ તરફથી હુમલાઓ થતા રહ્યા છે.
ભારતના વિદેશમંત્રી એસ. જયશકરે 6 ઑગસ્ટે સંસદમાં જણાવ્યું હતું, "જે વાત સૌથી વધારે ચિંતા જન્માવનારી છે, એ ત્યાં રહેતા લઘુમતીઓની છે. તેમની દુકાનો અને મંદિર પર કેટલીય જગ્યાએ હુમલા થયા હોવાની જાણકારી મળી છે. જોકે, આ અંગે હજુ સુધી સંપૂર્ણ જાણકારી મળી નથી."
જોકે, આ બધા વચ્ચે કેટલાય મુસ્લિમ યુવાનો આ બર્બરતાને રોકવા માટે હિંદુ ઘરો અને ધાર્મિક સ્થળોની સુરક્ષા કરવા માટે આગળ આવી રહ્યા છે.
બાંગ્લાદેશના એક માનવાધિકાર સમૂહ 'આઇન ઓ સાલિશ કેન્દ્ર'ના આંકડા અનુસાર જાન્યુઆરી 2013થી લઈને સપ્ટેમ્બર 2021 વચ્ચે હિંદુ સમુદાય ઉપર 3,679 હુમલાઓ થયા. એમાં તોડફોડ, આગચંપી અને નિશાન બનાવીને કરાયેલી હિંસા સામેલ છે.
વર્ષ 2021માં હિંદુ લઘુમતીઓનાં ઘર અને મંદિરો ઉપર દૂર્ગાપૂજા દરમિયાન થયેલા હુમલા બાદ માનવાધિકાર સંગઠન ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું હતું, "બાંગ્લાદેશમાં ગત કેટલાંય વર્ષોથી લોકો પર સતત હુમલા, સાંપ્રદાયિક હિંસા અને લઘુમતીઓનાં ઘર-પૂજાસ્થળોને બરબાદ કરવું - આ દર્શાવે છે કે આ દેશ લઘુમતીઓનું રક્ષણ કરવાની પોતાની જવાબદારી પૂરી કરવામાં નિષ્ફળ રહ્યો છે."