You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાંગ્લાદેશમાં છેલ્લા કલાકોમાં એવું શું બન્યું કે શેખ હસીનાએ રાજીનામું આપી ભારત ભાગીને આવવું પડ્યું?
- લેેખક, અકબર હુસૈન
- પદ, બીબીસી ન્યૂઝ, બાંગ્લા, ઢાકા
એક દાયકા કરતાં પણ વધુ સમયથી બાંગ્લાદેશના લોકો શેખ હસીનાને ‘આયરન લેડી એટલે કે લોખંડી મહિલા તરીકે સંબોધતા હતા.
ઘણા લોકોએ કલ્પના પણ કરી નહોતી કે 15 વર્ષ કરતાં વધુ સમય સુધી બાંગ્લાદેશની સત્તા પર મજબૂત પકડ ધરાવનાર વડાં પ્રધાન આ રીતે દેશ છોડીને ચાલ્યાં જશે.
બાંગ્લાદેશના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે સત્તા ગુમાવ્યા બાદ કોઈ વ્યક્તિને દેશ છોડવો પડ્યો હોય.
સોમવારે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓના 'લૉન્ગ માર્ચ ટુ ઢાકા' એટલે કે ઢાકા અભિયાનના કારણે શેખ હસીના અને તેમનાં બહેન શેખ રેહાના દેશ છોડવા માટે મજબૂર થઈ ગયાં હતાં. આ અગાઉ રવિવાર રાત્રે અને સોમવાર સવારે બાંગ્લાદેશમાં સતત ઘટનાઓ ઘટી હતી.
હાર માનવા રાજી નહોતાં શેખ હસીના
રવિવારના રોજ સમગ્ર દેશમાં પ્રદર્શનકારીઓ અને અવામી લીગના નેતાઓ-કાર્યકર્તાઓ વચ્ચે હિંસક ઝડપ થઈ હતી, જેમાં 100 કરતા વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં. મૃત્યુ પામનારાઓમાં પોલીસ કર્મચારીઓ પણ સામેલ હતા. પ્રદર્શન કરી રહેલા લોકોએ ભારે વિરોધ કરતા અવામી લીગના નેતાઓ પાછળ ખસી ગયા હતા.
એ દિવસે સાંજના સમયે અવામી લીગના ઘણા વરિષ્ઠ નેતાઓ અને સલાહકારોએ શેખ હસીનાને જણાવ્યું હતું કે દેશમાં પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી છે પરંતુ શેખ હસીના હાર માનવા તૈયાર નહોતાં.
તેમને આશા હતી કે બળપ્રયોગ વડે પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાશે પરંતુ સુરક્ષા દળોના ઉચ્ચ અધિકારીઓએ વડાં પ્રધાનને કહ્યું કે મામલો હવે વધુ કાબૂમાં નહીં આવે.
આ સાંભળીને શેખ હસીના વડાં પ્રધાનપદ પરથી રાજીનામું આપવા માટે માનસિક રીતે તૈયાર થઈ ગયાં હતાં. શેખ હસીનાના પુત્ર સજીબ વાજિદએ બીબીસીને જણાવ્યું કે તેમનાં માતા રવિવારથી જ રાજીનામું આપવાનું વિચારી રહ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શેખ હસીનાની યોજના અંતિમ પળ સુધી શું હતી?
સેનાના એક ટોચના અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસી બાંગ્લાને જણાવ્યું હતું કે શેખ હસીનાએ પોતાના રાજીનામા પર ક્યારે સહી કરી અને ક્યારે હેલિકૉપ્ટરમાં સવાર થયાં, તેની જાણકારી માત્ર સ્પેશિયલ સિક્યૉરિટી ફૉર્સ, પ્રેસિડન્ટ ગાર્ડ રેજિમેન્ટ અને સેના મુખ્યાલયના ટોચના અધિકારીઓને જ હતી. આ સમગ્ર મામલે અતિશય ગોપનીયતા જાળવવામાં આવી હતી.
સેનાનાં સૂત્રોએ બીબીસીને જણાવ્યું કે હસીના સોમવાર સવારે 11 વાગ્યે 'ગણભવન'(શેખ હસીનાના અધિકૃત નિવાસસ્થાન)થી બહાર નીકળ્યાં હતાં. તેઓ ત્યાંથી સેનાના એક હેલિકૉપ્ટર મારફતે ત્રિપુરાની રાજધાની અગરતલા પહોંચ્યાં હતાં. ત્યાર બાદ એક વિશેષ વિમાનથી હસીના અને શેખ રેહાના દિલ્હી પહોચ્યાં હતાં.
ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીતમાં બીબીસી બાંગ્લાને જાણવા મળ્યું કે શેખ હસીના બંને વિકલ્પ ખુલ્લા રાખવામાં માગતાં હતાં. એક તરફ જ્યાં તેઓ દેશ છોડીને બહાર જવા માટે તૈયાર હતાં તો બીજી તરફ બળપ્રયોગ વધારીને અંતિમ ક્ષણો સુધી સત્તામાં ટકી રહેવા માગતાં હતાં. પરંતુ સેનાના શીર્ષ અધિકારી નહોતા ઇચ્છતા કે હિંસામાં માર્યા ગયેલા લોકો અને ઈજાગ્રસ્તોની સંખ્યા વધે.
રવિવારે દેશના વિભિન્ન ભાગોમાં સામાન્ય લોકો અને પ્રદર્શનકારીઓ સેનાના નીચેના અધિકારીઓ અને જવાનો સાથે મળી ગયા હતા. એવી પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ સેનાના ઉચ્ચ અધિકારીઓ સમજી ગયા હતા કે હવે પરિસ્થિતિ સત્તારૂઢ પાર્ટીના નિયંત્રણમાં નથી રહી.
ઇન્ટરનેટ કેમ બંધ કરવામાં આવ્યું?
સોમવારની સવારે ગણભવન જનારા તમામ રસ્તાઓ પર પોલીસ અને સેનાના જવાનોએ બહુ દૂર સુધી ઘેરાબંધી કરી રાખી હતી.
સેનાના ઉચ્ચ અધિકારીઓને મળતી જાણકારી અનુસાર, આવું એટલા માટે કરવામાં આવ્યું હતું કે શેખ હસીના સુરક્ષિત રીતે તેજગાંવ ઍરપોર્ટ સુધી પહોંચી શકે.
બીજી તરફ સવારે નવ વાગ્યે દોઢ કલાક માટે સમગ્ર દેશમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે ઇન્ટરનેટ એટલા માટે બંધ કરવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયામાં કોઈ સૂચનાનો પ્રસાર ન કરી શકાય.
શેખ હસીનાના હેલિકૉપ્ટરમાં સવાર થયા બાદ ઇન્ટરનેટ ફરી શરૂ કરી દેવામાં આવ્યું હતું.
સેના અને પોલીસ પ્રમુખો સાથે બેઠક
દૈનિક 'પ્રથમ આલો' અખબારે લખ્યું છે કે સોમવારે સવારે શેખ હસીનાએ ગણભવનમાં સેનાની ત્રણેય પાંખોના પ્રમુખો સિવાય પોલીસ પ્રમુખ સાથે પણ એક બેઠક યોજી હતી.
અખબાર લખે છે કે, "શેખ હસીનાએ પરિસ્થિતિ પર નિયંત્રણ કરવામાં સુરક્ષા દળોની નિષ્ફળતા પર નારાજગી વ્યક્ત કરી હતી. બેઠક દરમિયાન હસીનાએ આઈજી (પોલીસ) તરફ આંગળી ચીંધતાં કહ્યું હતું કે 'પોલીસ તો સારું કામ કરી રહી છે.' તેના પર આઈજી (પોલીસે) જણાવ્યું કે 'પરિસ્થિતિ એ હદે પહોંચી ગઈ છે કે પોલીસ માટે વધારે સમય માટે કડક વલણ અપનાવી રાખવો શક્ય નથી.'"
એ સમય સુધી પ્રદર્શનકારીઓની ભીડ રસ્તા પર એકઠી થવા લાગી હતી. સેનાના એક શીર્ષ અધિકારીએ બીબીસી બાંગ્લાને જણાવ્યું કે, "બેઠકમાં શેખ હસીનાને જાણ કરવામાં આવી કે લોકોને વધારે સમય માટે રોકવા શક્ય નથી અને લોકો ગણભવન તરફ આગળ વધી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં શેખ હસીનાનું જીવન ખતરામાં પડી શકે છે."
એ અધિકારી અનુસાર, શેખ હસીનાએ વિચાર્યું હતું કે જો બળપ્રયોગથી 'લૉન્ગ માર્ચ ટુ ઢાકા'ને રોકવામાં સફળતા મળી જાય તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું નહીં આપે. પરંતુ સાથે જ જો તેઓ આમાં નિષ્ફળ રહ્યાં તો તેમણે દેશ છોડી દેવાની તૈયાર પણ રાખી હતી.
ભારત સાથે પહેલાં થઈ ચૂકી હતી વાતચીત
અધિકારીઓએ જણાવ્યું કે શેખ હસીના દ્વારા દેશ છોડતાં પહેલાં ભારતનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ભારત તરફથી જણાવવામાં આવ્યું કે જો શેખ હસીના બાંગ્લાદેશના હેલિકૉપ્ટર મારફતે ભારતના અગરતાલા પહોંચે તો તેમને દિલ્હીથી વિશેષ વિમાન લેવા આવશે.
હસીનાને બાંગ્લાદેશ વાયુસેનાના એક વિમાન મારફતે દિલ્હીથી અડીને આવેલા હિંડન ઍરપૉર્ટ સુધી લઈ જવામાં આવ્યાં હતાં.
શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદ જૉય બીબીસીને જણાવ્યું કે તેમનાં માતા દેશ છોડવા નહોતાં માગતાં. પરંતુ પરિવારના સભ્ય તેમની સુરક્ષાને લઈને ચિંતિત હતા. તેને કારણે પરિવારના તમામ સભ્યો તેમના પર સુરક્ષિત જગ્યાએ લઈ જવા માટે દબાણ કરતા હતા. દૈનિક 'પ્રથમ આલો'એ લખ્યું છે કે સોમવારે સવારે પોલીસ અને સેના પ્રમુખોએ શેખ હસીનાને રાજીનામું આપવા માટે તૈયાર કરવા માટે તેમનાં બહેન શેખ રેહાના સાથે વાતચીત કરી.
અખબારે પોતાના રિપોર્ટમાં લખ્યું, "વરિષ્ઠ અધિકારીઓએ એક અલગ રૂમમાં શેખ રેહાના સાથે વાતચીત કરી. તેમને પરિસ્થિતિની જાણકારી આપીને શેખ હસીનાને પદ છોડવા માટે સમજાવવા અનુરોધ કર્યો હતો."
"ત્યારબાદ રેહાનાએ પોતાનાં બહેન હસીના સાથે વાતચીત કરી. પરંતુ હસીના સત્તા છોડવા તૈયાર નહોતાં. દરમિયાન વરિષ્ઠ અધિકારીએ અમેરિકામાં હસીનાના પુત્ર સજીબ સાથે ફોન પર વાત કરી. સજીબે તેમનાં માતા સાથે વાતચીત કરી. આખરે શેખ હસીના રાજીનામું આપવા તૈયાર થયાં હતાં.